ભારતના વિસ્તારોને જ 'મિની પાકિસ્તાન' ગણવાનું ચલણ કઈ રીતે વ્યાપક બનવા લાગ્યું?

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમે અને અમારાં માતા-પિતા અહીં જ જન્મ્યાં, અહીં જ કામ કરીએ છીએ અહીં જ દફન પણ થશું. પરંતુ મૃત્યુ પહેલાં માત્ર એટલું જ સાંભળવા માગીએ છીએ કે અમે ભારતમાં જ જીવ્યા અને ભારતમાં જ મૃત્યુ પામ્યા. મિની પાકિસ્તાનમાં નહીં."

58 વર્ષનાં સાહિબાબીબી જ્યારે આ વાત જણાવી રહ્યાં હતાં, ત્યારે તેમની પાછળ દોઢસો મિટરના અંતરે એક બુલડોઝર દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં એક 'બિનઆધિકારિક ઇમારત'ને તોડી પાડી રહ્યું હતું.

લગભગ અડધા કલાક બાદ એ જ વિસ્તારની એક કૉલોનીમાં સુદેશકુમાર સાથે પણ વાત થઈ, જેમને લાગે છે, "રસ્તાની બીજી તરફ તો મિની પાકિસ્તાન છે, જ્યાં હાલ બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરો આવીને વસી ચૂક્યા છે. મોડી રાત્રે ખાલી નીકળશો તો પણ મોબાઇલ ઝૂંટવી લેવાશે, તે નક્કી."

તમારા પૈકી કેટલાએ બાળપણથી માંડીને આજ સુધી, એક સ્વતંત્ર ભારતની અંદર 'મિની પાકિસ્તાન' કે 'બાંગ્લાદેશી કૉલોની' જેવી વાતો સાંભળી છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તમારા પૈકી કેટલાએ બાળપણથી માંડીને આજ સુધી, એક સ્વતંત્ર ભારતની અંદર 'મિની પાકિસ્તાન' કે 'બાંગ્લાદેશી કૉલોની' જેવી વાતો સાંભળી છે?

આ વિસ્તારે અમુક દિવસ પહેલાં જ સાંપ્રદાયિક હિંસા અને તાણનાં દૃશ્યો જોયાં છે અને તે બાદ 'કડક' કાનૂની કાર્યવાહી પણ.

ત્યાંથી પરત ફરતી વખતે મનમાં 'મિની પાકિસ્તાન' અને 'બાંગ્લાદેશી ઘૂસણખોરો', આ બે જ શબ્દો ગૂંજી રહ્યા હતા.

તમારા પૈકી કેટલાએ બાળપણથી માંડીને આજ સુધી, એક સ્વતંત્ર ભારતની અંદર 'મિની પાકિસ્તાન' કે 'બાંગ્લાદેશી કૉલોની' જેવી વાતો સાંભળી છે?

દિલ્હીથી માત્ર દોઢ કલાકના અંતરે વસેલ મેરઠ શહેરનું યોગદાન ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં લાજવાબ છે.

1857માં ભારતમાં શાસન કરી રહેલ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ પહેલી વાર બંદૂકો મેરઠમાં જ ઉઠાવવામાં આવી હતી.

ભારતની આઝાદીનાં 75 વર્ષ બાદ આ જ મેરઠના કેંચીબજાર પાસે કામ કરનારા રામલાલ અવારનવાર પોતાના સંબંધીઓને કંઈક આવું કહેતા સાંભળે છે, "તું યાર, રોજ મિની પાકિસ્તાન કેમ જાય છે. સમગ્ર મેરઠમાં બીજે ક્યાંય કામ નથી શું?"

સાહિબાબીબી

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, સાહિબાબીબી

"અમે તો કારીગર માણસ રહ્યા સાહેબ. કામ, મુસ્લિમોને ત્યાં જ મળતું રહ્યું છે. તેમના મહોલ્લામાં જઈને દરરોજ કમાણી કરી લઈએ છીએ. જેને લોકો મિની પાકિસ્તાન કહે છે, અમારા માટે લક્ષ્મી એ રસ્તે થઈને જ આવે છે", રામલાલે સ્મિત સાથે જણાવ્યું.

સઈદ નકવી કહે છે કે, "મારા અમુક સંબંધીઓ પાકિસ્તાન જઈને વસી ગયા હતા અને હંમેશાં એવું કહે છે કે તમે તો ભાઈ ઘણા ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં રહો છો, ત્યાં તો તમને સમાન દરજ્જો હાંસલ છે. પરંતુ હવે કદાચ એમને પણ મારી પરિસ્થિતિ ખટકવા લાગી છે."

line

"આપણા લોકો" અને "એમના લોકો"

ઇતિહાસમાં ડોકીયું કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે ભારતના ભાગલાનો અવાજ બ્રિટનના શાસનકાળમાં જ જન્મી અને ઝડપી પણ બનતી ગઈ

ઇમેજ સ્રોત, EPA/PRANABJYOTI DEKA

ઇમેજ કૅપ્શન, ઇતિહાસમાં ડોકીયું કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે ભારતના ભાગલાનો અવાજ બ્રિટનના શાસનકાળમાં જ જન્મી અને ઝડપી પણ બનતી ગઈ

ઇતિહાસમાં ડોકિયું કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે ભારતના ભાગલાનો અવાજ બ્રિટનના શાસનકાળમાં જ જન્મ્યો અને ઝડપથી અમલી પણ બન્યો.

મુસ્લિમ લીગની સ્થાપના ભારતના મુસ્લિમોનાં 'હિતોના રક્ષણ માટે' થઈ હોવાનું જણાવવામાં આવે છે, જ્યારે હિંદુ મહાસભાની સ્થાપના પણ એ જ દરમિયાન થઈ જ્યારે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગમાં થયેલ સમજૂતીથી તમામ પ્રાંતમાં મુસ્લિમોને 'વિશેષ અધિકાર અને રક્ષણ મળ્યાં'.

પરંતુ વિસ્તારોની 'બ્રાન્ડિંગ' આઝાદી પહેલાંના ભારતમાં જ શરૂ થઈ ચૂકી હતી.

રાજકીય વિશ્લેષક નાઝિમા પરવીન પોતાના પુસ્તક 'કન્ટેસ્ટેડ હોમલૅન્ડ્સ: પૉલિટિક્સ ઑફ સ્પેસ ઍન્ડ આઇડેન્ટિટી'માં વિસ્તારોના સાંપ્રદાયિક વિભાજનના ઇતિહાસના કારણને 'એક મૉડર્ન પરિસ્થિતિ ગણાવે છે.'

નાઝિમા પરવીન પ્રમાણે, "ભારત પર હકૂમત કરનારી બ્રિટિશ સરકારે ધર્મના આધાર પર મોહલ્લાને ઓળખ આપી. તેમણે ત્રણ પ્રકારના વિસ્તાર બનાવ્યા. હિંદુ વિસ્તાર, મુસ્લિમ વિસ્તાર અને મિક્સ્ડ ઝોન. હવે 1940માં જ્યારે વિભાજનની માગ વધતી ગઈ ત્યારે હિંદુ રાષ્ટ્ર કે પાકિસ્તાનની માગ આ આધાર પર જ વધુ ઘેરી બની."

કદાચ આ વાતનું સૌથી મોટું ઉદાહરણ પાટનગર દિલ્હીમાં જ જોવા મળે છે.

શહેરના કરોલબાગ, પહાડગંજ, સબજીમંડી અને આસપાસના વિસ્તારોમાં લઘુમતીમાં હોવા છતાં ભારે સંખ્યામાં મુસ્લિમો વસતા હતા, જેમને ભાગલા પડવાના કારણે એવા વિસ્તારોમાં જતું રહેવું પડ્યું, જ્યાં તેમના સંબંધીઓ વગેરે પહેલાંથી જ રહેતા હતા.

સુદેશકુમાર, જહાંગીરપુરી નિવાસી

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, સુદેશકુમાર, જહાંગીરપુરી નિવાસી

સ્વાભાવિક છે કે પાકિસ્તાનથી આવેલા શીખ અને હિંદુ શરણાર્થીઓને પણ વસાવવાની જવાબદારી કેન્દ્ર સરકારના શિરે જ હતી.

ખાસ વાત તો એ છે કે 'સ્પેશિયલ ઝોન'ના નામથી ઓળખાતા આ વિસ્તારોનું એ સમયે કોઈ 'કાયદેસરપણું' નહોતું કારણ કે તેમને 'સ્ટેટ ઑફ ઇમર્જન્સી' દરમિયાન રાષ્ટ્રીય સરકારના એક આદેશ દ્વારા વસાવવામાં આવી રહ્યા હતા.

નોંધનીય છે કે ભારતીય સ્વતંત્રતાસંગ્રામમાં કૉંગ્રેસના મોટા નેતા અને સ્વતંત્રતા બાદ નહેરુ કૅબિનેટમાં મંત્રી રહેનાર મૌલાના અબુલ કલામ આઝાદે વિભાજનનાં લગભગ 24 વર્ષ પહેલાં જ આવનારા દિવસો અને "બે અલગ દેશોમાં લઘુમતીઓની દશા" પર પોતાની ચિંતા જાહેર કરી હતી.

ઇન્ડિયન પૉલિટિકલ સાયન્સ જર્નલમાં છપાયેલા એક લેખ "મૌલાના અબુલ કલામ આઝાદ : અ ક્રિટિકલ ઍનાલિસિસ, લાઇફ ઍન્ડ વર્ક" પ્રમાણે 1923ના કૉંગ્રેસ પાર્ટી અધિવેશનમાં અધ્યક્ષપદે રહેલ મૌલાના આઝાદે કહ્યું હતું કે, "જો વાદળ વચ્ચેથી એક ફિરસ્તો ઊતરી આવે અને દિલ્હીના કુતુબમિનાર પર બેસીને કહે કે ભારતને સ્વરાજ મળી શકે છે, માત્ર હિંદુ-મુસ્લિમોએ એકતા ત્યાગવી પડશે તો હું સ્વરાજને ત્યાગીને હિંદુ-મુસ્લિમ એકતા પર પસંદગી ઉતારું."

સ્પષ્ટ છે કે દેશમાં ધર્મના આધારે વિભાજનના સ્વર ઝડપથી વધવા લાગ્યા છે.

ખ્યાતનામ ઇતિહાસકાર ઇરફાન હબીબ જણાવે છે, "ભાગલાના બાદ નવા રહેણાક વિસ્તારોને લઈને અવારનવાર "અમારા લોકો" અને "એમના લોકો" એવું સાંભળવા મળે છે. "આપણા લોકો" તેમના માટે શીખ કે હિંદુ પાકિસ્તાનમાંથી આવ્યા હતા અને "તેમના લોકો" પાકિસ્તાની મુસ્લિમો માટે".

તેમના પ્રમાણે, "એ વાત ખરી કે ઍન્ટિ-ઇન્ડિયા કે પ્રો-ઇન્ડિયા કે ઍન્ટિ-પાકિસ્તાન કે મિની-પાકિસ્તાન જેવા શબ્દ ખૂબ વધુ સામાન્ય બની રહ્યા છે. પરંતુ 1947ના વિભાજન પહેલાં પણ જ્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાનાં ભાષણ થતાં, વાદવિવાદ થતાં ત્યારે પણ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થતો. આ બાબતે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ પોતપોતાની વાતો કે મત લઈને ગાંધીજી પાસે પણ અવારનવાર જતા રહેતા."

line

ત્યારે અને અત્યારે

સમાજ વચ્ચે વધતું જતું અંતર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમાજમાં વધતું જતું અંતર

હવે પાછા ફરીએ વર્ષ 2013માં.

વિશ્વના મહાન બૅટરો પૈકી એક સચીન તેંડુલકર મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેતી વખતે વેસ્ટ ઇંડિઝ સામે પોતાની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મૅચ રમી રહ્યા હતા.

સમગ્ર દેશ એ અઠવાડિયે જાણે કે 'સચીનમય' થઈ ચૂક્યો હતો અને ઍક્સપર્ટ એવું બોલતા થાકી નહોતા રહ્યા કે લગભગ બે દાયકા સુધી સચીનના બૅટે દરેક ધર્મ અને જાતિના લોકોને એક કરી દીધા હતા.

ટેસ્ટ મૅચનો ત્રીજો દિવસ હતો અને મુંબઈના સ્થાનિક અખબારના સાતમા પાને એક નાના સમાચાર હતા. જેની હેડલાઇન હતી, "છોટા પાકિસ્તાન અને ઠાણેના બાંગ્લાદેશની તાપસ થશે."

મુંબઈ અને ઠાણે વચ્ચે એક વિસ્તાર છે, જે નાલાસોપારાના નામથી ઓળખાય છે. અહીં લગભગ 1000 જેટલાં ઝૂંપડાં છે, જેમાં મોટા ભાગે મુસ્લિમો રહે છે. હવે 2012-2013 વચ્ચે ઘણી વખત અહીંના નાગરિકોનાં વીજળી બિલોમાં સરનામાંની જગ્યાએ 'છોટા પાકિસ્તાન' એવું લખેલું આવતું.

તેના અમુક દિવસ બાદ મુંબઈના જ મીરા-ભાયંદર વિસ્તારમાં વસેલી ગાંધીનગર કૉલોનીમાં એક નવજાતના બર્થ સર્ટિફિકેટમાં લખેલા એક પત્રમાં 'બાંગ્લાદેશ ઝોંપડપટ્ટી' એવું લખેલું હતું.

મામલો ચગ્યો, મીડિયામાં સમાચારો આવ્યા અને સરકારે તરફ 'કઠોર કાર્યવાહી'નો વાયદો કર્યો.

પરંતુ આજે પણ બોલચાલમાં આ બંને વિસ્તારોને આ જ નામે ઓળખાવવામાં આવે છે.

જૌનપુર, ઉત્તર પ્રદેશના રહેવાસી મનીષ યાદવ લગભગ 15 વર્ષથી મુંબઈમાં ડ્રાઇવર છે.

તેમણે જણાવ્યું, "બાળપણમાં જૌનપુર કે સુલતાનપુરના કેટલાક વિસ્તારોને મુસ્લિમ વસતી કે મુસલમાની કૉલોનીના નામે ઓળખાવવામાં આવતા. મુંબઈ પહોંચ્યા તે બાદ એક માસ બાદ ડ્રાઇવિંગ અને રસ્તાને ઓળખવાની બિનઆધિકારિક ટ્રેનિંગમાં દરરોજ સાંભળવા મળતું કે આ લાદેનનગર છે, ત્યાં છોટા પાકિસ્તાનમાંથી પસાર થશો તો પાકીટ છીનવી લેવાશે. આજે પણ એવું જ સાંભળવા મળે છે."

પરંતુ ભારતમાં એક વિચાર એ પણ છે કે, "વિભાજનથી જે હાંસલ થવાનું હતું તે સંપૂર્ણપણે હાંસલ નથી થઈ શક્યું."

જાણીતા લેખક અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અને ઉપાધ્યક્ષ બલબીર પુંજનો મત છે કે, "પાકિસ્તાનની માગ ક્યાંથી આવી? આ ડિમાન્ડ પાકિસ્તાનના લાહોર કે પેશાવરમાંથી નથી આવી. તેની માગણીમાં 90 ટકા ભાગ તે સમયનાં ઉત્તર પ્રદેશ અને બિહારના મુસ્લિમોનો હતો અને તેઓ ભાગલા બાદ ત્યાં ગયા પણ નહીં. તેમની વિચારધારા પણ એવી જ છે, લોકો પણ એ જ છે. "

"માત્ર તેમણે બે કામ કર્યાં છે. પહેલું, ઘર બહાર મુસ્લિમ લીગનું બૅનર હઠાવીને કૉંગ્રેસનું બોર્ડ લગાવી લીધું અને બીજું 1930 અને 1940ના દાયકામાં જેમ તેઓ કૉંગ્રેસને ગાળો ભાંડતા, હવે તેઓ આવી જ રીતે ભાજપને ગાળો દે છે."

બલબીર પુંજનો ઇશારો વર્ષ 2014 અને તે બાદના રાજકીય-સામાજિક ભારતમાં ચાલી રહેલ એક વાદવિવાદ પર છે.

ચર્ચા એ વાતની છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર ભારે બહુમતી સાથે આવી, તે સમયથી લઘુમતી સમુદાય થોડો 'અસહજ' અનુભવ કરી રહ્યો છે.

line

લઘુમતીઓમાં બેચેની

વર્ષ 2014માં ચૂંટણી જીત્યા બાદ પહેલી વાર વડા પ્રધાનપદના શપથ ગ્રહણ કરતા મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2014માં ચૂંટણી જીત્યા બાદ પહેલી વાર વડા પ્રધાનપદના શપથ ગ્રહણ કરતા મોદી

ચર્ચા એ વાતની પણ છે કે ભાજપ સરકાર જે સમયથી ફરી વાર સત્તા પર આવી તે સમયથી ગૌરક્ષા અને ગૌહત્યાના મામલે ઘણા મુસ્લિમ નિશાન બનતા રહ્યા છે.

જ્યારથી ભાજપ સરકારનું આગમન થયું, તેણે એનઆરસી અને સીએએ જેવા કાયદા લાવ્યા, જેનાથી 'રાષ્ટ્રવાદ'ની એક નવી ભાવના જન્મ લેવાની કોશિશ કરી રહી છે અને તેનો આધાર 'પાડોશી પાકિસ્તાન અને પાડોશી બાંગ્લાદેશમાંથી આવેલા ઘૂસણખોરોને ભગાડવા' પર છે.

ચર્ચા એ પણ છે કે જ્યારે જ્યારે સાંપ્રદાયિક હુલ્લડની ઘટના ઘટે ત્યારે 'મુસ્લિમોને પાકિસ્તાન મોકલો' કે 'રોહિંગ્યા શરણાર્થીઓને બર્મા બૉર્ડર બહાર ખદેડો'ના સ્વર ઊઠવા લાગે છે.

આ ગંભીર પરિસ્થિતિમાં દેશમાં રહેતા 25 કરોડ કરતાં વધુ લઘુમતી સમુદાયના લોકોની બેચેની પણ વધતી નજરે પડે છે.

પ્રોફેસર અર્ચના ગોસ્વામી કાશી વિદ્યાપીઠ, વારાણસીમાં ઇતિહાસના પ્રોફેસર છે અને તેમને લાગે છે કે, "એનઆરસી કે મિની-પાકિસ્તાન અને ઘૂસણખોરોને ખદેડવાની વાતોનો સવાલ છે ત્યાં સુધી પ્રથમ વસ્તુ માનવતા હોય છે, હિંદુ-મુસ્લિમ તે બાદ આવે છે."

તેમણે કહ્યું, "દેશનું વિભાજન થયું અને કેમ થયું, એ વાતને ઘણાં વરસો વીતી ચૂક્યાં છે. પરંતુ વિભાજનનું રાજકારણ આજે પણ ચાલી રહ્યું છે, જેની પાછળ અમારા નેતા છે અને તેમને વોટ આપનારી જનતા છે. પરંતુ એવું કહેવામાં આવે કે સાધારણ માણસ પણ આ બાબત અંગે મત ધરાવતા થઈ ગયા છે તો તે અતિશયોક્તિ કહેવાશે કારણ કે સાધારણ માણસ તો કમાવા-ખાવાની લાયમાં છે. હવે આવી પરિસ્થિતિમાં મિની પાકિસ્તાન અને મંદિર-મસ્જિદ કર્યા કરતાં સામાજિક અને આર્થિક પડકારો પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે."

ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇલ ફોટો

પરંતુ હકીકત એ પણ છે કે ભારતમાં અનેક પેઢીઓ 'મિની પાકિસ્તાન' કે 'બાંગ્લાદેશી કૉલોની' જેવા આઇડિયા જોતાં-સાંભળતાં અને તેમની વચ્ચે જીવન પસાર કરતાં મોટી થઈ છે. તેમનાં મનમાં પ્રશ્નો અગાઉ પણ હતા અને આજે પણ છે.

મહારાષ્ટ્રનાં મોટાં શહેરોમાં ઔરંગાબાદ પણ સામેલ છે. સરકારી આંકડા પ્રમાણે અહીં લઘુમતી વસતિ 31 ટકા છે.

બીબીસીના સહયોગી અને વરિષ્ઠ પત્રકાર આશીષ દીક્ષિત પણ ઔરંગાબાદમાં મોટા થયા છે અને ત્યાં હિંદુ-મુસ્લિમ હુલ્લડો અને મરાઠા વિરુદ્ધ દલિતો વચ્ચે થયેલાં હુલ્લડોના સાક્ષી રહ્યા છે. પરંતુ પોતાના શહેર સાથે જોડાયેલી તેમની યાદો 'અહીં' અને 'ત્યાં'વાળી જ છે.

આશીષ યાદ કરે છે કે, "શહેરમાં મોટા ભાગના વિસ્તારો ધર્મ અને કામના આધારે ચિહ્નિત હોવાના કારણે જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે ક્યારેય મુસ્લિમોના વિસ્તારોમાં જવાની જરૂર જ ન પડી. સ્કૂલ, ટ્યુશન, બજાર, થિયેટર જેવી તમામ વસ્તુઓ પોતપોતાના વિસ્તારોમાં હતી. "

"કૉલેજમાં આવ્યા બાદ જ્યારે એક મુસ્લિમ આબાદીવાળા વિસ્તારોમાં પહોંચ્યો તો લાગ્યું કે કોઈ અજાણ સ્થળે આવી પહોંચ્યો છું. ત્યાં લીલા ધ્વજ લાગેલા હતા અને મરાઠી ભાષા નહીં પરંતુ ઉર્દૂમાં બોર્ડ લાગેલાં હતાં. એવો પ્રચાર કરાતો કે આ પાકિસ્તાનના ધ્વજ છે, જે સત્ય નહોતું. ઘણું ખરાબ લાગી રહ્યું હતું કે આ પ્રકારના વિચાર જન્મે છે જ કેમ?"

મુસ્લિમ વિસ્તારોમાં લાગેલા ધ્વજને ઘણા લોકો પાકિસ્તાનના ધ્વજ સમજી બેસે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુસ્લિમ વિસ્તારોમાં લાગેલા ધ્વજને ઘણા લોકો પાકિસ્તાનના ધ્વજ સમજી બેસે છે

સામાન્યપણે એવું જોવા મળે છે કે હવે સમાજનું એક પરિમાણ બીજાને જુએ છે. તેનાથી જોડાવાને કારણે બધું સરળ અને સારું થાય છે. આજે આશીષ દીક્ષિતને પણ એ વાતની ખુશી છે કે તેઓ ભલે ડરના કારણે પરંતુ ઔરંગાબાદના એ 'મિની પાકિસ્તાન'માં પહોંચ્યા તો ખરા!

તેમણે આગળ જણાવ્યું, "તે પછી ત્યાંના મુસ્લિમ મારા મિત્રો બનતા ગયા. હોળી-દિવાળી અન ઈદ અમે એકબીજાનાં ઘરમાં ઊજવવા લાગ્યા."

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર આશુતોષ વાર્ષ્ણેય પોતાના પુસ્તક 'ઍથનિક કૉન્ફ્લિક્ટ ઍન્ડ સિવિક લાઇફ : હિંદુઝ ઍન્ડ મુસ્લિમ્સ ઇન ઇન્ડિયા'માં એ વાત પર ભાર મૂકે છે કે સમાજમાં સાંપ્રદાયિક અંતર ઘટાડવાના રસ્તા નાગરિક ભાગીદારીથી જ સંભવ છે.

તેમના અનુસાર, "કારોબારી સંસ્થાઓ, ટ્રેડ યુનિયનો, રાજકીય દળો અને પ્રૉફેશનલ સંસ્થાઓ જાતીય હિંસાને રોકી શકે છે, જો નાગરિકોમાં ભાગીદારી વધારવાના પ્રયાસ કરવામાં આવે. આવું કરવાથી એ રાજનેતાઓને પણ રોકી શકાશે જેઓ હિંદુઓ અને મુસ્લિમોના નામે ધ્રુવીકરણ કરે છે."

ગુજરાતનું જ ઉદાહરણ લઈ લો. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ રાજ્યમાં ઘણાં સાંપ્રદાયિક હુલ્લડો થઈ ચૂક્યાં છે.

આજની હકીકત એ પણ છે કે આર્થિક પાટનગર કહેવાતા અમદાવાદમાં મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે, જૂહાપુરા, જેને ઘણા લોકો 'મિની પાકિસ્તાનના નામથી પણ ઓળખે છે. એ પણ સત્ય છે કે સ્થાનિક લોકો આ વિસ્તાર અને પાસેના હિંદુ બહુમતીવાળા વેજલપુર વચ્ચેની સડકને 'વાઘા બૉર્ડર'ના નામથી પણ બોલાવે છે.

line

સરનામામાં લખ્યું પાકિસ્તાન

2015માં અહીં પરસ્પરના એક ઘર્ષણમાં લઘુમતી સમુદાયના બે યુવક પણ સામેલ હતા અને તેમના વિરુદ્ધ દાખલ થયેલ એફઆઈઆરમાં તેમનું સરનામું 'પાકિસ્તાન' હતું

ઇમેજ સ્રોત, જૂહાપુરાના મસ્જિદની ફાઇલ તસવીર

ઇમેજ કૅપ્શન, 2015માં અહીં પરસ્પરના એક ઘર્ષણમાં લઘુમતી સમુદાયના બે યુવક પણ સામેલ હતા અને તેમના વિરુદ્ધ દાખલ થયેલ એફઆઈઆરમાં તેમનું સરનામું 'પાકિસ્તાન' હતું

2015માં અહીં પરસ્પરના એક ઘર્ષણમાં લઘુમતી સમુદાયના બે યુવક પણ સામેલ હતા અને તેમના વિરુદ્ધ દાખલ થયેલ એફઆઈઆરમાં તેમનું સરનામું 'પાકિસ્તાન' હતું.

તત્કાલીન ગૃહ સચિવ જી. એસ. મલિકે આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "ક્યારેક ફરિયાદ દાખલ કરાવતી વખતે ફરિયાદી કે તે દાખલ કરનારથી ભૂલ થઈ જાય છે. અમે આ ભૂલ તરત સુધારી દીધી છે."

ગુજરાતસ્થિત સમાજશાસ્ત્રી પ્રોફેસર ગૌરાંગ જાનીએ આ ઘટના યાદ કરાવવા પર બિલકુલ આશ્ચર્ય વ્યક્ત ન કર્યું.

તેમણે કહ્યું, "સત્ય એ છે કે બંને સમુદાયો એકબીજા પર આશ્રિત છે. બિઝનેસ હોય કે ખેતી બંને એકબીજા પર નિર્ભર તો રહ્યા પરંતુ એ વાત પર ધ્યાન ન આપ્યું અને તેના પર ધ્યાન અપાવવામાં પણ ન આવ્યું. "

"આ સિવાય ફંક્શનલ યુનિટીને પણ પ્રોત્સાહિત ન કરાઈ. આ સિસ્ટિમની જ નાકામી છે, સાથે જ એ રાજકીય દળોની પણ છે જેઓ બંધારણને સમજી જ નથી શક્યાં. આજે કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને સાંપ્રદાયિક સદ્ભાવવાળા ઇતિહાસની ખબર નથી."

"હું ખુદ ગુજરાતના સ્કૂલમાં ભણ્યો પરંતુ ક્યારેય સ્કૂલમાં ઈદ મનાવાતી હોવાનું નથી જોયું. ઘરોનાં ડાઇનિંગ ટેબલ પર જેવી રીતે લોકો 'મિની પાકિસ્તાન' પર વાત કરતા હતા, આજના સમાજમાં આ વાતોને ગંભીરતાપૂર્વક લેવામાં આવી રહી છે."

"ધ્યાન આપવાની જરૂરિયાત છે કે આ સમુદાયો પર કેવી વીતે છે તેમના પર એવા આરોપો લાગતા રહ્યા છે કે તેઓ "ભારતના ન થઈ શક્યા", "તેઓ બાંગ્લાદેશથી મફત ઘર અને પોતાની ગરીબી દૂર કરવા આવ્યા", "આઇએસઆઇના ગઢ બનાવી શકે છે", વગેરે-વગેરે.

સમુદાયો વચ્ચે વધતા જતા વેરભાવ માટે શું છે કારણભૂત?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમુદાયો વચ્ચે વધતા જતા વેરભાવ માટે શું છે કારણભૂત?

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક વિસ્તાર છે, સંજરપુર. અમુક વર્ષ પહેલાં અહીં ઘણી વખત આવા-જવાનું થતું કારણ કે આ વિસ્તારના ઘણા યુવકો પર નેશનલ સિક્યૉરિટી ઍક્ટ અને પોટા જેવા ગંભીર કાયદા હેઠળ કેસ ચાલી રહ્યા છે.

મામલા સંજરપુરના અમુક પરિવારો સાથે જોડાયેલા હતા પરંતુ વિસ્તારમાં દરેક બીજા ઘરમાં લગ્ન માટે નાતરાં આવવાનાં બંધ થઈ ગયાં, યુવાનોએ શહેરના અન્ય સ્થળે ભાડે મકાન શોધવાં પડી રહ્યાં હતાં.

ગામના ભૂતપૂર્વ પ્રધાન ઇમરાન કાઝમીએ કહ્યું હતું કે, "અમે સંજરપુરવાળામાંથી આઇએસઆઇવાળા, પાકિસ્તાનવાળા ક્યારે થઈ ગયા, તે વાતની ખબર જ ન પડી."

જવાબ ઇતિહાસકાર-પ્રોફેસર ઇરફાન હબીબે આપ્યો.

તેમણે કહ્યું, "સમુદાયો પર આ પ્રકારની જુમલાબાજી કે એક કઠેડામાં ઊભા કરાયાની વાતનો ટ્રૉમા હોય છે. તેમના માટે નોકરીઓ ઓછી થઈ જાય છે. નોકરીદાતા મુસ્લિમોને નોકરી આપતાં ખચકાય છે. તેઓ વિચારે છે કે મુસ્લિમોને નોકરી આપીશું તો મુસીબતમાં ફસાઈ જઈશું."

"ભારતીય બંધારણમાં લખાયું છે કે દેશની રાજકીય સિસ્ટમને ચલાવવામાં ધર્મની કોઈ જગ્યા નથી. ન માત્ર લઘુમતી પરંતુ બહુમતી આબાદીને પણ આ લૉંગ-ટર્મમાં નુકસાન પહોંચાડે તેવી વાત છે કારણ કે દરેક વસ્તુમાં ધર્મ શું કહે છે, એ સાંભળવા લાગશું તો દિમાગ શું કહે છે એ કોણ સાંભળશે?"

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો