શિવસેના મહારાષ્ટ્રની સરકારમાં બેસીને ગુજરાતને સતત ટાર્ગેટ કેમ કરી રહી છે?

    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે તેમના સ્વર્ગીય પિતા અને શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેએ ગોધરાકાંડ બાદ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ખુરશી બચાવવા મદદ કરી હતી.

નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે

ડૅક્કન હેરાલ્ડના અહેવાલ અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન મરાઠી દૈનિક લોકસત્તાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી પદેથી હટાવવાની માગ ઊઠી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વાજપેયી એક સભામાં સંબોધન માટે મહારાષ્ટ્ર આવ્યા હતા. ત્યારે તેમણે બાલાસાહેબ સાથે નરેન્દ્ર મોદીને હટાવવા માટે ઊઠેલી માગને લઈને ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું, "બાલાસાહેબે તે સમયે કહ્યું હતું કે મોદીને કોઈએ અડવું નહીં. જો તેમ થશે તો ભાજપ ગુજરાત હારી જશે અને તેનાંથી હિંદુત્વને ફટકો પડશે."

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હોય કે શિવસેનાના મંત્રીઓ, તેઓ સતત વિવિધ મુદ્દાને લઈને ભાજપની સાથેસાથે ગુજરાતને ટાર્ગેટ કરતા રહ્યા છે.

line

'ભાજપ ગુજરાતીઓની પાર્ટી છે એવી છાપ ઊભી કરવામાં આવી રહી છે'

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, KUNAL PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના રાજકારણમાં વર્ષોથી બે પાર્ટીઓ વચ્ચે ઘમસાણ સર્જાય છે. એક છે શિવસેના અને બીજી છે ભારતીય જનતા પાર્ટી.

શિવસેના તેમજ એનસીપી દ્વારા વારંવાર ગુજરાતને ટાંકીને કરાતાં નિવેદનો વિષે બીબીસી મરાઠી સેવાના સંપાદક આશિષ દીક્ષિત જણાવે છે કે આવાં નિવેદનો દ્વારા શિવસેના મહારાષ્ટ્રમાં એવી છાપ ઊભી કરવા માગે છે કે ભાજપ એ ગુજરાતીઓની પાર્ટી છે. જ્યારે શિવસેના એ મરાઠીઓની પાર્ટી છે.

તેઓ કહે છે, "ઇતિહાસ જોવામાં આવે તો મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ હતા. બંને છૂટા પડ્યા ત્યારે પણ મુંબઈ મહારાષ્ટ્રમાં રહેશે કે ગુજરાતમાં જશે, તેને લઈને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન થયું હતું. બાદમાં મુંબઈ મહારાષ્ટ્રના ફાળે ગયું હતું."

તેઓ આગળ કહે છે, "તે સમયથી એવી છાપ ઊભી કરવામાં આવી હતી કે જે મહારાષ્ટ્રના હકનું છે, ગુજરાત તેને હડપવાનો પ્રયાસ કરી રહ્યું છે અને હાલમાં પણ તે ચાલી રહ્યું છે."

"ગુજરાતમાં ભાજપ વર્ષોથી શાસનમાં છે અને કેન્દ્રની ભાજપ સરકારમાં ટોચના બે નેતા પણ ગુજરાતથી જ છે. જેથી શિવસેના મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈના મતદારોના મગજમાં એ સ્થાપિત કરવા માગે છે કે ભાજપ એ ગુજરાતીઓની પાર્ટી છે."

ગાંધીનગરસ્થિત 'ગિફ્ટ સિટી'ને ટાંકીને દીક્ષિત જણાવે છે કે આ પ્રોજેક્ટ પહેલાં મહારાષ્ટ્રને મળવાનો હતો પણ તે ગુજરાતને મળતાં શિવસેનાએ એવી રીતે પ્રચાર કર્યો કે મહારાષ્ટ્રના હકનો આ પ્રોજેક્ટ કેન્દ્રની ભાજપ સરકારે તેને 'પોતાના રાજ્ય' ગુજરાતને આપ્યો.

શિવસેના દ્વારા ગુજરાતને ટાંકીને કરાતાં નિવેદનોને તેઓ બીએમસીની ચૂંટણીને અનુલક્ષીને કરાતાં હોવાનું પણ જણાવે છે.

તેઓ કહે છે, "ગઈ વખતે બીએમસીની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે માત્ર બે સીટોનો તફાવત હતો. જે શિવસેના માટે ઘણી ઘાતકી બાબત કહી શકાય તેમ છે."

આ વખતે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી પાછી ઠેલવાઈ છે. આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાનારી હોવાથી શિવસેના મતદારોને સતત એ વાત યાદ કરાવવા માગી રહી છે કે જો મહારાષ્ટ્ર (ખાસ કરીને મુંબઈ) ગુજરાતીઓની પાર્ટીના હાથમાં જશે તો તેમની સાથે અન્યાય વધશે. જેના કારણે તેઓ અવારનવાર ગુજરાતને ટાંકીને નિવેદનો આપતા રહે છે."

line

ગુજરાતને ટાંકીને કરાયેલાં કેટલાંક નિવેદનો

શિવસેના સાંસદ સંજય રાઉત
ઇમેજ કૅપ્શન, શિવસેના સાંસદ સંજય રાઉત

તાજેતરમાં શિવસેનાના મુખપત્ર 'સામના'માં શિવસેના સાંસદ સંજય રાઉતે લખ્યું હતું કે ભારતના બિઝનેસ કૅપિટલની પાંખો કાપવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે વડા પ્રધાન મોદી વિદેશી મહેમાનોને માત્ર ગુજરાત કેમ લઈ જાય છે? દેશમાં અન્ય ઘણાં શહેરો છે. જ્યાંનો વિકાસ પણ લોકોને દર્શાવવાલાયક છે.

લાઉડસ્પીકરને લઈને સર્જાયેલા વિવાદ અંગે સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપ લાઉડસ્પીકરને લઈને પહેલાં નીતિ બનાવે અને ગુજરાત અને દિલ્હીમાં લાગુ કરે.

'ધ કશ્મીર ફાઇલ્સ' ફિલ્મને લઈને સાંસદ સંજય રાઉતે ભાજપ દ્વારા ગુજરાત અને રાજસ્થાનની ચૂંટણીને લઈને આ ફિલ્મ પ્રમોટ કરવામાં આવી રહી હોવાનું નિવેદન આપ્યું હતું.

ગુજરાતમાં થયેલા એબીજી શિપયાર્ડ કૌભાંડને લઈને સંજય રાઉતે કહ્યું હતું કે આ કૌભાંડ નહેરુના સમયે નહીં પણ આપણી આંખો સામે થયું હતું. એબીજી શિપયાર્ડના ઋષિ અગ્રવાલ અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. મોદી તેમને તે જ વર્ષે બિઝનેસ ડેલિગેશનમાં દક્ષિણ કોરિયા લઈ ગયા હતા.

એન્ફોર્સમેન્ટ ડાયરૅક્ટોરેટ દ્વારા ઉદ્ધવ ઠાકરેના સાળાને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. બાદમાં સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે એજન્સી જે રાજ્યોમાં ભાજપનું શાસન નથી ત્યાં ખૂબ વધારે કામગીરી કરે છે. લાગી રહ્યું છે કે ઈડીએ ગુજરાત જેવાં રાજ્યોમાં પોતાની ઑફિસ બંધ કરી દીધી છે.

ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની નિમણૂક બાદ સંજય રાઉતે 'સામના'માં લખ્યું હતું કે વિજય રૂપાણીની કામગીરીનો વિરોધ થવાના ભયથી ચૂંટણી હારી જવાની શક્યતા હોવાથી ભાજપે ગુજરાતમાં મુખ્ય મંત્રી બદલ્યા છે.

તેમણે લખ્યું હતું કે ખુદ ભૂપેન્દ્ર પટેલને જાણ ન હતી કે તેઓ મુખ્ય મંત્રી બનવાના છે. તેઓ છેલ્લાં ચાર વર્ષમાં એક પણ વખત મંત્રી સુધ્ધાં બન્યા ન હતા અને સીધા મુખ્ય મંત્રી બની ગયા.

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ કંગના રણૌત અને સંજય રાઉત વિરુદ્ધ ટ્વિટર પર વાકયુદ્ધ છેડાયું હતું. કંગનાએ મુંબઈને 'મિની પાકિસ્તાન' કહેતાં સંજય રાઉતે કહ્યું હતું કે 'શું તેઓ અમદાવાદને મિની પાકિસ્તાન કહેશે?' તેમના આ નિવેદન બાદ ગુજરાતમાં ભાજપે તેનો વિરોધ કર્યો હતો.

line

'દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાત સાથે સરખામણી કરતા હતા'

દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેવેન્દ્ર ફડણવીસ

વર્ષોથી મહારાષ્ટ્રના રાજકારણનું રિપોર્ટિંગ કરતાં સંતોષ પ્રધાનનું માનવું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની હંમેશાંથી સરખામણી થતી આવે છે અને થાય પણ કેમ નહીં, કારણ કે બન્ને રાજ્યો એકસાથે જુદા પડ્યા હતા.

તેઓ કહે છે, "ગુજરાતને ટાંકીને આ નિવેદનો એટલા માટે આવે છે કે ગુજરાત એ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું રાજ્ય છે."

આ સિવાય તેઓ કહે છે કે માત્ર શિવસેના અને એનસીપી જ નહીં પરંતુ ભાજપ પણ ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણી કરતું હતું.

તેઓ વધુમાં જણાવે છે, "જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા ત્યારે મહારાષ્ટ્ર એફડીઆઈમાં દેશભરમાં પહેલા ક્રમાંકે હતું. ત્યારે પણ તેમણે નિવેદન આપ્યું હતું કે એફડીઆઈમાં મહારાષ્ટ્ર ગુજરાતથી આગળ છે."

મહારાષ્ટ્રના જાણીતા પત્રકાર અને શિવસેના પર પુસ્તક 'જય મહારાષ્ટ્ર' લખનારા પ્રકાશ અકોલકર આ નિવેદનો પાછળનું કારણ આપતાં જણાવે છે કે, મહારાષ્ટ્ર સાથે હંમેશાં અન્યાય થતો આવ્યો છે.

તેઓ કહે છે, "મોદીસાહેબે જે રીતે મુંબઈને સાઇડલાઇન કરીને ગુજરાતને પ્રોત્સાહન આપ્યું છે. તેથી મહારાષ્ટ્રની પ્રજામાં રોષ છે અને જો શિવસેના તેનો વિરોધ ન કરે તો તેમની વોટબૅન્ક પર પણ અસર પડી શકે છે."

તેઓ આગળ જણાવે છે, "જેના કારણે તેઓ વિરોધ કરવા ગુજરાતને ટાંકીને નિવેદનો આપે છે. મારા મત પ્રમાણે આ વિરોધ યોગ્ય પણ છે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો