પાટણમાં 'પ્રભુતા' હતી, તો વિદેશી આક્રમણકારીઓના હાથે પતન કેવી રીતે થયું?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'વિક્રમ સંવત 802માં (ઈ.સ. 746) ગુર્જર કે ગુજરાતની ધરા ઉપર માઘ માસની સાતમી તિથિએ, શનિવારના દિવસે મધ્યાહ્ન પછી બપોરે ત્રણ વાગ્યે વનરાજના શાસનની ઘોષણા થઈ. તેમણે જૈન સંપ્રદાયના જ્યોતિષીઓને બોલાવ્યા અને શહેરનું ભવિષ્ય પૂછ્યું. જ્યોતિષીઓએ આગાહી કરી કે ઈ.સ. 1297માં શહેર તારાજ થઈ જશે. આ શહેરનું મૂળ નામ અણહિલપુર હતું.'

નવમુદ્રિત રૂ. 100ની નોટ પર પાટણસ્થિત રાણીની વાવને સ્થાન મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવમુદ્રિત રૂ. 100ની નોટ પર પાટણસ્થિત રાણીની વાવને સ્થાન મળ્યું

વંશાવળીની વહી વાંચનાર બારોટ-ભાટની કવિતાને ટાંકતાં ભારતમાં મિશનરી પ્રવૃત્તિ માટે આવેલા આયર્લૅન્ડના પાદરી ડૉ. જૅમ્સ ગ્લાસગૉ આ વાત લખે છે. આ અણહિલપુર એટલે આધુનિક સમયનું પાટણ કે કડી-પાટણ એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

ત્યારે શું જ્યોતિષીઓની આગાહી પ્રમાણે, અણહિલપુર નાશ પામ્યું? જો એ શહેર નાશ પામ્યું તો આજના સમયનું પાટણ શું છે? એ સમયના કોઈ સ્મૃતિશેષ અવશેષ રહ્યા છે?

line

ઇતિહાસની આરસીમાં પાટણ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અનુ-મૈત્રક યુગ દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ચાવડા શાસન કરતા હતા. ગુર્જરપ્રતિહારોનું શાસન આજના સમયના ઉત્તર ગુજરાત અને આબુ સુધી ફેલાયેલું હતું.

સત્તાવાર ઇતિહાસ પ્રમાણે, ચાવડા વંશના શાસક વનરાજે વિક્રમ સંવત 708ની સુદ બીજના દિવસે રાજધાની માટે નવીન નગર વસાવ્યું હતું. નવા નગરનું નામ અણહિલ્લ નામના ભરવાડ પરથી પાડવામાં આવ્યું હતું.

કહેવાય છે કે અણહિલપુર શહેર સરસ્વતી નદીના કિનારે વસાવવામાં આવ્યું હતું, એ સમયે પણ બારમાસી નદી ન હતી અને તે કચ્છના નાના રણમાં મળી જતી હતી. આ નદીને 'કુંવારી નદી' કહેવામાં આવતી, કારણ કે અન્ય નદીઓની જેમ તે મહેરામણમાં મળતી ન હતી. કાળક્રમે આ નદી લુપ્ત થઈ ગઈ.

ચાવડા શાસન દરમિયાન પાટણ વેપાર અને કૃષિઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર હતું. હાથી દાંતના અલંકારો અને ચીજવસ્તુઓ અહીં બનતી. હાથવણાટથી બનતું 'પટોળું' હાથવણાટના કાપડમાં આજે પણ વૈભવી સ્થાન ભોગવે છે.

ઇતિહાસ તથા સાહિત્યનાં પાનાંમાં પાટણ કે અણહિલપુરનો ઉલ્લેખ 'અનાહલપટ્ટકા','અણહિલ પાટણ', 'અણહિલવાડા' કે 'અણહિલવારા' તરીકે પણ જોવા મળે છે. મુસ્લિમ ઇતિહાસકારોમાં તેનો ઉલ્લેખ 'નહલવારા' તરીકે પણ જોવા મળે છે.

પાટણના ચાવડા વંશનું શાસન હઠાવીને મૂળરાજ સોલંકીએ 942 આસપાસ પોતાની સત્તા સ્થાપી. (ગૅઝેટર ઑફ બૉમ્બે પ્રેસિડન્ટ, વૉલ્યુમ 5, પેજ નં. 131) સોલંકી શાસકો 'ચાલુક્ય' કે 'ચૌલુક્ય' તરીકે પણ ઓળખાય છે. જેને 'ગુજરાતના સુવર્ણયુગ' તરીકે ઓળખવામાં આવે છે. ભીમદેવ પ્રથમ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ દ્વિતીયે પાટણથી જ ગુજરાતનું શાસન ચલાવ્યું.

પાટણના વૈભવકાળ દરમિયાન ગુજરાત તથા સોમનાથની જાહોજલાલીને જોઈને વિદેશી આક્રમણકારીઓ મૂર્તિભંજક હતા. જેમણે ભારત ઉપર અવારનવાર ચઢાઈઓ કરી અને રજવાડાં તથા મંદિરોમાં લૂંટ ચલાવી, શાસન સ્થાપવાનો તેમનો કોઈ ઇરાદો ન હતો. પરંતુ એક 'ગુલામ'ના કારણે આ ઇતિહાસ હંમેશાંને માટે બદલાઈ જવાનો હતો.

line

પાટણનાં નાયિકા : નાયકી દેવી

1178માં કાયદરાના જંગ સમયે મહારાણી નાયકી દેવીનું મોહમ્મદ ઘોરીની સેના સામેનું કલ્પનાચિત્ર
ઇમેજ કૅપ્શન, 1178માં કાયદરાના જંગ સમયે મહારાણી નાયકી દેવીનું મોહમ્મદ ઘોરીની સેના સામેનું કલ્પનાચિત્ર

મહમદ ઘોરીનો જન્મ 1149માં ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવા ખોરાસાનના ઘોર પ્રદેશમાં થયો હતો. ખોરસાનની સરહદો વર્તમાન સમયના ઈરાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનને અડતી હતી. તેણે પોતાના પૂર્વજોની પાસે હિંદુસ્તાનની ભવ્યતા અને વૈભવની વાતો સાંભળી હતી.

પૂર્વજોની જેમ જ મહત્ત્વાકાંક્ષી એવા ઘોરીએ 1173માં ભારતનું અભિયાન હાથ ધર્યું. 1175- '76 દરમિયાન તેણે હાલ પંજાબ (હાલ પાકિસ્તાનમાં) ઊંચ અને મુલતાન પર ફતેહ મેળવી. એ પછી તેઓ વતન પરત ફર્યા.

1175માં પાટણના રાજા અજયપાલનું અવસાન થયું. તેમના અઢી વર્ષના પુત્ર મૂળરાજ દ્વિતીયને ગાદી સોંપવામાં આવી. સત્તાની ધુરા નાયકી દેવીના હાથમાં હતી.

જ્યારે ઘોરીને જાણ થઈ કે અણહિલવાડમાં સોલંકીવંશનું શાસન એક વિધવા રાણી કરી રહ્યાં છે. આથી, તેઓ 1978માં થારનું રણ પાર કરીને આબુ પહોંચ્યા. તેમણે આ આક્રમણ માટે પૃથ્વીરાજ ચૌહાણની મદદ માગી, પરંતુ તેમણે ઇન્કાર કરી દીધો.

કાયદરા (હાલ રાજસ્થાનના આબુમાં) ઘોરી અને પાટણની સેના વચ્ચે યુદ્ધ છેડાયું. પાટણની સેનાનું નેતૃત્વ ખુદ નાયકી દેવી કરી રહ્યાં હતાં. ઇતિહાસકારોના મતે નાયકી દેવીના હાથીઓની ટુકડીએ યુદ્ધની બાજી બદલી નાખી અને આક્રમણકારીઓની ઘોડેશ્વાર સેનાને અસ્તવ્યસ્ત કરી નાખી.

અન્ય એક મત મુજબ, ઘોરીની સેનાને ડુંગરાળ પ્રદેશમાં લડવાનો અનુભવ ન હતો, વળી તેઓ લાંબાં સૈન્યઅભિયાનોથી થાકી ગયા હતા અને વતન પરત ફરવા માગતા હતા, જેના કારણે ઘોરીની સેનાનો પરાજય થયો. આ પરાજય એટલો કારમો હતો કે લગભગ બે દાયકા સુધી તેણે અહિલવાડના માર્ગે નહીં વધવાનો નિર્ણય કર્યો.

line

માલિક અને 'ગુલામ'

અલ્લાઉદ્દીન ખિલજી તથા તેમના ગુલામ કાફૂર વચ્ચેના સંબંધ ઇતિહાસમાં ખૂબ જ ચર્ચિત છે
ઇમેજ કૅપ્શન, અલ્લાઉદ્દીન ખિલજી તથા તેમના ગુલામ કાફૂર વચ્ચેના સંબંધ ઇતિહાસમાં ખૂબ જ ચર્ચિત છે

પ્રો. રાધે શ્યામ ચૌરસિયા તેમના પુસ્તક હિસ્ટ્રી ઑફ મિડિવલ ઇન્ડિયા : ફ્રૉમ 1000 એ.ડી ટુ 1707 એ.ડી (પૃષ્ઠ ક્રમાંક 1-5)માં મહમદ ઘોરીની નજીક રહેલા એક પાત્રનો ઉલ્લેખ કરે છે, જેણે આગળ જતાં દિલ્હીમાં પ્રથમ મુસ્લિમ સત્તાની સ્થાપના કરી. આ શાસક એટલે કુતુબદ્દીન ઐબક, જે ઘોરીના ગુલામ હતા. ચૌરસિયા લખે છે :

કુતુબદ્દીન જન્મે તુર્ક હતા. નાનપણમાં જ તેમને ગુલામ તરીકે વહેચી દેવામાં આવ્યા હતા. નિસાનપુરના મુખ્ય કાઝી તેમના પહેલા માલિક હતા. આ કાઝીએ તેમનો સોદો મહમદ ઘોરી સાથે કર્યો હતો.

પોતાની કાબેલિયત બહાદુરી અને ઇમાનદારીને કારણે તેણે ઉત્તરોત્તર પ્રગતિ કરી. એ સમયમાં મુસ્લિમ શાસકો ઘણી વખત પોતાના દીકરા કરતાં ગુલામોની કાબેલિયત અને વફાદારી ઉપર વધુ ભરોસો કરતા હતા અને ગુલામો તેમાં ખરા પણ ઊતરતા.

મહમદ ઘોરીને કોઈ દીકરો ન હતો, એટલે તેને ગુલામો પ્રત્યે વિશેષ સ્નેહ હતો. અને ઐબક તેમાં ઉપર હતા. 1192માં ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પરાજય આપ્યા બાદ વતનમાં ઊભા થયેલા બળવાને નાથવા માટે ઘોરી ભારતમાંથી કૂચ કરી ગયા.

આ સમયે તેમણે ઘોરીઓને આધીન રહેલાં વિસ્તારોનો વહીવટ કુતુબદ્દીનને સોંપ્યો. તેમણે હાંસી, દિલ્હી, મેરઠ, રણથંભૌર અને વારાણસી જેવા વિસ્તારો ઉમેર્યા. જેમાં પાટણ સૌથી નોંધપાત્ર હતું, જેમણે એકસમયે મહમદ ઘોરીને પરાજય આપ્યો હતો.

ઍડવાન્સ સ્ટડી ઇન ધ હિસ્ટ્રી ઑફ મિડિવલ ઇન્ડિયાના બીજા ભાગના પૃષ્ઠ ક્રમાંક 81 પર જસવંતલાલ મહેતા લખે છે કે કુતુબદ્દીન ઐબકે (1196- '97) દરમિયાન પાટણ પર હુમલો કર્યો. જેમાં 15 હજાર જેટલા રાજપૂત મૃત્યુ પામ્યા, જ્યારે 20 હજારને ગુલામ બનાવવામાં આવ્યા હતા.

માલિક ઘોરીના મૃત્યુ બાદ કુતુબદ્દીને પોતાના નામનો 'ખતબો' પઢાવ્યો અને શાસક બની ગયા. આ સાથે જ દિલ્હીમાં પ્રથમ વખત મુસ્લિમ શાસન સ્થપાયું અને ગુલામવંશનાં મૂળિયાં નખાયાં.

થોડા સમય સુધી પાટણથી શાસન થયું અને સોલંકીઓએ તેને પાછું મેળવી લીધું. હિસ્ટ્રી ઑફ ખિલજીસ 1290-1320માં કિશોરી શરણ લાલ (63-69) લખે છે કે છેલ્લા સોલંકી શાસકને કોઈ પુત્ર ન હતો એટલે તેમના શાસનનો અંત આવ્યો અને વાઘેલાઓને શાસન મળ્યું. તેમના છેલ્લા શાસક કર્ણરાય હતા, જે નબળા પુરવાર થયા.

કથિત રીતે વ્યક્તિગત દ્વેષને કારણે કર્ણરાયના મહામાત્ય માધવે દિલ્હી જઈને સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીની મદદ માગી. જેમણે ઉલુગ ખાન અને નુસરત ખાને આ અભિયાન હાથ ધર્યું અને ખિલજીકાળમાં પાટણ ગુજરાતનું પાટનગર બન્યું. વર્ષ હતું, 1298. કેટલાક ઇતિહાસકારોના મતે એ વર્ષ 1297નું હતું.

એ પછીના 300 વર્ષ ઉત્તર ભારતમાં સત્તાના કેન્દ્ર દિલ્હીમાં અંધાધૂંધી ભર્યાં રહ્યાં. ગુલામ બાદ ખિલજી, તઘલઘ, સૈયદ અને લોધી વંશનું શાસન સ્થપાયું.

આ દરમિયાન 26 ફેબ્રુઆરી 1411ના દિવસે દિલ્હીના મુસ્લિમ શાસકોએ હાલનું અમદાવાદ વસાવ્યું. આ સાથે જ ગુજરાતમાં 'સત્તાનું કેન્દ્ર' બદલી ગયું અને 554 વર્ષ સુધી રહ્યું. તા. બીજી ઑગસ્ટ, 1965ના દિવસે ગાંધીનગરની સ્થાપના કરી, જે રાજકીય રાજધાની છે. છતાં અમદાવાદ ગુજરાતની 'આર્થિક રાજધાની' તો છે જ.

અંધાધૂંધીના સમય પછી મુઘલ શાસનકાળ દરમિયાન સ્થિરતા આવી. જોકે આ દરમિયાન 'પૅલેસ પૉલિટિક્સ' ચાલુ રહ્યું અને રાજ મેળવવા માટે ભાઈઓ વચ્ચે વેરઝેર કે મતભેદના કિસ્સા પણ નોંધાયા.

line

પાટણની 'પ્રભુતા'

ગુજરાતના પાટણમાં 11મી સદીમાં બનાવાલેયી 'રાણી-કી-વાવ'ને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, NurPhoto/Getty

ઇમેજ કૅપ્શન, ગુજરાતના પાટણમાં 11મી સદીમાં બનાવાલેયી 'રાણી-કી-વાવ'ને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

• ઘનશ્યામ વ્યાસનું ઉપનામ ધરાવતા કનૈયાલાલ મુનશીએ 'પાટણ ત્રયી'નું સર્જન કર્યું છે. જેમાં પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજનો સમાવેશ થાય છે.

• 'કરણ ઘેલો'એ પાટણમાં આકાર લેતી વધુ એક નવલકથા છે. જેમાં વાઘેલા શાસક કર્ણદેવ તેમના મહામાત્યનાં પત્ની પર મોહિત થઈ જાય છે. કર્ણદેવને અટકાવવા જતાં માધવના ભાઈનું મૃત્યુ થાય છે. આથી, વેર વાળવા મહામત્ય દિલ્હી સલ્તનત જઈને મદદ માગે છે. કરણ રાજ, પોતાનાં પત્ની અને પુત્રી પણ ગુમાવી બેસે છે.

• સોલંકી રાજા ભીમદેવ પ્રથમનાં પ્રથમ પત્ની ઉદયમતિએ (11મી સદી) પતિના મૃત્યુ બાદ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. સાત માળની આ વાવને શિલ્પ તથા સ્થાપત્યકળાનો અજોડ નમૂનો માનવામાં આવે છે એટલે યુનેસ્કોએ તેને 'વૈશ્વિક વારસા' તરીકે સ્થાન આપ્યું છે.

• ભીમદેવ પ્રથમે મોઢેરા ખાતે સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે મોહમ્મદ ગઝનવીના આક્રમણને કારણે ધ્વસ્ત થઈ ગયેલા સોમનાથના મંદિરનો પણ જિર્ણોદ્ધાર કરાવ્યો હતો.

• ઇતિહાસકારોના મતે સિદ્ધપુરમાં સિદ્ધરાજ જયસિંહે મૂળે સાત માળના 'રુદ્ર મહાલય'નું નિર્માણ કરાવ્યું હતું, જેનો હાલમાં માત્ર એક જ માળ બચ્યો છે.

• સિદ્ધરાજે માતા મીનળદેવીનાં કહેવાથી પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, મલાવ તળાવ (ધોળકા) અને મુનસર તળાવનું (વિરમગામ) નિર્માણ કરાવડાવ્યું.

• ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નવું નામકરણ સોલંકીયુગના પ્રકાંડપંડિત 'કલિકાલ સર્વજ્ઞ' હેમચંદ્રાચાર્ય પરથી કરવામાં આવ્યું છે. જેમણે 'સિદ્ધહેમ શબ્દાનુશાસન'નું સર્જન કર્યું. જેને વ્યાકરણની શ્રેણીમાં અભૂતપૂર્વ ગ્રંથ માનવામાં આવે છે.

ભાટવાણી સંદર્ભ : રિપોર્ટ્સ ફ્રૉમ કમિશનર્સ, વૉલ્યુમ 18 (પેજ નં. 424)

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો