Mujib : એ 'પાકિસ્તાની' જેણે પાકિસ્તાનના જ ટુકડા કરી નાખ્યા

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

"પૂર્વ પાકિસ્તાન કોઈ સમસ્યા નથી. આપણે બસ ત્યાં લગભગ 20 હજાર લોકોને મારી નાખવા પડશે એટલે બધું થાળે પડી જશે."

શેખ મુજીબ

ઇમેજ સ્રોત, Getty Images

એ વખતના પૂર્વ પાકિસ્તાન(હાલનું બાંગ્લાદેશ)માં ચાલી રહેલી માથાકૂટ પશ્ચિમ પાકિસ્તાનના માથાનું દર્દ બની રહી હતી.

પાકિસ્તાનના સૈન્યને ભારતને પેલે પાર આવેલા દેશના બીજા ભાગને નિયંત્રણમાં રાખવો કાઠું પડી રહ્યું હતું.

એટલે એ પાકિસ્તાની સૈન્યના વડા જનરલ યાહ્યા ખાને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પૂછ્યું કે શું કરવું જોઈએ, જેના જવાબમાં ભુટ્ટો ઉપરનું વાક્ય બોલ્યા.

'માય પૉલિટિકલ સ્ટ્રગલ' નામના આત્મકથાનકમાં પાકિસ્તાનના ઍરમાર્શલ અસગર ખાને આ વાત કરી છે.

જે પૂર્વ પાકિસ્તાનમાં 20 હજાર લોકોને મારવાની વાત ભૂટ્ટો કરી રહ્યા હતા એ પૂર્વ પાકિસ્તાન આજે બાંગ્લાદેશના નામે દુનિયાના નકશામાં અસ્તિત્વ ધરાવે છે.

પાકિસ્તાનના એક ભાગને ભારતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની મદદથી એક જણે બાંગ્લાદેશ બનાવ્યો.

એ જણ એટલે શેખ મુજિબુર રહેમાન. બાંગ્લાદેશના 'બંગબંધુ' (બંગાળના મિત્ર), સંસ્થાપક, રાષ્ટ્રપિતા અને પ્રથમ રાષ્ટ્રપતિ.

line

સ્વાધીનતા માટેની હાકલ

શેખ મુજીબ

ઇમેજ સ્રોત, Getty Images

"એબારેર શોંગ્રામ આમાદેર મુક્તિર શોંગ્રામ, એબારેર શોંગ્રામ શોધિનોતાર શોંગ્રામ" ઢાકાના રૅસકૉર્સ મેદાનમાં આ શબ્દો ગૂંજી ઉઠ્યા અને ત્યાં હાજર લગભગ દસેક લાખની મેદનીએ શબ્દો વધાવી લીધા.

પૂર્વ પાકિસ્તાના સૌથી લોકપ્રિય નેતા અને સ્વતંત્રતા સેનાની શેખ મુજિબના એ શબ્દોએ 1971ની 7મી માર્ચની એ સાંજનો ઉકળાટ આસમાને પહોંચાડી દીધો અને બાંગ્લાદેશની હવામાં સ્વતંત્રતાની લહેર દોડી ઊઠી હતી.

બંગાળી ભાષામાં ઉચ્ચારેલા એ ગગનભેદી શબ્દોનો અર્થ થતો હતો, "આપણો સંગ્રામ મુક્તિ માટેનો સંગ્રામ છે. આપણો સંઘર્ષ સ્વાધીનતા માટેનો સંઘર્ષ છે."

મુજિબે ઉચ્ચારેલા એ શબ્દો માત્ર શબ્દો નહોતા પણ પાકિસ્તાનના સૈન્યશાસન વિરુદ્ધની એક લલકાર હતી. એ લલકાર બાંગ્લાદેશની આઝાદીની લડતનો અંતિમ પડાવ બની હતી.

પાકિસ્તાની શાસન વિરુદ્ધ મુજિબે મારેલી એ હાકના થોડા દિવસ બાદ ધરતીના નકશા પર બાંગ્લાદેશનો જન્મ થયો.

સ્વતંત્રતાની હાકલ કરતા શેખ મુજિબના એ ભાષણની ગણના આજે વિશ્વનાં ઐતિહાસિક ભાષણોમાં થાય છે.

line

શેખ મુજિબુર રહેમાન : બાંગ્લાદેશના 'જાતીર જનક'

બાંગ્લાદેશ

ઇમેજ સ્રોત, Getty Images

'ધ બાંગ્લાદેશ લિબરેશન વૉર, ધ શેખ મુજિબ રિજીમ ઍન્ડ કન્ટેમ્પરરી કન્ટ્રૉવર્સીઝ' નામના પુસ્તકમાં લેખક કાફ ડૉલા લખે છે,

"'સંયુક્ત પાકિસ્તાન'ની શોષણખોર અને વહલાંદવલાંની નીતિ વિરુદ્ધ પૂર્વ પાકિસ્તાનના નામે ઓળખાતા એ પ્રદેશના લોકોનાં દુઃખદર્દોને સંયોજી, તેમને સ્વાધીનતા માટે સંગઠીત કરવાનું શ્રેય જો કોઈ એક જ વ્યક્તિને આપવું હોય તો એ વ્યક્તિનું નામ શેખ મુજિબુર રહેમાન જ હોવાનું."

શેખ મુજિબ બંગાળી રાષ્ટ્રવાદી હતા. 'આફ્ટર ધ ડાર્ક નાઇટ : પ્રૉબલેમ્સ ઑફ શેખ મુજિબુર રહેમાન' નામના પુસ્તકમાં એસ. એમ. અલી લખે છે કે 'વિદ્રોહીઓને કરિશાઈ નેતૃત્વ શેખ મુજિબે પૂરું પાડ્યું હતું.'

અવામી લીગનું નેતૃત્વ કરનારા શેખ મુજિબ બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને બાદમાં પ્રથમ વડા પ્રધાન બન્યા.

બાંગ્લાદેશ તેમને 'જાતીર જનક' એટલે કે રાષ્ટ્રપિતા તરીકે સન્માને છે.

મુજિબની આગેવાની હેઠળ જ બાંગ્લા વિદ્રોહીઓએ ભારતીય સૈન્ય સાથે મળીને પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ નામે સ્વતંત્ર કરાવ્યું હતું.

'મુજિબ : ધ આર્કિટેક્ટ ઑફ બાંગ્લાદેશ, અ પોલિટિકલ બાયૉગ્રાફી' નામના પુસ્તકમાં વાય. ભટ્ટનાગર લખે છે, 'માનવ ઇતિહાસમાં ચીનના માઓને બાદ કરતાં કોઈ નેતાએ પોતાના લોકોને એટલા મોહિત નથી કર્યા જેટલા મુજિબે કર્યા છે.'

મુજિબનાં મોટાં પુત્રી શેખ હસિના અવામી લીગનાં વડાં છે અને બાંગ્લાદેશમાં ત્રીજી વખત વડાં પ્રધાન બન્યાં છે.

line

અગરતલા ષડયંત્ર

શેખ મુજીબ

ઇમેજ સ્રોત, Getty Images

1968નો શિયાળો જતાંજતાં પશ્ચિમ પાકિસ્તાનને ઠંડીમાં ધ્રુજાવી રહ્યો હતો અને અહીં રહેતા પાકિસ્તાનીઓ દેશના પૂર્વભાગમાં આવી રહેલા ગરમાવાની ઈર્ષા કરી રહ્યા હતા.

એ વખતે જ, અયુબ ખાને રાજકીય વિસ્ફોટ કરી દીધો કે દેશના પૂર્વ ભાગને સ્વતંત્ર કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરાયો છે.

આ ષડયંત્રમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની સૈન્ય સરકારે દેશને જાણ કરી.

ધરપકડ કરાયેલા લોકોમાં નેવી, સૈન્ય અને સનદી અધિકારીઓ સામેલ હતા.

અયુબ ખાનના રાજે દાવો કર્યો કે આરોપીઓ ઢાકા ખાતે ભારતના એ વખતના રાજદૂત પી. એન. ઓઝાને અને અગરતલામાં ભારતીય અધિકારીઓને મળ્યા હતા અને પાકિસ્તાન સામે વિદ્રોહ કરવાની વેતરણમાં હતા.

કૅથરીન ફ્રાન્કના પુસ્તક 'ઇંદિરા : ધ લાઇફ ઑફ ઇંદિરા નહેરુ ગાંધી' અનુસાર ષડયંત્રના આ કેસમાં આરોપીની કુલ સંખ્યા 34એ પહોંચી હતી.

આ ષડયંત્ર રચવા માટે પાકિસ્તાને શેખ મુજિબને નં. 1 આરોપી ગણ્યા હતા.

ધરપકડને પગલે બંગાળમાં વિરોધ ફાટી નીકળ્યો અને અયુબ ખાનને સત્તામાંથી ચાલતી પકડવી પડી.

કેસ શેખ મુજિબ વિરુદ્ધ દાખલ કરાયો હતો પણ ચૂકાદો તેમની તરફેણમાં આવ્યો.

કેસ દરમિયાન શેખ મુજિબ રાતોરાત બંગાળી નાયક તરીકે ઊભર્યા હોવાનું 'બાંગ્લાદેશ' નામના પુસ્તકમાં લેખક સલાહુદ્દીન અહેમદ લખે છે.

પૂર્વ પાકિસ્તાનમાં હજુ થોડા સમય પહેલાં જ બંગાળી ભાષા પર ઉર્દૂ થોપી દેવાનો આદેશ અને હવે મુજિબને ફસાવવાનો કારસો.

બંગાળી માનસને લાગ્યું કે પશ્ચિમ પાકિસ્તાન તેમની કદર કરી રહ્યું નથી.

પશ્ચિમ પાકિસ્તાન દ્વારા કરાઈ રહેલી અવગણનાના અવસાદને બંગાળી માનસ પર અંકિત કરવામાં આ ઘટનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

line

1970ની ચૂંટણી

શેખ મુજીબ

ઇમેજ સ્રોત, Getty Images

1970ના ડિસેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીએ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનને રાજકીય અને વૈચારીક રીતે પણ બે ભાગમાં વહેચી દીધું.

શેખ મુજિબની અવામી લીગે પૂર્વ પાકિસ્તાનની બે અનામત બેઠકો બાદ કરતાં તમામ બેઠકો જીતી લીધી તો પશ્ચિમ પાકિસ્તાનમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની 'પાકિસ્તાન પીપલ્સ પાર્ટી' મોટી પાર્ટી બનીને ઊભરી.

ક્યારેક અલગ પાકિસ્તાન માટે લડેલા મુજિબ પૂર્વ પાકિસ્તાનની સ્વાયત્તતાના પક્ષઘર હતા, જ્યારે ભુટ્ટો કટ્ટર વિરોધી. આમ વૈચારીક રીતે પણ આ ચૂંટણીએ ભાગલા સ્પષ્ટ કરી દીધા.

એ વખતના રાષ્ટ્રપતિ યાહ્યાખાન જો ભુટ્ટોને સરકાર બનાવવાનું આમંત્રણ ન પાઠવે તો સંસદનો બહિષ્કાર કરવાની ધમકી ભુટ્ટો ઉચ્ચારી.

ભુટ્ટોની ધમકીમાં પાકિસ્તાનની સૈન્ય અને અન્ય ઇસ્લામિક પક્ષોના સૂર પણ ભળ્યા.

આ સૂરે પૂર્વ પાકિસ્તાનના અસંતોષની આગમાં ઘી હોમવાનું કામ કર્યું.

'બાંગ્લાદેશ લિબરૅશન વૉર, મુજિબનગર ડૉક્યુમૅન્ટ્સ' માં સુકુમારા બિસ્વાસ લખે છે, "દેશમાં ગૃહયુદ્ધના ભણકારા વાગવા લાગ્યા એટલે ડરીને ભુટ્ટોએ મુજિબ સાથે વાતચીત કરવા પોતાના ખાસ દૂત અને મિત્ર ડૉ. સુબાશિર હસનને દોડતા કર્યા."

"હસને મુજિબને ગઠબંધન સરકાર રચવા માટે મનાવી લીધા. ભુટ્ટોને રાષ્ટ્રપતિ બનાવવાનું અને મુજિબને વડા પ્રધાન બનાવવાનું નક્કી કરાયું."

જોકે, આ ગોઠવણ મામલે ભુટ્ટોએ પાકિસ્તાની સૈન્યને અજાણ રાખ્યું હતું.

પાકિસ્તાનનું સૈન્ય હજુ કંઈ સમજે પહેલાં જ તેમણે બીજી બાજુ યાહ્યા ખાનને પોતાના પક્ષમાં લેવાનાં પાસાં ફેંકી દીધાં.

ભુટ્ટોએ તેમને સ્પષ્ટ કરી દીધું કે 'મારો કે શેખનો, એક પક્ષ લેવો પડશે.'

આ વાત સામે આવી એટલે મુજિબનો પશ્ચિમ પાકિસ્તાન પર રહ્યોસહ્યો વિશ્વાસ પણ ઊઠી ગયો.

આ સાથે જ પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન કરતાં અલગ પંથે ચાલી પડ્યું, સ્વાધિનતાના પંથે ચાલી પડ્યું.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ 7મી માર્ચે ઢાકામાં યોજાયેલી ઐતિહાસિક જાહેરસભામાં શેખ મુજિબે સ્વાધીનતાનો જયઘોષ કરી દીધો.

line

ઑપરેશન સર્ચલાઇટ

બાંગ્લાદેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ

ઇમેજ સ્રોત, Getty Images

25 માર્ચની સાંજ પડતાંપડતાં ઠેરઠેર સમાચાર ફેલાઈ ગયા કે દેશ પર આવી પડેલા રાજકીય સંકટનો ઉકેલ શોધવા માટે ઢાકા આવેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાન પાકિસ્તાન પરત ઊડી ગયા.

મધરાત થતાંથતાં તો એવું લાગવા લાગ્યું કે જાણે આખ શહેર પર પાકિસ્તાની સેનાએ હુમલો કરી દીધો છે.

પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાન સૈન્યના 'ઑપરેશન સર્ચલાઇટ'નો એ આદર હતો.

'ભારત-પાક સંબંધ' નામના પુસ્તકમાં જે. એન. દીક્ષિત લખે છે, "યાહ્યા ખાને 'માર્શલ લૉ' લાદી દીધો હતો અને આવામી લીગ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી દીધો હતો."

પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સ દ્વારા સાદાં કપડાંમાં સજ્જ પાકિસ્તાની સૈનિકોનાં ધાડાંને ધાડાં ઢાકા ઊતરી આવ્યાં. ઠેરઠેર વિધ્વંસક ગતિવિધિઓ આદરી દેવાઈ.

'માર્શલ લૉ'ના આદેશને પગલે પૂર્વ પાકિસ્તાનની તમામ પોલીસ બૅરેકોને પાકિસ્તાની સૈન્યએ ઘેરી લીધી. નષ્ટ કરી નાખી.

સૈયદ બદરૂલ અહસન પોતાના પુસ્તક 'ફ્રૉમ રૅબેલ ટુ ફાઉન્ડિંગ ફાધર'માં લખે છે કે શેખ મુજિબનાં પુત્રી શેખ હસિનાએ તેમને જણાવ્યું કે ગોળીબારના પડઘા પડ્યા કે શેખે વાયરલૅસ સંદેશો મોકલી બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા કરી દીધી.

શેખે કહ્યું, "હું બાંગ્લાદેશના લોકોને આહ્વાન કરું છું કે તેઓ જ્યાં પણ હોય, તેમના હાથમાં જે પણ હોય, એનાથી પાકિસ્તાની સૈન્યનો પ્રતિરોધ કરે."

"જ્યાં સુધી પાકિસ્તાની સૈન્યના એકએક સૈનિકને તગેડી મૂકવામાં ના આવે ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેવી જોઈએ."

શેખ મુજિબના શબ્દોએ બાંગ્લા પ્રજામાં રહેલી સ્વતંત્રતાની આગને ભડકામાં ફેરવી દીધી. આ બાજુ મધરાત થવા આવી હતી.

લગભગ એકાદ વાગ્યા હશે કે પાકિસ્તાની સૈન્યની એક ટુકડી 32, ઘનમંડી ખાતેના શેખ મુજિબના ઘરે આવી પહોંચી.

સૈનિકોએ અંધાધૂધ ગોળીબારી કર્યો અને પાકિસ્તાન સામે વિદ્રોહ કરનારા શેખ મુજિબને આત્મસમર્પણ કરી દેવા લાઉડસ્પીકરથી આદેશ આપ્યો.

મોતને નજર સામું જોઈને ભાગવાને બદલે શેખ સૈનિકોની સામે પહોંચ્યા કે તેમના પર બંદૂકના બટ પડવા લાગ્યા.

શેખને ધક્કે ચડાવાયા અને જીપમાં બેસાડી હંકારી જવાયા.

બાંગ્લા વિદ્રોદનો વડો હવે પાકિસ્તાને સૈન્યએ કબ્જામાં હતો એટલે શેખને પકનારા અધિકારીએ વાયરલેસ સંદેશમાં પાકિસ્તાનને સંદેશ મોકલ્યો. "બિગ બર્ડ ઇઝ ઇન કૅજ, સ્મૉલ બર્ડ્સ હેવ ફ્લૉન."

પાકિસ્તાન મોકલાયેલા આ સંદેશના ત્રણ દિવસ બાદ શેખ મુજિબને પણ પાકિસ્તાન લઈ જવાયા.

line

મૃત્યુની સજા

શેખ મુજીબ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં તેમને મિયાંવાલી જેલની એક કાળી કોટડીમાં પૂરી દેવાયા, જ્યાં રેડિયો તો દૂર, અખબાર પણ ઉપલબ્ધ નહોતાં કરાવાતાં.

શેખને અહીં લગભગ નવ મહિના સુધી બંધ રખાયા. એ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘમસાણ પણ ખેલાઈ ગયું.

ભારત સામે પાકિસ્તાનની કારમી હાર થઈ અને તેનો બદલો પાકિસ્તાને શેખ મુજિબ પાસે માગ્યો.

16મી ડિસેમ્બરે એક સૈન્ય ટ્રિબ્યૂનલે તેમને મૃત્યુની સજા સંભળાવી દીધી.

આ સમય દરમિયાન પાકિસ્તાનની સત્તા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના હાથમાં આવી.

પરિસ્થિતિ પામીને ભુટ્ટોએ શેખને મિયાંવાલી જેલમાંથી બહાર કાઢીને રાવલપિંડી પાસેના એક ગેસ્ટહાઉસમાં લઈ જવાનો આદેશ આપ્યો.

કુલદિપ નૈયર પોતાની આત્મકથા 'બિયૉન્ડ ધ લાઇન્સ'માં લખે છે,

"એક દિવસ અચાનક જ ભુટ્ટો તેમને મળવા આવી પહોંચ્યા. ભુટ્ટોને જોતાં જ મુજિબે પૂછ્યું કે તમે અહીં ક્યાંથી?"

"જવાબમાં ભુટ્ટોએ કહ્યું કે તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે. આટલું સાંભળ્યું અને મુજિબ હસવા લાગ્યા. મુજિબ બોલ્યા, 'એ પદ પર તો મારો અધિકાર બને છે."

મુજિબના શબ્દો ભુટ્ટોને સોંસરવા ઊતરી ગયા પણ તેઓ પરિવર્તન ભાળી ચૂક્યા હતા.

ભુટ્ટોએ શેખને વિદેશમંત્રી, સંરક્ષણ મંત્રી અને પ્રસારણમંત્રી બનવાનો પ્રસ્તાવ રાખ્યો.

મુજિબે એ પ્રસ્તાવ ફગાવી દીધો. આ વાત ખુદ શેખ મુજિબે નૈયરને કરી હતી.

line

સ્વાધીન સંબોધન

શેખ મુજીબ

ઇમેજ સ્રોત, Getty Images

ભટ્ટો અને પાકિસ્તાન, બેમાંથી કોઈ પાસે હવે કોઈ રસ્તો બાકી નહોતો રહ્યો. આખરે મુજિબને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો.

સાત જાન્યુઆરી 1972ની રાતે ભુટ્ટો સ્વયં મુજિબને વિદા કરવા રાવલપિંડીના ચકલાલા ઍરપોર્ટ પર પહોંચ્યા.

ભુટ્ટો એક શબ્દ પણ ના બોલ્યા અને મુજિબ પણ પાછું વળીનો જોયા વગર સીધા જ વિમાનમાં ચડી ગયા.

વિમાન પાકિસ્તાનની ધરતી છોડીને ઊડી ગયું એને એ સાથે જ 1947ની 14મી ઑગષ્ટની મધરાતે શરૂ થયેલો પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેનો સંબંધ કાયમ માટે કપાઈ ગયો.

મુજિબ લંડનમાં બે દિવસ રોકાયા ત્યાંથી ઢાકા ઊડી ગયા. રસ્તામાં કેટલાક કલાકો સુધી દિલ્હી રોકાયા.

મુજિબ જ્યારે ઢાકા પહોંચ્યા તો તેમના સ્વાગત માટે લગભગ દસેક લાખ લોકો ઉમટ્યા હતા.

નવ મહિના સુધી પાકિસ્તાનની જેલમાં રહેવાને કારણે મુજિબ બહુ દૂબળા પડી ગયા હતા.

પણ રૅસકૉર્સ મેદાન પર લાખોની ભીડની સામે તેમણે રવિન્દ્રનાથ ટાગોરને યાદ કર્યા અને નાટકીય અંદાજમાં એ જ ગગનભેદી અવાજમાં બોલ્યા, "હે મહાન કવિ પરત આવો અને જુઓ, કઈ રીતે તમારા બંગાળી લોકો એવી અસાધારણ પ્રજામાં ફેરવાઈ ગયા છે કે જેની કલ્પના ક્યારેક તમે કરી હતી."

line

બંગાળ પાકિસ્તાન સાથે કેમ ના રહી શક્યું?

બાંગ્લાદેશ

ઇમેજ સ્રોત, Getty Images

અલગ પાકિસ્તાનના જન્મ સાથે જ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે 'ફૉલ્ટલાઇન' પણ જન્મી હોવાનું કાફ માને છે.

બંગાળીઓ ટૂંકા કદના, શ્યામ વર્ણના અને સામાન્ય એશિયન પ્રજા હોવાનું 'ફ્રિડમ ઍડ મિડનાઇટ'( અડધી રાતે આઝાદી) પુસ્તકના લેખકો લૅરી કૉલિન્સ અને ડૉમિનિક લૅપિયર નોંધે છે.

તેમના મતે પાકિસ્તાનના પંજાબીઓની નસોમાં વિજેતાઓની ત્રીસ-ત્રીસ સદીઓ વહેતી હતી.

એમનાં મૂળ છેક મધ્ય એશિયા સુધી લંબાતાં હતાં અને એમનું આર્યત્વ એમને તુર્કસ્તાન, રશિયા, પર્શિયા અને આરબોના વંશવેલામાં મૂકી દેતું હતું.

પશ્ચિમ પાકિસ્તાન માંસ અને ઘઉંને મુખ્ય ખોરાક ગણતું જ્યારે પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓ માછલી અને ભાત વગર રહી નહોતા શકતા.

પંજાબીઓને સૈનિક કે સરકારી અધિકારી બનવાનો શોખ હતો તો બંગાળીઓને રાજકારણ અને સાહિત્ય પ્રત્યે સ્નેહ હતો. બન્ને વચ્ચે એક જ સામ્યતા હતી અને એ હતી ઇસ્લામ.

જોકે, 'ધ બાંગ્લાદેશ લિબરેશન વૉર, ધ શેખ મુજિબ રિજીમ ઍન્ડ કન્ટેમ્પરરી કન્ટ્રૉવર્સીઝ'માં લેખક લખે છે કે બંગાળી મુસ્લિમોમાં 'અલગ રાષ્ટ્રીયતા' વિચાર ઇતિહાસમાં ક્યારેય ડોકાયો જ નહોતો.

1905માં બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ કર્ઝને કરેલું બંગાળનું વિભાજન બંગાળી મુસ્લિમોમાં 'અલગ રાષ્ટ્રીયતા' ઉજાગર કરનારી પ્રથમ ઘટના હતી.

એનું કારણ એ હતું કે બંગાળી પ્રજા પહેલાં પોતાની જાતને બંગાળી સમજતી અને એ બાદમાં એ અન્ય વાડામાં વહેચાતી.

પણ આ જ બંગાળી અસ્મિતા પર આઝાદી બાદ પશ્ચિમ પાકિસ્તાન પ્રહાર કરવા લાગ્યું હતું. પશ્ચિમ પાકિસ્તાન બળજબરીપૂર્વક બંગાળીઓને 'પાકિસ્તાની મુસલમાન' બનાવવા માગતું હતું.

આ માટે તેણે બંગાળીના ભોગે ઉર્દૂને રાષ્ટ્રભાષા તરીકે થોપવા પ્રયાસ પણ કર્યો હતો.

એ પ્રયાસ થયો અને એ સાથે જ પૂર્વ પાકિસ્તાનનું બંગાળીપણું તમામ વાઘા ફગાવી પાકિસ્તાન સામે ઊભું રહી ગયું.

જેનું પરિણામ એ આવ્યું કે ઇસ્લામના નામે બ્રિટિશ ઇન્ડિયામાંથી અલગ થયેલું પાકિસ્તાન બે ટુકડામાં તૂટી પડ્યું.

શેખ મુજિબુર રહેમાને 'ટુ નેશન' વાળો મહમદ અલી ઝીણાનો સિદ્ધાંત પણ ખોટો પાડ્યો અને એ દાવો પણ જુઠ્ઠો ઠેરવી દીધો કે 'ધર્મ પ્રજાને જોડી રાખે છે.'

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો