'કશ્મીર ફાઇલ્સ' ફિલ્મથી કાશ્મીરમાં રહેતા અમુક કાશ્મીરી પંડિતો નારાજ કેમ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"હું એવું નથી કહી રહ્યો કે જે બતાવાયું છે, એ ખોટું છે. વાર્તા સાચી છે, પણ એનો દૃષ્ટિકોણ અને ફિલ્માંકન ખોટાં છે. કાશ્મીરી પંડિતોનાં દુ:ખોનો વેપાર કરાઈ રહ્યો છે. ગત આઠ વર્ષમાં વડા પ્રધાનને મળવાની અમે 20-25 વખત મંજૂરી માગી. અમારા માટે એમની પાસે સમય નથી પણ ફિલ્મને પ્રમોટ કરવા માટે, એની ટીમને પ્રમોટ કરવા માટે એમની પાસે સમય છે."

ફોટોમાં સંગ્રહાયેલી કાશ્મીરી પંડિતોના વતનની યાદો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફોટોમાં સંગ્રહાયેલી કાશ્મીરી પંડિતોના વતનની યાદો

હાલમાં વિવેક અગ્નિહોત્રીએ લખેલી અને તેમના જ દિગ્દર્શનવાળી ફિલ્મ 'કશ્મીર ફાઇલ્સ'એ ભારે ચર્ચા જગાવી છે. કાશ્મીરી પંડિતોની હિજરતની વાત કરતી આ ફિલ્મને ગુજરાત સહિત કેટલાંય ભાજપશાસિત રાજ્યોની સરકારોએ કરમુક્ત જાહેર કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ફિલ્મ અંગે વાત કરી ચૂક્યા છે અને એવો પણ દાવો કરાયો છે કે 'ફિલ્મમાં એવું ઘણું બધું દર્શાવ્યું છે જે અત્યાર સુધી છુપાવવામાં આવ્યું હતું.' ઘણા કાશ્મીરી પંડિતો પણ આ ફિલ્મથી ખુશ છે. તેમના મતે આ દુખદ કહાણી અત્યાર સુધી રજૂ નહોતી કરાઈ. જોકે, દાવા અને ચર્ચાઓ વચ્ચે કાશ્મીરી પંડિતો માટે સંઘર્ષ કરનારી 'કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ'ના અધ્યક્ષ સંજય ટીકૂએ બીબીસી સાથે જે વાત કરી એ અહીં રજૂ કરાઈ છે.

line

'કશ્મીર ફાઇલ્સ' થકી શરૂ થયેલી કાશ્મીરી પંડિતો અંગેની ચર્ચા વિશે

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સોશિયલ મીડિયામાં પ્રચાર છે કે કાશ્મીરી પંડિતો આ ફિલ્મ જોઈ રહ્યા છે, હિંદુઓ આ ફિલ્મ જોઈ રહ્યા છે. 'જય શ્રીરામ'નાં સૂત્રો પોકારાઈ રહ્યાં છે અને એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવે છે.

32 વર્ષથી ઘણી બધા રાજકીય પક્ષો એમ કહી રહ્યા છે કે કાશ્મીરી પંડિતો સાથે જુલમ થયો છે. ચૂંટણીમાં કહેવાય છે કે ભાજપને મત નહીં આપો તો તમારા હાલ પણ કાશ્મીરી પંડિત જેવા થશે. 1992થી અત્યાર સુધી જ્યાં-જ્યાં પણ ચૂંટણી યોજાઈ ત્યાં કાશ્મીરી પંડિતો અને બાબરી મસ્જિદની વાત કરવામાં આવી.

ફિલ્મમાં જે બતાવાયું છે એ ખોટું છે એવું હું નથી કહેતો. કહાણી સાચી છે, પરંતુ એનું જે રીતે ફિલ્માંકન થયું છે, એ ખોટું છે.

મારી પાસે એક વીડિયો આવ્યો છે, જેમાં નાદીમર્ગનો હત્યાકાંડ બતાવાયો છે. એ દૃશ્યમાં બતાવાયું છે કે ગામલોકોને ઊભા રખાયા અને પછી મુસલમાનો તથા પંડિતોને અલગ કરીને પંડિતોને એક બાદ એક માથા પર પિસ્તોલથી ગોળી મારવામાં આવી.

એ હત્યાકાંડ એકે-47થી કરાયો હતો. એવો જ ગોળીબાર સંગ્રામપોરામાં થયો હતો. 1998માં ત્યાં પણ એકે47ની જ ગાળીઓ ચાલી હતી. જે રીતે ફિલ્માંકન થયું એ જોતાં મને નથી લાગતું કે જે લોકોનાં મૃત્યુ થયાં છે, એમની સાથે ન્યાય કરાયો છે.

અમને ક્યારેક ક્યારેક એમ પણ થાય છે કે જેટલા પણ કાશ્મીરી પંડિત મર્યા એમનો આત્મા એ વિસ્તારમાં હજુ પણ ભટકે છે.

ભલે ને આપણે ગમે તેટલી બૂમો પાડીએ કે આપણે આ કર્યું કે આપણે પેલું કરીશું, પરંતુ ન્યાય મળવો જોઈએ, એમના પરિવારોને ન્યાય મળવો જોઈએ, હજુ નથી મળ્યો.

line

'કાશ્મીર પંડિત બેરર ચેક'

કાશ્મીરી પંડિત પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અગાઉની સરકાર હોય કે પછી હાલની સરકાર કે જે છેલ્લાં આઠ વર્ષથી સત્તામાં છે, એમણે કેટલા ડેટા મેળવ્યા?

બધા લોકો કાશ્મીરી પંડિતોનાં દુ:ખોને વેચી રહ્યા છે. આજની તારીખે પણ એ વેચાય છે.

સંગઠનો વિશ્વના મીડિયાને કાશ્મીરી પંડિતોનું 'પીડિતપણું' વેચી રહ્યાં છે. એમને શું મળી રહ્યું છે, એની સૌને ખબર છે.

છેલ્લાં 32 વર્ષમાં જે કોઈ કાશ્મીરમાં મર્યા, પછી તે પંડિત હોય, શીખ હોય, મુસલમાન હોય, સુરક્ષાદળોના જવાનો હોય કે બિહાર અને બંગાળના મજૂરો હોય, એમને શું ન્યાય મળ્યો?

એના વિશે કોઈ વાત કેમ નથી કરતું? શું રાજકીય પક્ષો માટે કાશ્મીરી પંડિત એક 'બેરર ચેક' બની ગયા છે?

આ ફિલ્મે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. જો કાશ્મીરમાં બધા જેહાદી હોત, ઍક્ટિવિસ્ટ હોત, સ્થાનિકોએ અમારો સામાજિક બહિષ્કાર કર્યો હોત, તો અમે 32 વર્ષ અહીં પસાર કરી શક્યાં હોત?

અમને અલગઅલગ જગ્યાએથી જે માહિતી મળી રહી છે એ ખલેલ પહોંચાડનારી છે.

line

કાશ્મીરમાં પંડિતો અને 2014 પછીનો માહોલ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અમારા માટે મહોલ નથી બદલાયો. જે 90ના દાયકામાં હતો, એ જ 2014માં હતો અને આજે પણ છે, માહોલ નથી બદલાયો. 2019 પછી તો અમારા માટે જગ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે.

તંત્ર પાસે જઈએ તો હવે 2019ની પહેલાં મળતો હતો એવો પ્રતિભાવ નથી મળતો. પહેલાં તો રાજકીય પક્ષો પાસે અમે જતા હતા, અધિકારીઓ સાથે વાત કરતા હતા. અમારો અવાજ સાંભળવામાં આવતો હતો. 2019 પછી એવું કશું પણ રહ્યું નથી.

જો કશું પણ રહ્યું હોત તો હું જ્યારે આમરણાંત ઉપવાસ પર બેઠો હતો ત્યારે કોઈ પ્રતિક્રિયા આવવી જોઈતી હતી, પણ કંઈ નથી થયું. (સંજય ટીકૂ 2019માં આમણાંત ઉપવાસ પર બેઠા હતા.)

line

પંડિતો કાશ્મીરમાં ફરી વસે એવી 'આશા બચી નથી'

મને એવી કોઈ આશા નથી. જો આવી જ સ્થિતિ રહેશે, તો જે વધ્યાઘટ્યા છે, એ પણ જતા રહેશે અને આવનારા સમયમાં તમને કાશ્મીરમાં કોઈ કાશ્મીરી પંડિત નહીં મળે.

કોઈએ તો સમતોલન સાધવું પડશે. કેમ કે આગમાં ઘી હોમવાનું કામ તો બધા જ કરશે. માનવતાને જીવતી રાખવા, કાશ્મીરિયત જીવતી રાખવા આગને ઓલવવા માટે કોઈએ તો જેલમનું પાણી નાખવું જ પડશે.

એવું થશે તો જ આખા કાશ્મીરની સાથોસાથ ભારતવર્ષનો માહોલ પણ ઠંડો પડે.

line

કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિનું ગઠન 2002માં થયું હતું. સંજય ટીકૂ એના અધ્યક્ષ છે. આ સમિતિનું મુખ્ય કામ કાશ્મીરી પંડિતોની અવાજ બનવાનું છે.

આ સમિતિ અત્યાર સુધી કાશ્મીરની પૃષ્ઠભૂમિ સાથે પંડિતોના સામાજિક અને રાજકીય ન્યાય માટે લડત ચલાવી રહી છે.

સમિતિ કાશ્મીરમાં પંડિતોની વસતીનો સર્વે પણ કરી રહી છે. પંડિતોને મળીને એમનાં ઇન્ટરવ્યૂ કરી રહી છે.

સમિતિ કાશ્મીરમાં માર્યા ગયેલા પંડિતોની યાદી પણ તૈયાર કરી રહી છે. સમિતિ દ્વારા તૈયાર કરાયેલી યાદી અનુસાર વર્ષ 1989થી 2003 સુધીમાં કાશ્મીરમાં 677 પંડિતોની હત્યા કરાઈ છે.

જોકે, સમિતિના અધ્યક્ષ સંજય ટીકૂનું માનવું છે કે આ યાદીમાં હજુ બીજાં 100થી 150 મૃત્યુનો ઉમેરો થઈ શકે છે.

આ ઉપરાંત સમિતિ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે '1989થી 1990 દરમિયાન ખરેખર એવું તે શું થયું કે કાશ્મીરમાં બન્ને સમાજ અલગ થઈ ગયા?'

વળી, એ વખતે કાશ્મીર પંડિતોની હિજરતને અટકાવવામાં તંત્ર અને સરકારની નિષ્ફળતા પાછળનાં કારણો જાણવાનો પણ સમિતિ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે.

શ્રીનગરમાં રહેતા સંજય ટિકુ બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં જણાવે છે કે આવા 800 પરિવારો છે. જેના કારણે કાશ્મીરી પંડિતોનો સમુદાય બે ભાગમાં વહેંચાઈ ગયું છે, સ્થળાંતરિત અને બિનસ્થળાંતરિત.

ટિકુનું કહેવું છે કે જ્યારે મનમોહન સરકારે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે રાહત અને પુનર્વસનનુ એલાન કર્યું તો કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિએ બિનવિસ્થાપિત પંડિતોને પણ એ ભાગીદારી આપવાની માગ કરી હતી.

તેઓ કહે છે, "હાઈકોર્ટમાં ગયા બાદ અને ત્યાંથી આવ્યા બાદ નિર્ણયમાં કોઈ જ બદલાવ થયો નથી. અમે 500 બાળકો માટે રોજગારીની માગ કરી હતી. હવે તેઓની ઉંમર નીકળતી જઈ રહી છે."

line

'સરકાર તરફથી વારંવાર ભૂલો કરવામાં આવી રહી છે'

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જમ્મુ-કાશ્મીર પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર અનુરાધા ભસીન કહે છે કે 1990ના દાયકાથી સરકારો તરફથી વારંવાર ભૂલો થતી રહી છે.

બીબીસી સાથેની એક વાતચીતમાં તેઓ કહે છે કે 1990ના દાયકામાં કાશ્મીરમાં જે પ્રકારે લઘુમતિઓ વિરુદ્ધ માહોલ બન્યો તેને અયોગ્ય પ્રકારે લેવામાં આવ્યો અને લોકોને પલાયન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા.

ભસીન એવું પણ કહે છે કે, "વિસ્થાપન બાદ કાશ્મીરી પંડિતોને પાછા લઈ જવા માટે કોઈ સરકારે યોગ્ય પગલાં લીધાં નથી."

તેઓ કહે છે કે આ ત્રીસ વર્ષોમાં જે પ્રકારે બંને તરફથી કટ્ટર નિવેદનબાજી થઈ છે તેના કારણે કાશ્મીરી પંડિતોની ઘરવાપસી વધારે મુશ્કેલ બની ગઈ છે.

"2008 પછી, મનમોહનસિંહ સરકાર જે યોજના લાવી હતી તે અમુક અંશે સફળ થતી જણાય છે. ભાજપ સરકારે પણ આ નીતિ ચાલુ રાખી, પરંતુ 2017 પછી મને નથી લાગતું કે લોકોએ આ નીતિનો લાભ લીધો હશે, કારણ કે અન્ય નીતિઓને કારણે ખીણમાં વાતાવરણ ખરાબ થઈ રહ્યું હતું."

અનુરાધા ભસીન માને છે કે જે પ્રકારની નફરત ફેલાઈ છે અને અસુરક્ષાની ભાવના પેદા થઈ છે, હવે કાશ્મીરી પંડિતોની વાપસી વધુ મુશ્કેલ બની ગઈ છે.

તેઓ કહે છે, "સુરક્ષાની સાથે ન્યાયની ભાવના પણ તેની સાથે જોડાયેલી છે, પરંતુ તે સમયે જે પણ હત્યાઓ થઈ હતી, તે પછી કાશ્મીરી પંડિતોની હોય કે મુસ્લિમોની, આજ દિન સુધી કોઈ પણ કિસ્સામાં નિષ્પક્ષ તપાસ થઈ નથી."

ભસીન કહે છે, "ભાજપ દાવો કરે છે કે તે કાશ્મીરી પંડિતોની તરફેણમાં બોલે છે, પરંતુ તેની સરકાર આવ્યા પછી આ ખૂબ જૂની વાત હોવાનું કારણ આગળ ધરીને કેટલીક ફાઇલો બંધ કરી દેવામાં આવી છે."

અનુરાધા ભસીન કહે છે કે જો કાશ્મીરી પંડિતોને સ્થાયી કરવા હોય તો તેના માટે સમુદાયોને સાથે લાવવા પડશે. તેમની વચ્ચેની નફરત દૂર કરવી પડશે.

તેઓ કહે છે "જો ભાજપની રાજનીતિ સમુદાય પર આધારિત હશે, તો આવી નફરતને દૂર કરવી મુશ્કેલ હશે."

ભસીનનું કહેવું છે કે કલમ 370 હઠાવ્યા બાદ દાવો કરવામાં આવ્યો હતો કે કાશ્મીરી પંડિત હવે પાછા જશે, પરંતુ આ મુદ્દો ક્યારેય અડચણરૂપ હતો જ નહીં.

તેમણે ગયા વર્ષના કાશ્મીરી પંડિતો સામે થયેલ હિંસાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ માત્ર વધતી જતી નફરતને કારણે જ થયું છે, અને જ્યાં સુધી આ વાતાવરણમાં સુધારો ન થાય ત્યાં સુધી વિસ્થાપિત થયેલા કાશ્મીરીઓ માટે પાછા ફરવું મુશ્કેલ છે.

(બીબીસી સંવાદદાતા જય મકવાણા સાથેની વાતચીતના આધારે)

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો