ભારતીય સેનાનું એ ઑપરેશન, જેમાં કુવૈત યુદ્ધની વચ્ચેથી દોઢ લાખથી વધુ ભારતીયોને કાઢી લવાયા

કુવૈતથી હજારો નાગરિકોને ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, @Twitter

ઇમેજ કૅપ્શન, કુવૈતથી હજારો નાગરિકોને ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બીજી ઑગસ્ટ 1990ના દિવસે ઇરાકે તેના પાડોશી દેશ કુવૈત પર હુમલો કરી દીધો અને તેના પર કબજો કરી લીધો. કુવૈતના અમીરો તથા સરકારી તંત્રે હથિયાર હેઠાં મૂકી દીધાં અને દેશ છોડી નાસી ગયા.

એ સમયે સદ્દામ હુસૈન ઇરાકના શાસક હતા. સમગ્ર દેશ પર ઇરાકની સેનાનો કબજો થઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય સમીકરણો ઝડપભેર બદલાઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય સેનાએ ભારતીય નાગરિકોને દેશવાપસીનું ઑપરેશન શરૂ કર્યું.

ઇરાકે તેના પાડોશી દેશ કુવૈત પર હુમલો કરી દીધો હતો. જેના કારણે લગભગ એક લાખ 70 હજાર ભારતીયો બેઘર થઈ ગયા. સંકટના આ સમયમાં તેમણે વતન તરફ મીટ માંડી. તેમને વિશેષ ઉડાણો દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા.

ત્રણ દાયકા પછી ભારત દ્વારા વધુ એક વખત વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં હજારો લોકોની વતનવાપસી થઈ.

હાલમાં 'ઑપરેશન ગંગા' હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લાવવા માટે વિશેષ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે 32 વર્ષ પહેલાંના એ રેકૉર્ડ પર નજર કરવી ઘટે.

line

'ઍરલિફ્ટ'નો આરંભ

ઍરલિફ્ટ ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, @Twitter/Akshay Kumar

ઇમેજ કૅપ્શન, ઍરલિફ્ટ ફિલ્મનું પોસ્ટર - જેમાં 1,70,000 ભારતીયોને 59 દિવસમાં ભારત પાછા લાવવાના મિશનની કહાણી દર્શાવવામાં આવી હતી.

બીજી ઑગસ્ટ 1990ના દિવસે ઇરાકે તેના પાડોશી દેશ કુવૈત પર હુમલો કરી દીધો અને તેના પર કબજો કરી લીધો. કુવૈતના અમીરો તથા સરકારી તંત્રે હથિયાર હેઠાં મૂકી દીધાં અને દેશ છોડી નાસી ગયા.

એ સમયે સદ્દામ હુસૈન ઇરાકના શાસક હતા. સમગ્ર દેશ પર ઇરાકની સેનાનો કબજો થઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય સમીકરણો ઝડપભેર બદલાઈ રહ્યા હતા.

સોવિયેટ સંઘના વિખેરાઈ જવામાં હજુ અમુક મહિનાની વાર હતી, પરંતુ તેની ઘડીઓ ગણાવા લાગી હતી. જર્મનીની વિખ્યાત દીવાલ તૂટી ગઈ હતી.

બીજી બાજુ, અમેરિકા ઇચ્છતું હતું કે ક્રૂડથી સમૃદ્ધ ખાડી દેશમાં તેનો પગપેસારો થાય. તે ખાડી દેશમાં પોતાનું સૈન્યથાણું સ્થાપવા ઇચ્છતું હતું અને સાઉદી અરેબિયા પર તેની નજર હતી. એટલે જ ઘણા સમયથી કુવૈતની સરહદ પર ઇરાકના 30 હજાર સૈનિક ઊભા હતા, તો પણ 'આરબોની આંતરિક બાબત'માં અમેરિકા માથું નહીં મારે તેવું વલણ અપનાવ્યું હતું.

ભારત માટે આ મુશ્કેલ સમય હતો. એક તરફ કુવૈત હતું, જ્યાં લગભગ એક લાખ 60 હજાર ભારતીય કામ કરતા હતા. બીજી બાજુ, ઇરાક હતું, જે ભારતનું મોટું ક્રૂડ આપૂર્તિકર્તા હતું.

ભારતીયોને સલામત રીતે બહાર કાઢવા માટે તત્કાલીન વિદેશમંત્રી ઇન્દ્રકુમાર ગુજરાલ ઇરાકની રાજધાની બગદાદ ધસી ગયા હતા. જ્યાં તેમણે સદ્દામ હુસૈન સાથે મુલાકાત કરી. સદ્દામે વિદેશમંત્રીને ગળે લગાવી લીધા અને ભારતને 'જૂનું મિત્ર' ગણાવ્યું.

આ તસવીર આંતરરાષ્ટ્રીય પ્રસારમાધ્યમોમાં પ્રકાશિત થઈ, અને ભારતના વલણની ટીકા થઈ, પરંતુ ભારત માટે પ્રાથમિકતા ત્યાં વસનારાઓને પરત લાવવાની હતી.

કુવૈતના ધનવાનોનાં ઘરમાં કામ કરતાં ઘરઘાટી અને બીજા બ્લૂ કૉલર વર્કર રાતોરાત બેઘર થઈ ગયા હતા, કારણ કે તેમના સ્પૉન્સર દેશ છોડી ગયા હતા. તેમને ભારતીયો દ્વારા સંચાલિત પાંચ જેટલી શાળામાં આશરો આપવામાં આવ્યો હતો. ત્યાં બહાર કાઢવાની કામગીરી સુગમ બને તે માટે એ સમયે કમ્પ્યૂટર ગોઠવવામાં આવ્યાં હતાં.

સ્થાનિક ભારતીયો દ્વારા 100થી વધુ બસ ભાડે કરવામાં આવી હતી. આ બસો પર ભારતીય ઝંડા હતા.

તે ઇરાકી સૈનિકોની ચેકપોસ્ટ પરથી પસાર થતી અને લગભગ હજાર કિલોમિટરનું અંતર કાપીને જૉર્ડન સુધી પહોંચે તેવી વ્યવસ્થા નક્કી થઈ, કારણ કે જોર્ડન અને કુવૈતની સરહદ ખુલ્લી હતી. ભારતીયોને જૉર્ડનની રાજધાની અમ્માનથી ફ્લાઇટ દ્વારા બૉમ્બે લઈ જવાનો રૂટ નક્કી થયો.

line

રેકૉર્ડ અભિયાન

'વંદે ભારત મિશન' હેઠળ કોરોનાકાળમાં વિદેશમાં વસતા લાખો ભારતીયોની વતનવાપસી થઈ

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, 'વંદે ભારત મિશન' હેઠળ કોરોનાકાળમાં વિદેશમાં વસતા લાખો ભારતીયોની વતનવાપસી થઈ

એ સમયે ખાડીબાબતોના ઉપસચિવ કે. પી. ફાબિયાનના કહેવા પ્રમાણે, "બીજી ઑગસ્ટે કેટીબી મેનન નામના કુવૈતના સૌથી ધનવાન ભારતીય ઉદ્યોગપતિ એ સમયે લંડનમાં હતા."

"આગલી રાત્રે તેઓ કુવૈત પાછા ફરવાના હતા, પરંતુ પ્રવાસ મોકૂફ કર્યો હતો. મેનને મને ફોન કરીને ક્હયું કે હવાઈ, દરિયાઈ કે જમીનમાર્ગે જેવી રીતે ભારતીયોને વતન પરત મોકલવાના થાય, મોકલી આપવા. તેઓ કોઈ પણ સવાલ વગર રકમ ચૂકવી આપશે."

જોકે, કૅબિનેટની પેટાકમિટીએ નક્કી કર્યું હતું કે અગાઉથી જ સંકટગ્રસ્ત ભારતીયો પાસેથી ટિકિટ ભાડું વસૂલવું યોગ્ય નહીં હોય. આથી સરકારના ખર્ચે તેમને પરત લાવવામાં આવ્યા. ત્યારબાદ ઍર ઇન્ડિયાને બાકી નીકળતી રકમ ચૂકવી દેવામાં આવી હતી.

અલગ-અલગ રિપોર્ટ્સ પ્રમાણે 59 દિવસ સુધી ચાલેલા આ બચાવ અભિયાન દરમિયાન 488 ફ્લાઇટમાં એક લાખ 70 હજાર ભારતીયોને પહેલા ખાડીયુદ્ધ પછી સલામત રીતે ભારત લાવવામાં આવ્યા હતા.

જોકે, ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સની વર્ષ 1995ની આવૃત્તિ (પૃષ્ઠ ક્રમાંક 189) પર થયેલી નોંધ પ્રમાણે, "તા. 13મી ઑગસ્ટથી શરૂ થયેલા અભિયાનના બે મહિનામાં એક લાખ 11 હજાર 711 ભારતીયોને ઍર ઇન્ડિયાએ 488 ફ્લાઇટમાં ભારત પરત લાવવામાં આવ્યા હતા."

ઍર ઇન્ડિયા, ઇન્ડિયન ઍરલાઇન્સ તથા ભારતીય વાયુદળના પાઇલટ્સે આ ફ્લાઇટ્સ ઉડાવી હતી અને જૉર્ડનની રાજધાની અમ્માનથી બૉમ્બેની ઉડાણ ભરી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એ સમયની ઍર ઇન્ડિયાની પ્રેસ વિજ્ઞપ્તી પ્રમાણે, આ અંતર ચાર હજાર 117 કિલોમિટરનું હતું. એ સમયે જીતેન્દ્ર ભાર્ગવ ઍર ઇન્ડિયાના જનસંપર્ક અધિકારી હતા અને દરરોજની ફ્લાઇટના નંબર, સમય તથા તેના દ્વારા કેટલા ભારતીયોની વતનવાપસી થઈ તેની વિગતો આપતા. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ સાથે પણ તેમણે જ પત્રાચાર કરીને આ અભિયાન વિશે માહિતી આપી હતી.

વર્ષ 2016માં આ અભિયાન પરથી 'ઍરલિફ્ટ' નામની ફિલ્મ બની. ફિલ્મની શરૂઆતમાં આપવામાં આવેલા 'અસ્વીકાર' પ્રમાણે, ફિલ્મ 'સત્યઘટનાઓ' પર આધારિત છે, પરંતુ રજૂઆત માટે 'સર્જનાત્મક સ્વતંત્રતા' લેવામાં આવી છે.

આગળ જતાં ભાર્ગવ ઍર ઇન્ડિયાના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ બન્યા. આજે 'મહારાજા' વેચાઈ ગયા છે અને રૂ. 18 હજાર કરોડમાં મૂળ માલિક એવા ટાટા જૂથે ખરીદી લીધા છે. છતાં યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે.

line

ઑપરેશન ગંગા

ઇન્ડિયન ઍરફૉર્સ, ઍર ઇન્ડિયા તથા અન્ય ખાનગી ઍરલાઇન્સના વિમાનોમાં ભારતીયોની યુક્રેનથી વતનવાપસી થઈ

ઇમેજ સ્રોત, Anadolu Agency

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન ઍરફૉર્સ, ઍર ઇન્ડિયા તથા અન્ય ખાનગી ઍરલાઇન્સના વિમાનોમાં ભારતીયોની યુક્રેનથી વતનવાપસી થઈ

કુવૈત પર ઇરાકના સૈન્યઆક્રમણનું પુનરાવર્તન થતું હોય તેમ અનેક દિવસ સુધી યુક્રેનની સરહદે તહેનાત રહ્યા બાદ રશિયાની સેના યુક્રેનમાં પ્રવેશી ગઈ હતી. જેના કારણે સેંકડો ભારતીય નાગરિક અને વિદ્યાર્થીઓને ખસેડવાની જરૂર ઊભી થઈ.

ભારત સરકાર દ્વારા 'ઑપરેશન ગંગા' હાથ ધરવામાં આવ્યું. પોલૅન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા તથા હંગેરીના રસ્તે ભારત પરત લાવવામાં આવ્યા છે. ઍર ઇન્ડિયા ઉપરાંત અન્ય ખાનગી ઍરલાઇન્સ પણ આ બચાવ અભિયાનમાં જોડાઈ છે.

ભારત દ્વારા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીયોને પરત લાવવા માટે હ્યુમન કૉરિડૉર ઊભું કરવા માટે માગ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનીઉપર અમલ નથી થઈ શક્યો. ભારતે તેની ફરિયાદ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કરી છે.

ઇરાકની જેમ જ રશિયાએ પણ ભારતીયોને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાંથી બહાર કાઢવા માટે જરૂરી મદદ કરવાની તત્પરતા દાખવી છે. ત્યાં વસતા નાગરિકોને પોતાનાં વાહનો પર ભારતનો ઝંડો લગાડવા માટે તાકીદ કરવામાં આવી રહી છે.

ઇરાક જો ભારતનું મોટું ક્રૂડ આપૂર્તિકર્તા હતું, તો ભારત માટે રશિયા હથિયારોનો સૌથી મોટો સ્રોત છે.

line

વંદે ભારત મિશન

કોરોનાના કેન્દ્રબિંદુ વુહાનમાંથી ભારતીયોને લાવનાર ઍર ઇન્ડિયાનો સ્ટાફ

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, કોરોનાના કેન્દ્રબિંદુ વુહાનમાંથી ભારતીયોને લાવનાર ઍર ઇન્ડિયાનો સ્ટાફ

2020ની શરૂઆતમાં દુનિયા કોરોનાના ભરડામાં આવી ગઈ, જેનું કેન્દ્ર બિંદુ ચીનનું વુહાન શહેર હતું. એ સમયે ભારત સરકારને આધીન ઍર ઇન્ડિયા તેનું સૌથી મોટું ડ્રિમલાઇનર વિમાન વુહાન મોકલ્યું હતું અને ત્યાં ફસાયેલા ચારસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને એક જ ફ્લાઇટમાં વિશેષ વ્યવસ્થા સાથે ભારત પરત લાવવામાં આવ્યા હતા.

આગામી હજારો ફ્લાઇટ્સનો આ પહેલો તબક્કો હતો. એ પછી 'વંદે ભારત મિશન' હેઠળ લગભગ 88 હજાર ફ્લાઇટમાં તબક્કાવાર 100 દેશમાંથી લગભગ એક કરોડ 28 લાખ ભારતીયને વિદેશથી પરત લાવવામાં આવ્યા.

રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહે ઑગસ્ટ-2021માં સંસદમાં આ માહિતી આપી હતી. આ અરસામાં 'ઑપરેશન સમુદ્ર સેતુ' હેઠળ ભારતીય નૌકાદળના જહાજો દ્વારા વિદેશમાં વસતા સેંકડો ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો