તેલઉદ્યોગ : અમેરિકાએ કરોડો લિટર ક્રૂડઑઇલ ગુફાઓમાં કેમ સંઘરી રાખ્યું છે?
રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ શરૂ થયો, એને મહિનાઓ વીતી ગયા છે, અને હજી સંઘર્ષ જારી છે. આ વચ્ચે દુનિયાભરમાં ક્રૂડઑઇલનું સંકટ ઘેરાઈ રહ્યું છે અને અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે.
છેલ્લા થોડા દિવસોમાં ક્રૂડઑઇલની કિંમતો સો ડૉલર પ્રતિ બૅરલના આંકને પણ વટી ગઈ હતી. આની અસર યુરોપથી માંડીને અમેરિકા સુધી તમામ દેશોમાં જોવા મળી રહી છે.
જોકે આવી સ્થિતિમાં અમેરિકાની નજર તેમના દક્ષિણનાં રાજ્યો લુઇસિયાના અને ટેક્સાસમાં સ્થિત ક્રૂડના ભંડાર ધરાવતી ગુફાઓ પર જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ટેક્સાસ અને લુઇઝિયાના રાજ્યના દરિયાકિનારે જમીનમાં એક કિલોમિટર ઊંડે મીઠાની ગુફાઓમાં કરોડો લિટર ક્રૂડઑઇલ અમેરિકાએ સંગ્રહી રાખ્યું છે.
કટોકટીના સમયે કામ લાગે તે માટે આ રીતે કરોડો બેરલ ક્રૂડ સાચવીને રાખવામાં આવે છે. ખનીજ તેલની આ કોઈ નવી શોધ નથી કે તેલના નવા કૂવા કે શારકામની વાત નથી.
ક્રૂડને જમીનમાં નીચે ગુફાઓમાં વરસોવરસ ભરીને તેને સાચવી રાખવામાં આવે છે.
આ છે અમેરિકાનું સ્ટ્રૅટેજિક પેટ્રોલિયમ રિઝર્વ. સંકટ સમયે કામ લાગે તે માટે સંગ્રહી રાખવામાં આવેલા દુનિયાના આ સૌથી મોટા જથ્થાની ઉપયોગિતા હાલના સમયમાં દેખાય છે.
ગયા રવિવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ઇતિહાસમાં ચોથી વાર, આ અનામત ક્રૂડનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાઉદી રિફાઇનરી પર હુમલાને કારણે ઊભા થયેલા ખનીજ તેલના પુરવઠાના જોખમને ટાળવા આ નિર્ણય લેવાયો છે.
તેમણે ટ્વીટ કર્યું કે "સાઉદી અરેબિયા પર હુમલાના કારણે, ઑઇલની કિંમત પર અસર થઈ શકે તેમ છે, ત્યારે મેં સ્ટ્રૅટેજિક રિઝર્વમાંથી જથ્થાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. પૂરતો પુરવઠો બજારમાં જળવાઈ રહે તેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો રહેશે."

અમેરિકા માટે અનામત જથ્થો કેટલો મહત્ત્વનો?

ઇમેજ સ્રોત, Getty Images
ગયા શનિવારે દુનિયાની સૌથી મોટી ઑઇલ કંપની અરામકોની રિફાઇનરી પર ડ્રોનથી હુમલો થયો હતો. તેના કારણે લાગેલી આગ પછી સાઉદી અરેબિયાના ખનીજ તેલનો જથ્થો અડધો થઈ ગયો છે.
દુનિયામાં વપરાતા ખનીજ તેલના 5% જેટલા જથ્થાની નિકાસ કરતા દેશમાંથી અચાનક પુરવઠો કપાઈ જતા બજારમાં હલચલ મચી ગઈ હતી.
તેના કારણે વિશ્વમાં ખનીજ તેલની કિંમતમાં 10 ટકાથી વધારેનો ઉછાળો આવ્યો હતો.
ખનીજ તેલના પુરવઠા વિશે અનિશ્ચિતતના પગલે ડૉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ડેક્સ 165 પૉઇન્ટ ઘટી ગયો હતો.
ઓપેકના દેશો તથા રશિયાએ પણ ઉત્પાદન વધારવાની જાહેરાત કરી તે છતાં ભાવો દબાશે નહીં તેવા ભયે ભાવાંક નીચે આવ્યો હતો.
આના કારણે જ ટ્રમ્પે અનામત જથ્થાનો ઉપયોગ કરવાની જાહેરાત કરી, તેને માત્ર પુરવઠો ખૂટે તે ભરી દેવાના વ્યૂહ તરીકે નહીં, પણ બજારોમાં સ્થિરતા રહે તે માટેની જાહેરાત તરીકે પણ જોવામાં આવી હતી.
સવાલ એ છે કે અમેરિકાનો આ અનામત જથ્થો કેવો છે અને અમેરિકા માટે તે કેટલો અગત્યનો છે?

દેશ અને પુરવઠો

ઇમેજ સ્રોત, Getty Images
યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કારણે આ અનામત જથ્થો રાખવાની જરૂરિયાત ઊભી થઈ હતી.
લેટિન અમેરિકા અને કેરેબિયન ઍનર્જી પ્રોગ્રામના ડિરેક્ટર તરીકે ટૅક્સાસ યુનિવર્સિટીમાં કામ કરતા જોર્જે પિનોનના જણાવ્યા અનુસાર અખાતી યુદ્ધના પગલે અનામત જથ્થો રાખવાનો નિર્ણય લેવાયો હતો.
1973માં પર્શિયન વૉરના કારણે અમેરિકાને મળતા ખનીજ તેલનો પુરવઠો લગભગ અટકી ગયો હતો.
પિનોન યાદ કરતા કહે છે, "એવું થયું હતું કે અમેરિકા તથા અન્ય દેશોએ ઇઝરાયલને ટેકો આપ્યો હતો. તેથી આરબ દેશોએ પશ્ચિમના દેશોમાં જતો ખનીજ તેલનો પુરવઠો અટકાવી દીધો હતો. આ કારણે નાજુક સ્થિતિ ઊભી થઈ હતી, કેમ કે અમેરિકા આયાતી ઑઇલ પર નિર્ભર દેશ હતો."
ઑક્ટોબર 1973માં સીરિયા અને ઇજિપ્તે સાથે મળીને ઇઝરાયલ સામે યોમ કિપ્પુર તરીકે ઓળખાતું યુદ્ધ આદર્યું હતું. તે યુદ્ધમાં યહૂદીઓને અમેરિકા તથા નેધરલૅન્ડ જેવા અન્ય દેશોનો ટેકો મળ્યો હતો.
તેની સામે આરબ દેશોએ પશ્ચિમને થતી ખનીજ તેલની નિકાસ અટકાવી દેવાનું નક્કી કર્યું હતું.

જ્યારે ખનીજ તેલના પુરવઠાનું સંકટ સર્જાયું

ઇમેજ સ્રોત, Getty Images
યુદ્ધ તો માત્ર ત્રણ જ અઠવાડિયાં ચાલ્યું હતું, પણ નિકાસબંધી માર્ચ 1974 સુધી ચાલતી રહી હતી અને તેના કારણે દુનિયાભરમાં ખનીજ તેલના ભાવો ભડકે બળવા લાગ્યા હતા.
એક બેરલના 3 ડૉલરનો ભાવ હતો, તે વધીને 12 ડૉલર સુધી પહોંચી ગયો હતો.
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ખનીજ તેલના પુરવઠાનું તે પ્રથમ વ્યાપક સંકટ હતું.
વૈશ્વિક અર્થતંત્રની માઠી બેઠી હતી અને અમેરિકા પણ તેમાંથી બાકાત રહી શક્યું નહોતું.
બીજા વિશ્વ યુદ્ધ વખતે હતી તેવી સ્થિતિ ઊભી થઈ હતી. લોકોએ પેટ્રોલપંપ પર લાઈનો લગાવવી પડી હતી.
સસ્તા ખનીજ તેલના આધારે ચાલતા અમેરિકન ઉદ્યોગો સામે જોખમ ઊભું થયું હતું.
ઘણાં વર્ષો સુધી તેની અસર રહી હતી અને તે પછી 1975માં ક્રિસમસના ત્રણ દિવસ પહેલાં તે માટેનો ઉપાય જાહેર કરાયો હતો.
તે વખતના પ્રમુખ જેરાર્ડ ફોર્ડે આખરે ખનીજ તેલનો અનામત જથ્થો ઊભો કરવાના નવા કાયદા પર સહી કરી હતી.
આ રીતે વ્યૂહાત્મક અનામત જથ્થો રાખવાની શરૂઆત થઈ હતી. તેને અગત્યનો ગણીને તેમાંથી ખનીજ તેલનો ઉપયોગ કરવાની મંજૂરી માત્ર પ્રમુખ જ આપી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી.

ગલ્ફ ઑફ મેક્સિસોમાં અનામત સંગ્રહ

ઇમેજ સ્રોત, Getty Images
પિનોનના જણાવ્યા અનુસાર ગલ્ફ ઑફ મેક્સિકોમાં ચાર જગ્યાએ અનામત જથ્થાનો સંગ્રહ કરવાનું નક્કી થયું હતું. ચારેય જગ્યા અગત્યનાં પેટ્રોકેમિકલ અને રિફાઇનરી સંકુલોની નજીક હતી.
ટેક્સાસમાં ફ્રીપોર્ટ અને વિન્ની નજીક તથા લેક ચાર્લ્સની પાસે અને લુઇઝિયાનામાં બેટન રોજ પાસે સંગ્રહસ્થાનો ઊભાં કરાયાં હતાં.
તે એક પ્રકારની કૃત્રિમ ગુફાઓ છે. જમીનની નીચે મીઠાના ડોમ બનાવીને તે તૈયાર કરાયા છે.
સમુદ્ર તળિયાની નીચે 500થી 1000 મીટર નીચે વિશાળ ગુફાઓનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.
ટૅન્કોમાં ભરીને જમીન પર રાખવું તે કરતાં આ રીતે જમીનની નીચે રાખવું વધારે સલામત અને સસ્તું પડે છે. મીઠાની પરતને કારણે તથા પ્રેશરને કારણે ઑઇલ લિક પણ થતું નથી.
દરેક ગુફા લગભગ 60 મીટરના ડાયામીટરની હોય છે અને તેમાં 60 લાખથી 3.7 કરોડ બેરલ સુધીના ઑઇલનો સંગ્રહ થઈ શકે છે.
અમેરિકાના ઊર્જા વિભાગના આંકડા અનુસાર આ સંગ્રહમાં હાલ 64.5 કરોડ બેરલ ઑઇલ છે. જોકે કુલ સંગ્રહ કરવાની ક્ષમતા 71.35 કરોડ બેરલ સુધીની છે.
સરકારી આંકડા અનુસાર 2018ના વર્ષમાં અમેરિકામાં રોજ 2.05 કરોડ બેરલ ઑઇલનો વપરાશ થતો હતો. તેનો અર્થ એ થયો કે આ સંગ્રહથી દેશની 31 દિવસની જરૂરિયાત પૂરી થઈ શકે.
જોકે પ્રમુખ અનામત જથ્થાના ઉપયોગની મંજૂરી આપે, તે પછી તેને દરિયાના તળે ગુફાઓમાંથી કાઢીને બજાર સુધી મોકલવામાં 13 અઠવાડિયાં સુધીનો સમય લાગી શકે છે.

અનામત જથ્થો કેટલો ઉપયોગી?

ઇમેજ સ્રોત, Getty Images
અત્યાર સુધીમાં અમેરિકાના પ્રમુખ તરફથી અનામત જથ્થાનો ઉપયોગ કરવાની મંજૂરી અપવાદ કિસ્સામાં જ આપવામાં આવી છે.
છેલ્લે 2011માં આરબ સ્પ્રિંગ બળવા વખતે ઇન્ટરનેશનલ ઍનર્જી એજન્સીના સભ્ય દેશોએ વૈશ્વિક પુરવઠો જાળવી રાખવા માટે કુલ 6 કરોડ બેરલ જથ્થો મુક્ત કર્યો હતો.
તે પહેલાં 2005માં કેટરિના વાવાઝોડું આવ્યું અને ગલ્ફ ઑફ મેક્સિકો સહિતના ખનીજ તેલનાં કેન્દ્રોને ભારે નુકસાન થયું ત્યારે પણ અનામત જથ્થાના ઉપયોગની મંજૂરી અપાઈ હતી.
સૌપ્રથમ વાર અનામત જથ્થાનો ઉપયોગ કરવાની નોબત 1991માં આવી હતી. તે વખતે અમેરિકાએ ઑપરેશન ડેઝર્ટ સ્ટ્રોમ હેઠળ ઇરાક પર હુમલો કર્યો હતો.
જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાનું ખનીજ તેલનું ઉત્પાદન વધી રહ્યું છે ત્યારે આવો વિશાળ અનામત જથ્થો રાખવા જરૂરી છે ખરો તેની ચર્ચા પણ થવા લાગી છે.
પિનોન કહે છે, "હાલમાં અમેરિકા સૌથી વધુ ખનીજ તેલનું ઉત્પાદન કરે છે. આપણે રોજના 1.2 કરોડ બેરલ ક્રૂડનું ઉત્પાદન કરીએ છીએ."
"તેની સામે રશિયા 1.1 કરોડ અને સાઉદી અરેબિયા 1 કરોડ બેરલનું ઉત્પાદન કરે છે. તેના કારણે એવો સવાલ થઈ રહ્યો છે કે અનામત જથ્થો રાખવાની જરૂર છે ખરી."
2014માં ગવર્મેન્ટ રિસ્પોન્સિબિલિટી ઓફિસે અહેવાલ આપ્યો હતો કે તેલના ભાવોને કાબૂમાં લેવા જથ્થો મુક્ત કરવો જોઈએ. 2017માં ટ્રમ્પ વહીવટી તંત્રે પણ ફેડરલ ડેફિસિટને ઘટાડવા માટે અડધા જથ્થાને વેચી દેવાનો વિચાર કર્યો હતો.
જોકે આખરે એવો કોઈ નિર્ણય લેવાયો નહોતો. તેનું કારણ એ છે કે આજેય અમેરિકાએ મોટા પ્રમાણમાં ખનીજ તેલની આયાત કરવી પડે છે. રોજની સરેરાશ 90 લાખ બેરલની.
પિનોન કહે છે, "સવાલ એ છે કે પોતાના ઉપયોગનું ઘણું ઑઇલ અમેરિકા જાતે ઉત્પાદિત કરી રહ્યું છે, આમ છતાં મોટા પાયે આયાત પણ કરવી પડે છે."
"તેના કારણે હજીય જોખમનો વિચાર કરવો જરૂરી છે. કેટલાંક જોખમ એવાં છે જેની કલ્પનાય ના થઈ શકે, જેમ કે ડ્રોનથી હુમલો થયો તે કલ્પના બહારનો જ છે અને નવું જોખમ છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














