મિખાઇલ ગોર્બાચોફ : અમેરિકાની મહાસત્તાને પડકારનારો વિશ્વનો સૌથી મોટો દેશ કેમ તૂટી ગયો?
પૂર્વ સોવિયેટ સંઘના અંતિમ નેતા મિખાઇલ ગોર્બાચોફનું નિધન થયું છે. તેઓ 1985થી 1991 સુધી સોવિયેટ સંઘની સત્તામાં હતા.
મિખાઇલ ગોર્બાચોફ 1985માં યુનિયન ઑફ સોવિયેટ સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ (યુએસએસઆર)ના રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેમણે વિશ્વ માટે પોતાનો દેશ ખુલ્લો મૂકી દીધો હતો.
ગોર્બાચોફે પોતાના સમયમાં 'ગ્લાસનોસ્ત' એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને 'પેરેસ્ત્રોઇકા' એટલે કે પુનર્ગઠનના નામે સોવિયેટ સમાજવ્યવસ્થામાં સુધારા કર્યા હતા.
'ગ્લાસનોસ્ત'ની નીતિ બાદ સોવિયેટ સંઘમાં લોકોને સરકારની ટીકા કરવાનો અધિકાર મળ્યો હતો. આ એક એવી બાબત હતી જેની ત્યાંના લોકોએ અગાઉ ક્યારેય કલ્પના પણ કરી નહોતી.
જોકે, આ સુધારાઓને કારણે જ સોવિયેટ સંઘનું વિઘટન થયું હતું. પોતાના તમામ પ્રયત્નો બાદ પણ તેઓ વિઘટન રોકી શક્યા નહોતા.
ત્યારે અહીં પ્રસ્તુત છે, સોવિયેટ સંઘના વિઘટનની કહાણી.

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને દાયકાઓ સુધી માત્ર એક જ દેશ પડકારવાની તાકાત ધરાવતો હતો, પણ એનું અસ્તિત્વ 25 ડિસેમ્બર 1991એ દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું.
એ દિવસે સોવિયેટ સંઘના તત્કાલીન રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવે ક્રેમલિનમાંથી દેશને સંબોધન કરતાં કહેલું, "સોવિયેટ સંઘના રાષ્ટ્રપતિ તરીકે હું મારું કામ બંધ કરી રહ્યો છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સંક્ષિપ્તમાં : સોવિયેટ સંઘનું પતન કેવી રીતે થયું?

સોવિયેટ સંઘ દાયકાઓ સુધી અમેરિકાને પડકારી શકે તેવો માત્ર એક દેશ હતો જોકે, તત્કાલીન રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવની નીતિઓના કારણે સંઘ વિઘટન તરફ વધ્યો હતો.
મિખાઇલ ગોર્બાચોફ 1985માં યુનિયન ઑફ સોવિયેટ સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ (યુએસએસઆર)ના રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેમણે વિશ્વ માટે પોતાનો દેશ ખુલ્લો મૂકી દીધો હતો.
ઑગસ્ટ 1991માં સત્તાપલટાના પ્રયાસ બાદથી એ સ્પષ્ટ હતું કે સંઘનું વિઘટન થશે. 12 સોવિયેટ દેશોમાંથી આઠે 'અલ્મા-અતા પ્રોટોકૉલ' પર સહી કરીને રાષ્ટ્રમંડળમાં ભળી ગયા હતા અને ગોર્બાચોવના રાજીનામા બાદ સોવિયેટ સંઘના લાલ ઝંડાની જગ્યાએ રશિયન સંઘનો ધ્વજ ફરકાવાયો હતો.
મિખાઇલ ગોર્બાચોવના રાજીનામા સાથે શીતયુદ્ધ અને કૉમ્યુનિસ્ટ શક્તિ પૂરાં થઈ ગયાં હોવાનો દાવો કરાયો હતો.
આ સાથે જ વિશ્વનો સૌથી મોટો કૉમ્યુનિસ્ટ દેશના વિઘટન પામ્યો હતો 15 સ્વતંત્ર ગણરાજ્યો જન્મ્યા હતાં. વાંચો આ ઇતિહાસની આ ભારે મહત્ત્વની ઘટના અંગે

એમનું આ ભાષણ આખી દુનિયાએ સાંભળ્યું. ઘણા બધા લોકો માટે એ જ ક્ષણથી શીતયુદ્ધ અને એક કમ્યુનિસ્ટ શક્તિ પૂરાં થઈ ગયાં હતાં. પરંતુ બીજી તરફ એવા લોકો પણ હતા જેઓ એમ માનતા હતા કે સોવિયેટ સંઘનું અસ્તિત્વ બેલાવેઝા ટ્ર્રીટીનાં અઠવાડિયાં પહેલાં જ નષ્ટ થઈ ગયું હતું.
જોકે, એ જ વર્ષના ઑગસ્ટમાં થયેલા સત્તાપલટાના પ્રયાસ પછી એક મોટો ભાગ એવું સમજી ગયો હતો કે સોવિયેટ સંઘના ગણતરીના દિવસો બાકી છે.
એ વરસની વસંતમાં જ ગોર્બાચોવ અને સંઘીય સરકારમાંના એમના સહયોગીઓ એક નવી સમજૂતી અંગે વાટાઘાટ કરતા હતા. સોવિયેટ સંઘના ઘટક દેશો સમક્ષ એક વધારે પરિવર્તનક્ષમ (ફ્લેક્સિબલ) સંઘનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. તેઓ માનતા હતા કે સોવિયેટ સંઘને બચાવી-જાળવી રાખવાનો આ જ આખરી માર્ગ બાકી બચ્યો છે.

ઑગસ્ટ 1991માં સત્તાપલટાની કોશિશ

ઇમેજ સ્રોત, Getty Images
'મૉસ્કો, 25 ડિસેમ્બર 1991: ધ લાસ્ટ ડે ઑફ ધ સોવિયેટ યુનિયન'ના લેખક કોનોર ઓક્લેરીએ બીબીસીને જણાવ્યું કે, "તેઓ એક રીતે સંઘને ચાલુ રાખવા માગતા હતા પરંતુ સમય વીતવા સાથે ઘટક દેશોના નેતાઓ માટે એ વિચાર આકર્ષક નહોતો રહ્યો, ખાસ કરીને બોરિસ યેલ્તસિનને એ ગમતો નહોતો."
કટ્ટરપંથી કમ્યુનિસ્ટો, આર્મી અને જાસૂસી સંસ્થા કેજીબીએ પણ આ પ્રસ્તાવને રદ કરી દીધો હતો. મિખાઇલ ગોર્બાચોવને એમના ક્રિમિયાના ઘરમાં નજરબંધ કરી દેવાયા હતા. એ ઘરમાં તેઓ પોતાનું વૅકેશન માણતા હતા.
પરંતુ સત્તાપલટાની એ કાર્યવાહી સુનિયોજિત નહોતી, અને મૉસ્કોમાં બોરિસ યેલ્તસિનની આગેવાનીમાં સામાન્ય નાગરિકોના પ્રદર્શન પછી નિષ્ફળ ગઈ. બોરિસ યેલ્તસિન મિખાઇલ ગોર્બાચોવના સહયોગી પણ હતા અને ટીકાકાર પણ.
સત્તાપલટો કરવાનો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો, પરંતુ એનું પરિણામ એ આવ્યું કે મિખાઇલ ગોર્બાચોવનો પ્રભાવ ઓસરી ગયો અને બોરિસ યેલ્તસિન રશિયનો માટે વધારે સ્વીકાર્ય નેતા બનીને ઊભર્યા.
સોવિયેટ સંઘની બાબતોના જાણકાર પ્રોફેસર વ્લાદિસ્લાવ ઝુબોકે જણાવ્યું કે, "ન્યૂ યુનિયન ટ્રીટી પર 20 ઑગસ્ટે સહીઓ કરી દેવાય એવી ગોર્બાચોવની યોજના હતી, પણ સૈન્ય અને કેજીબી માનતાં હતાં કે એવું કરવાથી એક રાષ્ટ્ર તરીકે સોવિયેટ સંઘ બરબાદ થઈ જશે; અને હું આ વાત સાથે સંમત છું."

ન્યૂ યુનિયન ટ્રીટી

ઇમેજ સ્રોત, Getty Images
સોવિયેટ સંઘના ઇતિહાસ પર લખાયેલા પુસ્તક 'અ ફેલ્ડ ઍમ્પાયરઃ ધ સોવિયેટ સંઘ ઇન ધ કોલ્ડ વૉર ફ્રૉમ સ્ટાલિન ટૂ ગોર્બાચોવ'ના લેખક પ્રોફેસર વ્લાદિસ્લાવ ઝુબોક યાદ કરતાં જણાવે છે કે, "સત્તાપલટાની કોશિશ ચોંકાવનારી ઘટના હતી, કેમ કે, એ વખતે દરેક જણ રજાઓ માણતા હતા. લોકોને આશા તો હતી જ કે આવું કશુંક થઈ શકે છે પણ એ ઑગસ્ટમાં જ બનશે એવું કોઈએ વિચારેલું નહીં."
પ્રોફેસર વ્લાદિસ્લાવ ઝુબોક સોવિયેટ સંઘના સમયમાં મૉસ્કોમાં રહી ચૂક્યા છે. એમનું કહેવું છે કે સામાન્ય લોકો વિશ્વાસપૂર્વક માને છે કે સોવિયેટ સંઘના ઇતિહાસમાં 25 ડિસેમ્બરની તારીખ એક મહત્ત્વનો પડાવ હતો.
"પણ હું એમાં સંમત નથી. જ્યારે ગોર્બાચોવે રાજીનામું આપ્યું ત્યારે એમની પાસે કોઈ સત્તા નહોતી. એમનું ભાષણ માત્ર ટીવી પર દેખાડાયેલા કોઈ શો જેવું હતું."
સત્તાપલટાના પ્રયાસમાં જોડાયેલા લોકોએ ઑગસ્ટમાં જ ન્યૂ યુનિયન ટ્રીટીને વાસ્તવમાં પરિણમતી અટકાવી દીધી હતી પરંતુ તેઓ સોવિયેટ સંઘના વિઘટનને રોકી ન શક્યા. એની પટકથા ઘણાં વરસોથી લખાતી હતી અને સાચું તો એ છે કે એમણે એને વધારે ઝડપી કરી હતી.
સત્તાપલટાના પ્રયાસ પછી ઘણા લોકોને એમ થયું કે સોવિયેટ સંઘનો અંત નજીક આવી ગયો છે, પરંતુ ગોર્બાચોવ સહિત કેટલાક લોકો એમ માનતા હતા કે સાર્વભૌમ રાષ્ટ્રોના એક નવા પ્રકારના સંઘ દ્વારા સોવિયેટ સંઘને બચાવી શકાય એમ હતો.

બેલાવેઝા સમજૂતી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર વ્લાદિસ્લાવ ઝુબોકે જણાવ્યું કે, "લાખો લોકોને સોવિયેટ સંઘનો વિચાર પસંદ હતો. એ તેવા લોકો હતા જેમને એક મોટા દેશમાં રહેવાની આદત હતી. એમને આશા હતી કે કોઈ નવા નામે કે બીજા શાસન હેઠળ કદાચ એ ટકી રહેશે."
પરંતુ બોરિસ યેલ્તસિનની કંઈક બીજી જ યોજના હતી.
8 ડિસેમ્બર 1991એ રશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિને સોવિયેટ સંઘના 15 ઘટક દેશોમાંથી ત્રણ નેતાઓ સાથે મુલાકાત યોજી. યેલ્તસિનને મળનારાઓમાં યુક્રેનના તત્કાલીન રાષ્ટ્રપતિ લિયોનિડ એમ ક્રાવચુક, બેલારશિયાના નેતા સ્તાનિસ્લાવ શુશ્કેવિચ સામેલ હતા. એમણે એક સંયુક્ત નિવેદન પ્રસારિત કર્યું જેને બેલાવેઝા સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે.
આ સમજૂતી અનુસાર, સોવિયેટ સંઘનું વિઘટન થવાનું હતું અને એની જગ્યાએ સ્વતંત્ર દેશોનું એક રાષ્ટ્રમંડળ રચાવાનું હતું, જેમાં પૂર્વ સોવિયેટ સંઘના ઘટક દેશોનો સમાવેશ પણ કરવાનો હતો.
પત્રકાર કોનોર ઓક્લેરી આ ઘટનાને સોવિયેટ સંઘના અંતનું છેલ્લું પગથિયું માને છે. તેમણે જણાવ્યું કે, "ત્યાંથી પાછા ફરવાના બધા માર્ગો બંધ થઈ ગયા. ગોર્બાચોવે એ સ્વીકાર્યું નહીં અને ત્યાર પછીનાં બે-ત્રણ અઠવાડિયાં સુધી તેઓ એ વાત ભારપૂર્વક કરતા રહ્યા કે કોઈ ને કોઈ સ્વરૂપે એક સંઘ બનાવી રાખવો છે, જેના રાષ્ટ્રપતિ તેઓ પોતે રહેશે."

અલ્મા-અતા પ્રોટોકૉલ

ઇમેજ સ્રોત, Getty Images
21 ડિસેમ્બરે 12 સોવિયેટદેશોમાંના 8 દેશ અલ્મા-અતા પ્રોટોકૉલ પર સહી કરીને એ રાષ્ટ્રમંડળમાં ભળી ગયા. ત્યાર પછી સોવિયેટ સંઘ ટકી જવાની રહીસહી સંભાવના પણ પૂરી થઈ ગઈ.
કોનોર ઓક્લેરીના મતે એ એવી ક્ષણ હતી કે જેના પછી ગોર્બાચોવને એ અહેસાસ થઈ ગયો કે એમનો સમય સમાપ્ત થઈ ગયો હતો અને પોતાના રાજીનામાની 25 ડિસેમ્બરના ભાષણમાં જાહેરાત કરવાનો નિર્ણય કર્યો.
"બોરિસ યેલ્તસિને એમને થોડાક સમય માટે ક્રેમલિનની સત્તા પર રહેવાની મંજૂરી આપી અને 31 ડિસેમ્બરે ક્રેમલિન પરથી લાલ ઝંડો ઉતારવા પર સહમત સધાયો."
પ્રોફેસર વ્લાદિસ્લાવ ઝુબોક ભારપૂર્વક જણાવે છે કે, અલ્મ-અતા પ્રોટોકૉલ પર કરાયેલી સહીઓ સોવિયેટ સંઘના બંધારણના દાયરા બહારની હતી. "એમને એવો કોઈ અધિકાર નહોતો કે તેઓ સોવિયેટ સંઘનું વિઘટન કરી શકે. પરંતુ તેઓ એમ કરવામાં સફળ થયા. એમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી."
"ત્યાં સુધીમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે સંઘી સરકાર સંપૂર્ણપણે પાંગળી બની ગઈ છે, પરંતુ સૈન્યની ગોર્બાચોવ માટેની વફાદારી યેલ્તસિન તરફ વળી ગઈ હતી."

ક્રેમલિન પર યેલ્તસિનનું નિયંત્રણ

ઇમેજ સ્રોત, Getty Images
ક્રેમલિનમાં ત્યાર પછીના દિવસો શાંતિપૂર્ણ રીતે વીતતા હતા. રાજીનામાના એલાનના દિવસ સુધી સત્તાની ગલીઓમાં ખાસ કશી ગુસપુસ થતી નહોતી.
25 ડિસેમ્બરે પણ ક્રેમલિનમાં શાંતિ પથરાયેલી હતી. રાષ્ટ્રપતિ ભવન પર પૂર્ણપણે યેલ્તસિનનું નિયંત્રણ હતું. યેલ્તસિનના વફાદાર રેજિમેન્ટને ક્રેમલિનની સુરક્ષાની જવાબદારી સોંપી દેવાઈ હતી અને ગોર્બાચોવ પોતાની ઑફિસ અને કેટલાક ઓરડાને સમેટી રહ્યા હતા.
એ ઓરડામાં ન્યૂઝ ચૅનલ સીએનએન અને એબીસીના પત્રકારો રાજીનામાના પ્રસારણની તૈયારી કરતા હતા.
પત્રકાર કોનોર ઓક્લેરીએ જણાવ્યું કે ભાષણ પહેલાં તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન જૉન મેજર સાથે ગોર્બાચોવની ફોન પર વાત થઈ. આ વાતચીત પછી તેઓ ઉદાસ જણાતા હતા. એમણે ક્રેમલિનના એક રૂમમાં જઈને એકાંતમાં થોડી વાર આરામ કર્યો.
"તેઓ ખૂબ ભાવુક થઈ ગયા હતા. એમણે દારૂના એકબે પેગ પીધા. એમના સહયોગી એલેક્ઝાન્ડર યાકોવલેવે એમને એમના રૂમમાં રોતા જોયા. કદાચ એ ગોર્બાચોવની જિંદગીની સૌથી ઉદાસ કરી દેનારી ક્ષણ હશે. પરંતુ તેઓ ઝડપથી એમાંથી મુક્ત થયા અને ભાષણ આપવા માટે પોતાના મન પર કાબૂ મેળવી લીધો."

'હવે આપણે એક નવી દુનિયામાં રહીએ છીએ'

ઇમેજ સ્રોત, Getty Images
નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર સોવિયેટ સંઘના છેલ્લા નેતા મિખાઇલ ગોર્બાચોવનું ભાષણ સ્થાનિક સમય અનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થયું અને એ દસ મિનિટ ચાલ્યું. ગોર્બાચોવે એ દેશના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું કે જેનું અસ્તિત્વ કદાચ ત્યાં સુધીમાં તો નષ્ટ થઈ ચૂક્યું હતું.
પોતાના નિર્ણયને યોગ્ય ગણાવતાં ગોર્બાચોવે કહેલું, "હવે આપણે એક નવી દુનિયામાં રહીએ છીએ."
પ્રોફેસર વ્લાદિસ્લાવ ઝુબોકે જણાવ્યું કે એ દિવસનું ગોર્બાચોવનું ભાષણ ટીવી માટેનું નહોતું. સીએનએનએ એ ભાષણનો અનુવાદ કર્યો અને આખી દુનિયામાં એનું પ્રસારણ કર્યું.
જાણકારોનો મત છે કે ગોર્બાચોવના શબ્દો બહારની દુનિયા માટે વધારે મહત્ત્વના હતા. એમની પ્રસિદ્ધિ સોવિયેટ સંઘ કરતાં વધારે તો બાકીની દુનિયામાં હતી.
ઝુબોકે જણાવ્યું કે, "સોવિયેટ ટેલિવિઝન પર એમનું ભાષણ ખૂબ ટૂંકું રહ્યું. ત્યાં સુધીમાં તેઓ સોવિયેટ સંઘમાં અણગમતા થઈ ગયા હતા. કોઈને એ વાતમાં રસ નહોતો કે એમણે શું કહ્યું. દરેક માણસ ત્યાં સુધીમાં સમજી ગયા હતા કે સોવિયેટ સંઘ વિખેરાઈ ગયો છે."

ગોર્બાચોવનું ભાષણ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર વ્લાદિસ્લાવ ઝુબોક એવું માને છે કે ગોર્બાચોવનું ભાષણ અતિ ગરિમાપૂર્ણ હતું. પરંતુ ભાષણ પછી સત્તાની ગલીઓમાં એમની સમકક્ષના લોકોમાં એક પ્રકારની અસંતોષની લાગણી જોવા મળી.
"ગોર્બાચોવ પોતાની નિષ્ફળતાઓ અંગે ચૂપ રહ્યા. એમણે એ વાતે કશું ન કહ્યું કે આર્થિક પાયમાલીની સ્થિતિ કઈ રીતે ઊભી થઈ. યેલ્તસિનની સામે તેઓ નૈતિકતાના ઊંચા શિખર પર બેઠેલા દેખાવા માગતા હતા અને આ જ કારણ હતું કે યેલ્તસિને એમના ભાષણ પછી એમને મળવાનો ઇનકાર કરી દીધો હતો."
પત્રકાર કોનોર ઓક્લેરીનું કહેવું છે કે ગોર્બાચોવ પોતાના ભાષણમાં યેલ્તસિનની થોડીક સરાહના કરી શક્યા હોત.
"યેલ્તસિને સત્તાપલટાના પ્રયાસો બાદ એમને બચાવ્યા હતા. જો યેલ્તસિન ન હોત તો ગોર્બાચોવને જરૂર જેલમાં જવું પડત અથવા એનાથી પણ વધારે કશુંક ખરાબ થાત."
કોનોર ઓક્લેરીએ જણાવ્યું કે ગોર્બાચોવે જ્યારે પોતાના ભાષણમાં યેલ્તસિનનો ઉલ્લેખ સુધ્ધાં ના કર્યો તો એ કારણે યેલ્તસિન ગુસ્સાથી અકળાઈ ગયા. એમણે ક્રેમલિન પરથી તરત જ લાલ ઝંડો હઠાવી દેવાનો હુકમ કર્યો. વાસ્તવમાં એવું નક્કી કરાયેલું કે વર્ષના અંત સુધી લાલ ઝંડો એમ જ રહેશે.

બોરિસ યેલ્તસિનની નારાજગી

ઇમેજ સ્રોત, Getty Images
યેલ્તસિને એ રાત્રે એક બીજો હુકમ પણ કર્યો કે ગોર્બાચોવ અને એમનાં પત્નીનો અંગત સામાન રાષ્ટ્રપતિ ભવનના પરિસરની બહાર મૂકી દેવાય. ખરેખર તો, પહેલાં એમણે એમ કહેલું કે ગોર્બાચોવ થોડા દિવસ માટે રાષ્ટ્રપતિ ભવનમાં રહી શકે છે.
એ ભાષણ પછી ક્યારેય ગોર્બાચોવ અને યેલ્તસિન એકબીજાની સામે નથી આવ્યા. રશિયામાં ગોર્બાચોવ માટેનો અણગમો એટલો બધો હતો કે ક્રેમલિન પરથી લાલ ઝંડો દૂર કરતી વેળાએ મૉસ્કોના રેડ સ્ક્વૅર પર ભૂતાવળ પથરાઈ હતી.
એ જ સાંજે 7:32 મિનિટે સોવિયેટ સંઘના લાલ ઝંડાની જગ્યાએ રશિયાના પહેલા રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિનના નેતૃત્વમાં રશિયન સંઘનો ધ્વજ ફરકાવાયો હતો.
અને એ ક્ષણથી જ દુનિયાના સૌથી મોટા કૉમ્યુનિસ્ટ દેશના વિઘટનની સાથે 15 સ્વતંત્ર ગણરાજ્યો- આર્મેનિયા, અઝરબૈજાન, બેલારૂશ, ઇસ્ટોનિયા, જૉર્જિયા, કઝાખસ્તાન, કાર્ગિસ્તાન, લાતિવા, લિથુઆનિયા, માલદોવા, રશિયા, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, યુક્રેન અને ઉઝ્બેકિસ્તાનનો ઉદય થયો.
અને ત્યાં, દુનિયાના બીજા છેડા પરનું અમેરિકા પણ વિશ્વની એકમાત્ર મહાશક્તિના મુકામ પર પહોંચી ગયું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













