રશિયા : પુતિનને પડકાર ફેંકનારાં આ મહિલાઓ કોણ છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, લૉરેંસ પીટર અને એડમ રૉબિનસન
- પદ, બીબીસી ન્યૂઝ
પુરુષપ્રધાન રશિયાના રાજકારણમાં વિપક્ષના નેતા ઍલેક્સી નવેલની સાથે ઘણાં મહિલાઓ પણ ઊભાં છે. આ વાતને એક બદલાવના સ્વરૂપે જોવામાં આવી રહી છે.
પોલીસ કાર્યવાહી છતાં આ મહિલાઓ નવેલનીની ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.
નવેલની ઍન્ટિ કરપ્શન ફાઉન્ડેશન (FBK)ના બૅનર હેઠળ સપ્ટેમ્બરમાં થનારી સંસદીય ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે અને તેમાં ઘણાં મહિલાઓ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પુરુષોના પ્રભુત્વવાળી રશિયાની સંસદમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સમર્થકોનો દબદબો છે. રશિયાની સંસદના નીચલા ગૃહ ડ્યૂમામાં માત્ર 16 ટકા મહિલાઓ છે જ્યારે ઉપલા ગૃહ ફેડરલ કાઉન્સિલમાં 17 ટકા મહિલાઓ છે.
નવેલનીની ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં લૅયોનેડ વૉલ્કોવ અને ઍન્ટિ કરપ્શન ફાઉન્ડેશનના નિદેશક ઇવાન જહદાનોવ સ્વરૂપે પુરુષ જ છે, પરંતુ ઘણાં મહિલાઓ પણ મહત્ત્વપૂર્ણ જવાબદારી ભજવી રહ્યાં છે અને રશિયામાં પરિવર્તન લાવવાની કોશિશોમાં લાગેલાં છે.

યૂલિયા નાવાલેનાયા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
યૂલિયા, ઍલેક્સી નવેલનીનાં પત્ની છે. બંનેનાં લગ્ન વર્ષ 2000માં થયાં હતાં. યૂલિયા પ્રમાણે હાલ તેમનું જીવન પોલીસ સ્ટેશન, અદાલત અને ઘરોની તલાશી સુધી સમેટાઈ ચૂકી છે.
બંનેની ઉંમર 44 વર્ષની છે. બંનેની પહેલી મુલાકાત 1998માં તુર્કીમાં રજા માણતી વખતે થઈ હતી. બંને મૉસ્કોના એક ફ્લૅટમાં રહ્યાં હતાં. લગ્ન બાદ મોટા ભાગનો સમય યૂલિયાએ ઘરેલુ મહિલા તરીકે વીતાવ્યો છે, આ દરમિયાન તેમનું ધ્યાન દીકરી ડારયા અને દીકરા ઝાખરના લાલનપાલન પર હતું. દીકરી અત્યારે અમેરિકામાં અભ્યાસ કરે છે.
યૂલિયા આ પહેલાં મૉસ્કો યુનિવર્સિટીથી ઇન્ટરનૅશનલ રિલૅશનમાં અભ્યાસ કર્યા બાદ એક બૅંકમાં કામ કરી ચૂક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના વિશે કહેવાઈ રહ્યું છે કે સરકારી નિગરાણી અને મીડિયા સ્પૉટલાઇટથી દૂર હાલ તેઓ જર્મનીમાં છે.
યૂલિયા બે ફેબ્રુઆરીના રોજ અદાલતમાં લાલ રંગનું ટૉપ પહેરીને પહોંચ્યાં હતાં, આ દિવસે તેમના પતિને બે વર્ષ અને આઠ મહિનાની કેદની સજા કરવામાં આવી હતી.
યૂલિયાના સમર્થનમાં રશિયાની મહિલાઓએ લાલ રંગનાં કપડાં પહેરીને તસવીરો લઈને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ ચલણ ફૅશન પત્રકાર કાત્યા ફેડોરોવાએ શરૂ કર્યું હતું.
આ તસવીરોવાળી પોસ્ટમાં મહિલાઓએ નવેલનીના એ કથનને હૅશટૅગ બનાવ્યું જે એ દિવસે તેમણે યૂલિયા માટે કર્યું હતું. તેમણે કહ્યું હતું, "ઉદાસ ન થશો, બધું ઠીક થઈ જશે."
નવેલનીને ગત વર્ષે ઑગસ્ટમાં નર્વ એજન્ટોએ ઝેર દીધું હતું અને આ હુમલાનો આરોપ રશિયાની સરકાર પર લાગ્યો પરંતુ સરકારે આ ઘટના સાથે કોઈ જ લેવાદેવા ન હોવાની વાત કરી.
જોકે આ ઘટના બાદ યૂલિયાની રાજકીય ભૂમિકા વધી ગઈ છે. 31 જાન્યુઆરીના રોજ પતિના સમર્થનમાં થઈ રહેલા વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા માટે યૂલિયાને 20 હજાર રૂબલ એટલે કે લગભગ 270 ડૉલર દંડ ફટકારવામાં આવ્યો હતો.
તેઓ પોતાના પતિના ભ્રષ્ટાચારવિરોધી અભિયાનનું સંપૂર્ણપણે સમર્થન કરી રહ્યાં છે.
યૂલિયાએ કહ્યું કે ગત વર્ષે ઑગસ્ટ માસમાં સર્બિયન હૉસ્પિટલમાં ઇલાજ કરાવી રહેલા ઍલેક્સીને ઍરલિફ્ટ કરીને બર્લિન લઈ જવાનો નિર્ણય તેમણે લીધો હતો. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઍલેક્સી નવેલની રશિયામાં હોત તો તેમની બીમારીનું સાચું કારણ ખબર પડી ન શક્યું હોત.
વેસ્ટર્ન ટેકનૉજિસ્ટ્સે નવેલનીને અપાયેલ ઝેરની ઓળખ નોવિચોક નર્વ એજન્ટ તરીકે કરી હતી.
નવેલનીએ યૂટ્યૂબર યૂરી ડડ સાથેની વાતચીતમાં કહ્યું કે ખરાબ સપનાથી બહાર આવવામાં યૂલિયાએ તેમની ઘણી મદદ કરી.
તેમણે કહ્યું, "હું સમજી શકું છું કે એ યૂલિયા જ હતી જે આવીને મારાં ઓશીકાં ઠીક કરતી હતી. હું હર ઘડી તેની રાહ જોતો રહેતો હતો."

લ્યૂબોવ સોબોલ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
33 વર્ષનાં વકીલ સોબોલ નવેલનીની ટીમનો સૌથી ચર્ચાસ્પદ ચહેરો છે અને આજકાલ તેઓ પોતાના જ ઘરમાં નજરબંધ છે. સોબોલ અને નવેલનીના ઘણા અન્ય સમર્થકોની કોવિડ-19 નિયમોનું કથિત ઉલ્લંઘન કરી રેલી કરવાના આરોપમાં ધરપકડ થઈ છે.
સોબોલ યૂટ્યૂબ ચૅનલ 'નવેલની લાઇવ'નું કામ સંભાળે છે, જેના પર કથિતપણે થયેલા આધિકારિક ભ્રષ્ટાચારને લાખો લોકો સામે રજૂ કરાયો હતો.
ઍક્ટિવિસ્ટ તરીકે તેમની કારકિર્દીમાં અત્યાર સુધી સૌથી મહત્ત્વપૂર્ણ વાત ઑગસ્ટ 2019માં ત્યારે બની જ્યારે તેમણે પોતાનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં અધિકારી તેમને મૉસ્કો ચૂંટણી સમિતિની ઇમારતથી સોફા સહિત બહાર કરી રહ્યા હતા.
મૉસ્કો સિટી ઍસેમ્બલી ચૂંટણીમાં કેટલાક અન્ય સ્વતંત્ર ઉમેદવારો સહિત ખુદ ચૂંટણીમાં ઊતરવાની મંજૂરી ન મળ્યા બાદ તેઓ ત્યાં એક મહિનાની ભૂખ હડતાળ પર બેઠાં હતાં.
સોબોલ હવે સપ્ટેમ્બરમાં થનારી રશિયાની સંસદીય ચૂંટણી લડવાની યોજના ઘડી રહ્યાં છે. તેમણે નવેલનીના ભ્રષ્ટાચારવિરોધી અભિયાનમાં વકીલ તરીકે 2011થી કામ શરૂ કર્યું હતું.
2014માં તેમની દીકરી મિરોસ્લાવાનો જન્મ થયો. તેમના અનુસાર તેમનાં અભિયાનોને કારણે 2016માં તેમના પતિ પર હુમલો થયો હતો. હુમલાખોરોએ તેમના પગમાં કેમિકલની સિરીંજ લગાવી દીધી હતી જે બાદ તેમના પતિ બીમારી થઈ ગયા હતા પરંતુ હવે તેઓ ઠીક થઈ ચૂક્યા છે.
સોબોલનાં ભ્રષ્ટાચારવિરોધી અભિયાનોના કારણે તેમના પર ઘણા મામલા પણ ચાલી રહ્યા છે. સોબોલ અને નવેલની પર કૅટરિંગ ટાયકૂન યેવગેને પ્રિગોહિને પણ કેસ કર્યો હતો, યેવગેનને પુતિન સાથેની નિકટતાના કારણે પુતિનના શેફ પણ કહેવામાં આવે છે.
આ મામલામાં સોબોલ અને નવેલનીને ભારે વળતર ચૂકવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

અનાસ્તાસિયા વાસિલેઇવા

ઇમેજ સ્રોત, Getty Images
અનાસ્તાસિયા વાસિલેઇવા એક ડૉક્ટર છે પરંતુ આ મહિને એક તસવીરે તેમને સેલિબ્રિટી બનાવી દીધાં.
ખરેખર, પોલીસ તેમના ફ્લૅટની તલાશી કરી રહી હતી પરંતુ આવા સમયે પણ અનાસ્તાસિયા ગભરાયા વગર પોતાના પિયાનો પર બીથોવનનું સંગીત વગાડી રહ્યાં હતાં.
36 વર્ષનાં ડૉક્ટર વાસિઇલેવા નવેલનીનો સહયોગ કરી રહેલ મેડિકલ ટ્રેડ યુનિયન એલાયન્સ ઑફ ડૉક્ટર્સનાં પ્રમુખ છે. તેઓ પોતે આંખનાં ડૉક્ટર છે. જ્યારે નવેલની પર વર્ષ 2017માં લીલા રંગ વડે હુમલો થયો હતો ત્યારે તેમણે નવેલનીનો ઇલાજ કર્યો હતો, આ હુમલામાં તેમની આંખ પર અસર થઈ હતી.
નવેલનીને સમર્થન કરનારી રેલીમાં સામેલ થવાના કારણે તેમણે નજરકેદ પણ રહેવું પડ્યું હતું.
વાસિલેઇવાનાં એક પુત્ર અને એક પુત્રી છે. મૉસ્કો ટાઇમ્સને એપ્રિલ માસમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કોરોના વાઇરસની મહામારી દરમિયાન સરકાર દ્વારા લેવાયેલાં પગલાંની ઘણી ટીકા કરી હતી.
તેમણે પોતાના સહકર્મીઓ સાથે મળીને સોશિયલ મીડિયા દ્વારા ફંડ જમા કર્યું અને તેનાથી ચિકિત્સાકર્મીઓને તત્કાલ સુરક્ષાત્મક કિટ્સ પૂરી પાડી. તેમણે અપીલ કરી હતી કે કોવિડની તપાસ માટે સારી વ્યવસ્થા હોવી જોઈએ.
તેમનાં માતા પણ આંખનાં ડૉક્ટર હતાં. અનાસ્તાસિયા પ્રમાણે તેમનાં માતાને બરખાસ્ત કરવાના હુકમે તેમને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કર્યો.
નવેલનીની કાયદાકીય ટીમની મદદથી તેમનાં માતાને બરખાસ્ત કરવાનો આ હુકમ પાછો ખેંચવામાં આવ્યો.
તેમણે જણાવ્યું, "દેશની હાલની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં હાલ શું ચાલી રહ્યું છે, એ જોયા બાદ રાજકીય ન બની શકવું મુશ્કેલ છે."

કાયરા યારમેયશ

ઇમેજ સ્રોત, Getty Images
31 વર્ષનાં કાયરા હાલ પોતાના ઘરમાં જ નજરબંધ છે. તેઓ વર્ષ 2014થી જ નવેલનીનાં પ્રવક્તા છે.
નવેલની જ્યારે પણ યાત્રા કરે છે ત્યારે કાયરા તેમના સાથે હાજર રહે છે. સાઇબેરિયામાં જ્યારે તેઓ ફ્લાઇટમાં પડી ગયા હતા ત્યારે પણ કાયરા તેમના સાથે હાજર હતાં.
કાયરાનો ઍકેડેમિક રેકૉર્ડ પણ ઘણો સારો છે.
પ્રતિભાશાળી બાળકોના એક ટીવી ટૅલેન્ટ શો જિત્યા બાદ તેમને પ્રતિષ્ઠિત મૉસ્કો ઇન્ટરનૅશનલ રિલૅશન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મળ્યો હતો. ત્યાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો.
કાયરાએ ભ્રષ્ટાચારવિરોધી પ્રદર્શનોમાં ભાગ લેવાના કારણે થયેલી ધરપકડ બાદ એક યુવા મહિલાના જેલના અનુભવો પર 'ઇનક્રેડિબલ ઇન્સિડેન્ટ્સ ઇન વીમેન્સ સેલ નંબર 3' નામથી એક નવલકથા લખી છે. તેઓ નવેલનીની યૂટ્યૂબ ચૅનલ પર ઘણા વીડિયો હોસ્ટ કરી ચૂક્યાં છે.

ઑલ્ગા મિખાઇલોવા

ઇમેજ સ્રોત, Getty Images
વ્યવસાયે વકીલ ઑલ્ગા ઘણા સમયથી અદાલતમાં નવેલનીનો બચાવ કરતાં આવ્યાં છે.
ઑલ્ગાએ જ વર્ષ 2017માં યુરોપિયાન માનવાધિકાર અદાલતમાં જીત હાંસલ કરી હતી જે બાદ રશિયાની અદાલતના એ નિર્ણયને અમાન્ય ઠેરવવામાં આવ્યો હતો જેમાં નવેલની અને તેમના ભાઈ ઓલેગને યોવ્સ રોચર કેસમાં દગાખોરી અને પૈસાની હેરફેરના આરોપમાં સજા સંભળાવવામાં આવી હતી.
આ સજાને માનવાધિકાર અદાલતે મનફાવે તેવી અને અનુચિત જાહેર કરી હતી. યુરોપિયન માનવાધિકાર અદાલતના નિર્ણયના કારણે રશિયાના ન્યાયતંત્ર વળતર પેટે નવેલનીને હજોર ડોલર આપવા પડ્યા હતા.
જોકે, આ વર્ષે જાન્યુઆરી માસમાં આ જ અમાન્ય ઠેરવાયેલ સજાનો ઉપયોગ નવેલનીની ધરપકડ કરવા માટે કરવામાં આવ્યો છે.
ત્યાર બાદ ઑલ્ગાએ એખો મૉસ્કોવી રેડિયોને કહ્યું કે પોલીસ સ્ટેશનમાં અદાલતી સુનાવણી એક ખતરનાક પગલું છે, કારણ કે પોલીસ અને ન્યાયતંત્રને એક બીજાથી અલગ હોવું જોઈએ. જાન્યુઆરીમાં નવેલનીના મામલામાં આવું કરવામાં આવ્યું હતું.
ઑલ્ગા યુરોપિયાન માનવાધિકાર અદાલત અને યુરોપમાં માનવાધિકારની સૌથી મોટી સંસ્થા યુરોપિયન પરિષદમાં નવેલનીની લડાઈ જારી રાખવાની યોજના બનાવી ચૂક્યાં છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
https://youtu.be/xE-KvrcO_Ng













