સાઉદી અરેબિયામાં થયેલા એ હુમલાએ ભારતની ચિંતા કેમ વધારી દીધી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુરંજના તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક સાઉદી અરેબિયાની સરકારી કંપની અરામકો પર ડ્રોન હુમલા બાદ ક્રૂડઑઇલની કિંમતમાં ઉછાળો આવ્યો છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં આ સૌથી ઝડપથી થયેલો ભાવવધારો છે અને તેના કારણે મધ્ય-પૂર્વમાં એક નવા સંઘર્ષનો ખતરો પેદા થઈ ગયો છે.
જોકે, તેની અસર હજારો કિલોમિટર દૂર સુધી પડી રહી છે.
શનિવારે 14 સપ્ટેમ્બરના રોજ અનેક ડ્રોન દ્વારા સાઉદી અરેબિયાના બકીક ઑઇલ પ્લાન્ટ અને ખુરેશ ઑઇલ પ્લાન્ટમાં હુમલો કરવામાં આવ્યો.
આ હુમલાને કારણે સાઉદી અરેબિયાના તેલના ઉત્પાદન અને દુનિયાના કુલ 5 ટકા ઑઇલના સપ્લાય પર અસર પડી છે.
યમનના હૂતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે.

ભારત પર અસર અને પેટ્રોલ-ડીઝલના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત લગભગ 83 ટકા ક્રૂડઑઇલ આયાત કરે છે. ભારત વિશ્વમાં તેલની આયાત કરતા સૌથી મોટા દેશોમાંનો એક છે.
ભારતમાં મોટે ભાગે ક્રૂડઑઇલ અને રાંધણગૅસ ઇરાક અને સાઉદી અરેબિયાથી આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના તેલના 10 ટકાથી વધારાનો હિસ્સો તે ઈરાનથી આયાત કરતું હતું.
જોકે, વર્ષની શરૂઆતમાં અમેરિકાએ પરમાણુ સમજૂતીથી અલગ થયા બાદ ભારત પર દબાણ ઊભું કર્યું કે તે ઈરાન પાસેથી ક્રૂડઑઇલ ખરીદવાનું બંધ કરે.
ભારત અમેરિકા જેવા બીજા દેશો પાસેથી પણ ઑઇલની આયાત કરે છે, પરંતુ તેની કિંમત વધારે હોય છે.
ભાજપના પ્રવક્તા અને ઊર્જા વિશેષજ્ઞ નરેન્દ્ર તનેજાનું કહેવું છે, "ભારતની બે મોટી ચિંતા છે. પ્રથમ, આપણે માનીએ છીએ કે સાઉદી અરેબિયા એક વિશ્વાસપાત્ર સપ્લાયર છે. ભારત, સાઉદી અરેબિયાને દુનિયામાં સુરક્ષિત સપ્લાયર તરીકે જુએ છે."
"જોકે, જે રીતે આ હુમલા કરવામાં આવ્યા ત્યારે એવું લાગ્યું કે સાઉદીના પ્લાન્ટ હવે પહેલાં જેવા સુરક્ષિત રહ્યા નથી. જેણે ભારત જેવા મોટા આયાતકર્તાને ચિંતામાં મૂકી દીધો છે."
"બીજું, ભારતની અર્થવ્યવસ્થા અને અહીંના લોકો કિંમતને લઈને ખૂબ જ સંવેદનશીલ છે. એટલે આજે ભાવને લઈને વધારે ચિંતા છે."
આ સિવાય ઑઇલના વૈશ્વિક બજારમાં ડ્રોન હુમલા બાદ ઑઇલની કિંમતમાં અનેક ગણો વધારો થયો છે. કુવૈત પર ઇરાકના હુમલા બાદ પ્રથમ વાર આટલા ભાવ વધ્યા છે.
છેલ્લાં 28 વર્ષમાં ઑઇલની કિંમતોમાં આટલી ઊથલપાથલ થઈ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાએ અત્યાર સુધી પૂરી રીતે હુમલાનો જવાબ આપ્યો નથી. એટલે આપણે જાણતા નથી કે સાઉદી અરેબિયાના મગજમાં શું ચાલી રહ્યું છે.
શું તેઓ સૈન્ય કાર્યવાહીથી જવાબ આપશે? જો હાં, તો આ ક્ષેત્રમાં તણાવ વધશે. જેના કારણે ઇરાક અને ઈરાન સહિતના ખાડીના દેશોમાં સપ્લાય પ્રભાવિત થશે.
આ કહાણીમાં ઘણા એવા સવાલો છે જેના જવાબ મળવાના હજી બાકી છે.
ભારતની 2/3 માગ આ ક્ષેત્રમાંથી પૂરી થાય છે અને કોઈ પણ પ્રકારનો તણાવ ભારત પર નકારાત્મક અસર પેદા કરશે.
જો તમે સૌથી ઝડપી ઊભરતી અર્થવ્યવસ્થાઓ અને તેની ક્રૂ઼ડઑઇલની આયાતની નિર્ભરતાને જુઓ- કોઈ પણ દેશ આયાત પર નિર્ભરતાના મામલામાં ભારત જેવી નબળી સ્થિતિમાં નથી.
આ તમામ ઊથલપાથલ ચોક્કસ ભારત પર અસર કરશે.

ભારતીયો માટે તેનો અર્થ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્પાદન પર કેટલો સમય અસર થશે એના પર બધો આધાર છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે પ્લાન્ટને ઠીક કરવામાં તેને કેટલાક દિવસો લાગશે.
જો વધારે સમય લાગશે તો તેનો ઑઇલની કિંમત પર વધારે અસર પડશે અને એવું પણ બની શકે કે તેનાથી ભારતની આયાતની કિંમત પણ વધી જાય.
ભારતની અર્થવ્યવસ્થા પહેલાંથી જ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને જો કિંમતો વધે તો ભારતની મુશ્કેલી પણ વધશે.
જો વિશ્વસ્તરે ક્રૂડઑઇલના ભાવ વધશે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધશે. જેનાથી ઉત્પાદન સાથે સંકળાયેલા અને ઍવિયેશન ઉદ્યોગ પર માઠી અસર થશે.
ક્રૂડઑઇલની બાયપ્રોડક્ટનો પ્લાસ્ટિક અને ટાયર જેવાં ઉત્પાદનમાં ઉપયોગ થાય છે, તેથી આ વસ્તુઓ પણ મોંઘી થશે.
ઑઇલની કિંમતની અસર ચલણ પર પણ પડે છે. જો ક્રૂડઑઇલનો ડૉલરનો ભાવ વધશે તો ભારતે એટલું જ ક્રૂડઑઇલ ખરીદવા માટે ડૉલર ખરીદવા પડશે. જેનાથી ડૉલરના મુકાબલે રૂપિયાની કિંમત ઘટશે.
આવી સ્થિતિમાં શું કરી શકાય?
કેયર લિમિટેડના પ્રમુખ અર્થશાસ્ત્રી મદન સબનવિસ કહે છે, "સરકાર અત્યારે વધારે કંઈ નહીં કરી શકે. તે આપણી પાસે રહેલા ભંડારમાંથી આપૂર્તિ કરી શકે છે. જેનાથી કદાચ એક મહિના સુધી મદદ મળી શકે છે."
"જો સંકટ લાંબું ચાલે તો સરકાર કરમાં ઘટાડો કરી શકે છે, જો કિંમત 70 ડૉલર કરતાં ઓછી રહે તો આ ઝટકાને સહન કરી શકાય એમ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













