Gangubai Kathiawadi કોણ હતાં, જેમની ભૂમિકા ફિલ્મમાં આલિયા ભટ્ટે ભજવી છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' નો નવો લૂક જાહેર કરવામાં આવ્યો છે તો સાથે જ તેની રિલીઝની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ 30 જુલાઈના રોજ રિલીઝ થશે.

ઇમેજ સ્રોત, PEN MOVIES
આ ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક 'ધ માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ' પર આધારિત છે.
વાસ્તવિક જીવન પર આધારિત આ ફિલ્મનાં નાયિકા 'ગંગૂબાઈ'ની મૂળ કહાણી બહુ થોડા લોકો જ જાણતા હશે.
ગુજરાતના કાઠિયાવાડમાં જન્મેલાં એક મહિલા 'ગંગૂબાઈ'માંથી કેવી રીતે મુંબઈમાં માફિયાનાં એક ચર્ચિત નામ બની ગયાં, તે એક રસપ્રદ વાત છે.

કોણ હતાં ગંગૂબાઈ?

ઇમેજ સ્રોત, Twitter
મુંબઈના ખ્યાતનામ લેખક અને પૂર્વ ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર એસ. હુસેન ઝૈદી દ્વારા લિખિત પુસ્તક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ' અનુસાર ગંગૂબાઈને તેમના પ્રેમી દ્વારા રમણિક મુંબઈના કમાઠીપુરા વિસ્તારના વેશ્યાલયમાં વેચી દેવામાં આવ્યાં હતાં.
ધ ક્વિન્ટ હિન્દી ડૉટ કોમના અહેવાલ અનુસાર ગંગૂબાઈના પ્રેમી રમણિકે તેમને રૂપિયા 500માં વેચી દીધાં હતાં.
ત્યાર બાદ પોતાના પરિવારની લાજ રાખવાના હેતુથી તેઓ ક્યારેય પાછાં 'કાઠિયાવાડ' ન જઈ શક્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ વેશ્યાલયના જીવનને જ અપનાવી લેવાનું નક્કી કર્યું.
પુસ્તકમાં ઉલ્લેખ કરાયેલા એક પ્રસંગ અનુસાર એક વખત ગંગૂબાઈ મુંબઈના કુખ્યાત ડૉન કરિમ લાલા પાસે તેમના માણસની ફરિયાદ લઈને ગયાં હતાં.
ગંગૂબાઈનો આરોપ હતો કે કરિમ લાલાની ગૅંગના એક સભ્ય શૌકતખાને બે વખત ગંગૂબાઈ સાથે સંબંધ બાંધ્યા, પણ પૈસા ચૂકવ્યા ન હતા.
ગંગૂબાઈના નીડર અંદાજથી કરિમ લાલા ઘણા પ્રભાવિત થઈ ગયા હતા.
પુસ્તક પ્રમાણે આ પ્રસંગ દરમિયાન કરિમ લાલાના ઘરેથી નીકળતા પહેલાં ગંગૂબાઈએ કરિમ લાલાને રાખડી પણ બાંધી હતી.
આ ઘટના બાદ કહેવાય છે કે તેમને કરિમ લાલાનું સંરક્ષણ પ્રાપ્ત થયું અને ધીરે-ધીરે તેઓ કમાઠીપુરાનાં અનેક વેશ્યાલયોનાં માલકણ બની ગયાં.
દેવી તરીકે પુજાય છે ગંગૂબાઈ

ઇમેજ સ્રોત, Getty Images
ધ હિન્દુ બિઝનેસ લાઇન ડૉટ કોમના અહેવાલ અનુસાર કમને કરવા પડતા વેશ્યા તરીકેના વ્યવસાય અને યુવાનીમાં પડેલી મુશ્કેલીઓને કારણે ગંગૂબાઈના મનમાં બળજબરીથી આ વ્યવસાયમાં ધકેલાયેલી મહિલાઓ પ્રત્યે હંમેશાં સહાનુભૂતિ રહી.
અહેવાલ અનુસાર કમાઠીપુરામાં ગંગૂબાઈને દેવી તરીકે પૂજવામાં આવતાં.
રિપબ્લિક વર્લ્ડ ડૉટ કોમના અહેવાલ અનુસાર 60ના દાયકામાં ગંગૂબાઈની ગણતરી એ સમયના મોટા વેશ્યાલયના માલિકોમાં થતી.
એ સમયનાં અંડરવર્લ્ડનાં કેટલાંક જાણીતાં નામો તેમના ગ્રાહકો હતા.
એ સમયે તેમને અંડરવર્લ્ડ ડૉનના ગાર્ડિયન માનવામાં આવતાં હતાં.
તેઓ મુસીબતના સમયમાં અંડરવર્લ્ડના લોકોને માર્ગદર્શન અને સહારો આપવા માટે જાણીતાં હતાં.
ખૂબ ઓછા સમયમાં તેઓ 'મૅડમ ઑફ કમાઠીપુરા'ના નામથી જાણીતાં બની ગયાં હતાં.
કહેવાય છે કે તેઓ વેશ્યાવૃતિ કરતી મહિલાઓના પ્રતિનિધિ તરીકે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પણ મળ્યાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













