ખાલિસ્તાન ઉગ્રવાદીઓએ જ્યારે ઍર ઇન્ડિયાનું વિમાન ઉડાવી દીધું અને 329 લોકોનો ભોગ લીધો

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ડૉક્ટર જગજિતસિંહ ચૌહાણે 13 ઑક્ટોબર, 1971ના ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં એક જાહેર ખબર છપાવી હતી, જેમાં એમણે પોતાને તથાકથિત ખાલિસ્તાનના પહેલા રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા હતા.
એ વખતે બહુ થોડા લોકોએ એ ઘોષણાને મહત્ત્વ આપ્યું, પરંતુ 80નો દાયકો આવતાંઆવતાં ખાલિસ્તાન માટેનું આંદોલન જોર પકડવા લાગ્યું હતું.
પંજાબ પોલીસના આંકડા અનુસાર, 1981થી 1993નાં 12 વર્ષ સુધીમાં ખાલિસ્તાન માટે થયેલી હિંસામાં 21,469 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને એક જમાનામાં ભારતના સૌથી સમૃદ્ધ રહેલા રાજ્ય પંજાબના અર્થતંત્રને ખોરવી નાખ્યું.
23 જૂન, 1985એ ખાલિસ્તાની અલગતાવાદીઓએ મૉન્ટ્રિયલથી મુંબઈ આવતા ઍર ઇન્ડિયાના વિમાન કનિષ્કમાં એક ટાઇમ બૉમ્બ મૂકી દીધો હતો, જેના કારણે આયર્લૅન્ડના કિનારા નજીક વિમાનમાં વિસ્ફોટ થયો અને 329 લોકોનાં મૃત્યુ થયાં.
9/11ની પહેલાં એ, ઇતિહાસનો સૌથી મોટો ચરમપંથી હુમલો હતો.

બે વ્યક્તિઓએ ચેક-ઈન કર્યું પણ વિમાનમાં બેઠા નહીં

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં તલવિન્દર પરમારના પીળી પાઘડી પહેરેલા એક સાથીએ 3,005 ડૉલર ખર્ચીને બિઝનેસ ક્લાસની બે વિમાન ટિકિટ ખરીદી હતી. વૅનકુંવરથી ઉડાન કરનારાં બે વિમાનોમાં ડાયનામાઇટ અને ટાઇમર્સ ભરેલી બે સૂટકેસ ચેક-ઈન કરાવવામાં પણ તેઓ સફળ થઈ ગયા.
એક વિમાને પશ્ચિમમાં ટોકયો માટે ઉડ્ડયન કર્યું જેથી એ ઍર ઇન્ડિયાની બૅંગકૉક અને મુંબઈ જતી ફ્લાઇટને કનેક્ટ કરી શકે. બીજું વિમાન પૂર્વ તરફ ઊડ્યું જેથી ટોરન્ટો અને મૉન્ટ્રિયલથી લંડન અને નવી દિલ્હી જનારી ફ્લાઇટને કનેક્ટ કરી શકે.
કોઈનું ધ્યાન એ તરફ ન ગયું કે ચેક-ઈન કરનારા બે પ્રવાસી એમ સિંહ અને એલ સિંહ વિમાનમાં બેઠા કે નહીં. ચેક-ઈન કરાવ્યા પછી તેઓ ઍરપૉર્ટ પરથી ગાયબ થઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં છપાયેલા પુસ્તક 'બ્લડ ફૉર બ્લડ ફિફ્ટી યર્સ ઑફ ગ્લોબલ ખાલિસ્તાન પ્રોજેક્ટ' લખનારા કૅનેડિયન પત્રકાર ટેરી મિલેસ્કીએ પુસ્તકમાં લખ્યું છે કે, "એમ સિંહની પાછળ લાઇનમાં ઊભેલા તરત પછીના યાત્રીએ યાદ કર્યું કે એમ સિંહ ખૂબ સાવચેતીથી પોતાના પગની આંગળીથી પોતાની સૂટકેસને ધક્કો મારતા હતા. જેમજેમ પ્રવાસીઓની લાઇન આગળ વધતી હતી, એમણે એક પણ વાર પોતાની સૂટકેસ પોતાના હાથથી ઉપાડી નહોતી અને સતત પોતાના પગની આંગળીઓથી એને આગળ ધકેલતા રહ્યા."

55 મિનિટના અંતરાલ બાદ બે વિમાનોમાં વિસ્ફોટ

ઇમેજ સ્રોત, HARPER COLLINS
ટોકયો પહોંચનારા વિમાનમાં નરિટા એરપૉર્ટ પર એવા સમયે વિસ્ફોટ થયો જ્યારે વિમાનમાંથી સામાન ઉતારીને ઍર ઇન્ડિયાના વિમાનમાં ચડાવાઈ રહ્યો હતો.
એ વિસ્ફોટમાં સામાન ચડાવનારા બે લોકો મૃત્યુ પામ્યા અને અન્ય ચાર લોકો ઘાયલ થયા.
એનું કારણ કદાચ એ હતું કે કાં તો સૂટકેસને ધકેલવામાં આવતી હતી, કાં તો બૉમ્બ મૂકનારાઓથી સમય બાબતે અનુમાન કરવામાં થોડી ભૂલ થઈ ગઈ હતી.
નરિટામાં થયેલા વિસ્ફોટની 55 મિનિટ બાદ ઍર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 182માં આયર્લૅન્ડના દક્ષિણ-પશ્ચિમ કિનારા નજીક વિસ્ફોટ થયો, જેમાં વિમાનકર્મીઓ સહિત 329 લોકોનાં મૃત્યુ થયાં.
શૅનન ઍરપૉર્ટના ઍર ટ્રાફિક કન્ટ્રોલની ટ્રાન્સસ્ક્રિપ્ટમાં જણાવાયું છે કે, "સવારે 7 વાગ્યા ને 14 મિનિટે એક હળવી ચીસ સંભળાઈ અને એવું લાગ્યું કે પ્રચંડ વેગ સાથે હવા પાઇલટના માઈક્રોફોન સાથે અથડાઈ છે. ત્યાર બાદ ભેંકાર છવાઈ ગયો. ટ્રાફિક કન્ટ્રોલના કન્ટ્રોલરે સતત ત્રણ મિનિટ સુધી વિમાન સાથે સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ એને કશો જવાબ ન મળ્યો."
એ જ સમયે એણે પાછળ આવતા ટીડબ્લ્યૂએના વિમાનના પાઇલટનો સંપર્ક કરીને પૂછ્યું કે શું આપની આજુબાજુ, નીચે કોઈ વસ્તુ દેખાય છે? પાઇલટે જવાબ આપ્યો કે, તેઓ કંઈ પણ જોઈ શકતા નથી.
વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયાને 6 મિનિટ થઈ ગઈ હતી. એવામાં જ એમને કૅનેડિયન પૅસેફિક એરનું એક વિમાન આવતું દેખાયું. એને પણ આગળ ઊડતા ટીડબ્લ્યૂએ વિમાન સિવાય કંઈ દેખાયું નહીં.
કન્ટ્રોલરે ટીડબ્લ્યૂએ વિમાનને વિનંતી કરી કે તે એ વિસ્તારનું ચક્કર મારે. પાઇલટ એ માટે તૈયાર થઈ ગયો અને આગળ વધવાને બદલે ઍર ઇન્ડિયાનું વિમાન શોધવા માટે પાછો ફર્યો. કૅનેડિયન પેસેફિક એરના વિમાનનો પાઇલટ પણ ધ્યાનપૂર્વક નીચે જોઈ રહ્યો હતો. એણે કન્ટ્રોલરને પૂછ્યું કે, શું તમે ઍર ઇન્ડિયાના વિમાનને રડાર પર જોઈ શકો છો?
જવાબ મળ્યો, "નૅગેટિવ. એ સ્ક્રીન પરથી ગાયબ છે."

131 મૃતદેહો બહાર કાઢી શકાયા

ઇમેજ સ્રોત, Reuters
ત્યાં સુધીમાં 20 મિનિટ થઈ ગઈ હતી. ટીડબ્લ્યૂએ ફ્લાઇટનું ઈંધણ ખતમ થતું જતું હતું તેથી એણે લંડન તરફ ઊડવાની મંજૂરી માંગી. કન્ટ્રોલરે ટીડબ્લ્યૂએના પાઇલટનો આભાર માન્યો.
ઍર ઇન્ડિયાનું વિમાન નીચે પડ્યાની ખબર ત્યારે પડી જ્યારે સૌથી પહેલાં બ્રિટનના એક માલવાહક વિમાને ઍર ઇન્ડિયાના વિમાનના કાટમાળને જોયો.
વિમાન 31 હજાર ફૂટની ઊંચાઈએથી ઍટ્લાન્ટિક સાગરમાં પડ્યું હતું. પાછળથી થયેલી શોધખોળમાં માત્ર 131 મૃતદેહોને બહાર કાઢી શકાયા હતા.
18 વર્ષ પછી વૅનકુંવરમાં ચાલી રહેલા મુકદમામાં મૃતકોના પરિવારો સામે મિસ ડીએ જુબાની આપતાં કહેલું કે એમણે બબ્બર ખાલસાને નાણાકીય મદદ કરનારા રિપુદમનસિંહ મલિકને એમ કહેતા સાંભળ્યા હતા કે, "જો નરિટા ઍરપૉર્ટ પર સમયાનુસાર વિમાન ઊતર્યું હોત તો વધારે નુકસાન થાત. ઘણાં વધારે મૃત્યુ થયાં હોત અને લોકોને ખબર પડત કે આપણે શું છીએ."
"એમને ખાલિસ્તાનનો મતલબ સમજાત અને તેમને અંદાજ આવત કે આપણે શા માટે લડી રહ્યા છીએ."

પીડિતો પ્રતિ આઇરિશ લોકોનું સહાનુભૂતિપૂર્ણ વલણ

ઇમેજ સ્રોત, THE CORK EXAMINER
દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં 268 કૅનેડિયન નાગરિકો હતા, જેમાંના મોટા ભાગના ભારતીય મૂળના હતા.
એમાં 27 બ્રિટિશ અને 24 ભારતીય નાગરિકો હતા. એ વિમાન દુર્ઘટનામાં બાળકોએ પોતાનાં માતા-પિતા અને માતા-પિતાઓએ પોતાનાં બાળકો ગુમાવ્યાં હતાં. કુલ 29 આખા પરિવાર મૃત્યુ પામ્યા હતા.
ફ્લાઇટ નંબર 182માં થયેલા ધડાકામાં મૃત્યુ પામેલાં રામવતીના પુત્ર સુશીલ ગુપ્તા એ વખતે માત્ર 12 વર્ષના હતા. તેઓ પોતાનાં માતાના મૃતદેહને શોધવા માટે પોતાના પિતાની સાથે આયર્લૅન્ડ ગયા હતા.
જ્યારે આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ શરૂ થઈ ત્યારે તેઓ 33 વર્ષના થઈ ગયા હતા. પછીથી એમણે તપાસપંચ સમક્ષ જુબાની આપતાં કહેલું કે, "કૅનેડા સરકારના અધિકારીઓને અમારી કશી ચિંતા નહોતી. એમની દૃષ્ટિએ આ એમનું નહીં પણ ભારતનું દુઃખ હતું. એમના માટે એ પણ મહત્ત્વનું નહોતું કે અમે કૅનેડાના નાગરિક હતા."
"આની સરખામણીએ આઇરિશ લોકોનું અમારા તરફનું વલણ ખૂબ જ સહાનુભૂતિપૂર્ણ હતું. એક વાર ત્યાં વરસાદ પડવા લાગ્યો. અમારી પાસે રેઇનકોટ નહોતા. દરમિયાનમાં ત્રણ આઇરિશ લોકો અમારી પાસે આવ્યા. અમે રડતા હતા."
"તેઓ અમને ભેટ્યા અને એક વ્યક્તિએ પોતાનો રેઇનકોટ ઉતારીને મારા પિતાને પહેરાવી દીધો. બીજા વ્યક્તિએ પોતાનું જૅકેટ ઉતારીને મને પહેરાવી દીધું."
"જૅકેટનું હૂડ એણે મારા માથા પર ખેંચતાં કહેલું કે હું હંમેશ માટે એ જૅકેટને રાખી શકું છું. મારા પિતાને અપાયેલો એ રેઇનકોટ આજ સુધી મારી પાસે સચવાયેલો છે."

માત્ર એક વ્યક્તિને સજા

ઇમેજ સ્રોત, Reuters
તપાસ શરૂ થયાના થોડા સમય પછી ખબર પડી ગઈ કે વિમાનમાં કૅનેડાના નાગરિકે બૉમ્બ મૂક્યા હતા.
કૅનેડાની પછીની દરેક સરકારે સ્પષ્ટતા કરી કે એમને ઍર ઇન્ડિયાના વિમાન પરના હુમલાની કશી પૂર્વ જાણકારી નહોતી મળી, પરંતુ તથ્ય એનાથી જુદું હતું.
ટેરી મિલેસ્કીએ લખ્યું છે, "અત્યાર સુધીમાં નવ શંકાસ્પદોમાંના માત્ર એક ઇન્દરજિતસિંહ રેયાતને સજા થઈ છે, જેણે બૉમ્બ બનાવ્યો હતો. બચાવપક્ષના વકીલોએ સરકારી વકીલોની વિરુદ્ધ એવી દલીલો કરી કે, ચાર વર્ષ સુધી ચાલેલા મુકદમા પછી બબ્બર ખાલસાના બે લોકો છૂટી ગયા. 21 વર્ષ બાદ જ્યારે ન્યાયિક આયોગની રચના થઈ, છેક ત્યારે લોકોને ખબર પડી કે ભૂલ ક્યાં થઈ હતી."
હકીકતે, 1982માં જ કૅનેડાનાં સુરક્ષાદળોને અંદાજ આવી ગયેલો કે કૅનેડામાં બબ્બર ખાલસાની પ્રવૃત્તિઓ ચાલે છે. હત્યાના એક કેસમાં એમના નેતા તલવિન્દર પરમારની શોધખોળ થતી હતી અને તેઓ પોતાનાં ભાષણોમાં કહી રહ્યા હતા કે ભારતીય વિમાનો આકાશમાંથી નીચે પડશે.

પહેલાંથી મળી ગુપ્ત માહિતી

કૅનેડાની સુરક્ષા એજન્સી સીએસઆઈએસ ઍર ઇન્ડિયાના વિમાનમાં બૉમ્બ ધડાકો થયાના ત્રણ મહિના પહેલાંથી માત્ર બબ્બર ખાલસાના નેતા તલવિન્દર પરમાર પર નજર જ નહોતી રાખતી, બલકે એમની વાતો પણ ટેપ કરતી હતી.
તપાસપંચની સુનાવણીમાં સીએસઆઈએસ એજન્ટ રે કૉબઝીએ જુબાની આપતાં કહેલું કે, "અમે જોઈ શકતા હતા કે તલવિન્દર પરમાર હિંસા માટે તત્પર થયો હતો. જેવી મને ખબર પડી કે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ 182 દુર્ઘટનાગ્રસ્ત થઈ છે, મારા મોંએથી શબ્દો નીકળ્યા, એને નક્કી પરમારે પાડ્યું છે."

ઇમેજ સ્રોત, Reuters
એટલું જ નહીં, ઑગસ્ટ 1984માં ફ્રૅન્ચ મૂળના કૅનેડાના એક અપરાધી ગૅરી બૂડરાઓએ રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસને જણાવેલું કે વૅનકુંવરના કેટલાક શીખોએ એમને મૉન્ટ્રિયલથી લંડન જનારી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 182માં બૉમ્બ મૂકવા માટે 2 લાખ ડૉલર કૅશ આપવાની ઑફર કરી હતી.
બૂડરાઓએ યાદ કરીને જણાવ્યું કે, "એક શખ્સ મારી પાસે એક સૂટકેસ લઈને આવેલો, જેમાં બે લાખ ડૉલર ભરેલા હતા. મેં મારા જીવનમાં બહુ બધા જઘન્ય અપરાધો કર્યા છે, પરંતુ એક વિમાનમાં બૉમ્બ મૂકવો, એ મારા સ્વભાવમાં નહોતું. તેથી મેં પોલીસને એની માહિતી આપી દીધી."
પોલીસે બૂડરાઓની વાર્તા પર વિશ્વાસ ન કર્યો, પરંતુ એક મહિના પછી બીજા એક શખ્સે પોલીસને એ જ યોજના વિશે માહિતી આપી. આ વખતે એક શીખ હરમૈલસિંહ ગરેવાલે વૅનકુંવર પોલીસને જણાવ્યું કે એના કેટલાક સાથીઓ એક વ્યક્તિ ગૅરી બૂડરાઓ દ્વારા ભારતીય વિમાનને ઉડાવી દેવાની યોજના ઘડી રહ્યા છે. હકીકતે ગરેવાલે બે વિમાન અને બે બૉમ્બની વાત કરી હતી, જે પાછળથી સાબિત થઈ.

ઘણા સંકેતોની અવગણના

ઇમેજ સ્રોત, Reuters
વાસ્તવમાં ઍર ઇન્ડિયાના વિમાનમાં બૉમ્બ વિસ્ફોટનાં ત્રણ અઠવાડિયાં પહેલાં જ ઍર ઇન્ડિયા અને રૉયલ કૅનેડા માઉન્ટેડ પોલીસને જણાવી દેવાયું હતું કે એમણે સામાનમાં સંતાડીને લવાયેલા ટાઇમ બૉમ્બ પર નજર રાખવાની છે.
તેમ છતાં, તપાસ કર્યા વિના જ એક સેમસોનાઇટ સૂટકેસને વિમાનમાં ચડાવી દેવાઈ. તપાસપંચના પ્રમુખ જસ્ટિસ મેજરે ટિપ્પણી કરી કે, "એ સમજાય નહીં એવી બાબત છે કે સુરક્ષા એજન્સીઓને આટલા બધા સંકેતો મળ્યા પછીયે એની તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં ના આવ્યો."

ઇમેજ સ્રોત, Reuters
4 જૂન, 1985એ જ્યારે પરમાર એ જોવા માટે વૅનકુવર આઇલૅન્ડ ગયા કે ઇન્દરજિત રેયાત કઈ રીતે બૉમ્બ બનાવી રહ્યા છે, ત્યારે બે સીએસઆઇએસ અધિકારીઓએ એમનો પીછો કર્યો હતો. ટેરી મિલેસ્કીએ લખ્યું છે, "એ લોકોએ જંગલમાં જઈને એક ધડાકો કર્યો, પરંતુ સીએસઆઇએસ અધિકારીઓએ એની કશી જાણકારી વિભાગને આપી નહીં."
એમને જણાવાયું હતું કે એમનું કામ માત્ર પરમાર પર નજર રાખવાનું છે, એના કોઈ કામમાં હસ્તક્ષેપ કરવાનું નહીં. એમણે કૅનેડિયન પોલીસને ક્યારેય ન જણાવ્યું કે તેઓ પરમારને અટકાવીને એની તપાસ કરે અને પૂછે કે એના ઇરાદા શા છે. સૌથી મોટા શકમંદે જંગલમાં વિસ્ફોટ કર્યો પરંતુ સુરક્ષાદળોનું રૂંવાડુંયે ના ફરક્યું.

શીખોને ઍર ઇન્ડિયામાં મુસાફરી ન કરવાની સલાહ

ઇમેજ સ્રોત, AFP
આ પ્રકરણે એક વાત ઉજાગર કરી દીધી કે સુરક્ષા એજન્સીઓ વચ્ચે કોઈ પ્રકારનું સમન્વય નહોતું.
તપાસપંચના પ્રમુખ જસ્ટિસ જૉન મેજરે પોતાના રિપૉર્ટમાં લખ્યું કે, "જો કૅનેડિયન પોલીસને ખબર હોત કે સીએસઆઇએસ પાસે શી શી માહિતી છે અને જો સીએસઆઇએસને ખબર હોત કે કૅનેડિયન પોલીસ શું શું જાણે છે, તો એવી ઘણી મોટી શક્યતા હોત, બલકે ચોક્કસપણે, ઍર ઇન્ડિયાના વિમાનને ઉડાડી દેવાની યોજનાને નિષ્ફળ કરી શકાત."
વિમાન ઉડાડી દેવાયાનાં બે અઠવાડિયાં પહેલાં પરમાર અને અજાયબસિંહ બાગડી એકસાથે ટોરન્ટો ગયા હતા અને એમણે એરપૉર્ટની નજીક મૉલ્ટન ગુરુદ્વારામાં પ્રવચન કરતાં કહેલું, અહીં ઉપસ્થિત લોકો ઍર ઇન્ડિયામાં મુસાફરી ના કરે, કેમ કે, એમ કરવું સલામત નહીં હોય.

ઇમેજ સ્રોત, AFP
પછીથી પરકાશ બેદીએ ઍર ઇન્ડિયા તપાસપંચ સમક્ષ જુબાની આપતાં કહેલું કે, "હું જ્યારે ચેક પૉઇન્ટથી પાછો ફર્યો ત્યારે મેં જોયું કે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો શીખ હતા, જ્યારે ઍર ઇન્ડિયાની ફ્લાઇટની લાઇનમાં ઘણા ઓછા શીખ હતા. મેં મારા મિત્રને પૂછ્યું કે, આટલા બધા શીખો બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં શા માટે મુસાફરી કરે છે?, તો જવાબમાં એણે કહ્યું કે શીખો ઍર ઇન્ડિયાનો બૉયકૉટ કરી રહ્યા છે."
12 જૂને વૅનકુંવર શહેર પોલીસે શીખ ચરમપંથીઓની એક બેઠકની જાસૂસી કરી હતી જેમાં ઇન્ટરનૅશનલ શીખ યૂથ ફેડરેશનના મનમોહનસિંહે પરમારના એક સમર્થક પુશપિન્દરસિંહ પર આરોપ મૂક્યો કે તેઓ એટલા લોકોને નથી મરાવતા જેટલા મરાવા જોઈએ.
કૉન્સ્ટેબલ ગૅરી ક્લાર્ક મારલોએ ઍર ઇન્ડિયા મુકદમામાં રજૂ કરેલા પોતાના સોગંદનામામાં કહ્યું કે, "મનમોહનસિંહે પુશપિન્દરસિંહ તરફ આંગળી ચીંધીને ફરિયાદ કરી કે અત્યાર સુધીમાં એક પણ ભારતીય રાજદૂત મરાયો નથી. તમે શું કરી રહ્યા છો? કશું નહીં. એ બાબતે પુશપિન્દરસિંહે જવાબ આપ્યો કે, તમે જોશો. બે અઠવાડિયાંની અંદર કંઈક ને કંઈક કરવામાં આવશે."
ત્યાર બાદ 11 દિવસમાં જ ભારતીય વિમાનમાં વિસ્ફોટ થયો.

ચેક-ઈન કાઉન્ટર પર જીભાજોડી

ઇમેજ સ્રોત, Reuters
જ્યારે એક શકમંદ એમ સિંહ વૅનકુંવરમાં સીપી એરના ચેક-ઈન કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે કાઉન્ટર પરનાં મહિલા જેની એડમ્સે એમને કહ્યું કે ઍર ઇન્ડિયાનું એમનું બુકિંગ ટોરન્ટોથી કન્ફર્મ નથી, તેથી તેઓ એમની સૂટકેસને ચેક-ઈન ન કરી શકે. એમણે પોતાની સૂટકેસ લઈને ટોરન્ટોમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફરીથી ચેક-ઈન કરાવવું પડશે.
એમ સિંહે કાઉન્ટર પરનાં મહિલા સાથે જીભાજોડી કરીને કહ્યું કે એણે બિઝનેસ ક્લાસની ટિકિટ ખરીદી છે, એને આ રીતે હેરાનગતિ ન થવી જોઈએ.

ઇમેજ સ્રોત, Reuters
જેની એડમ્સે જોયું કે સિંહની પાછળ મુસાફરોની લાંબી લાઇન છે, તેથી તેમણે સિંહની વાત માની લીધી અને એમણે એમની સૂટકેસને ઇન્ટરલાઇન્ડ કરી દીધી જેથી એને ટોરન્ટોમાં ફરીથી ચેક-ઈન કરાવવાની જરૂર ના પડે.
જો ઍર ઇન્ડિયાએ એની તપાસ કરી હોત કે, સીપી ઍર દ્વારા આવેલી સૂટકેસના મુસાફર પણ એની સાથે આવ્યા છે કે નહીં અથવા સીપી એરને પણ શંકા થઈ હોત કે એમના વિમાન માટે સામાન ચેક-ઈન કરાવનાર વ્યક્તિ વિમાનમાં બેઠા જ નથી તો ઇતિહાસ કંઈક જુદો હોત.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













