કૅનેડામાં સ્થાયી થવાનો એ રૂટ જે ઝડપથી કાયમી વસવાટનો રસ્તો ખોલી શકે

કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સહિત ભારતનાં ઘણાં રાજ્યોમાંથી ભણેલાગણેલા અને કુશળ યુવાનોમાં સતત વિદેશ જવાનું વલણ જોવા મળે છે.

ગુજરાતમાંથી તો અવારનવાર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, શ્રમિકો અને વિદેશમાં સ્થાયી થવાનાં સપનાં જોનારા યુવાનો વિદેશ પ્રયાણ કરી રહ્યા હોવાના સમાચારો આવતા રહે છે.

ગુજરાતના યુવાનો વિદેશ વસવાટ, નોકરી અને અભ્યાસના હેતુસર દુનિયાના અમુક દેશો તરફ વધુ ઝુકાવ ધરાવે છે. એવો જ એક દેશ છે કૅનેડા.

પાછલા કેટલાક સમયથી ગુજરાતીઓમાં પણ કૅનેડા જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો હોવાનું કહેવાય છે.

હવે કૅનેડાની સરકારે દેશમાં કાયમી વસવાટ માટેની તકનાં દ્વાર ખોલ્યાં છે.

અહેવાલ પ્રમાણે કૅનેડાના અનુસંધાન, વિજ્ઞાન અને ઉદ્યોગમંત્રી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેને જૂન માસમાં દેશમાં કૅટગરી બેઝ્ડ પસંદગી અંતર્ગત એક્સપ્રેસ ઍન્ટ્રી રૂટ ખોલવાની જાહેરાત કરી હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે આ રૂટ થકી અરજદારો પાસે દેશમાં કાયમી વસવાટનો પરવાનો મેળવવાની તક છે.

પરંતુ આ માર્ગ થકી સફળતાપૂર્વક કૅનેડા પહોંચવાના પોતાના લક્ષ્યને હાંસલ કરવા શું શું કરવું પડે? અને કોણ આ માર્ગ થકી કૅનેડામાં કાયમી વસવાટની તક હાંસલ કરવા માટે લાયક છે? શું ગુજરાતના યુવાનો આ તકનો લાભ ઉઠાવી શકે?

આ બધી વાતો અંગે આ અહેવાલમાં સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરીશું.

ગ્રે લાઇન

શું છે એક્સપ્રેસ ઍન્ટ્રી, તે કેવી રીતે કામ કરશે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર એક્સપ્રેસ ઍન્ટ્રી એ કૅનેડામાં કાયમી વસવાટની તક મેળવવા માટેની સૌથી ઝડપી અને પૉપ્યુલર રીત છે.

કૅનેડાની સરકાર આ હેતુસર એક્સપ્રેસ ઍન્ટ્રી માટે ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરે છે જે કુશળ કામદારોની કૅનેડા સ્થળાંતરિત થઈ કાયમી વસવાટનો લાભ લેવા માટેની અરજીઓને પ્રોસેસ કરે છે.

કૅનેડાની આ નવી પ્રક્રિયા કેટલાંક ક્ષેત્રોમાં કુશળ કામદારોને આકર્ષવા માટે તૈયાર કરાઈ છે.

આ નવી પ્રણાલી થકી હવે કુશળતા પર વધુ ભાર મુકાયો છે.

એક્સપ્રેસ ઍન્ટ્રી એ કૅનેડાના ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ, કૅનેડિયન ઍક્સપીરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ અને પ્રોવિન્સિયલ નૉમિની પ્રોગ્રામ અંતર્ગત કાયમી વસવાટની તક અપાઈ રહી છે.

31 મે 2023ના રોજ કૅનેડાના ઇમિગ્રેશન, રૅફ્યૂજી અને નાગરિકતા મામલાના ભૂતપૂર્વ મંત્રી સોન ફ્રેસર દેશમાં નવા આવનાર અનુભવી, કુશળ લોકોને પ્રાથમિકતાવાળાં ક્ષેત્રોમાં નોકરીની તકની સાથોસાથ કાયમી વસવાટ આપવા માટે કૅટગરી બેઝ્ડ સિલેક્શન પ્રક્રિયાની જાહેરાત કરી હતી.

આ કૅટગરી જુદાં જુદાં ક્ષેત્રો, જાહેર જનતા અને પક્ષકારો સાથે સલાહ-મસલત બાદ નક્કી કરાઈ છે. તેમજ શ્રમબજારની જરૂરિયાતોને પણ આ યાદી બનાવતી વખતે ધ્યાને લેવાઈ હતી.

આ વર્ષે કૅટગરી બેઝ્ડ સિલેક્શનમાં અમુક ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે.

ગ્રે લાઇન

કોણ-કોણ કરી શકે અરજી?

  • ફ્રેન્ચ ભાષાના જાણકાર
  • આ સિવાય નીચેનાં ક્ષેત્રોમાં અનુભવ ધરાવનાર
  • સ્વાસ્થ્યક્ષેત્ર
  • વિજ્ઞાન, ટેકનૉલૉજી, ઇજનેરી અને ગણિત (STEM) પ્રૉફેશન
  • સુથારી કામ, પ્લમ્બિંગ અને કૉન્ટ્રેક્ટર જેવાં કામ
  • ટ્રાન્સપૉર્ટ
  • ખેતી અને ઍગ્રિ-ફૂડ
બીબીસી ગુજરાતી

સંઘીય ઇકૉનૉમિક પ્રોગ્રામ

કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ નવી પ્રક્રિયા અંતર્ગત ત્રણ કૅટગરીમાં લોકોને આમંત્રિત કરાશે.

જેમાં પ્રથમ છે કૅનેડિયન ઍક્સપીરિયન્સ ક્લાસ.

આ કૅટગરીમાં જે કામદારોને કૅનેડામાં કામ કરવાનો અનુભવ છે તેમને તેમજ સંલગ્ન ક્ષેત્રમાં ત્રણ વર્ષના અનુભવની દરકાર રહેશે.

બીજી કૅટગરી છે ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ્સ.

જેમાં કુશળતા માગતાં ક્ષેત્રોમાં કુશળ કામદારો અને માન્ય જૉબ ઑફર કે યોગ્યતાનું પ્રમાણપત્ર જરૂરી છે.

તેમજ ત્રીજી કૅટગરી છે ફેડરલ સ્કિલ્ડ વર્કર.

આ કૅટગરી અંતર્ગત વિદેશમાં કામનો અનુભવ ધરાવતા કુશળ કામદરો જેમની પાસે યોગ્ય શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત હોવી અનિવાર્ય છે.

ઇમિગ્રેશન નિષ્ણાત જુલી દેસાઈ એક્સપ્રેસ ઍન્ટ્રી અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે, “કૅનેડામાં રાષ્ટ્રીય લાયકાત માપદંડમાં રાષ્ટ્રીય વ્યાવસાયિક વિભાગીકરણ યાદી હોય છે. જો આ વિભાગીકરણ તમને લાગુ પડતું હોય, તેમજ તમારી પાસે યોગ્ય અનુભવ તેમજ જૉબ-ઑફર હોય તો જ તમે એક્સપ્રેસ ઍન્ટ્રી માટેની લાયકાત ધરાવો છો એવું કહેવાય.”

તેઓ આ સમગ્ર પ્રક્રિયાને ઉદાહરણ આપીને સમજાવતાં કહે છે કે, “જો કોઈ વિદ્યાર્થી ત્યાં ભણતો હોય અને ત્યાં એ કામ કરી રહ્યો હોય, એટલે કે એની પાસે ત્યાંનું કામચલાઉ રહેવાસીનું સ્ટેટસ હોવું જોઈએ. આ સિવાય આવી વ્યક્તિ પાસે ઓછામાં ઓછો એક વર્ષનો ફુલ ટાઇમ કૌશલ્યવાળા કામનો અને અરજી કરતા પહેલાંનાં ત્રણ વર્ષમાં સમકક્ષ અનુભવ હોય તો એને એક્સપ્રેસ ઍન્ટ્રીનો લાભ મળી શકે. પરંતુ આ કામચલાઉ વસવાટ દરમિયાન મેળવેલ અનુભવ આધિકારિક હોવો જોઈએ.”

ઉપરાંત વધુ એક માપદંડ અંગે વાત કરતાં જુલીબહેન કહે છે કે, “આવી વ્યક્તિને રાષ્ટ્રીય વ્યાવસાયિક વિભાગીકરણ અંતર્ગત આવતા કોઈ કામનો અનુભવ હોય એ પણ જરૂરી છે. આ બધા જ એક્સપ્રેસ ઍન્ટ્રી માટેના મુખ્ય માપદંડ છે.”

તેઓ એક્સપ્રેસ ઍન્ટ્રી પ્રક્રિયા અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે, “આ પ્રક્રિયા અંતર્ગત અહીંથી જતા વિદ્યાર્થીઓ, જે ત્યાં કામચલાઉ જૉબ કરવા માંડે છે, તેમના એક્સપ્રેસ ઍન્ટ્રીમાં કન્વર્ઝન સરળ રહે છે. પરંતુ તાજેતરમાં જ જઈ રહેલા લોકો માટે આ કન્વર્ઝન મુશ્કેલ રહે છે.”

“જો વ્યક્તિ પાસે કૅનેડામાં કામ કરવાનો માન્ય અનુભવ અને અન્ય માપદંડોને લગતી તમામ લાયકાતો હોય તો એક્સપ્રેસ ઍન્ટ્રીનો લાભ તેમને મળે છે.”

જોકે, જુલીબહેન ગુજરાતમાંથી જતા લોકો અંગે તકોની સ્પષ્ટતા કરતાં વધુ કહે છે કે, “અહીંથી જનારા લોકો માટે રાષ્ટ્રીય વ્યાવસાયિક વિભાગીકરણ યાદીમાં અંતર્ગત કેટલીક કૅટગરીમાં અનુભવ ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવાની વાત છે, પરંતુ આમાં પણ વેઇટિંગ પિરિયડ જે અગાઉ ખૂબ લાંબો હતો એ આ પ્રાથમિકતાવાળી કૅટગરીમાં ઓછો થઈ જાય એવું છે. પરંતુ આ અમુક ટેકનિકલ જ્ઞાન ધરાવતા લોકો પૂરતું જ સીમિત છે.”

તેથી તેઓ કહે છે કે આ એક્સપ્રેસ ઍન્ટ્રીમાં ગુજરાતીઓને લાભ તો મળી શકે પરંતુ તેની તકનીકી બાબતો સમજીને આગળ વધાય તો જ એ શક્ય છે.

જુલીબહેન પોતાની વાત સમજાવતાં કહે છે કે, “જો કોઈ પણ વ્યક્તિ કૅનેડામાં હોય, તેની પાસે સંબંધિત કૌશલ્ય આધારિત કામનો કૅનેડાનો અનુભવ તેમજ અન્ય લાયકાતના માપદંડો હોય તો આનો લાભ તેમને મળી શકશે.”

બીબીસી ગુજરાતી

તમે આ યોજના માટે માન્ય ઉમેદવાર છો કે કેમ એ કેવી રીતે ચેક કરશો?

આ પ્રોગ્રામ અંતર્ગત તમે એક્સપ્રેસ ઍન્ટ્રીનો લાભ લેવા માટે લાયક ઉમેદવાર છો કે કેમ એ બે રીતે જાણી શકાય.

જો તમે એક અથવા વધુ એક્સપ્રેસ ઍન્ટ્રી પ્રોગ્રામ માટે લાયક હો તો તમારે તમારું પ્રોફાઇલ સબમિટ કરવાનું રહેશે. જે બાદ તમને કૉમ્પ્રિહેન્સિવ રૅન્કિંગ સિસ્ટમ (સીઆરએસ)નો ઉપયોગ કરીને રૅન્કિંગ અપાશે.

અહીં નોંધનીય છે કે સીઆરએસ એ પૉઇન્ટ બેઝ્ડ સિસ્ટમ છે જે તમારા પ્રોફાઇલનું મૂલ્યાંકન કરીને તેને સ્કોર આપે છે. જે બાદ ઍક્સપ્રેસ ઍન્ટ્રી પૂલ માટે તેને રૅન્કિંગ અપાય છે.

અંતિમ આમંત્રણ માટે તમારે અમુક મિનિમમ પૉઇન્ટ કરતાં વધુ સ્કોર કરવો પડે.

બીબીસી ગુજરાતી

કયા કયા દસ્તાવેજોની જરૂર?

કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

અહેવાલ અનુસાર તમારું પ્રોફાઇલ સબમિટ કરવા માટે તમારે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ આ પ્રક્રિયા માટે તમારે નીચેના અમુક અથવા તો બધા દસ્તાવેજોમાંથી માહિતી ઉમેરવી પડી શકે.

  • પાસપૉર્ટ અથવા ટ્રાવેલ ડૉક્યુમૅન્ટ
  • ભાષા સંબંધિત પરીક્ષાનું પરિણામ
  • જો તમે ફેડરલ સ્કિલ્ડ વર્કર્સ પ્રોગ્રામ માટે અરજી કરી રહ્યા હો કે જો તમે કૅનેડાની બહાર મેળવેલા શિક્ષણ માટે વધારાના પૉઇન્ટ્સ મેળવવા માગતા હો તો તમારે કૅનેડામાં મેળવેલા શિક્ષણ કે ઍજ્યુકેશનલ ક્રેડેન્શિયલ ઍસેસમૅન્ટ રિપોર્ટ રજૂ કરવાના રહેશે
  • જો તમારી પાસે પ્રોવિન્સિયલ નૉમિનેશન હોય તો
  • જો તમારી પાસે કૅનેડામાં કોઈ જૉબ ઑફર હોય તો, કામના અનુભવનાં પ્રમાણપત્રો, કૅનેડાનાં ક્ષેત્ર અથવા સત્તાતંત્ર દ્વારા જે-તે કામમાં લાયકાતનું પ્રમાણપત્ર
  • નાણાકીય સંસાધનોના પુરાવા
બીબીસી ગુજરાતી

કાયમી વસવાટ માટેની અરજી માટેના દસ્તાવેજો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તમારે આ હેતુ માટે તમારા પ્રોફાઇલમાં ઉલ્લેખ કરાયેલા દસ્તાવેજોની કૉપીની જરૂરિયાત રહેશે. મોટા ભાગના અરજદારોએ નીચે પ્રમાણેના દસ્તાવેજો પણ રજૂ કરવા પડી શકે છે.

  • પોલીસ પ્રમાણપત્રો
  • મેડિકલ ચકાસણીના દસ્તાવેજ
  • નાણાકીય સંસાધનો માટેના દસ્તાવેજ
  • જો તમે પોતાની સાથે આશ્રિત બાળકને લઈ જવા માગતા હો તો તેનું જન્મનું પ્રમાણપત્ર
  • રિપ્રેઝન્ટેનશ ફૉર્મ – જો તમે આ કામ માટે પ્રતિનિધિની મદદ લીધી હોય તો
  • જો તમે તમારું વૈવાહિક સ્ટેટસ ‘કોમન-લૉ’ બતાવ્યું હોય તો કોમન-લૉ યુનિયન ફૉર્મ
  • લગ્નનું પ્રમાણપત્ર
  • સંબંધિત માહિતી અનુસાર છૂટાછેડાનું પ્રમાણપત્ર, મૃત્યુનું પ્રમાણપત્ર અને બાળક દત્તક લીધાનું પ્રમાણપત્ર

હવે જો તમે લાયક હો તો સંબંધિત વિભાગ તમને લાયક ઉમેદવારોની યાદીમાં મૂકીને સીઆરએસ સ્કોર આપશે.

પરંતુ એક્સપ્રેસ ઍન્ટ્રી માટેનું પ્રોફાઇલ પૂરું કરી લેવાથી કે યાદીમાં સ્થાન મેળવી લેવા માત્રથી તમને દેશમાં કાયમી વસવાટ માટેની તક મળે જ એની કોઈ ગૅરંટી નથી.

બાદમાં જો તમને આમંત્રણ આવે ત્યારે તમને અરજી કરી શકો છો.

યાદીમાં સૌથી વધુ સ્કોર મેળવનાર ઉમેદવારોને વિભાગ દ્વારા આમંત્રણ મોકલાશે. જો તમને અરજી કરવા માટેનું આમંત્રણ મળે તો તમારી અરજી સબમિટ કરવા માટે તમારી પાસે 60 દિવસનો સમય હોય છે.

બીબીસી ગુજરાતી

કેમ કૅનેડા કુશળ લોકોને આકર્ષી રહ્યું છે?

સોન ફ્રેસરે આ અંગે અગાઉ નિવેદન આપતાં કહ્યું હતું કે, “હું ગમે ત્યાં જઉં ત્યાં મને નોકરીદાતાઓ તરફથી કામદારોની અછતની ભારે સમસ્યા અંગે ફરિયાદો સાંભળવા મળે છે.”

“એક્સપ્રેસ ઍન્ટ્રી સંદર્ભે લવાયેલા આ બદલાવોથી નોકરીદાતાઓને વૃદ્ધિ અને સફળતા માટે કુશળ કામદારોની જરૂરિયાતના પ્રશ્નનો નિરાકરણ આવશે. આવી રીતે આપણે આપણા અર્થતંત્રને વેગ આપવાની સાથોસાથ કામદારોની અછતનો સામનો કરતા બિઝનેસોની મદદ કરી શકીશું. આ સિવાય કૅનેડામાં વસતી ફ્રેન્ચભાષી પ્રજાને પણ મદદરૂપ થઈ શકીશું. સામાન્ય શબ્દોમાં કહીએ તો કૅનેડાની ઇમિગ્રેશન નીતિ અગાઉ ક્યારેય દેશની સામાજિક અને આર્થિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને તૈયાર નહોતી કરાઈ.”

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર આ નવી નીતિથી કૅનેડાના બાંધકામક્ષેત્રને કુશળ કામદારો મળવાની દેશને આશા છે.

આ ઉપરાંત આ નીતિ દેશમાં વૈશ્વિક પ્રતિભાને આકર્ષવાની પ્રતિબદ્ધતાને સાકાર કરવાની દિશામાં આગેકદમ છે. તેમજ તેનો આશય ઉદ્યોગકારોને જોઈતી મદદ પૂરી પાડી દેશના અર્થતંત્રને વેગ આપવાનોય ખરો.

રેડ લાઇન
રેડ લાઇન