વિદેશી યુનિવર્સિટીમાં ઍડમિશનના નામે કન્સલટન્સીઓ દ્વારા છેતરાવું ના હોય તો શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અમરેન્દ્ર યેરાલ્ગડ્ડા
    • પદ, બીબીસી તેલુગૂ સંવાદદાતા

તેલુગુ પરિવારમાંથી આવતાં સ્વાતિ બેંગલુરુમાં રહે છે અને સ્પેનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા જવાનું તેમનું સપનું છે. ઍડમિશન માટે તેમણે દિલ્હીમાં ઍક્સિસ કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો.

6 મહિના પછી તેમને સ્પેનની યુનિનવર્સિટીમાં ઍડમિશનનો પત્ર મળ્યો. સ્વાતિના પિતાએ યુનિવર્સિટીને ઇમેલ મારફતે ઍડમિટકાર્ડ માટે સંપર્ક કર્યો.

પરંતુ યુનિવર્સિટીએ જવાબ આપ્યો કે ઍડમિટકાર્ડ મામલે તેમની યુનિવર્સિટીને કોઈ લેવાદેવા નથી. વધુમાં યુનિવર્સિટીએ કહ્યું કે, જે આચાર્યની સહી છે એ પણ બનાવટી છે. જ્યારે ઍડમિટકાર્ડ તપાસ્યું તો ખબર પડી કે ફૉટોશૉપની મદદથી એ તૈયાર કરાયું હતું.

સ્વાતિના પિતાએ ઍડમિશન ફી, કન્સલટન્સી ફી, વિઝા વિગેરે માટે 4 લાખ રૂપિયા ઍડવાન્સમાં ચૂકવ્યા હતા.

આ બધું જાણ્યા પછી સ્વાતિના પિતાએ કન્સલટન્ટનો સંપર્ક કર્યો. કન્સલ્ટન્સીના મૅનેજમેન્ટે છેતરપિંડીની વાત સ્વીકારી નહીં અને હાથ ઊંચા કરી દીધા.

સ્વાતિના પિતાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “અમે કન્સલ્ટન્સીના મૅનેજમૅન્ટનો સંપર્ક કર્યો. પરંતુ પૈસા પરત ન મળી શક્યા. અમને એ પણ ખબર પડી કે જે એકાઉન્ટમાં પૈસા નાખ્યા હતા એ બૅન્ક એકાઉન્ટ યુનિવર્સિટીનું નહોતું.”

સ્વાતિના પિતાએ કહ્યું કે, તેમનું નાણાકીય નુકસાન ઉપરાંત સ્વાતિનું અભ્યાસ માટેનું એક વર્ષ બગડ્યું એ પણ નુકસાન થયું.

સુવર્ણા (નામ બદલ્યું છે) જેઓ દિલસુખનગરમાં રહે છે અને યુકેમાં માસ્ટર ડિગ્રી કરવા માગે છે. તેમણે કોઠાપેઠમાં એક કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. તેમને કહેવામાં આવ્યું કે, બ્રિટનમાં ઍડમિશન માટે તેમણે 1.50 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

પછી તેમને લંડનની યુનિવર્સિટીના નામનું ઍડમિટકાર્ડ આપવામાં આવ્યું. તેઓ લંડન ગયાં પણ યુનિવર્સિટીએ તેમને કહ્યું કે, કન્સલ્ટન્સી સાથે તેમનો કરાર રદ થઈ ગયો છે.

જોકે, યુનિવર્સિટીએ તેમને કહ્યું કે કન્સલ્ટન્સી હજુ પણ યુનિવર્સિટીના નામે ઍડમિટકાર્ડ ઇસ્યૂ કરી રહી છે.

તેઓ લંડન આવી ગયા હોવાથી યુનિવર્સિટીએ તેમને કહ્યું કે, જો તેઓ ફરીથી ફી ભરશે તો તેમને પ્રવેશ આપી દેવામાં આવશે.

એટલે તેમને ફરીથી ફી ચૂકવવાથી ઍડમિશન મળી ગયું. જ્યારે તેમના માતાપિતાએ કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો, ત્યારે તેમને માત્ર 20 હજારનું રિફંડ મળ્યું.

વિદેશમાં અભ્યાસ કરવા ભારતીય વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના માત્ર આ બે કેસ જ નથી. પણ દેશમાં એવી ઘણી કન્સલ્ટન્સી છે, જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહી છે.

ગ્રે લાઇન

2022માં 7.5 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ગયા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના ડેટા અનુસાર વર્ષ 2022માં ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાંથી 7.5 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા.

દેશના લાખો વિદ્યાર્થીઓ માને છે કે, વિદેશમાં તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. ઓછા ખર્ચે પણ શિક્ષણ લીધા બાદ નોકરીઓની ઘણી તકો રહેલી છે. પણ છતાં ઘણા કારણસર વિદેશમાં અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

પણ એ જ સમયે વિદેશમાં યુનિવર્સિટીમાં અથવા કૉલેજમાં ઍડમિશન અપાવવા વિદ્યાર્થીઓને આકર્ષતી કન્સલ્ટન્સીની સંખ્યા પણ વધી રહી છે.

વિદેશી યુનિવર્સિટીઓ સાથે તેમના કરાર હોવાનું કહી કન્સલ્ટન્સીએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે છેતરપિંડી કરી છે.

યુનિવર્સિટીના બનાવટી ઍડમિટકાર્ડ આપીને વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા.

શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે વિદેશની યુનિવર્સિટીમાં અથવા કૉલેજમાં ઍડમિશન લેતા પહેલાં ઘણી બાબતોની સાવચેતી રાખવી પડે છે.

'જેએનટીયુ'માં નેનો સાયન્સના પ્રોફેસર વેંકટેશ્વરા રાવ બીબીસી સાથેની વાતચીતમાં આ મુદ્દેની સાવચેતીઓ વિશે વાત કરે છે. તેમણે અમેરિકામાં ડૉક્ટરેટ રિસર્ચ કરેલું છે.

તેઓ કહે છે, “હું કન્સલ્ટન્સી પાસે જવાની ભલામણ કરતો જ નથી. હંમેશાં વિદ્યાર્થીએ સીધો યુનિવર્સિટીનો જ સંપર્ક કરવો જોઈએ. જોકે યુનિવર્સિટીમાંં સીધા જ અરજી કરવાની પદ્ધતિ પ્રક્રિયા અલગ હોય છે.”

“તેઓ મૂળ વિગતો માગે છે. જેમકે - તમારે કયા કોર્સમાં કેમ ઍડમિશન લેવું છે? આના માટે પ્રોફેસરનો ભલામણપત્ર પણ લઈ શકાય છે. વિદ્યાર્થીઓને આ બધું નથી કરવું હોતું એટલે તેઓ કન્સલ્ટન્સી પાસે જાય છે.”

શું વિદેશી યુનિવર્સિટી સાથે કન્સલ્ટન્સીના કરાર હોય છે?

નિષ્ણાતો અનુસાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સાથે થયેલા સહકારના કરારના સ્તરની ચકાસણી કરવી જોઈએ. સામાન્યપણે કન્સલ્ટન્સી જાતે જ ઍડમિટકાર્ડ ઇસ્યૂ ન કરી શકે.

હૈદરાબાદ સ્થિત જોશ ઍજ્યુકેશન કન્સલ્ટન્સીના મૅનેજર વેણુગોપાલ રેડ્ડી કહે છે કે, કન્સલ્ટન્સીનું કામ માત્ર દસ્તાવેજો ડિલિવર કરવાનું હોય છે.

તેઓ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “મોટાભાગે વિદેશી કન્સલ્ટન્સીઓનું અલગથી પોર્ટલ હોય છે. યુનિવર્સિટી માટે અમે ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરીએ છીએ. પછી ત્યાંથી ઍડમિટકાર્ડ આવે છે.”

કન્સલ્ટન્સી માત્ર ઍપ્લિકેશન પ્રક્રિયા માટે હોય છે. વિદ્યાર્થીઓ અરજીના વિવિધ તબક્કાથી વાકેફ નથી હોતા. જેમ કે ભલામણપત્ર, કોર્સ કરવા માટેનો અરજીપત્ર.

શાહીને યુક્રેનમાં એમબીબીએસ કર્યું છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ અરજીના એવા તબક્કા છે જેમાં વિદ્યાર્થીઓને કન્સલ્ટન્સીની મદદની જરૂર પડે છે.

ગ્રે લાઇન

કન્સલ્ટન્સીનું વિદેશી યુનિ. સાથે ટાઇઅપ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં કન્સલ્ટન્સીઓના વિદેશી યુનિવર્સિટીઓ સાથે ટાઇઅપ રહેતાં હોય છે.

તેઓ આવા કરારો એજન્સીઓ સાથે કરે છે. આ એજન્સીઓ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી નથી હોતી. અને આપણી પાસે આવી 90 ટકા પેટા એજન્સીઓ છે.

હૈદરાબાદની 'ઍપેક્સ કન્સલ્ટન્સી'ના મૅનેજર એચ.એમ. પ્રસાદે બીબીસીને જણાવ્યું કે આવા કરારો સામાન્યપણે એક કે 2 વર્ષ માટે હોય છે. જ્યારે આ કરારો પૂરા થઈ જાય છે, ત્યારે તેને રિન્યૂ કરાવવા જોઈએ. એમ ન થવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ નથી મળતો.

મેડિકલ ઍજ્યુકેશનની વાત લઈએ તો એમાં આવા કરારો 5 વર્ષ સુધીના હોય છે.

કન્સલ્ટન્સીઓ આવા કરાર પૂરા થઈ ગયા હોય અથવા કરારનું અસ્તિત્ત્વ જ ન હોય છતાં વિદ્યાર્થીઓને છેતરીને વિદેશ મોકલી દે છે.

એચએમ પ્રસાદ કહે છે, “જે વિદ્યાર્થી વિદેશ જવા માગતા હોય તેમણે કન્સલ્ટન્સીનો સંપર્ક કરતા પહેલાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.” જેમકે

  • જો કન્સલ્ટન્સી સાચી સેવા પૂરી પાડતી હોય તો તેમનાં રેફરન્સ પુસ્તકો હશે.
  • તેમને રેફરન્સ નંબરો અને 50થી 100 વિદ્યાર્થીઓનાં સરનામાં તથા સંપર્કનંબરો માગો જેઓ તેમની મદદથી વિદેશ જઈ ચૂક્યા છે.
  • કન્સલ્ટન્સીની સત્યતા આમાંથી કેટલાક નંબરો ડાયલ કરીને ચકાસી શકાય છે.
  • આનાથી વિદેશની સ્થિતિ પણ જાણી શકાય છે. જે છેતરપિંડી કરવા માગે છે તેઓ કોઈ રેફરન્સ નહીં આપશે અથવા માત્ર ગણતરીના 4 રેફરન્સ આપશે.
  • જો આવું થાય તો તે એજન્સી શંકાસ્પદ હોઈ શકે છે, કારણકે એ ચાર રેફરન્સ એમની ઓફિસમાંથી જ કોઈના હોઈ શકે છે.
  • ઍડમિશન માત્ર એક સપ્તાહમાં જ થઈ જાય છે અને જો યુનિર્સિટી નાની હોય તો વધુમાં વધુ મહિનાની અંદર ઍડમિશન થઈ જાય છે.
  • જો આનાથી લાંબો સમય લાગે તો શંકા થવી જોઈએ.
  • યુનિવર્સિટીએ એજન્સી કે કન્સલ્ટન્સી સાથે કરેલો કરાર ચકાસો.
  • શું કન્સલ્ટન્સીનો કોઈ કરાર છે? શું કોઈ સહકારનો કરાર છે? એની ચકાસણી કરવી જોઈએ.
  • જો એજન્સી ઍડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા પહેલાં જ પૂરેપૂરી ફી ભરી દેવાની માંગણી કરે તો એ શંકાસ્પદ છે.
  • એ પણ ધ્યાનમાં રાખવું કે કન્સલ્ટન્સીએ વિદેશી યુનિવર્સિટી અથવા કૉલેજ વિશે પૂરતી માહિતી પૂરી પાડી છે કે નહીં. કેટલીક કન્સલ્ટન્સીઓ તો યુનિવર્સિટીની વિગતો પણ નથી આપી શકતી.
  • જો કન્સલ્ટન્સીને ચૂકવણી થાય તો રસીદ વિદ્યાર્થીના નામની લેવી જોઈએ.
  • જેટલા ઝડપથી ઍડમિશન લેટર મળી જાય કે તરત જ એને યુનિવર્સિટીને ઇમેલ કરીને તપાસી લો કે એ સાચો છે કે નહીં. વિદેશની યુનિવર્સિટીઓ મોટાભાગે તમામ ઇમેલના જવાબો આપે છે.

આ કન્સલ્ટન્સીઓ પાસે સરકારી મંજૂરી હોય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઍજ્યુકેશન કન્સલ્ટન્સી શરૂ કરવા કોની મંજૂરી લેવી પડે? આનો કોઈ જ જવાબ નથી.

કેમકે કન્સલ્ટન્સી મૅનેજરો કહે છે કે આવી કોઈ ખાસ મંજૂરીની જરૂર નથી હોતી.

આના માટે ટ્રૅડ લાયસન્સ મેળવી શકાય છે. પણ ક્યારેય એ પણ નથી લેવાતું.

એચએમ પ્રસાદ કહે છે, “આ એક લાયઝનિંગનું કામ છે, તેના માટે કોઈ ખાસ મંજૂરી નથી લેવી પડતી. આ કામ કોઈ સરકારી વિભાગ કે ક્ષેત્રમાં નથી આવતું. એટલે કોઈ પણ કન્સલ્ટન્સી શરૂ કરી શકે છે. એટલે લોકો આવી કન્સલ્ટન્સી શરૂ કરી દે છે.”

તાજેતરમાં જ કૅનેડામાં 700 ભારતીય વિદ્યાર્થીઓ મામલે વિવાદ થયો હતો. પંજાબ સરકારે નક્કી કર્યું હતું કે તેઓ આ વિદ્યાર્થીઓને કૅનેડાથી પંજાબ બોલાવી લેશે. તેઓ બનાવટી ડૉક્યુમેન્ટ્સ સાથે ત્યાં ગયા હતા.

એવું પણ પ્રકાશમાં આવ્યું છે કે કેરળના ઘણા વિદ્યાર્થીઓ પણ લંડનમાં કૅર હૉમમાં કામ કરે છે.

આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી કેરળ સરકારે કડક પગલાં લેવાનું નક્કી કર્યું.

કેરળ સરકારે જાહેરાત કરી હતી કે તેઓ લાયસન્સ માટે અને રાજ્યમાં ઍજ્યુકેશન કન્સલ્ટન્સી શરૂ કરવાની ફી સહિતની બાબતો માટે કાયદો લાવવાનું વિચારણા કરી રહ્યા છે.

કેરળ સરકારમાં ઉચ્ચશિક્ષણ વિભાગના મંત્રી આર. બિંદુએ માર્ચમાં જાહેરાત કરી કે ઍજ્યુકેશન કન્સલ્ટન્સીએ પાલન કરવાની પ્રક્રિયાની રચના કરવા માટે 3 સભ્યોની સમિતિ રચવામાં આવશે.

કેરળમાં આવા લાયસન્સ ઇસ્યૂ કરવાનો નિર્ણય હજુ વિચારણા હેઠળ જ છે. આ રાજ્યમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 68 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2022માં ઉચ્ચ અભ્યાસ માટે 7,50,365 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ 2021 કરતા આ આંકડો 68 ટકાની વૃદ્ધિ ધરાવે છે.

કેન્દ્ર સરકારના આંકડાઓ અનુસાર દર વર્ષે વિદેશ અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

દર વર્ષે વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

2017માં 4,54,009 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા.

2018માં વધીને આ આંકડો 5,17,998 થયો હતો

આ આંકડા પછી વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે.

વર્ષ 2019માં 5,86,337 વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે ગયા હતા.

વર્ષ 2020માં અને 2021માં અનુક્રમે 2,59,655 અને 4,44,553 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા.

વિશ્વમાં કોવિડની બીમારીના કારણે આંકડો ઘટ્યો હતો.

જોકે, 2022માં આંકડો 7,50,365 થયો છે. 

વિદેશમાં અભ્યાસ માટે ચાર દેશો સૌથી વધુ પસંદ

ઇકૉનૉમિક ટાઇમ્સે અહેવાલ માર્ચમાં અહેવાલ પ્રકાશિત કર્યો હતો. વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર ભારતથી 4 દેશોમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધી રહી છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ યુએસએ, યુકે, કૅનેડા, ઑસ્ટ્રેલિયા જાય છે.

વિદ્યાર્થીઓ તેમાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચડી સ્તરના કોર્સ ભણે છે.

વળી કેટલાક વિદ્યાર્થીઓ ચીન, ઉઝબેકિસ્તાન, ફિલિપિન્સ, રશિયા, આયર્લૅન્ડ, કિર્ગિસ્તાન, કઝાખસ્તાન એમબીબીએસ કરવા જાય છે.

નિષ્ણાતો અનુસાર દરવર્ષે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

આથી છેતરપિંડી ન થાય એ માટે સંપૂર્ણપણે સાવચેતી રાખવી જોઈએ.

રેડ લાઇન
રેડ લાઇન