દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટના: UPSCની તૈયારી માટે વિદ્યાર્થીઓ કેવી હાલતમાં રહે છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી
શનિવારની સાંજે દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં આવેલી એક ઇમારતના બેઝમેન્ટમાં આવેલા હૉલમાં કેટલાક વિદ્યાર્થીઓ વાંચતા હતા કે ટેસ્ટ આપી રહ્યા હતા.
આ ઇમારત સિવિલ સર્વિસની તૈયારી કરાવતી એક ખાનગી કોચિંગ સંસ્થાની હતી.
સાંજે ભારે વરસાદને કારણે અહીં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. અને અચાનક રસ્તાનું પાણી કોચિંગ સેન્ટરમાં ઘૂસી ગયું હતું.
તેના કારણે કોચિંગ સેન્ટરમાં રહેલા અંદાજે 18 વિદ્યાર્થી અને ત્યાં કામ કરતા કર્મચારીઓ ફસાઈ ગયા હતા.
આ ઘટનામાં ત્રણ વિદ્યાર્થીનાં મોત થયાં છે.
બીબીસીએ અગાઉ દિલ્હીમાં દૂરથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરે છે અને કેવી હાલતમાં રહે છે તેના પર એક અહેવાલ તૈયાર કર્યો...
વિશ્વની સૌથી અઘરી ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્થાન પામતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષામાં સફળતાનો દર સામાન્ય રીતે 0.01 ટકાથી 0.2 ટકા સુધી રહેતો હોય છે.
વર્ષ 2022માં કુલ 11.52 લાખ લોકોએ પરીક્ષા માટે આવેદન કર્યું હતું, જેમાંથી માત્ર 933 લોકોની પસંદગી (0.08%) થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સેવા પરીક્ષાના વર્ષ 2022ના પરિણામો 23 મેના રોજ જાહેર થયાં.
વિદ્યાર્થીઓ પરીક્ષા પાસે કરે ત્યારે તેમની સફળતાની કહાણી અનેક જગ્યાએ રજૂ થાય છે, પરંતુ એવા લાખો ઉમેદવારોને આ પરીક્ષામાં મળેલી નિષ્ફળતાને કારણે તેમના સંઘર્ષ, ઓછી પડેલી મહેનત અને તેના કારણે અનુભવાતા સામાજિક, પારિવારિક અને વ્યક્તિગત તણાવની સ્થિતિ વિશે ભાગ્યે જ વાત થાય છે.
સરકારના સૌથી મહત્ત્વપૂર્ણ અધિકારી બનવાનાં સપનાં સાથે યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે દેશના ખૂણે-ખૂણેથી દિલ્હી આવતા યુવક-યુવતીઓને એ સપનાં પૂરાં કરવાની આકરી કિંમત ચૂકવવી પડે છે.

દિલ્હી: યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે દેશનું સૌથી મોટું કેન્દ્ર

ઇમેજ સ્રોત, Arjav Parekh / BBC
દિલ્હીનું મુખરજી નગર, ઑલ્ડ રાજિંદર નગર, કરોલ બાગ અને તેની આસપાસના વિસ્તારો યુપીએસસીના કૉચિંગ સેન્ટરોનાં બજાર બની ચૂક્યા છે. મોટાભાગના કોચિંગ સંસ્થાનોની શાખાઓ, 24 કલાક ખુલ્લી રહેતી લાઇબ્રેરીઓ, પરીક્ષાને અનુકૂળ આવે તેવું સ્પર્ધાત્મક વાતાવરણ હોવાથી દેશભરમાંથી અહીં યુવાનો અહીં તૈયારી માટે આવે છે.
હિંદુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે અંદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વિસ્તારોમાં રહે છે અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરે છે.
અહીં સેંકડો કોચિંગ ક્લાસ આવેલા છે અને આ યુપીએસસી કોચિંગ ઇન્ડસ્ટ્રીનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 3000 કરોડથી વધુ છે.
પોતાનું રાજ્ય, પરિવાર, રહેણીકરણી અને આચારવિચાર છોડીને દિલ્હી આવતા વિદ્યાર્થીઓ માટે આ શહેરમાં રહીને તૈયારી કરવાની સજ્જતા કેળવી લેવાનું સરળ નથી હોતું. અહીં રહીને જે વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે, તેની સાથે અનુકૂલન સાધીને યુપીએસસીની તૈયારી કરવા માટે સઘન અભ્યાસ ઉપરાંત તેમણે દરરોજની મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો રહે છે.


રહેવાની સુવિધા અને ખાનપાન

ઇમેજ સ્રોત, Arjav Parekh / BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદના ગાંધીબ્રિજ નીચે તમે જો પુસ્તકો ખરીદવા જાઓ તો જે પ્રકારે પુસ્તકોના વિક્રેતાઓ તમારી પાછળ પડી જાય એ જ રીતે દિલ્લીના આ વિસ્તારોમાં રૂમ ભાડે આપનારા એજન્ટો તમારી પાછળ પડી જાય છે. જે અહીં આવતા વિદ્યાર્થીઓ માટે પહેલો અનુભવ અને પહેલો મોટો પડકાર બને છે.
આ વિસ્તારોમાં મોટાભાગના પીજી, હૉસ્ટેલ્સ કે રૂમ બ્રૉકરોના કબ્જામાં છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી. બ્રૉકર્સની મદદ વગર દિલ્હીમાં રહેવાનું સ્થળ શોધવું ખૂબ અઘરૂં છે.
જો તમે બ્રૉકર્સની મદદથી કોઈ રૂમ શોધો છો તો તમારે મૂળ ભાડું, એક અથવા બે ભાડાંની રકમ જેટલી ડિપોઝિટ અને ઓછામાં ઓછો 21 દિવસનો બ્રૉકરેજ ચાર્જ ચૂકવવો પડે છે. એટલે કે પગ મૂકતાં જ તમારે એકસાથે 30 હજારથી વધુ રૂપિયા ચૂકવવાના થાય છે.
યુપીએસસીનું હબ ગણાતા વિસ્તારોમાં રહેવાની પારાવાર સુવિધાઓ છે, પરંતુ તે અતિશય મોંઘી છે. બારી વગરના બંધિયાર બોક્સ જેવા રૂમોનાં સાત હજારથી માંડીને ત્રેવીસ હજાર સુધીનાં ભાડાં વસૂલાય છે. આ રૂમ અન્ય કોઈ વ્યક્તિ રહી ન શકે તેટલા સાંકડા હોય છે.
ગુજરાતના કચ્છના રહેવાસી મીત આહીર પણ આ જ રીતે યુપીએસસીની તૈયારી કરવા માટે દોઢ વર્ષથી દિલ્હીમાં રહે છે. તેઓ કહે છે, “કૉવિડ મહામારીમાં હું અહીં આવ્યો હતો. આ વિસ્તારોમાં બ્રૉકરોનું રાજ ચાલે છે. બ્રૉકરોની ફી, ડિપોઝીટ અને ભાડું મળીને ગણતરી કરીએ તો એ અતિશય ખર્ચાળ છે. જે વિસ્તારમાં ક્લાસીસ આવેલા છે ત્યાં સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે રહેવું જરાય સહેલું નથી.”
રાજસ્થાનના જયપુરથી યુપીએસસીની તૈયારી કરવા આવેલ રાહુલ ચૌધરી છેલ્લા એક વર્ષથી દિલ્હીમાં રહે છે. તેઓ કહે છે, “દિલ્હીનું ખાવાનું જેટલું બહારથી દેખાય છે એટલું સારું નથી હોતું. તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ભાગે એવું જ ખાવાનું આવે છે જેનાથી કદાચ તેનું પેટ ભરાઈ જાય અને દિવસ પસાર થઈ જાય. હું એવા લોકોને પણ ઓળખું છું જેમને અહીંનું પાણી માફક ન આવવાને લીધે, સતત બીમાર રહેવાને કારણે પાછા જતું રહેવું પડ્યું હોય.”
હરિયાણાના બહાદુરગઢથી દિલ્હી આવેલાં શિવમ ડબાસ કહે છે, “ખૂબ ડિમાન્ડને કારણે ભાડું ખૂબ વધારે છે. હું જ્યારે અહીં આવી ત્યારે એક મને ઑલ્ડ રાજિંદર નગરમાં પીજી નહોતું મળ્યું કારણ કે બધી જ જગ્યાઓ ફુલ હતી. આ પરસ્થિતિમાં મકાનમાલિકનું વર્તન બદલાઈ જતું હોય છે અને પછી રૂમ શોધવા માટે બ્રોકર્સનો સહારો લેવો પડે છે. તમારે તેને પૈસા આપવા જ પડે છે અને તેમની મદદ લીધા વગર તમે રૂમ મેળવી શકતા નથી.”

આર્થિક મુશ્કેલીઓ અને સમાજનું દબાણ

ઇમેજ સ્રોત, Arjav Parekh / BBC
કોઈ એક વિદ્યાર્થી અહીં કૉચિંગ લેવા માટે આવે છે ત્યારે તેણે ઘણી આર્થિક તૈયારીઓ કરીને આવવું પડે છે. યુપીએસસીમાં મુખ્ય વિષયો ગણાતા જનરલ સ્ટડીઝનાં 10 મહિનાનાં કૉચિંગની ફી 1.20 લાખથી લઈને 1.80 લાખ જેટલી હોય છે.
આ સિવાય મોટાભાગનાં વિદ્યાર્થીઓ એક વૈકલ્પિક વિષયનું કૉચિંગ પણ લેતા હોય છે. જેની ફી 10 હજારથી શરૂ કરીને 50 હજાર સુધી હોય છે. અમુક વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસિસ ઍપ્ટિટ્યુડ ટેસ્ટ (CSAT)નું કૉચિંગ પણ અલગથી લેવું પડે છે.
આ ખર્ચમાં રહેવાનો ખર્ચ ઊમેરાય એટલે જે વિદ્યાર્થી માત્ર જનરલ સ્ટડીઝનું કૉચિંગ લઈ રહ્યો હોય તેનો ખર્ચ પણ ત્રણ લાખ સુધી પહોંચી જાય છે. અભ્યાસનું મટીરિયલ અને પુસ્તકોનો અન્ય ખર્ચો અલગ ગણવો રહ્યો.
ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં લૉન લઈને આવતા હોય છે અને ખૂબ સામાન્ય પરિવારોમાંથી આવતા હોય છે.
રાહુલ વધુમાં કહે છે, “હું વિચારી પણ નથી શકતો કે રહેવા માટેની સાવ સામાન્ય સુવિધાઓ માટે આટલું ભાડું ચૂકવવું પડે. અહીં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ આવે છે, બધા કોચિંગ ક્લાસીસ અહીં આવેલા છે એટલે અહીં ભાવ ખૂબ વધારે રહે છે. આઠ-દસ હજારમાં રૂમ મળી જાય ખરો, પણ એ બોક્સ કે ખોલી પ્રકારનો રૂમ હોય જેમાં કોઈ વૅન્ટિલેશન ન હોય અને તેમાં રહી ન શકાય.”

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી બની જાય છે

ઇમેજ સ્રોત, Arjav Parekh / BBC
પરીક્ષાની તૈયારી કરતાં દરેક વિદ્યાર્થીઓ માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ખૂબ સારી સ્થિતિમાં જાળવી રાખવું એ સૌથી મોટો પડકાર બની રહે છે.
પરીક્ષાનો સ્વભાવ એવો છે જે તમારી સામે દર અઠવાડિયે એક નવી મૂંઝવણ ઊભી કરે છે, નવો પડકાર ફેંકે છે. આવા સંજોગોમાં સમયાંતરે તમારે ટાઈમટેબલ પણ બદલતા રહેવું પડે છે. જેના કારણે સીધી અસરો શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે.
અમદાવાદના સમીર પ્રજાપતિ પણ આ જ પ્રમાણે ઑલ્ડ રાજિંદર નગરમાં રહીને તૈયારી કરતા હતા. તેઓ કહે છે, “શરૂઆતમાં એટલો ફર્ક પડતો નથી પરંતુ ત્યારપછી જેમજેમ તમે આગળ વધો, થોડી નિષ્ફળતાઓ મળે તેમ સામાજિક દબાણ, આર્થિક પ્રશ્નો કદાચ વધતા જાય છે. તમારી જ ઉંમરના લોકો, તમારા મિત્રો ખૂબ સારી જગ્યાએ નોકરીમાં લાગી ગયા હોય, સેટ થઈ ગયા હોય અને ત્યારે તમે હજુ તૈયારી કરતા હોવ છો, જેના કારણે ઘણા લોકો તણાવ અનુભવે છે. જોકે તૈયારી શરૂ કર્યા પછીના પહેલા વર્ષમાં કોઈ મોટી અસર થતી નથી, પરંતુ પછી થોડીઘણી માનસિક તાણ વર્તાય છે અને પરીક્ષાના એક-બે મહિના પહેલાં તે અતિશય વધી જાય છે.”
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (ICMR)ના એક સર્વેક્ષણ અનુસાર સમગ્ર ભારતમાં 12-13 ટકા વિદ્યાર્થીઓએ મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક અને વ્યવહાર સંબંધી સમસ્યાઓથી પીડાય છે.
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરથી દિલ્હી આવેલ તુષાર કહે છે, “યુપીએસસીની તૈયારી માટે તમારો સ્થાયી અને સ્વસ્થ માઇન્ડસેટ સૌથી વધુ અગત્યનો છે. પરિવારથી, મિત્રોથી લાંબો સમય દૂર રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં ઘણા લોકોને એકલતા અનુભવાય છે. જે વ્યક્તિ પહેલેથી અંતર્મુખી છે તેને શરૂઆતમાં ભયંકર મુશ્કેલીઓ અનુભવાય છે.”
આ માનસિક તાણ ઘણી વખત વિદ્યાર્થીઓને મોટું પગલું ભરવા પ્રેરે છે. NCRBના 2020ના ડેટા પ્રમાણે, પરીક્ષા સંબંધિત તણાવને કારણે ભારતમાં 2500 લોકો દર વર્ષે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવે છે, જે ચોંકાવનારો આંકડો છે.
અમદાવાદના સિનિયર સાયકૉલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી આ અંગે વાત કરતા જણાવે છે, “સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હંમેશાં પર્ફોર્મન્સ એંગ્ઝાઇટીની ચિંતા રહેતી હોય છે. આ સિવાય તેમને નિષ્ફળતાની ચિંતા, કારકિર્દી બનાવવાની ચિંતા રહેતી હોય છે. યુપીએસસી જેવી પરીક્ષાઓ ખૂબ લાંબી હોય છે, તેના લીધે ધીરજ ખૂટી જતી હોય છે. ઘણીવાર કોઈ વિદ્યાર્થીઓને ફ્રસ્ટ્રેશન, ડીપ્રેશન આવે છે તો કોઈ વ્યસનના માર્ગે ચડી જતાં હોય છે.”

ભાષાનો મુદ્દો પણ અગત્યનો

ઇમેજ સ્રોત, Arjav Parekh / BBC
તમિલનાડુના થેણી જિલ્લાના નાનકડા શહેર કુમબુમથી દિલ્હી આવેલા આસિક રહેમાનની કહાણી થોડી અલગ છે. તેઓ સ્નાતક થયા પછી દેશની ટોચની આઈટી કંપનીમાં કામ કરી રહ્યા હતા. તેઓ કહે છે, “લૉકડાઉન આવ્યું અને તેણે મારા વિચારો બદલી નાખ્યા. મેં યુપીએસસી માટે તૈયારી કરવાનું નક્કી કર્યું. કોરોનાને કારણે હું ઓનલાઈન ક્લાસ જ કરી રહ્યો હતો. ઘરે રહીને બે પ્રયાસો આપ્યા પણ હું સફળ ન થયો. મને એવું લાગ્યું કે વાતાવરણ, માહોલ, વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તૈયારી કરવા મારે દિલ્હી આવવું જોઈએ એટલે હું દિલ્હી આવ્યો.”
તેઓ જણાવે છે કે, “મારી જેમ દક્ષિણ ભારતથી આવતા મોટાભાગનાં લોકોને અહીં દિલ્હીમાં આવીને ભાષાનો પ્રશ્ન નડે છે. હિન્દી પર એટલું પ્રભુત્વ ન હોવાને કારણે અમે મોટાભાગની વાતો સમજી શકતા નથી. વધુમાં અહીં મોટાભાગના લોકો પોતાની તૈયારીમાં વ્યસ્ત હોય છે. ભાષાને કારણે અને તેમની વ્યસ્તતાને કારણે અમને શરૂઆતમાં સંવાદ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. એટલે શરૂઆતનાં દિવસોમાં એકલતા અનુભવાય છે. જો કે અમે ધીરેધીરે માહોલને અનુકૂળ થઈ જઇએ છીએ.”
તેલંગણાના હૈદરાબાદથી યુપીએસસીની તૈયારી કરવા આવેલ મલ્લિકાર્જુન કહે છે, “અહીં મને ક્લાસીસથી માંડીને ઘણી જગ્યાએ દિલ્હીમાં ભાષાનો પ્રશ્ન નડે છે કારણ કે હિન્દી પર મારી પકડ નથી. ઘણી બધી તકલીફો પડતી હોય છે, પરંતુ તમારે એક લાંબી મજલ કાપવાની છે એટલે ઘણાં સમાધાનો કરવા પડે છે.”
સમસ્યાઓનું લિસ્ટ અતિશય લાંબુ છે
આ પરીક્ષા એક એવી પરીક્ષા છે, જેમાં કોઈ પ્રકારની સુરક્ષા નથી, કોઈ વાતની ગૅરંટી નથી. મોટાભાગના વિદ્યાર્થીઓએ બૅકઅપ પ્લાન વિચારીને ચાલવું પડે છે.
આ યાત્રા ખૂબ લાંબી છે. પહેલું એક વર્ષ વિદ્યાર્થીઓ કૉચિંગ લે છે. એક વર્ષ પૂરું થયા પછી પ્રીલિમ્સ આપે છે. અને આ યાત્રામાં ‘હું ક્યાં છું’, ‘કેટલી મહેનતની જરૂર છે’ એ જાણતા ઓછામાં ઓછા બે વર્ષ નીકળી જાય છે.
બહુ જૂજ લોકોને આ પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા મળે છે અને તેમને પણ આ સફળતાનાં સમાચાર મળે ત્યાં સુધી કુલ બે વર્ષ પસાર થઈ ચૂક્યા હોય છે.
જે લોકો અહીં સફળ થતાં નથી તેમના CVમાં આટલાં વર્ષો કોરાં દેખાય છે. પળે પળે તેમને એ પ્રશ્ન સતાવે છે કે આ નહીં થાય તો આગળ શું?
રાહુલ જણાવે છે કે, “આ સિવાય હું માનું છું કે માનસિક સમસ્યાઓ, સામાજિક દબાણ એ બધું આ તૈયારીનો ભાગ છે જેમાંથી સૌ કોઈ પસાર થાય છે. જે લોકો ચાર-પાંચ વર્ષ સુધી તૈયારી કરતાં હોય છે, ચાર પાંચ પ્રયત્નો કરી ચૂક્યા હોય છે અને પછી પણ સફળ થઈ શકતા નથી, તેમના મનમાં એવું થઈ જાય છે કે શું હવે અમે જિંદગીમાં કંઈક કરી શકીશું? કારણ કે તેઓ તેમની ઉંમરનો સૌથી મહત્ત્વનો હિસ્સો કહી શકાય એવો 22 થી 27 વર્ષનો સમયગાળો પસાર કરી ચૂક્યા હોય છે.”

મહિલા ઉમેદવારો માટે અલગ છે પડકારો

ઇમેજ સ્રોત, ANI
યુપીએસસીની પરીક્ષા તો મહિલા અને પુરુષ ઉમેદવારોને સમાન તક આપે છે, પરંતુ એક ઉમેદવાર તરીકે પરીક્ષાની તૈયારી કરતી વખતે તેમને થોડી અલગ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા કિસ્સાઓમાં તેમને ઘરથી દૂર જઈને બીજા શહેરોમાં તૈયારી કરવાનો મોકો મળતો નથી.
ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલાં એકતા પાંડે કહે છે, “તૈયારી સિવાય હું કહીશ કે પ્રદૂષણ, અતિશય ભાડું અને ભોજનનો પ્રશ્ન મુખ્ય છે. તેને સંપૂર્ણપણે હું હૅન્ડલ કરી શકી નહીં એટલે મારે ખૂબ કઠિન સમયમાંથી પસાર થવું પડ્યું. તૈયારી સમયે મને ખૂબ ચિંતાઓ થતી, પોતાના પર જ શંકાઓ થતી, મૂંઝવણો થતી. મને એવું નથી લાગતું કે એવા કોઈ ચોક્કસ છોકરીઓ સંબંધિત પ્રશ્નો હોય પરંતુ અમારા માટે પીજીમાં ઘણા પ્રતિબંધો હોય છે, જેમ કે 10 વાગ્યા પછી બહાર ન જવું, પણ હું તેની સાથે સંમત છું.”
હરિયાણાના બહાદુરગઢથી આવેલાં શિવમ ડબાસ કહે છે, “મારા અનુભવે મને એવું લાગે છે કે અમારા કરતાં છોકરાઓ વધુ સામાજિક દબાણ અનુભવે છે.”
આઈપીએસ ડૉ. નવજોત સિમી અનએકેડમીને ‘ઓફિસર્સ ઑન ડ્યૂટી’ કાર્યક્રમ હેઠળ આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવે છે, “ મોટાભાગના ઉમેદવારો જે સમસ્યાઓનો સામનો કરે છે તેમાંથી 90 ટકા એક્સમાન હોય છે. પરંતુ છોકરીઓને લગ્નનું દબાણ પરિવાર કે સમાજ તરફથી રહેતું હોય છે. આ સિવાય દિલ્હી જેવા શહેરમાં જો તેઓ અલગથી રૂમ રાખીને રહે છે તો બીજી અનેક સમસ્યાઓ આવતી હોય છે. ક્યારેક પાણીની સમસ્યા, ક્યારેક કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણો બગડી જવા જેવી સમસ્યાઓ આવે છે, જેના માટે તેમને જાતે જ ઉકેલ શોધવો પડે છે.”

અહીં આવવાનાં કારણો શું?

ઇમેજ સ્રોત, Arjav Parekh / BBC
યુપીએસસીની તૈયારી માટે દિલ્હી આવવા માટેનાં કારણો દરેક ઉમેદવારે બદલાતાં હોય છે.
સમીર કહે છે, “હું ટેકનિકલ બૅકગ્રાઉન્ડમાંથી આવું છું અને દસમા ધોરણ પછી હ્યુમેનિટિઝના વિષયો ભણ્યા નહોતા. તેના માટેના કોઈ સ્પેશિયલ ક્લાસ એ સમયે ગુજરાતમાં નહોતા એટલે મેં દિલ્હી આવવાનું નક્કી કર્યું.”
જ્યારે તુષાર કહે છે, “મેં વૈકલ્પિક વિષય તરીકે રસાયણવિજ્ઞાન રાખ્યું છે. જેના ક્લાસીસ દિલ્હીમાં જ ઉપલબ્ધ છે, એટલે હું દિલ્હી આવ્યો.”
જોકે, એકતા પાંડે કહે છે, “શરૂઆતમાં મેં ઘરેથી જ તૈયારી કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ અતિશય લાંબો સિલેબસ જોઈને મને એવું લાગ્યું કે જે લોકો દિલ્હીમાં રહીને સખત મહેનત કરી રહ્યા છે તેમની સાથે સ્પર્ધામાં ઊતરવા મારે દિલ્હી જવું જોઈએ.”
તો મલ્લિકાર્જુન કહે છે, “હૈદરાબાદમાં પણ ઘણા ક્લાસીસ છે, પરંતુ હું દિલ્હી એટલે આવ્યો હતો. કારણ કે હું પરિવાર અને મિત્રોથી દૂર રહેવા માંગતો હતો. મને એવું લાગ્યું કે આમ કરવાથી મને એક સારું વાતાવરણ મળશે અને તૈયારીમાં કોઈ વિક્ષેપ નહીં આવે.
આ મુદ્દે રાહુલ કહે છે, "ભારતીય સમાજમાં એવી છાપ બની ગઈ છે કે યુપીએસસી એટલે દિલ્હી. તે તૈયારી કરનાર લોકો માટે મક્કા બની ગયું છે. જે લોકો અહીં તૈયારી નથી કરતાં તેઓ પણ તૈયારી દરમિયાન એકવાર તો અહીં અચૂક આંટો મારે છે. સૌથી શ્રેષ્ઠ કોચિંગ સંસ્થાનો પણ અહીં દિલ્હીમાં છે. સંસાધનો અહીં આસાનીથી ઉપલબ્ધ છે એટલે હું અહીં આવ્યો.”
શિવમ ડબાસ (મહિલા ઉમેદવાર) કહે છે, “ સમાન તકલીફો, ઊર્જા, સમર્પણ ધરાવતા લોકો એક જગ્યાએ મળી રહે જેમનાથી હું કંઈક શીખી શકું એટલા માટે હું દિલ્હી આવી હતી. આ પ્રકારનું વાતાવરણ ઑનલાઇન ક્લાસમાં હું ન મેળવી શકી હોત.”

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીમાં છેલ્લા 20 વર્ષથી યુપીએસસી માટે પૉલિટિકલ સાયન્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું કૉચિંગ કરાવતા વિનય સિંઘ જણાવે છે, “પરીક્ષાર્થીને અહીં ખેંચી લાવે તેવું સૌથી મોટું કારણ એ અપેક્ષાઓનો બોજ છે. આઈએએસ બનવાનું સ્વપ્ન જ્યારે કોઈ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી વ્યક્તિ જુએ છે ત્યારે તેને પરિવાર આસાનીથી સ્વીકાર કરતો નથી પરંતુ જ્યારે એ વ્યક્તિ કલેક્ટર બને છે ત્યારે પરિવાર સહિત આસપાસના બધા જ લોકોની કિસ્મત બદલી નાખે છે. એટલા માટે પરિવારને એવું હોય છે કે તેને સૌથી શ્રેષ્ઠ સુવિધાઓ મળે અને લોકોને એવું લાગે છે કે દિલ્હી જઈશું તો જ એ મળશે.”
તેઓ વધુમાં જણાવે છે કે, “જ્યારે એ પરીક્ષાર્થી અહીં આવે છે ત્યારે માત્ર પુસ્તકો લઈને નથી આવતો પરંતુ અપેક્ષાઓનો બોજ લઈને પણ આવે છે. વ્યક્તિગત સંબંધો, પારિવારિક સંબંધો, કારકિર્દી અને સ્વપ્નો આ બધા વચ્ચે કેમ બૅલેન્સ બનાવવું તેની મથામણમાં તે રહે છે. એકબાજુ ઉંમર વધતી જાય છે. આ બધી વાતોથી જ એ એટલો પરેશાન હોય છે કે તેના માટે ખાવું-પીવું, રહેવું, વાતાવરણ એ બધી સમસ્યાઓ નગણ્ય બની જતી હોય છે. સામાન્ય પરિસ્થિતિવાળા મા-બાપ પણ જ્યારે પૂછ્યા વગર પૈસા મોકલે છે, એવું કહે છે કે ‘ચિંતા ન કર, ભણવામાં ધ્યાન આપ’ ત્યારે એ સાંત્વના હકીકતમાં તો વિદ્યાર્થીઓને બોજ લાગે છે. પરીક્ષા તો અનિશ્ચિતતાઓથી ભરેલી છે એટલે આ બધી ચિંતાઓ તેને અંદરથી ભાંગી નાખે છે, તેનાથી માનસિક અસર થાય છે.”
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાળ શર્માના અંગત સચિવ અને દિલ્હી સહિત દેશભરમાં યુપીએસસીના વિદ્યાર્થીઓને વર્ષોથી માર્ગદર્શન આપનાર ભૂતપૂર્વ આઈએએસ અધિકારી ડૉ. વિજય અગ્રવાલ પરીક્ષાર્થીઓને પડતી મુશ્કેલીઓ વિશે વિસ્તૃત પ્રકાશ પાડે છે.
તેઓ કહે છે, “પરીક્ષાર્થીઓ પોતાનાં નાનાં શહેરો કે ગામને છોડીને દિલ્હી જેવા મોટા શહેરમાં આવે છે. આ શહેરમાં તેમનું ઓળખીતું કોઈ નથી હોતું. અહીં તેમને બધું જ નવું નવું લાગે છે, તેઓ એકલતાનો અનુભવ કરે છે. આ પહેલાં તેઓ એક અલગ જીવન જીવતા હોય છે. નાનું ગામ હોય, પડોશમાં લોકો હોય, સંબંધીઓ હોય, એવા માહોલમાં તેઓ રહેતા હોય છે. બીજી સમસ્યા છે ‘આતંક’ – એ છે લાઇફસ્ટાઇલનો આતંક. અહીં લોકો ખૂબ ઝડપથી ભાગી રહ્યા છે, ગાડીઓ દોડી રહી છે, ઊંચી ઊંચી ઇમારતો છે, લાઇટોની ચમકદમક છે, પહોળા રસ્તાઓ છે. અચાનક આ બધું જોઈને તેમને એવું લાગે છે કે હું તો આ જગ્યા માટે અનફિટ છું. હું અહીંના લોકો સાથે કેવી રીતે સ્પર્ધા કરીશ? એવા વિચારો તેમના મનમાં સતત આવે છે. ઘણા લોકો આ પરિસ્થિતિ, માનસિક દબાણને સહન કરી શકતા નથી અને તેના કારણે તેઓ પોતાના વતનમાં પાછા પણ ફરે છે.”
“ આ સિવાય છેલ્લા કેટલાક સમયથી હું એક નવું લક્ષણ જોઈ રહ્યો છું કે મહાનગરોમાં તૈયારી કરવા આવતા વિદ્યાર્થીઓ ‘લવ અફેર્સ’માં જલદીથી ડૂબી જાય છે. વિદ્યાર્થીઓ સાથેના કાઉન્સેલિંગમાં 90 ટકા સમસ્યાઓ આ પ્રકારની આવે છે. તેઓ તૈયારી કરવા ગયા છે આઈએએસની અને તેઓ આ પ્રકારની સમસ્યાઓમાં ડૂબી જાય છે. આ ‘લવ અફેર્સ’ નું કારણ પણ મોટેભાગે એકલતા રહેલી છે. તેમનામાં ફૂલી રહેલી એકલતાને તે સહારો આપે છે. છોકરીઓમાં આ પ્રકારની સમસ્યાઓ વધારે દેખાય છે.”
“હું સ્પષ્ટ કહીશ કે જાહેરાતો અને જાહેરાતોથી ઉત્પન્ન થતી ગેરસમજણો, મૂંઝવણો જ તેમને દિલ્હી ખેંચી લાવે છે. લોકોને એવું લાગે છે કે દિલ્હી અમારું તીર્થસ્થાન છે અને ત્યાં જઈશું તો અમે જરૂર સફળ થઈશું. જાહેરાતોએ લોકોના મનમાં દિલ્હીની આવી છાપ ઊભી કરી દીધી છે. પરંતુ સફળ થતાં વિદ્યાર્થીઓની સંખ્યા તરફ નજર નાખીશું તો એવું નથી કે દિલ્હીમાંથી જ વધુ વિદ્યાર્થીઓ સફળ થતાં હોય. ત્યાંથી જો બે લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તો નિશ્ચિતપણે ત્યાંથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ સફળ થવાના. એટલે સમગ્ર દેશમાં એવી હવા બની ગઈ છે કે ‘આઈએએસ બનવું હોય તો દિલ્હી જાઓ’.”
“છોકરીઓ માટે સૌથી વધુ સમસ્યા સુરક્ષાની હોય છે. જેના કારણે તેમનો પરિવાર સતત ચિંતિત હોય છે. બીજી સમસ્યા એ હોય છે કે તેમની પાસે મર્યાદિત સમય જ હોય છે. પરિવારના લોકો કહે છે કે 2-3 વર્ષ પ્રયત્ન કરી લો, નહીંતર પછી અમે લગ્ન કરાવી દઈશું. પરંતુ આ દબાવ સકારાત્મક છે, હું માનું છું કે તેના કારણે તેઓ વધુ કેન્દ્રિત થઈને તૈયારી કરે છે, પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દે છે અને જલદી ઊંચા રેન્ક સાથે સફળતા મેળવે છે.”
તેમણે વાત પૂરી કરતા કહ્યું કે, “માનસિક મજબૂતી, તાકાત એ આ પરીક્ષા માટે સૌથી અગત્યનું પરિબળ છે અને તેને જ હું વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યા માનું છું.”












