ગુજરાતીઓમાં કૅનેડા જવાનો મોહ કેમ વધી રહ્યો છે, કૅનેડા જવું કેટલું સરળ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
"હું 2018માં કૅનેડા આવ્યો હતો. મને ઘણાં વર્ષો સુધી નોકરી ન મળી. જોકે, હવે નાગરિકતા મળી ગઈ છે પરંતુ કૅનેડામાં રહીને અમેરિકાની કંપનીમાં નોકરી કરું છું."
વર્ષો પહેલાં ગુજરાતના વડોદરા શહેરમાંથી કૅનેડા ગયેલા ટ્વિંકલ પંચાલના આ શબ્દો છે.
કૅનેડાથી બીબીસી સાથેની વાતચીતમાં તેમની કહાણી વર્ણવતા તેઓ કહે છે કે, "છેલ્લાં પાંચ વર્ષોમાં ગુજરાતથી કૅનેડા આવનારાં ગુજરાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે."
ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાતો અને કન્સલ્ટન્ટ્સ પણ આ વાત સાથે સંમત છે. તેમનું પણ કહેવું છે કે ગુજરાતીઓમાં કૅનેડા જવાનો ‘ક્રેઝ’ ખૂબ જ જોવા મળી રહ્યો છે.
કૅનેડાની સરકારના વસ્તી ગણતરીના 2021ના આંકડા અનુસાર કૅનેડામાં ગુજરાતી ભાષા માતૃભાષા તરીકે ધરાવતા લોકોની વસ્તી 1,38,985 છે. જોકે, તેમાં સંસ્થાઓમાં ભણતાં-રહેતાં લોકોનો સમાવેશ નથી થતો.
ટ્વિંકલ પંચાલ કહે છે કે, કૅનેડાની સરકાર વિઝા વિશેની માહિતીઓ ગુજરાતી અને હિંદી ભાષામાં પણ પ્રકાશિત કરે છે અને ગુજરાતી અખબારોમાં જાહેરાતો પણ આપે છે. જે દર્શાવે છે કે કૅનેડા જતા ગુજરાતીઓની સંખ્યાનું પ્રમાણ કેટલું નોંધપાત્ર છે.
કૅનેડાના ઇમિગ્રેશન, રૅફ્યૂજીસ ઍન્ડ સિટિઝનશીપ કૅનેડા (આઈઆરસીસી) મુજબ વર્ષ 2022માં કુલ 2.26 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કૅનેડા ભણવા માટે ગયા હતા. જ્યારે કુલ 184 દેશોનાં કુલ 5.51 લાખ વિદેશી વિદ્યાર્થીઓ કૅનેડા ભણવા ગયા હતા. જેનો અર્થ કે તેમાં લગભગ 40 ટકા વિદ્યાર્થીઓ ભારતનાં હતાં.
ઇમિગ્રેશન ઍક્સપર્ટ અનુસાર ગુજરાતીઓ મોટાભાગે કૅનેડામાં મોન્ટ્રિયલ, વૅનકૂવર, ટૉરન્ટો, ઑટ્ટાવા, ક્યૂબેક સહિતના શહેરોમાં જતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, તેમ છતાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર ભારતીય વિદ્યાર્થીઓમાં સૌથી લોકપ્રિય દેશ અમેરિકા રહ્યો છે. અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 4.65 લાખ છે. ત્યાર બાદ કૅનેડાનો નંબર આવે છે. અને ત્યાર પછી યુએઈનો ક્રમ આવે છે. જોકે આ સંખ્યા ભણવા જતા વિદ્યાર્થીઓની છે, જે માત્ર સ્ટુડન્ટ વિઝાનું પ્રમાણ દર્શાવે છે. તેમાં અન્ય વિઝા જેમ કે એચવન-બી વિઝા, એલવન વિઝા સહિતની શ્રેણીના વિઝા પર જતા લોકોની સંખ્યા સામેલ નથી.

‘કૅનેડામાં વાસ્તવિકતા કંઈક અલગ છે’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૅનેડા જવાની પોતાની કહાણી વિશે જણાવતા ટ્વિંકલ પંચાલ બીબીસીને જણાવે છે કે, "હું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફાઈનઆર્ટ્સ વિભાગમાં ભણાવતો હતો. મારાં પત્ની મારા પહેલાં 2017માં કૅનેડા આવી ગયાં હતાં. એ પછી હું કૅનેડા ગયો. પરંતુ મને નોકરી નહોતી મળી. મારા પત્નીને નોકરી મળી ગઈ હતી. હવે અમને નાગરિકતા પણ મળી ગઈ છે."
"અમારો સીઆરએસ સ્કૉર સારો હતો એટલે પીઆર મળી ગયા અને પછી નાગરિકતા. પરંતુ એક વાત જરૂર અમારે ધ્યાને આવી છે કે, કૅનેડામાં આવીને શિક્ષણ મેળવ્યા પછી પીઆર મેળવવામાં સરળતા પડે છે."
"જ્યારે અમે અમારી ભારતની ડિગ્રી-શૈક્ષણિક યોગ્યતા તથા કામનો અનુભવ અને આઈઈએલટીએસની પરીક્ષાના સ્કૉરના આધારે આવ્યા હતા. માત્ર મારી પત્નીએ કૅનેડામાં આવીને અભ્યાસ કર્યો હતો."
“જોકે, હવે જોવા મળે છે કે 12મા ધોરણ પછી લોકો આવી જાય છે અને ડિપ્લોમાનો કોર્સ અથવા બૅચલર ડિગ્રી કરે છે. જેના લીધે તેમનો સીઆરએસ સ્કૉર સારો થઈ જતો હોવાથી તેમને નોકરી મેળવવામાં અને પીઆર મેળવવામાં સરખામણીએ સરળતા રહે છે. જોકે આમાં કેટલાક અપવાદ કિસ્સાઓ પણ છે."
"ગુજરાતીઓ કૅનેડામાં એકબીજાની દેખાદેખીમાં પણ આવતા હોય છે. તેમના મિત્રો કૅનેડા આવે એટલે તેઓ પણ કૅનેડા આવવા માગતા હોય છે. જ્યારે કેટલાકને કંઈક નવું ઍક્સપ્લોર કરવું હોય છે અથવા તો પીઆર સરળતાથી મળી જાય એટલે આવે છે."
"પરંતુ જે લોકો પર કૅનેડામાં આવીને જાતે કમાઈને આગામી વર્ષની ફી અને ખર્ચો ભેગા કરવાની જવાબદારી હોય છે, તેમના માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. તેમણે મૉલ, સુપરસ્ટોર, રેસ્ટોરન્ટમાં 12-12 કલાકની નોકરીઓ કરવી પડે છે. તેમના માટે અસ્તિત્ત્વ ટકાવી રાખવું પણ મુશ્કેલ બની જાય છે."
"કૅનેડામાં નૉન-પ્રોફેશનલ્સ કૉર્સ જેમ કે બીબીએ, આર્ટ્સ સહિતના કોર્સ કર્યાં બાદ નોકરી મળવાની તકો આઈટી અને એન્જિનયરિંગ તથા સાયન્સ કોર્સ કર્યા પછી મળતી નોકરીની તકોની સરખામણીએ ઓછી જોવા મળે છે. તદુપરાંત વૉકેશનલ સ્કિલબૅઝ્ડ નોકરીઓનું પ્રમાણ સારું છે."
"કૅનેડાના વિઝા નિયમો સહિતની પ્રક્રિયા સરળ છે. પીઆરની પ્રક્રિયા પણ સરળ છે. પરંતુ કૅનેડામાં એક વાસ્તવિકતા એ પણ છે કે ઘણા વિદ્યાર્થીઓ અહીં આવીને ડિપ્રેશનમાં આવી જતા હોય છે. અને આત્મહત્યા પણ કરતા હોય છે. કેમ કે, કૅનેડામાં ભણ્યા પછી તે ઘર, ગાડી, મોંઘો ફોન સહિતની સુવિધાઓ સાથે જીવન જીવવા લાગે છે."
"બીજી બાજુ કૅનેડામાં 30 ટકા ટૅક્સ ભરવો પડે છે અને કેટલાક કિસ્સામાં એ 50 ટકા સુધી પણ પહોંચી શકે છે. જેથી ગણતરીની આવક સામે એટલી જ જાવક હોવાથી ખૂબ જ ગણતરી કરીને ચાલવું પડે છે."
"અહીં 500-600 ડૉલર્સ ભાડાના થાય છે. ખાવાપીવાનું પણ મોંઘું છે. જીવનનિર્વાહના ખર્ચનો દર ઊંચો છે. આથી વ્યક્તિએ સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ."
"ગુજરાતમાંથી માત્ર 12મું ભણીને વ્યક્તિ કૅનેડા આવી જાય છે, ત્યારે તેના માટે સ્થિતિ પડકારજનક હોય છે. કેમ કે તે વ્યક્તિ પાસે નોકરીનો અનુભવ નથી હોતો, તે દુનિયાની પરેશાનીઓ અને બાબતોને સમજવા માટે પરિપક્વ નથી હોતી."
"એટલે અહીં આવીને કઠિન સંજોગોમાં એ પોતાને એકલું અને મજબૂર અનુભવે છે. બીજી તરફ ઘણાં એવા પણ છે જેમણે તમામ પડકારોનો સામનો કરીને એક સારું મુકામ હાંસલ કર્યું છે."
શું કૅનેડા ગયા પછી અમેરિકા જવાના પ્રવેશના દરવાજા ખૂલી જાય છે કે કેમ? આ વિશે ટ્વિંકલ પંચાલ કહે છે, "અમેરિકા અને કૅનેડા બંને પાડોશી દેશો છે. બંને દેશો વચ્ચેના સંબંધો પણ સારા છે. કૅનેડા અને અમેરિકા વચ્ચે NAFTA કરાર થયેલો છે. ઉપરાંત વીઝા અને અન્ય મામલેના પણ કરાર-સંધિઓ થયેલી છે. જેથી અવરજવર સહેલાઈથી થઈ શકતી હોય છે."

કૅનેડા જવાનો મોહ કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના ઇમિગ્રેશન-વિઝા કન્સલ્ટન્ટ પ્રસન્ન આચાર્ય અનુસાર ગુજરાતનાં જે લોકો કૅનેડાને વધુ પ્રધાન્ય આપે છે તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમના માટે કૅનેડા મુખ્ય આકર્ષણ છે.
આ વિશે જણાવતા તેઓ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "ખાસ કરીને વિદ્યાર્થીઓ કૅનેડાને પ્રાધાન્ય આપે છે. તેના પાછળના કારણમાં તેનું જોબ માર્કેટ જવાબદાર પરિબળ છે. કૅનેડામાં ડિપ્લોમા, પોસ્ટડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા કોર્સ ચાલતા હોય છે. જેની એક વર્ષની ફી લગભગ 16 હજાર ડૉલર્સ હોય છે. આ કોર્સ 2 વર્ષના હોય છે."
"એ કર્યા પછી 3 વર્ષના ઑપન વર્ક વિઝા મળી જાય છે. જેના અંતર્ગત વ્યક્તિ એકાદ-બે વર્ષ સુધી કામ કરી લે એટલે તેને જો ત્યાર બાદ જરૂરી પૂરતા સીઆરએસ (કૉમ્પ્રિહેન્સિવ રેટિંગ સિસ્ટમ) પૉઇન્ટ્સ પ્રાપ્ત થઈ જાય તો પીઆર (પરમાનન્ટ રેસિડન્સી) મળી શકે છે. આમ વ્યક્તિ પીઆર માટે અરજી કરી શકે છે. જ્યારે બીજી બાજુ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ સિહતના દેશોમાં પીઆર મેળવવા આટલા સરળ નથી."

કૅનેડા ભણવા જવા માટે કેટલું બજેટ જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
"કૅનેડામાં પીઆર મળી ગયા પછી વ્યક્તિને નોકરી મેળવવામાં પણ સરળતા રહેતી હોય છે. વળી વર્ષ 2009માં કૅનેડામાં એસપીપી (સ્ટુડન્ટ પાર્ટનર પ્રોગ્રામ) નામનો વિઝા કાર્યક્રમ આવ્યો હતો, પછી હવે એસડીએસ (SDS - Study Direct Stream Program) નામનો કાર્યક્રમ ચાલે છે. જે એસપીપીનું મોડિફાઇડ વર્ઝન છે."
"જેમાં આઈઈએલટીએસ (IELTS)ની પરીક્ષાનો સ્કૉર (બેન્ડ), શૈક્ષણિક યોગ્યતા, ડિગ્રી, જીઆઈસી સર્ટિફિકેટ સહિતના માપદંડોના આધારે અભ્યાસ માટે વિઝા મળતા હોય છે. વિદ્યાર્થી કૅનેડામાં આવીને ભણે છે અને પાર્ટટાઇમ નોકરી કરે છે."
"બીજી તરફ અમેરિકાની વાત કરીએ તો, અહીં ભણતર મોંઘું છે. ઉપરાંત પીઆર મેળવવા પણ કઠિન છે. જેથી લોકો પહેલાં કૅનેડાને પ્રાધાન્ય આપે છે. ઉપરાંત કૅનેડામાં સ્કિલ વિઝા હેઠળ પ્રોફેશનલ્સ પણ પ્રવેશ મેળવી શકે છે."
"તથા જેમને સ્ટુડન્ટ વિઝા પર ન આવી શકતા હોય પરંતુ પૂરતું ભંડોળ હોય તો ઈબી5 કૅટેગરીના વિઝા હેઠળ લગભગ 7 કરોડ રૂપિયાનું રોકાણ કરીને પોતાના માટે અને પોતાના પરિવાર માટેના પીઆર મળી શકે છે."
કૅનેડાની શિક્ષણ અને ઇમિગ્રેશન સિસ્ટમ વચ્ચેના તાલમેલને વધુ સમજવતા પ્રસન્ન આચાર્ય કહે છે, "કૅનેડામાં બૅચલર ડિગ્રી કે માસ્ટર ડિગ્રીની ફી ડિપ્લોમા કરતા વધુ હોય છે. જેથી મોટાભાગે હવે 12મા ધોરણ પછી ગુજરાતનો સ્ટુડન્ટ કૅનેડા જાય છે. ત્યાં 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરે છે."
"સાથે સાથે પાર્ટટાઇમ નોકરી પણ કરે છે. થોડી ઘણા પૈસા ભેગા કરે છે. પછી ડિપ્લોમા પૂર્ણ કરીને તેને ક્યાં તો કોલેજ નોકરી શોધી આપે છે અથવા તે પ્રયત્ન કરી શોધી લે છે."
"કામ કરીને એકાદ-બે વર્ષમાં સીઆરએસ પૉઇન્ટ જે વર્તમાન સમયમાં 500થી વધુ પૉઇન્ટના કટ-ઑફ ધરાવે છે તે કમાઈ લે છે. આમ કરવાથી તે પીઆર માટે અરજી કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી લે છે."

કૅનેડામાં પીઆર સરળતાથી મળી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડા તેના વિઝા, પીઆર, નાગરિકતા સહિતના કાર્યક્રમો માટે એક પૉઇન્ટ આધારિત સિસ્ટમ ચલાવે છે. જેમાં વ્યક્તિની શૈક્ષણિક લાયકાત, કામનો અનુભવ, કૅનેડામાં તેનો ટ્રૅક-રૅકર્ડ, સ્કિલ સહિતના પાસાંનો સમાવેશ થાય છે.
જેના આધારે તેનો એક સ્કૉર બને છે. આ સ્કૉરનું એક કટ-ઑફ નક્કી થયા બાદ એ પૉઇન્ટ્સથી વધુનો સ્કૉર ધરાવતી વ્યક્તિને પીઆર મળતા હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
વધુમાં કન્સલ્ટન્ટ પ્રસન્ન આચાર્ય ઉમેરે છે કે,"વ્યક્તિ જો ભારતમાંથી 12મું પાસ કરીને સીધી જ બૅચલર ડિગ્રી કરવા આવે તો, તેની પ્રતિ વર્ષ ફી અને અન્ય ખર્ચાઓનું બજેટ લગભગ 20 લાખ રૂપિયા થતું હોય છે."
"જે કૉલેજ, યુનિવર્સિટી અને કોર્સ પર આધારિત હોય છે. વધુ ટોચની યુનિવર્સિટી હોય તો ફી વધુ પણ હોઈ શકે છે. લગભગ રહેવા-ખાવા અને ભણવાનો વાર્ષિક ખર્ચ બૅચલર ડિગ્રી માટે 20 લાખ રૂપિયા થતો હોય છે."
"તેમાં પ્રારંભિક વર્ષની વિઝા અરજી ફી, ટિકિટનો ખર્ચ, યુનિવર્સિટીમાં એડમિશનની અરજી સહિતના ખર્ચા સામેલ નથી. જોકે, આ પ્રકારના ખર્ચ માત્ર પ્રથમ વર્ષમાં જ થતા હોય છે."
"વળી, વિદ્યાર્થી કૅનેડામાં ડિપ્લોમા કરીને પીઆર મેળવીને ફરી ત્યાં બૅચલર ડિગ્રી પણ કરતા હોય છે. આ રીતે બૅચલર ડિગ્રી કરવામાં તેમને એ ફાયદો થાય છે, કે તેમની કૉલેજની ફી ઓછી થઈ જાય છે કેમ કે તેમને પીઆર મળેલા હોય છે."
"આમ આ આખી ય સિસ્ટમ વિદ્યાર્થીઓને લાભદાયી હોવાથી તેઓ કૅનેડા પર પસંદગી ઉતારી રહ્યાં છે."

કૅનેડા જવાની પ્રક્રિયા સરળ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડા જવાની પ્રક્રિયા શું છે અને શું તે સરળ છે કે કેમ એના વિશે સુરતના ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ જયેશ બ્રહ્મભટ્ટ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "કૅનેડાને ગુજરાતીઓ વિશ્વમાં એક લૉન્ચપૅડ તરીકે ગણે છે. અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ જેવા દેશો કરતા કૅનેડાની ઇમિગ્રેશન નીતિ સરળ છે. કૅનેડા જવું અન્ય દેશો કરતા સસ્તું પણ છે. વળી ઝડપથી પ્રક્રિયા થઈ શકે છે. પ્રક્રિયા સરળ છે."
તેઓ કહે છે, "કૅનેડા જવા માટે સ્ટુડન્ટ વિઝા, ઍક્સપ્રેસ ઍન્ટ્રી, (અમેરિકાના ઈબી5 પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ દ્વારા પીઆર આપતા) વિઝા સહિતના વિઝાનો સમાવેશ થાય છે. આ રીતે ગુજરાતીઓ કાયદેસર કૅનેડા જતા હોય છે."
"જે વ્યક્તિ કે વિદ્યાર્થીને કૅનેડા જવું હોય છે, તે 12મા ધોરણમાં તૈયારી શરૂ કરી દેતી હોય છે. જેમાં IELTSની પરીક્ષાની તૈયારી પણ સામેલ હોય છે. જ્યારે કેટલાક લોકો 12મા ધોરણ પછી તરત જ ઝડપથી કૅનેડા જવાનો પ્રયાસ કરતા હોય છે. ગુજરાતમાંથી લાખો વિદ્યાર્થીઓ કૅનેડા જાય છે."
"કૅનેડા જવાની પ્રક્રિયાની વાત કરીએ તો, વ્યક્તિ કયા બોર્ડમાંથી ભણી છે, તેનો IELTS પરીક્ષાનો બૅન્ડ કેટલો આવ્યો છે, તેનું 12મા ધોરણનું પરિણામ કેવું છે અથવા બૅચલર ડિગ્રીનું પરિણામ કેવું છે એના આધારે પૉઈન્ટ્સ નક્કી થાય છે."
"તમામ દસ્તાવેજો સાથે રાખીને પછી કૅનેડાની યુનિવર્સિટીઝમાં અરજી કરવામાં આવે છે. સામાન્ય રીતે 4-5 યુનિવર્સિટીઝમાં અરજી કરતા હોઈએ છીએ."
"ત્યાર બાદ યુનિવર્સિટી લાયકાત તપાસીને જો યોગ્ય લાગે તો એડમિશન ઑફર કરતી હોય છે. એડમિશન સ્વિકાર કરી લીધા બાત આગળની વિઝા અને અન્ય પ્રક્રિયા શરૂ થાય છે."
"ત્યાર બાદ જીઆઈસી ભરવાનું છે. જેનો અર્થ કે ત્યાં રહેવા-જમવા-અભ્યાસની ફી સહિતના ખર્ચાઓ માટે 10 હજાર ડૉલર્સ ભરવા પડે છે. ઇમિગ્રેશન વિભાગ દ્વારા સ્વિકૃત બૅન્કમાં આ માટે એક ઍકાઉન્ટ ખોલાવવું પડે છે, તેમાં આ રકમ જમા કરવાની હોય છે. તેનું સર્ટિફિકેટ મળે છે."
"પછી વિઝાની પ્રક્રિયા પણ થાય છે. જેમાં બાયૉમૅટ્રિક વૅરિફિકેશન, મૅડિકલ ચૅકઅપ એમ બે પ્રક્રિયા હાથ ધરવી પડે છે. આ બંને માટે વ્યક્તિએ અમદાવાદ જવું પડે છે. કેમ કે તેના સેન્ટર ગુજરાતમાં અમદાવાદમાં છે."

ઇમેજ સ્રોત, Getty Images
"યુનિવર્સિટીમાં એડમિશન માટે અરજી ફૉર્મની ફી, IELTS પરીક્ષાની ફી, બાયૉમેટ્રિક, મેડિકલ ચેકઅપ, વિઝા ફી સહિતના ખર્ચ થતો હોય છે. IELTSની પરીક્ષાની ફી 16 હજાર રૂપિયા જ્યારે બાયૉમેટ્રિક અને મેડિકલ ચેકઅપ માટે 5-5 હજાર રૂપિયા ફી હોય છે."
"ત્યાર પછી વિઝા મળી જાય છે. પાસપોર્ટ પણ ઘરેથી પીકઅપ થાય છે અને (સંબધિત વિઝા) ઑફિસમાં સિક્કો લાગ્યા બાદ ઘરે પરત પહોંચાડવામાં આવે છે."
"આમ પ્રક્રિયા સરળ છે. આમાં કૉલેજની ટ્યુશન ફી સામેલ નથી હોતી."
જયેશ બ્રહ્મભટ્ટ વધુમાં ઉમેરે છે, "“આ બધું થયા પછી વ્યક્તિ ફ્લાઇટની ટિકિટ બુક કરીને કૅનેડા જાય છે. ત્યાં ગયા પછી તેનું બૅન્ક એકાઉન્ટ ઍક્ટિવેટ થાય છે. તેમાંથી તેને દર મહિને 600 ડૉલર્સ મળતા રહે છે. તેણે જે 10 હજાર ડૉલર્સ ભર્યાં હોય છે, તેમાંથી તેને દર મહિને 600 ડૉલર્સ મળે છે."
"ઉપરાંત અમેરિકા અને કૅનેડા પાડોશી દેશ હોવાથી બંને દેશોમાં અવરજવર સરળ બની રહે છે. વિઝિટર વિઝા, વર્કિંગ વિઝા હેઠળ સુગમતા રહે છે. જોકે, કૅનેડા વખતોવખત વિઝા નિયમોમાં સુધારો અને બદલાવ પણ કરતું આવ્યું છે. ભૂતકાળમાં જ્યારે કૅનેડાની સરકારને લાગ્યું કે કેટલાક લોકો માત્ર પીઆરના ઇરાદાથી કૅનેડા આવે છે અને તેમનો હેતુ શિક્ષણ મેળવવાનો નથી, ત્યારે તેણે કેટલાંક નિયંત્રણો પણ મૂક્યાં છે."
"સરવાળે તો કૅનેડા અન્ય દેશો કરતા ઘણી સરળ વિઝા પદ્ધતિ ધરાવે છે. અને સસ્તું પણ છે. ત્યાં ખાસ કરીને બિઝનેસ મૅનેજમૅન્ટ અને આઈટી ક્ષેત્રના કોર્સ કરવા માટે લોકો જતા હોય છે. ત્યાં કૉલેજમાં ભણ્યા પછી નોકરી મેળવાવમાં કૉલેજ તરફથી મદદ પણ મળતી હોય છે."
એ ઉપરાંત પેરા મેડિકલ કોર્સ કરવા માટે વિદ્યાર્થીઓ જતાં હોવાનું પ્રસન્ન આચાર્યનું કહેવું છે.
બીજી તરફ કૅનેડા અને અમેરિકા કાયદેસર જવાના અન્ય વિકલ્પ વિશે જણાવતા તેઓ કહે છે કે સ્ટુડન્ટ વિઝા સિવાય અન્ય કેટલાક વિઝા પણ છે જેની મદદથી લોકો કૅનેડા જઈ શકે છે.
તેઓ આ વિશે કહે છે, "જેમ અમેરિકામાં ઈબી5 પ્રકારના વિઝા થકી વ્યક્તિ પીઆર મેળવી શકે છે એમ કૅનેડાના પીઆર પણ મેળવી શકે છે. અને તેના પરિવારને પણ પીઆર મળી શકે છે. તેમાં લગભગ કૅનેડામાં 3 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડતું હોય છે. આવું જ અમેરિકાના કેસમાં પણ છે."

ગેરકાયદે ઘુસવાના મામલા અને છેતરપિંડી

ઇમેજ સ્રોત, Getty Images
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી કૅનેડા અને અમેરિકા જતા કેટલાક પરિવારોનાં મોતના મામલા ઘણા વિવાદિત રહ્યા છે. આખાને આખા પરિવારો તેમાં હોમાય ગયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તો બીજી તરફ કૅનેડા જવા માગતા ઇચ્છુકો સાથે એજન્ટો દ્વારા થતી છેતરપિંડીની ફરિયાદો પણ ઉઠતી રહે છે.
આ વિશે પ્રસન્ન આચાર્ય કહે છે કે, "લેભાગૂ તત્ત્વોથી સાવધાન રહેવું જોઈએ. વળી યોગ્યતા હોય તો જ જવું જોઈએ. બનાવટી માર્કશીટ કે દસ્તાવેજો બનાવડાવીને લોકો વિદેશ જવાની કોશિશ કરતા હોય છે."
"ઘણી વખત તેમની પાસે પૈસા હોય છે પરંતુ સમજ અને માર્ગદર્શન નહીં મળવાથી ખોટો માર્ગ અપનાવી લે છે. ડીંગુચા પરિવાર જેવા કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. તમારી પાસે પૂરતા નાણાં હોય તો ઘણા દેશમાં કાયદેસર રીતે પ્રવેશ મેળવીને પીઆર મળી શકે છે. અમેરિકાના એલવન વીઝા તેનું ઉદાહરણ છે. કૅનેડાના ઈબી5 વીઝા પણ તેનું ઉદાહરણ છે."
દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થતી છેતરપિંડી મામલે જયેશ બ્રહ્મભટ્ટ કહે છે કે, "જ્યારે વ્યક્તિ શૉર્ટકપ અપનાવીને તત્કાલીક ત્યાં જવા માગે તેની સાથે આવું થવાની શક્યતા રહેલી છે. પરંતુ તો એડવાન્સમાં આયોજન કરીને તૈયારી કરવામાં આવે તો આવી છેતરપિંડીથી બચી શકાય છે."
"કેમ કે તમે તમામ પ્રક્રિયા અને એના દસ્તાવેજોને યુનિવર્સિટીનો સીધો સંપર્ક કરીને વેરિફાઇ કરી શકો છે."
"જો કંઈ પણ શંકા જણાય તો, આગોતરી જાણ થઈ જાય છે. એટલે ત્યાં ગયા પછી છેતરપિંડી થયાનું ખબર પડે છે એવી સ્થિતિ નથી સર્જાતી. પૂરતો સમય તમામ બાબતોને ચકાસવાની સુવિધા આપે છે."
તદુપરાંત ગુજરાત સરકાર પણ ઇમિગ્રેશન એજન્ટો અને આવી કન્સલ્ટન્સીને નિયમન કરતો કાયદો લાવવાની વાત કહી ચૂકી છે.

દર વર્ષે વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ
- 2017માં 4,54,009 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા.
- 2018માં વધીને આ આંકડો 5,17,998 થયો હતો
- આ આંકડા પછી વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે.
- વર્ષ 2019માં 5,86,337 વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે ગયા હતા.
- વર્ષ 2020માં અને 2021માં અનુક્રમે 2,59,655 અને 4,44,553 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા.
- વિશ્વમાં કોવિડની બીમારીના કારણે આંકડો ઘટ્યો હતો. જોકે, 2022માં આંકડો 7,50,365 થયો છે.
- મોટાભાગના વિદ્યાર્થીઓ યુએસએ, યુકે, કૅનેડા, ઑસ્ટ્રેલિયા જાય છે.
- વિદ્યાર્થીઓ તેમાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચડી સ્તરના કોર્સ ભણે છે.
- વળી કેટલાક વિદ્યાર્થીઓ ચીન, ઉઝબેકિસ્તાન, ફિલિપિન્સ, રશિયા, આયર્લૅન્ડ, કિર્ગિસ્તાન, કઝાખસ્તાન એમબીબીએસ કરવા જાય છે.
- નિષ્ણાતો અનુસાર દરવર્ષે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.
- આથી છેતરપિંડી ન થાય એ માટે સંપૂર્ણપણે સાવચેતી રાખવી જોઈએ.














