દરિયો આ ટાપુ દેશોને ગળી જશે ત્યારે શું થશે?

દરિયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર
    • લેેખક, રશેલ નુવાર
    • પદ, બીબીસી ફ્યુચર

દરિયાની સપાટી ભયજનક રીતે વધી રહી છે અને વિશ્વનાં કેટલાંક ટાપુ રાષ્ટ્રો આ સદીના અંત સુધીમાં અદૃશ્ય થઈ જશે તેવી ભીતિ છે. તેનો અર્થ એવો થાય કે એક રાષ્ટ્ર તરીકે તેમનું અસ્તિત્વ જ નહીં રહે?

જેમજેમ સી પ્લેન પાણીની સપાટી પરથી ઊંચકાય છે અને આકાશમાં ઊડે છે તેમતેમ સ્વર્ગ જેવો નજારો જોવા મળે છે.

ઊંડો, વાદળી સમુદ્ર દરેક દિશામાં ફેલાયેલો છે, પરંતુ પરવાળાના ખડકની કરાડની ઍક્વામરીન સપાટીને લીધે થોડો વહેંચાયેલો દેખાય છે. તે દ્વીપોમાંની ભવ્ય હોટેલો અહીંના નાના, મૂલ્યવાન ભૂખંડ પર બંગલાઓનો વિસ્તાર કરતી કરતી રહે છે.

ભારતના દક્ષિણ છેડેથી 595 કિલોમીટર દૂર આવેલા 1,200 ટાપુઓના બનેલા દેશ માલદીવમાં પ્રભાવશાળી લક્ઝરીનો અનુભવ માણવા વિશ્વભરમાંથી લોકો આવે છે. અહીં બધા રિસોર્ટ્સ ખાનગી ટાપુઓ પર આવેલા છે અને એકમેકથી બહુ દૂર હોવા છતાં અપ્રિતમ છે. મહેમાનો ફ્રેશવૉટર સ્વીમિંગ પૂલ પાસેના સ્વીમ-અપ બાર્સમાંથી 25.50 ડૉલર (લગભગ રૂ. 3,275) ચૂકવીને શેમ્પેઇન ખરીદીને તેના ઘૂંટ ભરી શકે છે અને 'રશિયન કેવિઅર' તથા 'વાગ્યુ સ્ટીક' નામની વાનગીઓનો આસ્વાદ માણી શકે છે. તેમના !ર-કન્ડીશન્ડ સ્વીટમાં 'ગેઇમ ઑફ થ્રોન્સ'ના લેટેસ્ટ એપિસોડ્ઝ નિહાળી શકે છે. અહીં કોઈ કમી નથી. કશું પહોંચની બહાર નથી.

આ બધાની વચ્ચે, કાળજીપૂર્વક વિકસાવવામાં આવેલી ટાપુઓની સંપૂર્ણતાનું મૂલ્ય ડૂબી જવાની સતત અનુભૂતિ થતી રહે છે. આ બધું ટૂંક સમયમાં અદૃશ્ય થઈ શકે છે એ જાણીતી વાત છે. નીચાણવાળા વિસ્તારમાંના ટાપુઓ સાથેના આ દેશને, આબોહવા પરિવર્તનને કારણે દક્ષિણ એશિયાનો સૌથી વધુ જોખમી દેશ જાહેર કરવામાં આવ્યો છે. આ સ્થિતિને કારણે પોતાના વૅકેશનની 'મજા મારી જાય' તેવું અહીં હનીમૂન માટે આવતાં યુગલો ભલે ન વિચારતા હોય, પરંતુ કાયમ સ્મિત કરતા રિસોર્ટ્સના સ્ટાફ માટે આ હકીકતને અવગણવાનું મુશ્કેલ છે. માલદીવના એક રિસોર્ટમાં કામ કરતા મન્સૂરે કહ્યું હતું, “આબોહવા પરિવર્તન, કોરલ રીફ, પર્યાવરણ અને પ્રદૂષણથી હું નિશ્ચિત રીતે ચિંતિત છું, પણ હું શું કરી શકું તેની મને ખબર નથી.”

આબોહવામાં પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં વૉટરફ્રન્ટ ડેવલપમેન્ટ્સ અને દરિયા કિનારા પરનાં શહેરો પર જોખમ સર્જાયું છે, પરંતુ કેટલાક લોકો માટે તે થોડા માઈલ પાછળ ખસી જવા કે મિયામી, ઍમ્સ્ટેરડેમ અને શાંઘાઈ જેવાં મોટાં શહેરો છોડી દેવાથી વિશેષ છે. આબોહવા પરિવર્તનને લીધે લગભગ છથી 10 રાષ્ટ્રોના નાગરિકો પાસેથી તેમને દેશ છીનવાઈ શકે છે.

GREY LINE

ચરમ બિંદુ

માલદિવ્સ

ઇમેજ સ્રોત, Science Photo Library

ભવિષ્યમાં ચોક્કસ શું થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ કેટલાંક સંશોધન સૂચવે છે કે સમુદ્રની વધતી સપાટી કેટલાંક ટાપુ રાષ્ટ્રો માટે કદાચ વિનાશકારી સાબિત નહીં થાય. સાથે ઘણા વિજ્ઞાનીઓને ડર પણ છે કે આપણે આફતને ટાળવા ભલે ગમે તેટલું કરીએ, પરંતુ માનવજાત પહેલાંથી કેટલાક દેશોને ભૌતિક રીતે ગાયબ કરી ચૂકી છે. આપણે ભલે તમામ પ્રકારનું ઉત્સર્જન બંધ કરી દઈએ, પરંતુ સમુદ્રની સપાટીમાં આગામી વર્ષોમાં એક-બે ફૂટ વૃદ્ધિ થાય તેટલા ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરી જ નાખ્યું છે અને તે જળવાયુ પરિવર્તનનું કારક છે.

પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના વિખ્યાત મોસમ વિજ્ઞાની માઇકલ માને કહ્યું હતું, “નીચાણવાળા પ્રદેશોમાં આવેલાં દ્વીપ રાષ્ટ્રોમાં આવતું પૂર કોઈ પણ ટેકનૉલૉજી વડે રોકી ન શકાય તેવું બની શકે. હું તેને જાણીજોઈને કરવામાં આવતા વિલંબનો દંડ કહું છું. એવાં કેટલાંક ચરમ બિંદુ, જેને આપણે ભૌતિક અને સામાજિક રીતે ઉલ્લંઘી ચૂક્યા છીએ.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટાપુ રાષ્ટ્રોએ કરેલા આહ્વાન મુજબ આપણે માનવનિર્મિત તાપમાનવૃદ્ધિને ઔદ્યોગિકરણ પૂર્વેના 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીના સ્તરે સીમિત કરવામાં સફળ થઈએ તો એ રાષ્ટ્રો પૈકીના મોટા ભાગનાંને ડૂબતાં બચાવી શકાય, પરંતુ મોટા ભાગના અન્ય દેશો અને ખાસ કરીને વધારે વિકસીત દેશોને વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રી કે ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનો વધારો વાંધાજનક લાગતો નથી.

સંયુક્ત રાષ્ટ્રસંઘના ખાસ સલાહકાર જૉસ રીએરાએ કહ્યું હતું, “પ્રશાંત મહાસાગરમાંનાં ટાપુ રાષ્ટ્રો દ્વારા ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનનું પ્રમાણ લગભગ શૂન્ય છે. પોતે જળવાયુ પરિવર્તનનો સૌથી પહેલાં ભોગ બનશે એ હકીકત બાબતે વિશ્વને સચેત કરવામાં આ રાષ્ટ્રો મોખરે છે.”

અલબત, આ તબક્કે પરિસ્થિતિ પલટાવવી લગભગ અશક્ય લાગે છે. તેનાથી સવાલ થાય કે નુકસાનની ખરેખર શરૂઆત થશે ત્યારે શું થશે? ભૂતકાળમાં બીજા દેશોએ અન્ય રાષ્ટ્રોને પોતાનામાં સમાવી લીધા હતા કે નવાં રાષ્ટ્રોની રચના કરી હતી, પરંતુ કોઈ દેશ ક્યારેય શબ્દશઃ ગાયબ થયો ન હતો.

પોતાનું ભૌતિક ઘર ન ધરાવતા નાગરિકોનું શું કરવું તેનું કોઈ કાયદાકીય, સાંસ્કૃતિક કે આર્થિક ઉદાહરણ ઉપલબ્ધ નથી. કોલંબિયા લૉ સ્કૂલના સબિન સેન્ટર ફૉર ક્લાયમેટ ચેન્જ લૉના ડિરેક્ટર માઇકલ જેરાર્ડે કહ્યું હતું, “નાગરિકત્વની નવી વ્યાખ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવી પડશે. તમામ દ્વીપ રાષ્ટ્રોનું અસ્તિત્વ આ સદીમાં ટકી રહેશે, તેની મને ખાતરી છે, પરંતુ અનેક અનિશ્ચિતતા સાથે પછી શું થશે તે સવાલ છે.”

તેમના કહેવા મુજબ, એ અનિશ્ચિતતા અનેક સવાલ ઊભા કરે છે. જલમગ્ન થઈ જવા છતાં એ રાષ્ટ્રોને સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્યો ગણવામાં આવશે? તે એક વિશેષ આર્થિક અધિકાર ક્ષેત્ર છે? તેથી તેમને તેમના પ્રદેશમાંનાં પાણીમાં માછીમારી તથા ખનીજ કાઢવાની પ્રવૃત્તિ પર નિયંત્રણનો અધિકાર છે? એવાં રાષ્ટ્રોના નાગરિકો ક્યાં જશે? તેમના નાગરિકત્વનું શું? ગ્રીનહાઉસ ગૅસનું વિપુલ પ્રમાણમાં ઉત્સર્જન કરતા અન્ય દેશો સામે પગલાં લેવાનો કાયદાકીય અધિકાર તેમને છે?

નજીકના ભવિષ્યમાં રાજકીય અને પર્યાવરણીય પરિદૃશ્યને કારણે આ સવાલો વધુ ગૂંચવાશે. જેરાર્ડના કહેવા મુજબ, દ્વીપ રાષ્ટ્રોના અદૃશ્ય થવાનું વાસ્તવમાં શરૂ થશે ત્યારે વિશ્વ એક મોટા સંકટની સ્થિતિમાં હશે. બાંગ્લાદેશ, નીલ ડેલ્ટા, મેકોંગ ડેલ્ટા અને બીજાં અન્ય સ્થળો જેવા નીચાણવાળા વિસ્તારમાં મોટા પાયે સ્થળાંતર થશે. વાસ્તવમાં નાનાં દ્વીપ રાષ્ટ્રોની કાયદાકીય તથા તાર્કિક સમસ્યાઓ સંભવતઃ વિશ્વની અગ્રતા નહીં હોય.

GREY LINE

નિરાશ્રિતનો દરજ્જો

હિમશિખર

ઇમેજ સ્રોત, Science Photo Library

જેરાર્ડને ડર છે કે જેમ સીરિયા અને આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં વર્તમાન સ્થિતિમાં રાજકીય તથા આર્થિક સંઘર્ષને લીધે વિસ્થાપિત થયેલા હજારો લોકો તેમનાં ઘરબાર છોડીને ભાગી રહ્યા છે, સલામત આશ્રય શોધી રહ્યા છે. આ પ્રક્રિયામાં હજારો લોકો મરી રહ્યા છે. આ હકીકત, વિશ્વ તૈયારી નહીં કરે તો ભવિષ્યમાં શું થશે તેનું ઉદાહરણ છે. જેરાર્ડે કહ્યું હતું, “વર્તમાન સંકટમાં સામેલ લોકોની સંખ્યા જળવાયુ સંકટના પરિણામે સર્જાનારી સંખ્યા કરતાં એક કે બે ગણી વધુ છે.”

આગામી 85 વર્ષમાં શું થશે તેની ભવિષ્યવાણી કરવા જેરાર્ડ ઇચ્છુક નથી, પણ તેમના કહેવા મુજબ, પોતાનો દેશ ગુમાવનારા નાગરિકોનું શું થશે તે સ્પષ્ટ નથી. ટાપુ રાષ્ટ્રો આ સ્થિતિનો વિચાર કરી રહ્યા છે, પરંતુ મોટા ભાગના અન્ય દેશો એ બાબતે કશું વિચારતા નથી. વૈશ્વિક તાપમાનમાં થતા વધારાથી સર્જાતી સમસ્યાઓને કારણે પોતાનું ઘર છોડવા મજબૂર લોકો એટલે કે જળવાયુ-વિસ્થાપિત લોકોના ભવિષ્ય બાબતે અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય કરાર થયો નથી અને જળવાયુ પરિવર્તનના પ્રભાવને કારણે અન્ય દેશનું નાગરિકત્વ મેળવવાના સફળ પ્રયાસ પણ કોઈએ કર્યા નથી.

દાખલા તરીકે, કિરિબાટીના નાગરિકે માગ કરી હતી કે તેમને અને તેમના પરિવારને જળવાયુ-વિસ્થાપિત લોકોનો દરજ્જો આપવો જોઈએ, પરંતુ ન્યૂઝીલૅન્ડના એક ન્યાયમૂર્તિએ ગયા નવેમ્બરમાં તે દાવો ફગાવી દીધો હતો. ન્યાયાધીશે જણાવ્યું હતું કે કિરિબાટી નાગરિકની કોઈ સતામણી કરતું નથી. તેથી તે શરણાર્થી હોવાનો દાવો કરી શકે નહીં. શરણાર્થીની વ્યાખ્યામાં છૂટછાટ અપાશે તથા તે વ્યક્તિ અને તેના પરિવારને પરવાનગી આપવામાં આવશે તો કદાચ બીજા લાખો લોકો ન્યૂઝીલૅન્ડના દરવાજે ટકોરા મારશે અને છૂટછાટની માગણી કરશે. વાસ્તવમાં ન્યૂઝીલૅન્ડ અને ઍસ્ટ્રેલિયાએ છેલ્લા બે દાયકામાં આવા 20થી વધુ અન્ય કેસ ફગાવી દીધા છે.

જોસ રિએરાએ કહ્યું હતું, “1951માં બનાવવામાં આવેલી શરણાર્થી પ્રણાલિકા મુજબ, સીમા પારથી આવેલી કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હું જળવાયુ પરિવર્તનને કારણે અહીં આવી છું, તો તેને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઝીરો સ્ટેટસ મળે છે. અનેક દેશોએ આ બાબતે વિચારવાનું શરૂ કર્યું છે, પરંતુ સમસ્યા એ છે કે આ પ્રકારના લોકો માટે આજે પણ કોઈ વિઝા કૅટેગરી નથી.”

જેરાર્ડ, રિએરા અને અન્ય લોકો કહે છે તેમ આખરે તો દેશોએ વાસ્તવિકતાનો સામનો કરવો પડશે અથવા પોતાના દેશની સીમા ખોલવી પડશે અથવા જળવાયુ પરિવર્તનનો ભોગ બનેલી વ્યક્તિઓની મદદ માટે અન્ય ઉપાય શોધવા પડશે. એવા લોકો સ્થળાંતર કરી શકે એ માટે દુનિયાના દેશોએ તેમની જમીન એ લોકોને વેચવી પડે તેવું બની શકે. તેમના કહેવા મુજબ, “આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા શાંતિને અગ્રતા આપે છે, અવ્યવસ્થાને નહીં. તેથી ગરીબ કિરિબાટી કે તુવાલુને અમેરિકા દેશ ગણતું નથી એ અયોગ્ય છે.”

આ રીતે સંયુક્ત રાષ્ટ્રસંઘ માન્યતા આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી એ દેશનો કૉડ (બે અક્ષરનું સંયોજન, જેનો પ્રત્યેક દેશ વિશિષ્ટ ડોમેઇન નેમ, આંતરરાષ્ટ્રીય બૅન્કિંગ અને પાસપોર્ટ માટે ઉપયોગ કરે છે) અમલમાં રહેશે. ઇન્ટરનેટના ડોમેઇન નેમનું વ્યવસ્થાપન કરતા બિન-સરકારી સંગઠન 'આઇકન'માં ટેક્નિકલ સર્વિસીસ વિભાગના ડિરેક્ટર કિમ ડેવિયાસે કહ્યું હતું, “જમીનની કમીને કારણે કોઈ કાઉન્ટીનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય તો નવી સ્થિતિ સર્જાશે, પરંતુ એ એવી કોઈ બાબત નથી, જેનું વ્યવસ્થાપન અમારી વર્તમાન પ્રક્રિયા ન કરી શકે. અમારા દૃષ્ટિકોણ મુજબ, સંયુક્ત રાષ્ટ્રસંઘની યાદીમાં સ્થાન ધરાવતો કોઈ પણ દેશનો કન્ટ્રી કૉડ યથાવત રહેશે.”

GREY LINE

યોગ્યતાને આધારે સ્થાનાંતરણ

ટાપુ દેશ

ઇમેજ સ્રોત, Science Photo Library

કિરિબાટી જેવાં દ્રીપ રાષ્ટ્રો પ્રશાંત મહાસાગરમાં 34 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા નાના ટાપુઓના સમૂહનો એક હિસ્સો છે. એ સંયુક્ત રાષ્ટ્રસંઘની યાદીમાં સ્થાન જાળવી રાખવા કટિબદ્ધ છે. કિરિબાટી ગણરાજ્યના રાષ્ટ્રપતિના કાર્યાલયના પ્રવક્તા રિમોન રિમોને કહ્યું હતું, “અન્ય દેશો તેમના ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો નિર્ણય ભલે કરે, પણ અમે જાણીએ છીએ કે આગામી 30થી 50 વર્ષમાં અમારા દ્વીપ જળમગ્ન થઈ જશે.”

કિરિબાટીના રાષ્ટ્રપતિ એનોટ ટોંગે એક યોજના તૈયાર કરી છે, જેને તેઓ 'માઇગ્રેશન વિથ ડિગ્નિટી' યોજના કહે છે. એ યોજનાને ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅન્ડ ટેકો આપ્યો છે. કિરિબાટીના નાગરિકો ખાસ પ્રશિક્ષણ તથા કૌશલ્ય હાંસલ કરવા માટે એ દેશોનો પ્રવાસ કરી શકે છે.

કિરિબાટીમાંથી કાયમ માટે સ્થળાંતર કરવું પડે તો “તેઓ એક અસહાય શરણાર્થી તરીકે નહીં, પરંતુ યોગ્યતાને આધારે સ્થળાંતર કરશે,” એમ રિમોને કહ્યું હતું. રાષ્ટ્રપતિ એનોટ ટોંગે ગયા વર્ષે ફિજીના એક ટાપુ પર કેટલીક જમીન પણ ખરીદી છે. તે આશરે 1,930 કિલોમીટર દૂર આવેલી છે. કિરિબાટી હાલ તે જમીનનો ઉપયોગ પાક લેવા અને પીવાલાયક પાણી મેળવવા માટે કરશે.

કટોકટીનો સમય આવશે ત્યારે કિરિબાટી તેના નાગરિકોને ત્યાં લઈ જશે. રિમોને કહ્યું હતું, “જળવાયુ પરિવર્તનને કારણે અમારી ઓળખ, અમારી સંસ્કૃતિ અને અમારાં રીત-રિવાજને મોટું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ અમે આગામી 50 વર્ષ પછીની સ્થિતિ માટે તૈયારી કરી રહ્યા છીએ. જેથી કિરિબાટી નામના દેશનું અસ્તિત્વ ટકી રહે.”

RED LINE
RED LINE