અમેરિકા : H-1B સહિત અનેક વિઝાની પ્રોસેસિંગ ફી કેટલી કરી અને કેમ વધારી દીધી?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના અલગ અલગ પ્રકારના વિઝા ઇચ્છતા લોકોનો ખર્ચ વધી જાય તેવા સમાચાર છે. કારણ કે અમેરિકાએ એચ-1બી વિઝા સહિત અનેક ઇમિગ્રેશન સેવાઓની પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે.
યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ એક નોટિસ બહાર પાડીને અલગ અલગ પ્રકારની ઇમિગ્રેશન કામગીરી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે.
નવી ઊંચી પ્રોસેસિંગ ફી તાત્કાલિક અસરથી નહીં, પરંતુ પહેલી માર્ચથી લાગુ થશે.
વિઝાથી લઇને ગ્રીન કાર્ડ સુધીની સુવિધાઓની ફીમાં કેવા ફેરફાર થયા છે અને ભારતીયોને તેનાથી કેવી અસર પડશે તેના વિશે જાણીએ.
હવે કેટલી ફી ભરવી પડશે

ઇમેજ સ્રોત, Getty Images
USCISએ પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે જૂન 2023થી જૂન 2025 દરમિયાન ફુગાવામાં જે વધારો થયો તેને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન સેવાઓની વિવિધ ફી વધારવામાં આવી છે.
USCIS પ્રમાણે પહેલી માર્ચથી H-1B, L-1, O-1, P-1 અને TN વિઝા માટેની ફી 2805 ડૉલરથી વધારીને 2965 ડૉલર કરવામાં આવી છે.
વિઝા ફીના નવા માળખા અનુસાર H-2B અથવા આર-1 નોન ઇમિગ્રેશન સ્ટેટસ માટે ફૉર્મ આઈ-129 પિટિશનની પ્રીમિયમ પ્રોસેસિંગ ફી 1685 ડૉલરથી વધારીને 1780 ડૉલર કરવામાં આવી છે.
બાકીના તમામ વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી 2805 ડૉલરથી વધારીને 2965 ડૉલર વસુલવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
USCISની નોટિસ મુજબ પ્રોસેસિંગ ફી વધારવાથી આવકમાં જે વધારો થશે તેનો ઉપયોગ એજન્સીની કામગીરી માટે કરવામાં આવશે. પ્રોસેસિંગનો બેકલોગ ઘટાડવામાં મદદ મળશે અને એડજ્યુડિકેશન પ્રક્રિયામાં સુધારો કરી શકાશે.
ભારતીયોને કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોસેસિંગ ફીમાં ફેરફારના કારણે અમેરિકામાં ભણતા અથવા કામ કરતા ભારતીય પ્રોફેશનલો અને વિદ્યાર્થીઓને અસર થાય તેવી શક્યતા છે.
H-1B, L-1, રોજગારી આધારિત ગ્રીન કાર્ડ અને ઓપીટી (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) ફાઇલિંગમાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલોનો મોટો હિસ્સો હોય છે તેથી ભારતીયોને આ ફેરફારની ખાસ અસર થશે એવું માનવામાં આવે છે.
નવી ફી લાગુ પડશે ત્યારે ગ્રીન કાર્ડનો ખર્ચ પણ વધી જવાનો છે કારણ કે તેના માટે આઈ-140 ઇમિગ્રન્ટ પિટિશન ફાઈલ કરવી પડે છે જે 2805 ડૉલરથી વધીને 2965 ડૉલર થશે.
તેવી જ રીતે એફ-1 અને એફ-2 સ્ટુડન્ટ, જે-1 અને જે-2 એક્સ્ચેન્જ વિઝિટર્સ અને એમ-1 અને એમ-2 વોકેશનલ સ્ટુડન્ટ માટેની ફી 1965 ડૉલરથી વધારીને 2075 ડૉલર રાખવામાં આવી છે.
પ્રીમિયમ પ્રોસેસિંગ શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઇમિગ્રેશનને લગતી કામગીરી ઝડપથી કરાવવી હોય ત્યારે વધારાની એક ફી ચૂકવવામાં આવે છે જેને પ્રીમિયમ પ્રોસેસિંગ ફી કહેવામાં આવે છે. તેના કારણે વિઝા અને ઇમિગ્રેશન ફાઇલિંગ વિશેના નિર્ણય ઝડપથી મેળવી શકાય છે.
સામાન્ય રીતે કંપનીઓ જ્યારે વિદેશી વર્કરને કામ પર રાખવા માગતી હોય અથવા વિદ્યાર્થીઓને વર્ક પરમિટ જોઈતી હોય ત્યારે તેઓ પ્રીમિયમ પ્રોસેસિંગનો માર્ગ અપનાવે છે.
જે અરજકર્તાઓ પહેલી માર્ચ પહેલાં પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ ઇચ્છતા હોય તેઓ હાલની નીચી ફી ચૂકવી શકશે, પરંતુ પહેલી માર્ચથી નવી ઊંચી ફી લાગુ પડશે.
હાલમાં અમેરિકા ટેક્નોલૉજી, ઍન્જિનિયરિંગ, ફાઇનાન્સ અને હેલ્થકેર ક્ષેત્રે દર વર્ષે 65 હજાર એચ-1બી વિઝા ઑફર કરે છે. ઍડવાન્સ્ડ ડિગ્રીધારકો માટે વધુ 20 હજાર એચ-1બી વિઝા રાખવામાં આવે છે. આ વિઝા ત્રણથી છ વર્ષના ગાળા માટે આપવામાં આવે છે.
એક લાખ ડૉલરની ફીનો મામલો કોર્ટમાં

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે સમયાંતરે એચ-1બી વિઝા મોંઘા બનાવવા માટેના નિર્ણયો લીધા છે. જેમ કે નવા એચ-1બી વિઝાની ફી એક લાખ ડૉલર કરવામાં આવી છે જેને ઘણી કંપનીઓએ કોર્ટમાં પડકાર આપ્યો છે. રોયટર્સના એક અહેવાલ મુજબ અમેરિકાની એક કોર્ટે આ કેસને ફાસ્ટ-ટ્રેક પર મૂક્યો છે અને ફેબ્રુઆરીમાં આ મામલે સુનાવણી શરૂ થવાની સંભાવના છે.
ટ્રમ્પે સપ્ટેમ્બર 2025થી એક લાખ ડૉલરની નવી ફી લાગુ કરી તે અગાઉ એચ-1બી વિઝા સામાન્ય રીતે 2000થી 5000 ડૉલરમાં મળી જતા હતા.
આ અહેવાલ મુજબ અમેરિકન ચેમ્બર ઑફ કૉમર્સ આ મામલે ઝડપથી નિર્ણય આવે તેની રાહ જુએ છે. કારણ કે ચાલુ વર્ષે એચ-1બી વિઝાના પ્રોગ્રામમાં ભાગ લેવો નહીં તે નક્કી કરવા માટે કંપનીઓ કોર્ટમાં અપીલનું શું પરિણામ આવે છે તેના પર આધાર રાખી રહી છે.
આ ઉપરાંત અમેરિકામાં એચ-1બી વિઝાની લોટરી સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવશે. હવે એવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેમાં ઊંચો પગાર મેળવતા અને હાઈ સ્કીલ ધરાવતા લોકોને વિઝામાં પ્રાથમિકતા આપવામાં આવશે. લૉટરીની નવી સિસ્ટમ 27 ફેબ્રુઆરીથી લાગુ થવાની છે.
ટ્રમ્પ વહીવટી તંત્રની દલીલ છે કે અત્યાર સુધીનો જે એચ-1બી વિઝા પ્રોગ્રામ હતો, તેનો અમેરિકન કંપનીઓ દ્વારા ગેરફાયદો ઉઠાવવામાં આવતો હતો અને તેઓ અમેરિકન કામદારોને નોકરી પર રાખવાના બદલે નીચા પગાર ધરાવતા વિદેશી કર્મચારીઓની વધારે ભરતી કરતા હતા. તેમાં પણ ખાસ કરીને ભારતીય કર્મચારીઓ સૌથી આગળ રહ્યા છે.
અલગ અલગ પ્રકારના વિઝા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન કંપનીઓ વિશિષ્ટ સ્કીલ ધરાવતા લોકોને H-1B વિઝા પર હાયર કરતી હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલોમાં અન્ય વિઝાની પણ ડિમાન્ડ હોય છે.
જેમ કે, બહુરાષ્ટ્રીય કંપનીઓ L-1 તરીકે ઓળખાતા નોન-ઇમિગ્રન્ટ ઇન્ટ્રાકંપની ટ્રાન્સફર વિઝાનો ઉપયોગ કરીને પોતાની વિદેશી ઓફિસથી સ્પેશિયલ નૉલેજ ધરાવતા લોકોને અમેરિકાની ઑફિસમાં કામ કરવા બોલાવે છે.
વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની કૉલેજમાં ફુલટાઈમ અભ્યાસ કરવા આવે ત્યારે F-1 વિઝાનો ઉપયોગ કરે છે. તે સામાન્ય રીતે પાંચ વર્ષ માટે આપવામાં આવે છે.
તેવી જ રીતે સાયન્સ, આર્ટ્સ, બિઝનેસ, ફિલ્મ ઉદ્યોગ, શિક્ષણ વગેરે ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ મેળવી હોય અથવા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળે તેવી કામગીરી કરનારા લોકો O-1 વિઝા પર અમેરિકા જઈ શકે છે.
કૅનેડા અને મૅક્સિકોના નાગરિકો અમેરિકામાં એકાઉન્ટન્ટ, એન્જિનિયર, નર્સ વગેરે ચોક્કસ પ્રોફેશનલ કામ કરવા માટે TN વિઝાનો ઉપયોગ કરી શકે છે.












