બાબાસાહેબ આંબેડકરે શાખાની મુલાકાત લીધી હોવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દાવો કેટલો સાચો?

ડૉ. બાબાસાહેબ આંબેડકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રવીણ સિંધુ
    • પદ, બીબીસી સંવાદદાતા

"આદરણીય ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1940ની બીજી જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભવાની શાખાની મુલાકાત લીધી હતી. એ સમયે ડૉ. આંબેડકરે કહ્યું હતું કે કેટલીક બાબતોમાં મદભેદ હોવા છતાં સંઘને હું પ્રેમથી, પોતીકાપણાની દૃષ્ટિએ નિહાળું છું."

આવો દાવો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોલ્હાપુર વિભાગના કાર્યવાહક અને કરાડની બંધુતા પરિષદના આયોજક વિજય જોશીએ કર્યો હતો. આવો દાવો કરતાં તેમણે આંબેડકરના 'જનતા' સાપ્તાહિકનો સંદર્ભ પણ આપ્યો હતો.

ડ. આંબેડકરે સંઘની શાખાની મુલાકાત લીધી હોવાના દાવા સાથે મહારાષ્ટ્રના કરાડમાં ગયા વર્ષથી (બીજી જાન્યુઆરી, 2025) બંધુતા પરિષદનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરિષદ યોજાઈ હતી.

આ પરિષદમાં હાજર રહેલા મહારાષ્ટ્રના જાહેર બાંધકામ મંત્રી શિવેન્દ્રસિંહ રાજે ભોસલેએ પણ દાવો કર્યો હતો કે બાબાસાહેબ સંઘવિરોધી વલણ અપનાવ્યું ન હતું.

બીજી બાજુ, આંબેડકર ચળવળના કાર્યકરો અને વિદ્વાનોએ પ્રસ્તુત દાવાઓને નકારી કાઢ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાબાસાહેબનું અપહરણ કરતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

બંધુતા પરિષદમાં ખરેખર શું દાવા કરવામાં આવ્યા હતા? ક્યા સંદર્ભો આપવામાં આવ્યા હતા? એ બાબતે આંબેડકર ચળવળના કાર્યકરો તથા વિદ્વાનો શું કહે છે? સંઘ અને તેની વિચારધારા વિશે બાબાસાહેબે ખરેખર શું કહ્યું હતું અને તેમના 'જનતા' સાપ્તાહિકમાં શું જણાવ્યું હતું?

બંધુતા પરિષદમાં ખરેખર શું દાવો કરવામાં આવ્યો હતો?

ડૉ. બાબાસાહેબ આંબેડકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Facebook/ChhShivendraRajeBhonsale

ઇમેજ કૅપ્શન, બંધુતા પરિષદની એક તસવીર

સંઘના કોલ્હાપુરના વિભાગીય અધિકારી વિજય જોશીએ તેમને ભાષણમાં કહ્યું હતું, "પરમપૂજ્ય બાબાસાહેબ આંબેડકરે 1940ની બીજી જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભવાની શાખાના મેદાનની મુલાકાત લીધી હતી. કરાડ નગરપાલિકાએ ડૉ. બાબાસાહેબનું સન્માન કર્યું એ પછી તેઓ અહીં આવ્યા હતા."

"ડૉ. બાબાસાહેબને નગરપાલિકામાંથી અહીં પહોંચવામાં વિલંબ થયો હતો. તેથી એ દિવસે શાખા મોડી શરૂ થઈ હોવાનું અમારા એક સ્વયંસેવકે નોંધ્યું હતું. એ સમયે શાખા મોડી શરૂ કરવી તે ખૂબ જ ગંભીર ગુનો હતું," એમ વિજય જોશીએ કહ્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે ઉમેર્યું હતું, "દત્તોપંત ટંકસાળે નામના એક કાર્યકર્તા ત્યારે અહીં સંઘના કાર્યવાહક હતા. તેઓ શાખાનું આયોજન કરતા હતા. તેમણે લખ્યું છે કે ડૉ. બાબાસાહેબ આવવાના હોવાથી અમે સાંજે છને બદલે સાડા છ વાગ્યે શાખા શરૂ કરી હતી. ડૉ. બાબાસાહેબે આવ્યા પછી ઘણી વાતો કરી હતી. તેમાં એક મહત્વપૂર્ણ વાક્ય એ હતું કે કેટલીક બાબતોમાં મતભેદ હોવા છતાં હું આ સંઘને પ્રેમથી, પોતિકાપણાની દૃષ્ટિથી નિહાળું છું."

વિજય જોશીના કહેવા મુજબ, "બે કાર્યકર્તા ડૉ. કેદાર ગાડગીલ અને ડૉ. શ્રીરંગ ગોડબોલેની મદદથી કેસરી અખબારમાંથી એક સમાચાર બે વર્ષ પહેલાં મળ્યા હતા. ડૉ. બાબાસાહેબ બીજી જાન્યુઆરીએ આ શાખા પર આવ્યા હતા. એ વખતે કેસરી સપ્તાહમાં એક જ વખત પ્રકાશિત કરવામાં આવતું હતું. કેસરીના નવમી જાન્યુઆરી, 1940ના અંકમાં ડાબા ખૂણામાં ચાર લીટીમાં આ સમાચાર પ્રકાશિત થયા હતા. એ સમાચાર પછી અમે ગયા વર્ષે અહીં બંધુતા પરિષદનું આયોજન કર્યું હતું."

"અમારા એક કાર્યકર્તાએ જનતા સાપ્તાહિક જોયું. તેમાં 20 જાન્યુઆરી, 1940ના અંકમાં આ સમાચાર પ્રકાશિત થયા હતા. તેમાં ઉલ્લેખ છે કે ડૉ. બાબાસાહેબ સાતારાથી નીકળીને નગરપાલિકા ગયા હતા. તેમનું પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું અને પછી તેઓ મહારવાડામાં ગયા હતા. આમાંના બે સંદર્ભ – નગરપાલિકામાં સન્માન અને મહારવાડાની મુલાકાત સમગ્ર આંબેડકર સાહિત્યમાં યથાવત્ રાખવામાં આવ્યા છે, પરંતુ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાની મુલાકાત લીધી હતી તે હકીકતને કાઢી નાખવામાં આવી છે," એવો આક્ષેપ વિજય જોશીએ કર્યો હતો.

"મહારાષ્ટ્રના મંત્રી શિવેન્દ્રરાજે ભોંસલે સ્ટેજ પર છે. હું તેમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે સમગ્ર બાબાસાહેબના લેખન વખતે આ ભૂલ અજાણતા થઈ હશે, પરંતુ તેને હવે સુધારી લેવી જોઈએ. એ ઉપરાંત આગામી ખંડના પ્રકાશન વખતે આ ઘટનાનો ઉલ્લેખ જરૂર કરવો જોઈએ," તેવી માંગ વિજય જોશીએ કરી હતી.

સંઘના સ્વયંસેવક અને મુંબઈના દાદરની કીર્તિ કૉલેજમાં ઈતિહાસના સહાયક પ્રોફેસર સાગર શિંદે કહ્યું હતું, "રાજ્ય સરકારે પ્રકાશિત કરેલા 'ડૉ. બાબાસાહેબ આંબેડકર લેખન તથા ભાષણો, ખંડ-18, ભાગ-બે'માં 'જનતા'ના 20 જાન્યુઆરી, 1940ના અંકના સમાચાર યથાવત્ સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ સંઘની મુલાકાતનો ઉલ્લેખ નથી એ આશ્ચર્યજનક વાત છે. આ લબાડી કોણે અને શા માટે કરી તેની તપાસ થવી જોઈએ."

'જનતા'ના 20 જાન્યુઆરી, 1940ના અંકમાં ખરેખર શું છે?

ડૉ. બાબાસાહેબ આંબેડકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જનતા સાપ્તાહિકનો અંક 20 જાન્યુઆરી, 1940

'જનતા'ના 20 જાન્યુઆરી, 1940ના અંકમાં બાબાસાહેબ આંબેડકરની કરાડની મુલાકાતનો વિગતવાર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. કરાડ નગરપાલિકા દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું પછી બાબાસાહેબે તેમના ભાષણમાં શું કહ્યું હતું તેની નોંધ પણ છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે "કરાડ નગરપાલિકાના સન્માન સમારંભ પછી ડૉ. આંબેડકર કરાડમાં 'રાષ્ટ્રીય સ્વયંસેવક મંડળ'ની મુલાકાત લીધી હતી અને જરૂર પડ્યે મદદ કરવાની ખાતરી આપી હતી."

ડૉ. આંબેડકરે કરાડમાં મંડળની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ આ અહેવાલમાં છે, પરંતુ સંઘની શાખાની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ નથી. ખાસ કરીને, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પોતિકાપણું હોવાનું બાબાસાહેબે કહ્યાનો કોઈ ઉલ્લેખ તેમાં નથી. તેથી 'જનતા'માં પ્રકાશિત અહેવાલ વિશેનો સંઘનો દાવો સિદ્ધ થતો નથી. આ જ મુદ્દો આંબેડકર સાહિત્યના અભ્યાસુઓ ઉઠાવી રહ્યા છે.

આંબેડકર ચળવળના વરિષ્ઠ કાર્યકર્તા અને આંબેડકર સાહિત્યના વિદ્વાન જે. વી. પવારે કહ્યુ હતું, "તેનું નામ શરૂઆતથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક મંડળ નહીં. ડૉ. બાબાસાહેબે મંડળની મુલાકાત લીધી હતી, સંઘની નહીં. એ વખતે આવાં 100 મંડળો હતાં. એ પૈકીના એકની મુલાકાત તેમણે લીધી હશે. તેમણે સંઘની મુલાકાત લીધી ન હતી."

"ડૉ. બાબાસાહેબે સંઘની મુલાકાત લીધી હોત તો તેમનું સ્વાગત કોણે કર્યું, ત્યાં બીજું કોણ-કોણ ઉપસ્થિત હતું તેના વિશેની માહિતી જનતાના અહેવાલમાં આપવામાં આવી હોત, પરંતુ એવું થયું નથી. તેથી સંઘનો દાવો ખોટો છે. ગાંધીજીની હત્યા વખતે સંઘના લોકો ડૉ. આંબેડકરને મળ્યા હતા. જોકે, ડો. આંબેડકરે તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે હું તમારા મદદ કરી શકીશ નહીં," એમ પવારે ઉમેર્યું હતું.

આંબેડકર સાહિત્યના અભ્યાસુ વિદ્વાન કેશવ વાઘમારેએ કહ્યું હતું, "જનતા સામયિકના 20 જાન્યુઆરી, 1940ના અંકમાં ડૉ. બાબાસાહેબે કરાડમાં 'રાષ્ટ્રીય સ્વયંસેવક મંડળ'ની મુલાકાત લીધી હતી અને 'જરૂર પડ્યે મદદ કરવાની ખાતરી આપી હતી' એટલા જ બે લીટીના સમાચાર છે. તેમાં સંઘ પ્રત્યે પોતિકાપણું હોવાનો ઉલ્લેખ ક્યાંય નથી."

"એ ઉપરાંત આ સમાચારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક મંડળનો ઉલ્લેખ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો નહીં. ડૉ. બાબાસાહેબે મંડળની મુલાકાત લીધી હતી કે સંઘની તેની પુષ્ટિ કર્યા વિના કેસરી સાપ્તાહિકે સમાચાર પ્રકાશિત કર્યા હતા અને એ સમાચારના તાંતણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને હવે સ્વર્ગ મળી ગયું હોય એવું લાગે છે," એવો મત વાઘમારેએ વ્યક્ત કર્યો હતો.

"ડૉ. આંબેડકરના સમયમાં એવાં હજારો રાષ્ટ્રીય મંડળો હતાં. હવે ગણેશ મંડળો છે તેવું એકાદું મંડળ હશે, કારણ કે જનતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ ક્યારેય છૂટ્યું નથી. આ અગાઉ પણ એકવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે સંઘની ભૂમિકાની ટીકા કરતાં સંઘથી સાવધાન રહેવા પણ કહ્યું હતું," એવું પણ વાઘમારે કહ્યું હતું.

"સંઘ જે સાવરકરને પૂજ્ય માને છે તે સાવરકર બાબતે ડૉ. આંબેડકરે જનતા સામયિકમાં 'સાવરકરે નરકની ઊલટી કરી' એવા શિર્ષક હેઠળ લેખ લખ્યો હતો, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમજી લેવું જોઈએ," એમ વાઘમારેએ ઉમેર્યું હતું. ડૉ. આંબેડકર અને સાવરકર વચ્ચે ગાઢ સંબંધ હોવાના દાવાને પણ તેમણે નકારી કાઢ્યો હતો.

'જનતા'ના 13 જાન્યુઆરી, 1934ના અંકમાં શું કહેવામાં આવ્યું છે?

ડૉ. બાબાસાહેબ આંબેડકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu

'જનતા'ના અહેવાલમાં જે મંડળનો ઉલ્લેખ છે તે સંઘ હોવાનો દાવો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે, પરંતુ એ ઉલ્લેખના લગભગ છ વર્ષ પહેલાંના 'જનતા'ના 13 જાન્યુઆરી, 1934ના અંકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો નહીં, પરંતુ મંડળનો ઉલ્લેખ સ્પષ્ટ છે.

'જનતા'ના અંકમાં 'પત્રવ્યવહારનો પરામર્શ' શીર્ષક હેઠળ એક પત્ર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે "હિંગણા રોડ પર અંબાઝારી નજીક 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શિબિર યોજવામાં આવી હતી. સંઘનો મૂળ ઉદ્દેશ શ્રીસમર્થની ઉક્તિ પ્રમાણે 'હિંદુ પદવી મેળવવાનો' છે, પરંતુ એ શિબિરમાં સ્પ્રૃશ્ય સ્વયંસેવકોને ભોજન વખતે અસ્પૃશ્ય સ્વયંસેવકોથી દૂર બેસાડવામાં આવ્યા હતા."

"અમે સરસંઘચાલક ડૉ. હેડગેવારને આનું કારણ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો હતો કે સંઘ હજુ પણ સમાજ પર અવલંબિત છે. હિન્દુ સમાજ હજુ પણ અસ્પૃશ્યોની સાથે એક હરોળમાં બેસવા તૈયાર નથી. સ્પૃશ્ય સ્વયંસેવકો તેમનાં માતાપિતા પર સંપૂર્ણપણે નિર્ભર હોવાથી તેઓ અસ્પૃશ્યો સાથે એક પંક્તિમાં બેસીને તેમનાં માતાપિતાની લાગણીને ઠેસ પહોંચાડી શકતા નથી."

પત્રમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે "બિચારા અસ્પૃશ્ય સ્વયંસેવકો રાષ્ટ્રીય શબ્દથી છેતરાઈને પોતાનું અપમાન કરાવવા ખુદના આત્મસન્માનને ભૂલી ગયા છે, એવું સખેદ નોંધવું પડે છે. અસ્પૃશ્ય મતદારોનો અલગ સંઘ બનશે તો તેનાથી હિન્દુ સમાજમાં વિભાજન થશે, એવું ગાંધીજી માનતા હતા. તેને અટકાવવા, પોતાના પ્રાણના ભોગે પણ અસ્પૃશ્યતા નાબુદ કરવાના ગાંધીજીના કાર્યને સામાન્ય હિન્દુઓ જ નહીં, 'રાષ્ટ્રવાદી' હિન્દુઓ કેવી રીતે ટેકો આપે છે, તે ઉપરોક્ત ઘટના દર્શાવે છે. તેથી સ્પૃશ્ય હિન્દુઓની માયાવી ભાષામાં તથા લાલચમાં સપડાઈને પોતાનું આત્મસન્માન ગુમાવવા તૈયાર અસ્પૃશ્યોએ આ ઘટનામાંથી શીખવું જોઈએ."

સંઘના દાવા વિશે પ્રકાશ આંબેડકરે શું કહ્યું?

ડૉ. બાબાસાહેબ આંબેડકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/Prakash Ambedkar

ઇમેજ કૅપ્શન, પ્રકાશ આંબેડકર

ગયા વર્ષે એટલે કે 2025માં આ દાવા વિશે પહેલીવાર વિવાદ થયો ત્યારે બાબાસાહેબ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન આઘાડીના વડા ડૉ. પ્રકાશ આંબેડકરે બીબીસી મરાઠીને કહ્યું હતું, "બાબાસાહેબ સંઘની શાખાની મુલાકાતે ક્યારેય ગયા ન હતા. તેમણે સંઘને ક્યારેય ટેકો આપ્યો નથી. બાબાસાહેબને સંઘ સાથે મતભેદ હતા અને એ યથાવત્ છે."

હિન્દુ રાજ વિશે બાબાસાહેબ ડૉ. આંબેડકરે શું કહ્યું હતું?

દેશમાં હિન્દુ રાજ સામેનો જોરદાર વિરોધ બાબાસાહેબ આંબેડકરનાં મૂળ લખાણોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. આંબેડકર લેખન અને ભાષણ પુસ્તકના ખંડ આઠના પાના નંબર 358 ઉપર હિન્દુ રાજ વિશે બાબાસાહેબે જણાવ્યું છે કે "દેશમાં હિન્દુ રાજ આવશે તો તે નિઃશંકપણે આ દેશ માટે સૌથી મોટી આફત સાબિત થશે."

"હિન્દુઓ ભલે ગમે તે કહે, પરંતુ હિન્દુ ધર્મ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે ખતરો છે. હિન્દુ રાજ લોકશાહીને સુસંગત નથી. હિન્દુ રાજને કોઈ પણ કિંમતે અટકાવવું જોઈએ," એવું પણ બાબાસાહેબ આંબેડકરે નોંધ્યું છે.

ડૉ. આંબેડકરે સંઘ વિશે ખરેખર શું કહ્યું હતું?

ડૉ. બાબાસાહેબ આંબેડકર લેખન અને ભાષણ પુસ્તકના ખંડ 15ના પાના નંબર 560 ઉપરના લખાણ મુજબ, સરદાર હુકમસિંહ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતાં બાબાસાહેબે એ સમયના સ્વયંસેવક સંઘોનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે એ પૈકીના કેટલાંક ખૂબ જ ખતરનાક સંગઠનો છે. કેટલીક સરકારો તે સંગઠનોને સ્વીકૃતિ આપી શકે છે, જ્યારે કેટલીક નહીં, એવું પણ બાબાસાહેબ આંબેડકરે જણાવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન