ડૉ. આંબેડકરનું ગુજરાતી ભાષામાં લખાયેલું પ્રથમ જીવનચરિત્ર, જેની કિંમત 'અમૂલ્ય' હતી

ઇમેજ સ્રોત, dr. amit jyotikar/getty
- લેેખક, સુરેશ ગવાણિયા અને નામદેવ કાટકર
- પદ, બીબીસી સંવાદદાતા
'ડૉ. બાબાસાહેબ આંબેડકરને બે જબરજસ્ત વ્યસન હતાં. એક પુસ્તકો લેવાનું અને બીજું એને પૂરેપૂરાં વાંચવાનું. દિવસો જતાં તેમની આ વ્યસનશક્તિ વધતી ચાલી અને આજે તેમની પાસે કાંઈ નહીં તો સાત-આઠ હજાર ચુનંદા ગ્રંથોનો સંગ્રહ થઈ ગયો છે, જેની કિંમત સહેજે ત્રીસ-ચાળીસ હજાર ઉપરની હશે.'
ઉપરોક્ત વાત 1940માં લખાયેલા ડૉ. આંબેડકરના પ્રથમ જીવનચરિત્રમાં લખાઈ છે.
28 ઑગસ્ટ, 1940. આ દિવસ અને વર્ષ ગુજરાત અને ગુજરાતી ભાષા અને સમગ્ર દેશના આંબેડકરવાદીઓ માટે એક મહત્ત્વના દસ્તાવેજનાં સાક્ષી બની રહ્યાં.
1956માં ડૉ. આંબેડકરનું નિધન થયું તેનાં 16 વર્ષ અગાઉ તેમની હયાતીમાં પણ તેમનું જીવનચરિત્ર લખાયું હતું અને એ પણ ગુજરાતી ભાષામાં.
આ જીવનચરિત્રમાં લેખક (યુ.એમ. સોલંકી) સહિત પુસ્તક માટે દાન આપનાર (કાનજીભાઈ બેચરદાસ દવે)નો ફોટો પણ છાપવામાં આવ્યો છે.
તેમજ આંબેડકરના જીવનનાં કેટલાક પ્રસંગો, તેમની અમદાવાદની મુલાકાત, અને તત્કાલીન સમયમાં તેની પ્રસ્તુતતા, લોકોનો તેમના પ્રત્યેનો ભાવ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. એક પાના પર ગુજરાતી, તો એની સામેના પાના પર અંગ્રેજી ભાષામાં લખાણ છે.
ડૉ. ભીમરાવ આંબેડકરના આ જીવનચરિત્રના મૂળ લેખક છે અમદાવાદના યુ.એમ. સોલંકી. આ જીવનચરિત્રનું સંકલન, સંપાદન અને અનુવાદ ડૉ. અમિત પ્રિયદર્શી જ્યોતિકરે કર્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંબેડકરનું જીવનચરિત્ર પ્રકાશિત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જીવનચરિત્રના સંકલનકર્તા, સંપાદક અને અનુવાદક ડૉ. અમિત પ્રિયદર્શી જ્યોતિકર બીબીસી સાથેની વાતચીતમાં પ્રકાશન સંબંધિત અને જીવનચરિત્રના લેખક યુ.એમ. સોલંકીના જીવન પર પ્રકાશ પાડ્યો.
તેઓ કહે છે, "કરશનદાસ લેઉઆ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના મોટા નેતા હતા અને તેમને વિચાર આવ્યો કે બાબાસાહેબનું જીવનચરિત્ર લખાવવું જોઈએ. તમે વિચાર કરો કે દલિત સમાજમાં એ સમયે ભણેલા કેટલા, અને છપાય તો વાંચનારા કેટલા? પણ તેમને હતું કે આ કામ થવું જોઈએ અને યુ.એમ. સોલંકીને આ જવાબદારી સોંપી."
કરશનદાસ માનસિંહ લેઉઆ (નિધન- 15-12-1948)એ આ જીવનચરિત્રમાં નિવેદન લખ્યું છે. તેમાં આ પુસ્તકનો વિચાર કેવી રીતે આવ્યો તેની વાત કરી છે.
તેઓ લખે છે, 'આ બાબતે મને સને 1933માં વિચાર ઉદ્ભવ્યો હતો, કારણ કે આવા મહાન બુદ્ધિશાળી તેમજ અગ્રણી નેતાથી ગુજરાત તદ્દન અજાણ હતું. સદભાગ્યે સને 1937માં અમારા હાથમાં 'કુમાર' માસિકનો એક અંક હાથ આવ્યો, 'કુમાર'ના તંત્રીસાહેબે પોતાની કસાયેલી કલમથી ડૉ. સાહેબના યાદગાર પ્રસંગોની રૂપરેખા દર્શાવેલી. જેથી અમોને અત્યાનંદ થયો.'
'આથી મેં મારા મિત્ર યુ.એમ. સોલંકીને વધુ પ્રસંગોની શોધ કરવા જણાવ્યું. તેમણે પોતાનાથી બનતી જહેમતે કેટલીક સત્ય હકીકતો શોધી કાઢી. પોતાની બુદ્ધિ પ્રમાણે સુધારો વધારો કર્યો. ત્યાર બાદ જનતાની જાણ માટે થોડાક ફકરાઓ છપાવવા અમારા સ્નેહીમિત્રોએ હાકલ કરી, તેમજ કેટલીક મદદો આપી. આથી અમે 'કુમાર' માસિકના તંત્રીસાહેબની પરવાનગી મેળવી.'
જોકે આ પુસ્તકની કામગીરી શરૂ કરાઈ ત્યારે નાણાભીડ પણ પેદા થઈ હતી. એ સમયે કાનજીભાઈ બેચરદાસ દવે નામની વ્યક્તિએ જીવનચરિત્ર પેટે દાન આપ્યું હતું.
તેમ છતાં પ્રકાશનમાં થોડા રૂપિયા ખૂટતા હતા અને આથી પ્રકાશનની સંપૂર્ણ જવાબદારી કરસનદાસ લેઉઆએ ઉપાડી હતી.
આંબેડકરનું જીવનચરિત્ર પુનઃપ્રકાશનનો ભાગ

ઇમેજ સ્રોત, Vijay Surwade
યુ.એમ. સોલંકીલિખિત ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પ્રથમ જીવનચરિત્ર બીજી વાર પ્રકાશિત થવામાં મહારાષ્ટ્રના આંબેડરવાદી લેખક વિજય સુરવાડે સાક્ષી રહ્યા છે.
વિજય સુરવાડે ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટોગ્રાફ્સ અને માહિતીના સંગ્રહકાર તરીકે જાણીતા છે. ઉપરાંત તેઓ ઘણાં વર્ષો સુધી ડૉ. આંબેડકરનાં બીજાં પત્ની સવિતા ઉર્ફે માઈ આંબેડકરના નજીકના સહયોગી પણ હતા.
ડૉ. આંબેડકરના આ પ્રથમ જીવનચરિત્રના પુનઃપ્રકાશન સાથે સંબંધિત સ્મૃતિ વિજય સુરવાડેએ પ્રસ્તાવનામાં લખી છે.
સુરવાડે બીબીસી સાથે વાત કરતા કહે છે, "પ્રિયદર્શી જ્યોતિકર સાથે મારો પત્રવ્યવહાર ઘણાં વર્ષોથી રહ્યો હતો. આઈડીબીઆઈ બૅન્કમાં ઑડિટ વિભાગમાં ટ્રાન્સફર થયા પછી મારી પહેલી મુસાફરી અમદાવાદની હતી. તે વખતે હું પ્રિયદર્શી જ્યોતિકરને પહેલી વાર મળ્યો. મને તેમની પાસેથી ડૉ. આંબેડકરના દુર્લભ ફોટોગ્રાફ્સ પણ મળ્યા."
"22 ઑગસ્ટ, 1993માં જ્યારે હું અમદાવાદમાં પ્રિયદર્શી જ્યોતિકરના ઘરે ગયો, ત્યારે મને તેમના સંગ્રહમાં યુ.એમ. સોલંકી દ્વારા લખાયેલું ડૉ. આંબેડકરનું જીવનચરિત્ર મળ્યું. મેં તરત જ તેની ફોટો કૉપી કરાવી રાખી હતી."
તેઓ કહે છે, "2020માં પ્રિયદર્શી જ્યોતિકરનું અવસાન થયું. થોડા મહિના પછી તેમના પુત્ર અમિત જ્યોતિકરે મને ફોન પર કહ્યું કે તેઓ યુ.એમ. સોલંકીએ ડૉ. આંબેડકર પર લખેલું જીવનચરિત્ર ફરીથી પ્રકાશિત કરવા માગે છે."
વિજય સુરવાડે પાસે 1993ની એ ફોટો કૉપી હતી. તેમણે તત્કાળ અમિત જ્યોતિકરને એ ફોટો કૉપી મોકલી આપી હતી, પરંતુ એ કૉપી પણ સ્પષ્ટ નહોતી. પછી તેને સ્કેન કરીને એ રીતે છાપવાલાયક બનાવાઈ હતી.
'ગુજરાતી ભાષામાં આંબેડકરનું પહેલું જીવનચરિત્ર', કિંમત 'અમૂલ્ય'

ઇમેજ સ્રોત, dr. amit jyotikar
આ પુસ્તકનું શીર્ષક- "ડૉ. બી. આર. આંબેડકર એસ્કવાયર" હતું.
પુસ્તકમાં આપેલી વિગત પ્રમાણે, જીવનચરિત્રના લેખક હતા યુ.એમ. સોલંકી (રાનીકુંજ ખાનપુર રોડ, અમદાવાદ) અને પ્રકાશક મહાગુજરાત દલિત નવયુવક મંડળ દરિયાપુર, અમદાવાદ.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જીવનચરિત્રની કિંમત હતી 'અમૂલ્ય'. એટલે કે પુસ્તકની કોઈ ચોક્કસ કિંમત રાખવામાં આવી નહોતી અને આંબેડકરપ્રેમીઓના મતે તેનું મૂલ્ય 'અમૂલ્ય' છે.
અમદાવાદના ઢાલગરવાડના મન્સૂર પ્રિન્ટિંગ પ્રેસમાં આ જીવનચરિત્ર છપાયું હતું અને તેના માલિક મન્સૂરી ઇસ્માઇલ કરીમભાઈ હતા.
જોકે તાજેતરમાં પ્રકાશિત થયેલા આ જીવનચરિત્રની કિંમત 300 રૂપિયા રાખવામાં આવી છે.
અમિત પ્રિયદર્શી પ્રસ્તાવનામાં લખે છે, 'ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પ્રથમ જીવનચરિત્ર મારા પિતાજી અને આંબેડકર સાહિત્યના અભ્યાસી ડૉ. પી.જી. જ્યોતિકરના અભિલેખાગારમાંથી મળ્યું હતું. એમની હયાતીમાં આ વિશે ચર્ચા પણ થતી હતી. મારા પિતા પી.જી. જ્યોતિકરને એક આદત કે એકાદ બે કૉપી રિસર્ચરને આપી રાખે. મારી પાસેની કૉપીમાં કેટલાંક પાનાં થોડાં ખરાબ હતાં. તો વિજય સુરવાડેસાહેબ જોડે ટેલિફોનિક વાતચીત હંમેશાં થતી રહેતી હતી અને તેમણે મને કહ્યું કે "તેની એક કૉપી દિવંગત પી.જી. જ્યોતિકરે મને આપી છે."
બીબીસી સાથે વાત કરતા અમિત જ્યોતિકર કહે છે, "અમે જે છાપ્યું છે એમાં જે તે સમયની ભાષા વગેરે રાખ્યું છે, કોઈ સુધારાવધારા કર્યા નથી. ભૂલ હતી તો એ પણ રાખી છે. આ પુસ્તક આંતરરાષ્ટ્રીય છે. દુનિયાના લોકોને ખબર પડવી જોઈએ કે પહેલું જીવનચરિત્ર ગુજરાતીમાં લખાયું છે."
તેઓ કહે છે, "એ સમયે આ પુસ્તકની કોઈ કિંમત રાખવામાં નહોતી આવી અને લોકોને મફત વહેંચ્યું હતું. વેપાર માટે નહીં પણ એક મહાપુરુષ (બાબાસાહેબ આંબેડકર)નો સંદેશ લોકો સુધી પહોંચે એ હેતુ હતો."
જીવનચરિત્ર લખનાર લેખક કોણ હતા?

ઇમેજ સ્રોત, dr. amit jyotikar
અમિત પ્રિયદર્શી જ્યોતિકર બીબીસી સાથેની વાતચીતમાં પ્રકાશન સંબંધિત અને જીવનચરિત્રના લેખક યુ.એમ. સોલંકીના જીવન પર પ્રકાશ પાડ્યો.
યુ. એમ. સોલંકી અંગે તેઓ કહે છે, "આ પુસ્તકને લોકો સુધી લાવવામાં ત્રણ લોકોનો ફાળો છે. એક કરશનદાસ લેઉઆ (પ્રકાશક) અને બીજા યુ.એમ. સોલંકી (લેખક) અને ત્રીજા હતા કાનજીભાઈ બેચરભાઈ દવે. કાનજીભાઈએ પુસ્તકના પ્રકાશન માટે દાનપેટે પૈસા આપ્યા હતા."
અહીં ઉલ્લેખનીય છે કે યુ.એમ. સોલંકી કે કરશનદાસ એ કોઈ લેખક નહોતા, પણ આંબેડકરી ચળવળના કર્તાહર્તા અને કાર્યકરો હતા.
અમિત પ્રિયદર્શી જ્યોતિકર કહે છે, "યુ.એમ. સોલંકી એ કરશદાનદાસ લેઉઆ સાથે કામ કરતા હતા. એ અંગ્રેજી સારું જાણતા. ડ્રાફ્ટિંગનું કામ એ કરતા. એમની આદત હતી કે બાબાસાહેબની દરેક પત્રિકાને સાચવી રાખતા. અને એ રીતે તેઓ બાબાસાહેબની વિચારધારાથી પરિચિત હતા. એમણે આ જીવનચરિત્ર આખું હાથથી લખ્યું હતું."
"આખા જીવનચરિત્રમાં ભાષાની શાલિનતા પણ જોવા જેવી છે. અસ્પૃશ્યતાની બેફામ ટીકા કરી છે, પણ ક્યાંક ખરાબ શબ્દોનો ઉપયોગ નથી. જ્યાં વિરોધ કરવાનો હતો ત્યાં એ પણ કર્યો છે."
ડૉ. બાબાસાહેબના આ પ્રથમ જીવનચરિત્રમાં શું ખાસ છે?

ઇમેજ સ્રોત, GOVERNMENT OF MAHARASHTRA
જીવનચરિત્રની ભાષા મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ એ કયા વર્ષમાં લખાઈ એ મહત્ત્વનું છે. આંબેડકર આ પુસ્તક પ્રકાશિત થયા બાદ 16 વર્ષ સુધી જીવિત રહ્યા. આ દરમિયાન તેમણે ઘણાં મહત્ત્વનાં પદો પર કામ કર્યું, આંદોલનો કર્યા, ભારતના બંધારણની રચનામાં યોગદાન આપ્યું અને ધર્માંતરણનું ઐતિહાસિક કાર્ય સંપન્ન કર્યું.
એટલે કે ડૉ. આંબેડકરના જીવનની ઘણી બધી ઘટનાઓ આ જીવનચરિત્ર પ્રકાશિત થયા બાદ બની.
તેમ છતાં, 1940ના આ જીવનચરિત્રનું મહત્ત્વ ઘટી નથી જતું, બલકે વધી જાય છે, કારણ કે એ તેમના સાર્વજનિક જીવનના અત્યંત મહત્ત્વના તબક્કે પ્રકાશિત થયું હતું.
આ જીવનચરિત્રની શરૂઆત નાસિક જિલ્લાના યેવલા નામક સ્થળની એક સભાથી થાય છે. તેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે ક્રાંતિકારી જાહેરાત કરી હતી : "હું હિંદુ સ્વરૂપે જન્મ્યો ખરો, પરંતુ હિંદુના સ્વરૂપમાં મરીશ નહીં."
આ વાત ધર્માંતરણની એક આધિકારિક જાહેરાત હતી, જે તેમણે 1956માં નાગપુરમાં ઐતિહાસિક ધર્માંતરણ કરીને પૂરી કરી.
યુ.એમ. સોલંકીને આ જીવનચરિત્રની શરૂઆત આ જ ઘટનાથી કરી છે.

ઇમેજ સ્રોત, Dr Amit Jyotikar
યેવલાની આ સભાની માફક, આ ચરિત્રમાં લાહોરના 'જાત-પાત તોડક મંડળ'નો પણ ઉલ્લેખ છે. આ મંડળે ડૉ. આંબેડકરને 'જાતિવ્યવસ્થા ઉન્મૂલન' વિષય પર ભાષણ આપવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ જાત-પાત તોડક મંડળના કેટલાક સભ્યોને એ ભાષણના કેટલાક અંશ આપત્તિજનક લાગ્યા અને તેને રદ કરી દેવાયું.
આ ઘટનાનો ઉલ્લેખ પણ આ જીવનચરિત્રમાં મળે છે.
આ જ ભાષણ બાદમાં 'જાતિવ્યવસ્થાનું ઉન્મૂલન' નામક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું અન દેશવિદેશના વિચારજગતમાં તેની વ્યાપક ચર્ચા થઈ.
આ જીવનચરિત્રમાં સૌથી વધુ ધ્યાન ડૉ. બાબાસાહેબ આંબેડકરના શિક્ષણ, ભારત અને વિદેશોમાં આયોજિત સંમેલનોમાં તેમની ભાગેદારી અને અન્ય નેતાઓ સાથે થયેલી ચર્ચા પર કેન્દ્રિત કરાયું છે.
વિશેષપણે મહાત્મા ગાંધી સાથે તેમના જે-જે મુદ્દે મતભેદ થયા, તેનો પણ ઉલ્લેખ આ પુસ્તકમાં કરાયો છે. સાથે જ ધર્મ અને જાતિ અંગે બાબાસાહેબ આંબેડકરના વિચારોને પણ સ્થાન અપાયું છે.
આ પુસ્તક ગુજરાતી ભાષામાં અને ગુજરાત રાજ્યમાં પ્રકાશિત થયું છે. સ્વાભાવિક છે કે યુ.એમ. સોલંકી અમદાવાદના નિવાસી હોવાથી પુસ્તકમાં આંબેડકરની અમદાવાદયાત્રાને પણ સામેલ કરાઈ છે. આ યાત્રામાં તેમની સાથે કોણ કોણ હતા, તેમનું સ્વાગત કેવી રીતે કરાયું - તેનું સંપૂર્ણ વિવરણ આ પુસ્તકમાં મળે છે.
1940માં આ પુસ્તક પ્રકાશિત થયું હોવાને કારણે તેમાં આંબેડકરના જીવનના માત્ર એ સમય સુધીનાં જ વિવરણ છે, પરંતુ આ તેમનું પ્રથમ જીવનચરિત્ર હોઈ તેમજ તેમના જીવનકાળમાં એ પ્રકાશિત થયું હોવાને કારણે તે આજે પણ વિશેષ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં તેમની હયાતીમાં લખાયેલાં જીવનચરિત્રો

નિ:સંદેહ આંબેડકરના જીવનકાળમાં આ બાદ પણ કેટલાંક જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે.
- 1946માં તાનાજી બાળાજી ખરાવતેકરે 'ડૉ. આંબેડકર' નામક જીવનચરિત્ર લખ્યું, જે કરાચીથી પ્રકાશિત થયું.
- બાદમાં રામચંદ્ર બનૌદાએ 1947માં હિંદીમાં 'ડૉ. આંબેડકરનું જીવનસંઘર્ષ' નામક જીવનચરિત્ર લખ્યું.
- ધનંજય કીર દ્વારા લખાયેલું ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર (1954) ખૂબ પ્રસિદ્ધ થયું - એ પણ તેમના જીવનકાળમાં જ પ્રકાશિત થયું.
- આ સિવાય, આંબેડકરના સહયોગી એવા ચાંગેદવ ખૈરમોડેએ ડૉ. આંબેડકરનું 12 ભાગવાળું જીવનચરિત્ર લખ્યું. તેનો પ્રથમ ખંડ 1952માં એટલે કે આંબેડકરના જીવનકાળમાં જ પ્રકાશિત થયો.
ડૉ. બાબાસાહેબ આંબેડકર પર તેમના જીવનકાળમાં ગણતરીનાં કેટલાંક જીવનચરિત્ર પ્રકાશિત થયાં, અને તેમના નિધન બાદ છેલ્લાં 70 વર્ષોમાં સેંકડો ચરિત્રાત્મક ગ્રંથ લખાયા છે.
તેમ છતાં, યુ.એમ. સોલંકી દ્વારા લિખિત આ પ્રથમ જીવનચરિત્ર આજેય અતિ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












