ડૉ. બાબાસાહેબ આંબેડકરની વકીલાતની દુનિયામાં કેવી ધાક હતી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી સંવાદદાતા
કોઈનો પક્ષ લેવો અને તેની યોગ્ય રીતે રજૂઆત કરવી તેને બોલચાલની ભાષામાં 'કોઈની વકીલાત કરવી' કહેવાય છે. ભારતીય બંધારણના નિર્માતા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર એક જાણીતા વકીલ હતા. તેમણે તેમના અસીલો માટે જ નહીં, પરંતુ સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના લોકતાંત્રિક મૂલ્યની વકીલાત પણ કરી હતી. તેથી આજે પણ તેમની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ વકીલોમાં થાય છે.
ડૉ. આંબેડકરે એક લક્ષ્યને ધ્યાનમાં રાખીને કાયદાનો અભ્યાસ કર્યો હતો અને તેમણે એ લક્ષ્ય સાથે આજીવન કામ કર્યું હતું.
તેમણે વકીલાતના વ્યવસાયની પસંદગી વ્યાવસાયિક ઉત્કૃષ્ઠતા માટે નહીં, પરંતુ એ સમયના ભારતના લગભગ છ કરોડ અછૂતો અને દબાયેલા-કચડાયેલા દલિતોને ન્યાય અપાવવા માટે કરી હતી.
હાલમાં જ તેમની જન્મતિથિની ઉજવણી કરવામાં આવી છે. એ નિમિત્તે અમે આપને એ જણાવીએ છીએ કે તેઓ કેવી રીતે વકીલ બન્યા હતા અને પોતાના અસીલો માટે તેઓ કેવા મુખ્ય કેસ લડ્યા હતા અને તેનું પરિણામ શું આવ્યું હતું.
બાબાસાહેબનું શિક્ષણ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બૉમ્બેની ઍલફિન્સ્ટન કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ બાબાસાહેબ 1913માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકાની કૉલંબિયા યુનિવર્સિટીમાં ગયા હતા. આ માટે તેમને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવડ તરફથી આર્થિક સહાય મળી હતી.
આ આર્થિક સહાય માટે તેમણે વડોદરાના રાજપરિવાર સાથે એક કરાર કરવો પડ્યો હતો. એ મુજબ અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે વડોદરા સરકારને આધિન નોકરી કરવાની હતી.
1913માં અમેરિકા પહોંચ્યા પછી તેમનો પરિચય દુનિયાભરના વિવિધ વિચારકો અને તેમની વિચારધારાઓ સાથે થયો હતો. તેમના જીવનનું લક્ષ્ય સ્પષ્ટ થઈ ગયું હતું. અમેરિકામાં શિક્ષણ દરમિયાન અનેક ઠેકાણે એવો ઉલ્લેખ મળે છે કે તેઓ 18-18 કલાક સુધી અભ્યાસ કરતા હતા.
એ સમય દરમિયાન તેમણે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન, ઍથિક્સ અને માનવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1915માં ‘ભારતનો પ્રાચીન વ્યાપાર’ વિષય પર થીસિસ પ્રસ્તુત કર્યા બાદ તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. 1916માં તેમણે ‘ઈન્ડિયાઝ નેશનલ ડિવિડન્ડ’ થીસિસ રજૂ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. બાબાસાહેબ જેટલો અભ્યાસ કરતા હતા તેટલી જ વધારે તેમની જ્ઞાનની ભૂખ વધતી હતી. તેમણે વડોદરાના મહારાજા પાસે આગળ અભ્યાસ કરવા પરવાનગી માગી હતી અને એ પરવાનગી તેમને મળી હતી.
એ પછી અર્થશાસ્ત્ર અને કાયદાનો અભ્યાસ કરવા માટે તેઓ બ્રિટન પહોંચ્યા હતા. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે તેમણે એલએસઈમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે કાયદાના અભ્યાસ માટે ગ્રેઝ ઈનમાં નામાંકન મેળવ્યું હતું.
1917માં વડોદરા સરકારની સ્કૉલરશિપ પૂર્ણ થઈ ગઈ અને તેમણે અભ્યાસ અધવચ્ચે, અફસોસ સાથે છોડવો પડ્યો. એ દરમિયાન તેમનો પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરતો હતો. એ પરિસ્થિતિને લીધે બાબાસાહેબે ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.
કરાર મુજબ, તેમણે ભારત આવીને વડોદરા સરકાર સાથે કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તેમણે અન્ય કર્મચારીઓથી જ્ઞાતિગત ભેદભાવ સહન કરવો પડતો હતો. વડોદરામાં રહેવા માટે જગ્યા શોધવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ પછી તેમણે મુંબઈ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.
વડોદરા સરકાર સાથે કામ કરવાના પોતાના અનુભવ બાબતે બાબાસાહેબે તેમની આત્મકથામાં લખ્યું છે, “મારા પિતાએ મને પહેલાંથી જ કહ્યું હતું કે આ જગ્યાએ કામ કરશો નહીં. મારી સાથે કેવો વ્યવહાર થશે તેનો અણસાર કદાચ તેમને આવી ગયો હતો.”
દલિતોના ઉત્થાન માટે કામ

ઇમેજ સ્રોત, SHARAD BADHE
બાબાસાહેબ 1917ના અંતમાં મુંબઈ પહોંચ્યા હતા. તેમણે સિડેનહામ કૉલેજમાં પ્રોફેસરના પદ માટે અજી કરી હતી. તેઓ ત્યાં ઝડપથી લોકપ્રિય પ્રોફેસર બની ગયા હતા, એ કહેવાની જરૂર નથી. તેઓ વ્યાપક તૈયારી કરીને વિદ્યાર્થીઓને ભણાવવા જતા હતા. તેઓ એવી તૈયારી કરતા હતા કે અન્ય ક્લાસના વિદ્યાર્થીઓ પણ તેમનું લેક્ચર સાંભળવા માટે આવતા હતા.
તેમણે 1919માં અછૂત સમાજની મુશ્કેલીઓ બાબતે સાઉથબરો કમિશન સામે રજૂઆત કરી હતી. એ વખતે તેમની પ્રતિભાની ઝલક બધાને જોવા મળી હતી. અછૂતોની દુર્દશાથી દુનિયાને વાકેફ કરવા 1920માં તેમણે ‘મૂકનાયક’ અખબારની શરૂઆત કરી હતી અને એક અર્થમાં સત્તાવાર કહેવાય તે રીતે અછૂતોની વકીલાત શરૂ કરી હતી.
તેઓ સિડેનહામ કૉલેજમાં નોકરી કરતા હતા એટલે તેમના પર અનેક પ્રકારનાં નિયંત્રણો હતાં. તેથી તેમણે 1920માં પ્રોફેસરપદેથી રાજીનામું આપી દીધું હતું અને દલિત મુક્તિ સંઘર્ષના માર્ગે ચાલી નીકળ્યા હતા.
તેમણે 1920માં જ માનગાંવમાં જ્ઞાતિ બહિષ્કૃત વર્ગોના એક સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં હિંસા ભડકી હતી. છત્રપતિ શાહુજી મહારાજે કહ્યુ હતું કે બાબાસાહેબ શોષિતો અને વંચિતોને નેતા બનશે. આ વાત કાળક્રમે ખરી સાબિત થઈ હતી.
કાયદાનો અભ્યાસ

દલિતો સંબંધી મુદ્દાઓ અત્યંત જટિલ છે અને તે દિશામાં કામ કરવા માટે વ્યક્તિગત સ્તરે વકીલાત કરવી પડશે અને વિધાયિકાઓમાં પણ એ મુદ્દાઓને વ્યવસ્થિત ઉઠાવવા પડશે, એ બાબાસાહેબને ત્યાં સુધીમાં સમજાઈ ગયું હતું. આ વિચારીને તેઓ કાયદાની ડિગ્રી મેળવવા ફરી યુકે પહોંચ્યા હતા.
સપ્ટેમ્બર, 1920માં બ્રિટન પહોંચ્યા તે પહેલાં બાબાસાહેબ ભારતમાં દલિત નેતા તરીકે ઓળખ બનાવી ચૂક્યા હતા. એટલે કે તેઓ તેમના પડકાર અને ભૂમિકા બન્નેથી વાકેફ હતા. તેથી ઇંગ્લૅન્ડમાં રહેવા છતાં તેમને ડ્રામા, ઓપેરા અને થિયેટર જેવી બાબતોમાં રસ પડ્યો ન હતો. તેઓ તેમનો મોટા ભાગનો સમય લાયબ્રેરીમાં પસાર કરતા હતા.
કરકસરથી રહેવા માટે તેઓ યુકેમાં કાયમ પગપાળા પ્રવાસ કરતા હતા. ખાવા માટે ખર્ચ ન કરવો પડે એટલા માટે ઘણીવાર ભૂખ્યા રહેતા હતા, પરંતુ તેમનું ધ્યાન કાયમ અભ્યાસ પર કેન્દ્રિત રહેતું હતું.
ઇંગ્લૅન્ડમાં બાબાસાહેબના રૂમમેટ અસનાડેકર હતા. તેઓ આંબેડકરને કહેતા, “અરે આંબેડકર, રાત પડી ગઈ છે, ક્યાં સુધી અભ્યાસ કરતા રહેશો? ક્યાં સુધી જાગતા રહેશો? હવે આરામ કરો. ઊંઘી જાઓ.”
ધનંજય કીરે લખેલી બાબાસાહેબની જીવનકથામાં તેનો ઉલ્લેખ છે. બાબાસાહેબ તેમના રૂમમેટને જવાબ આપતા હતા, “મારી પાસે ભોજનના પૈસા અને ઊંઘવા માટે સમય નથી. મારે અભ્યાસ ઝડપથી પૂર્ણ કરવો છે. બીજો કોઈ રસ્તો નથી.”
આ ઘટના પરથી સમજાય છે કે બાબાસાહેબ તેમના લક્ષ્ય પ્રત્યે કેટલા કટિબદ્ધ હતા.
1922માં કાયદાનો સમગ્ર અભ્યાસ કર્યા બાદ તેમને ગ્રેઝ ઈનમાં જ બારના સભ્ય બનવા આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ડૉ. આંબેડકર બૅરિસ્ટર બની ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બાબાસાહેબે એક જ સમયમાં બે પાઠ્યક્રમ પૂર્ણ કર્યા હતા.
ગ્રેઝ ઈનમાં કાયદાના અભ્યાસ દરમિયાન જ તેમણે એલએસઈમાં ઉચ્ચ અર્થશાસ્ત્રની ડિગ્રી પણ મેળવી હતી. તેમના થીસિસને 1923માં સ્વીકારાયો હતો અને તેમને ડૉક્ટર ઑફ સાયન્સની પદવીથી સન્માનિત કર્યા હતા. તેઓ એક જ વર્ષમાં બૅરિસ્ટર અને ડૉક્ટર બની ગયા હતા.
ભારતમાં વકીલાતની શરૂઆત

ઇમેજ સ્રોત, NAMDEV KATKAR
આપણા દેશમાં એવા કેટલા વકીલ છે, જેમના વકીલ બનવાની સાલગરેહની ઉજવણી કરવામાં આવે છે?
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દેશની સર્વોચ્ચ અદાલતે ડૉ. બાબાસાહેબના વકીલ બનવાની 100મી વરસગાંઠની ઉજવણી ગયા વર્ષે કરી હતી.
એ ડૉ. આંબેડકરના કામને આદરાંજલિ હતી, પરંતુ 100 વર્ષ પહેલાં એ મુકામ પર પહોંચવા માટે બાબાસાહેબે ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો.
મુંબઈમાં બાર કાઉન્સિલનું સભ્યપદ મેળવવાની અરજી કરવાના પૈસા પણ તેમની પાસે ન હતા. તેમના મિત્ર નવલ ભથેનાએ તેમને 500 રૂપિયા આપ્યા ત્યારે તેમણે બાર કાઉન્સિલના સભ્યપદ માટે અરજી કરી હતી. 1923ની ચોથી જુલાઈએ તેમને સભ્યપદ મળ્યું હતું અને પાંચમી જુલાઈથી તેમણે વકીલાત શરૂ કરી દીધી હતી.
ડૉ. આંબેડકરે વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બ્રિટિશ સરકારે તેમને રૂ. 2,500ના માસિક પગાર સાથે જિલ્લા ન્યાયાધિશની નોકરી ઑફર કરી હતી. એ ઑફર અત્યંત આકર્ષક હતી, પરંતુ બાબાસાહેબે વકીલાતનો વ્યવસાય પસંદ કર્યો હતો.
આ ઘટનાનો ઉલ્લેખ તેમણે બહિષ્કૃત ભારતના પોતાનાં લેખ અને ભાષણોમાં કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ દલિતોનાં હિત માટે કામ કરવા ઇચ્છતા હતા. આ બાબતે તેમણે લખ્યું છે, “મેં જિલ્લા ન્યાયાધિશ સહિતની કોઈ સરકારી નોકરી સ્વીકારી ન હતી, કારણ કે સ્વતંત્ર રીતે વકીલાત કરવામાં આઝાદી મેળવી હતી.”
અહીં એ પણ નોંધવું જોઈએ કે હૈદરાબાદના નિઝામે ડૉ. આંબેડકરને રાજ્યના મુખ્ય ન્યાયાધિશ પદની ઑફર કરી હતી, પરંતુ તેમણે એ પ્રસ્તાવનો પણ અસ્વીકાર કર્યો હતો.
એ સમયે વકીલાતનો વ્યવસાય મુખ્યત્વે ઉચ્ચ તથા વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિઓ પર આધારિત હતો, કારણ કે એ વર્ગના કેસ મુખ્યત્વે તેમની પાસે જ આવતા હતા. બાબાસાહેબને તેનો ખ્યાલ હતો, છતાં તેમણે વકીલાતમાં ઝંપલાવવાનું જોખમ ઉઠાવ્યું હતું.
ડૉ. આંબેડકરના વકીલાતના શરૂઆતના દિવસો બાબતે ધનંજય કીર લખે છે, “એ સમયમાં વ્યક્તિની ત્વચાનો રંગ, તેની બુદ્ધિ કરતાં વધારે ચમકતો હતો. અસ્પૃશ્યતાનું કલંક, સમાજમાં કચડાયેલી સ્થિતિ, નવો વ્યવસાય અને આસપાસના લોકોના અસહકારે બાબાસાહેબની વકીલાત માટે પડકાર સર્જ્યા હતા, પરંતુ તેઓ હિંમત હાર્યા ન હતા. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓ નીચલી તથા જિલ્લા અદાલતોમાં કામ કરતા રહ્યા હતા.”
ડૉ. બાબાસાહેબના અસીલોની હાલત અત્યંત ખરાબ રહેતી. તેઓ ગરીબ, ખેત મજૂર કે દાડિયા મજૂરો હતા. બાબાસાહેબ તેમના કેસ ગંભીર રીતે સાંભળતા હતા અને તેમને ન્યાય અપાવવાના પ્રયાસ કરતા હતા.
એ લોકો સાથે બાબાસાહેબ સામાજિક, આર્થિક કે ધર્મના આધારે કોઈ ભેદભાવ કરતા ન હતા. તેમણે સેક્સ વર્કરોને કાયદાકીય સહાયતા આપવા માટે પણ પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. તેઓ કોઈની પણ સાથે કોઈ પ્રકારનો પૂર્વગ્રહ રાખતા ન હતા.
કોઈ વકીલ વિશે વિચારીએ ત્યારે આપણી નજર સામે એક ગંભીર ચહેરાવાળી આવે, પરંતુ બાબાસાહેબ એક શિસ્તબદ્ધ અને પ્રખર વિદ્વાન હોવા છતાં પોતાના અસીલો સાથે બહુ સહજતાથી વ્યવહાર કરતા હતા. તેઓ તેમના અસીલો સાથે ઘણીવાર ભોજન પણ શૅર કરતા હતા.
ધનંજય કીરે ડૉ. આંબેડકરના જીવનચરિત્રમાં લખ્યું છે, “ડૉ. આંબેડકર એક વકીલ તરીકે પ્રસિદ્ધ થયા કે તરત ગરીબ લોકો કાયદાકીય મદદ મેળવવાની આશામાં તેમની પાસે આવવા લાગ્યા હતા. દલિતોની પીડા અને દુઃખ જોઈને તેમને પારાવાર વ્યથા થતી હતી. તેઓ ગરીબોને કેસ મફતમાં લડતા હતા.”
“એ સમયે ડૉ. આંબેડકરનું ઘર ગરીબો માટે આશાનું કેન્દ્ર બની ગયું હતું. એક દિવસે તેમનાં પત્ની રમાબાઈ ઘરમાં ન હતાં ત્યારે બે અસીલ આવ્યા હતા. ડૉ. આંબેડકરે તેમના માટે ભોજન બનાવ્યું હતું એટલું ન નહીં, તેમને પોતાના હાથેથી ભોજન પીરસ્યું પણ હતું. તેઓ ભોજન રાંધવાની કળામાં પણ પારંગત હતા.”
વકીલ તરીકે કેટલા પ્રભાવશાળી?

ઇમેજ સ્રોત, NAVAYANA PUBLISHING HOUSE
સમાજમાં દલિત સમુદાયની સ્થિતિ બાબતે બ્રિટિશ સરકાર સમક્ષ રજૂઆત કરવા 1928માં સાયમન કમિશન સામે જુબાની આપવા માટે ડૉ. આંબેડકરની પસંદગી કરવામાં આવી હતી.
જે દિવસે એ જુબાની આપવાની હતી, એ જ દિવસે (મુંબઈ નજીકના) થાણેમાં ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્શ જજ સામે તેમણે તેમના અસીલનો કેસ રજૂ કરવાનો હતો. ડૉ. આંબેડકર એ કેસમાં હાજર ન રહે તો તેમના કેટલાક અસીલોને ફાંસીની સજા થવાની હતી. તેને લીધે ગરીબો અને ઉપેક્ષિતોમાં એવો મૅસેજ જતો કે ડૉ. આંબેડકર જરૂર હતી ત્યારે કામ આવ્યા નહીં અને તેનો અફસોસ ડૉ. આંબેડકરને આજીવન રહે.
બીજી તરફ ડૉ. આંબેડકર દ્વિધામાં હતા કે સાયમન કમિશન સામે જુબાની આપવા નહીં જાય તો દેશના કરોડો લોકોની પીડા દુનિયા સામે રાખવાની તક હાથમાંથી સરી જશે. તેથી તેમણે ન્યાયાધિશને વિનંતી કરી હતી કે આરોપીઓના બચાવને ફરિયાદ પક્ષ સમક્ષ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે.
સામાન્ય રીતે એવું થાય છે કે ફરિયાદ પક્ષ પહેલાં રજૂઆત કરે છે, પરંતુ ડૉ. આંબેડકરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને પોતાનો પક્ષ પહેલાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ડૉ. આંબેડકરના જીવનચરિત્રમાં ધનંજય કીરે લખ્યું છે, “બચાવ માટે રજૂ કરવામાં આવેલા તર્કની સટીકતા અને તેમનો આત્મવિશ્વાસ એટલો મજબૂત હતો કે તે કેસમાં મોટા ભાગના આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. એ આશ્ચર્યજનક વાત નથી.”
જોકે, ન્યાયાધિશ ચુકાદો આપી રહ્યા હતા ત્યારે ડૉ. આંબેડકર સાયમન કમિશન સમક્ષ દેશના દલિતોની સ્થિતિ બાબતે રજૂઆત કરી રહ્યા હતા.
ડૉ. આંબેડકરના મુખ્ય કેસ

ઇમેજ સ્રોત, POPULAR PRAKASHAN
એક નજર ડૉ. આંબેડકરના ચર્ચિત કેસ પર કરીએ.
આર.ડી. કર્વે અને સમાજ સ્વાસ્થ્ય પત્રિકા કેસ
ડૉ. આર. ડી. કર્વે એ સમયના વિખ્યાત સમાજ સુધારક હતા. તેઓ મહિલાઓના સ્વાસ્થ્ય અને યૌનશિક્ષણ બાબતે જાગૃતિ લાવવાના પ્રયાસ કરતા હતા.
આઝાદી પહેલાં ભારતમાં યૌન શિક્ષણ બાબતે વાત કરવાનું લગભગ અશક્ય હતું. તેમની અનેક ઠેકાણે જાહેરમાં ટીકા કરવામાં આવતી હતી.
ડૉ. કર્વેએ રૂઢિચુસ્ત સમાજના રોષનો સામનો કરવો પડતો હતો. તેમના પર એવો કેસ કરવામાં આવ્યો હતો કે તેઓ તેમના માસિક ‘સમાજ સ્વાસ્થ્ય’ સામયિક મારફત સમાજમાં અશ્લીલતા ફેલાવી રહ્યા છે.
ડૉ. આંબેડકરે તેમનો કેસ લડવાનું સ્વીકાર્યું હતું. આ 1934ની વાત છે. આ મારફતે ડૉ. આંબેડકરે એવો મૅસેજ આપ્યો હતો કે કોઈ સમાજ સુધારક તેના કામને લીધે એકલો હોય તો તેઓ તેમની સાથે છે.
સમાજ સ્વાસ્થ્ય સામયિકમાં યૌનશિક્ષણ વિશેના લેખો પ્રકાશિત કરવામાં આવતા હતા. અદાલતે તેમને સવાલ કર્યો હતો કે સામયિકમાં પ્રકાશિત કરવામાં આવેલી માહિતી વિકૃત રીતે પ્રસ્તુત કરવામાં આવી હોવા બાબતે તમારો મત શું છે?
ડૉ. આંબેડકરે કહ્યું હતું, “કોઈ યૌનસમસ્યાઓ વિશે લખતું હોય તો તેને અશ્લીલ માનવું ન જોઈએ.”
તેમણે એવી દલીલ પણ કરી હતી, “લોકો પોતાના મનમાંના સવાલ પૂછતા હોય અને તેને વિકૃતિ માનતા હોય તો તે વિકૃતિને માત્ર જ્ઞાન જ દૂર કરી શકે. આવું ન બને તો કેવી રીતે દૂર થાય? તેથી તેમના સવાલોના જવાબ ડૉ. કર્વેએ આપવા જોઈએ.”
જોકે, આ કેસ ડૉ. આંબેડકર હારી ગયા હતા, પરંતુ કહેવાય છે કે તેમની પ્રગતિશીલ વિચારધારા અને મદદને લીધે ડૉ. કર્વે આખરે આ કેસ જીતવામાં સફળ થયા હતા.
‘દેશ કે દુશ્મન’નો ચર્ચિત કેસ

ઇમેજ સ્રોત, DHANANJAY KEER
આ કેસમાં બાબાસાહેબની ભૂમિકાને સમજતા પહેલાં 1926ના આ મામલાને સમજી લઈએ. દિનકરરાવ જાવલકર અને કેશવરાવ જેધે બિન-બ્રાહ્મણ આંદોલનના મુખ્ય કાર્યકરો પૈકીના એક હતા. એ સમયે બ્રાહ્મણ સમાજના લોકો સામાજિક સુધારાઓનો વિરોધ કરી રહ્યા હતા. એ પ્રબળ વિરોધને કારણે રૂઢિચુસ્તોએ મહાત્મા ફુલેની ટીકા પણ કરી હતી.
મહાત્મા ફુલેને ક્રાઇસ્ટ સેવક પણ કહેવામાં આવતા હતા. તે વાતોના વિરોધમાં દિનકરરાવ જાવલકરે ‘દેશ કે દુશ્મન’ નામનું પુસ્તક લખ્યું હતું અને કેશવરાવ જેધેએ તેનું પ્રકાશન કર્યું હતું.
આ પુસ્તકમાં લોકમાન્ય તિલક અને વિષ્ણુ શાસ્ત્રી ચિપલૂણકરને દેશના દુશ્મન ગણાવવામાં આવ્યા હતા. તેમને બીજા અનેક વિશેષણ પણ આપવામાં આવ્યાં હતાં. તેનાથી તિલકના સમર્થકો નારાજ થઈ ગયા હતા અને તેમણે અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. પૂણેમાં કેસ ચાલ્યો હતો અને નીચલી અદાલતે જેધે-જાવલકરને સજા ફરમાવી હતી.
જાવલકરને એક વર્ષની સજા કરવામાં આવી હતી, જ્યારે જેધેને છ મહિનાની સજા કરવામાં આવી હતી. તે ચુકાદાને પડકારવામાં આવ્યો હતો અને ડૉ. આંબેડકર તે કેસમાં વકીલ બન્યા હતા. સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે ડૉ. આંબેડકરે જણાવ્યું હતું કે તેમણે દેશ કે દુશ્મન પુસ્તક વાંચ્યું છે.
આ કેસ પૂણેની સેશન્શ કોર્ટમાં ન્યાયાધીશ લૉરેન્સ સમક્ષ ચાલ્યો હતો. ડૉ. આંબેડકર માનહાનિના એક જૂના કેસનો હવાલો આપીને આ કેસ લડ્યા હતા.
તેમણે ન્યાયમૂર્તિ ફ્લેમિંગના આદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે એ કેસ પણ સમાન હતો, કારણ કે ફરિયાદી, માનહાનિનો દાવો કરનાર વ્યક્તિનો દૂરનો સગો છે. તેથી આ કેસમાં પણ સજા કરી શકાય નહીં. આ કેસમાં ફરિયાદ જ નોંધી શકાય નહીં.
સમગ્ર મામલાનો ઊંડો અભ્યાસ કર્યા પછી ડૉ. આંબેડકરે અદાલત સમક્ષ સચોટ દલીલો રજૂ કરી હતી અને બન્નેની સજા માફ થઈ હતી.
મહાડ સત્યાગ્રહ કેસ

ઇમેજ સ્રોત, NAVAYANA PUBLISHING HOUSE
અછૂતોને સાર્વજનિક જળસ્રોતોમાંથી પાણી પીવાનો અધિકાર સદીઓ સુધી ન હતો. તેમાંથી જાનવરો પાણી પી શકતા હતા, પરંતુ અછૂતો માટે મનાઈ હતી.
તે અન્યાય સામે ડૉ. આંબેડકરે એક અભિયાન ચલાવ્યું હતું અને એ કારણે મહાડ સત્યાગ્રહ થયો હતો. તે મહાડ સરોવરના પાણી પર નિયંત્રણની સંદેશાત્મક લડાઈ હતી.
મહાડ સત્યાગ્રહમાં એક રીતે હિંદુઓ અને અછૂતો વચ્ચે સીધો સંઘર્ષ હતો. હિંદુઓ તરફથી કેટલાંક અસામાજિક તત્ત્વોએ અછૂત સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો, જેથી તેઓ મહાડ સરોવર ન આવે અને પાણીને સ્પર્શ ન કરે. હિંદુઓ તરફથી ડૉ. આંબેડકર અને તેમના સાથીઓ પર અનેક કેસ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં ડૉ. આંબેડકરે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પહેલાં કહેવામાં આવ્યું હતું કે આ સરોવર હિંદુઓનું છે. તે કોઈ સાર્વજનિક જમીન પર બનેલું નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ સરોવરમાંથી અન્ય સમુદાયના લોકો પણ પાણી લે છે. કોઈને રોકવામાં આવતા નથી.
એ વખતે ડૉ. આંબેડકરે અદાલતને જણાવ્યું હતું કે આ સરોવર મહાડ નગરનિગમની જમીન પર બનેલું છે. અહીંથી માત્ર સવર્ણ હિંદુઓને પાણી લેવાની છૂટ છે. જાનવરો કાપતાં ખટીક મુસ્લિમોને પણ અહીંથી પાણી લેવા દેવામાં આવતું નથી.
ડૉ. આંબેડકરે વકીલ તરીકે ખટીક મુસ્લિમોનો ઉલ્લેખ જાણીજોઈને કર્યો હતો, કારણ કે ખટીક મુસ્લિમોને અહીંથી પાણી મળે છે એ હિંદુઓ સ્વીકારી શકે તેમ નહોતા. એવું થાય તો સવર્ણોમાં સરોવરની શુદ્ધતાનો મુદ્દો ઊઠે તેમ હતો.
આ રીતે ખબર પડી હતી કે મહાડ સરોવર 250 વર્ષથી અસ્તિત્વમાં છે અને અહીંથી કેવળ સવર્ણ હિંદુઓને જ પાણી મળે છે. આ સરોવર નગરનિગમની જમીન પર આવેલું હોવાથી તમામ માટે ખોલવામાં આવે તેવું પણ ડૉ. આંબેડકરે અદાલતમાં સાબિત કર્યુ હતું.
હાઈકોર્ટે ડૉ. આંબેડકરની દલીલનો સ્વીકાર કર્યો હતો અને સરોવર તમામ માટે ખોલવાનો આદેશ આપ્યો હતો.
અદાલતે સ્વીકાર્યું હતું કે પ્રસ્તુત આંદોલન એક તળાવ કે જળાશય પૂરતું મર્યાદિત નથી. તમામ સાર્વજનિક જળાશયોને પણ આ ચુકાદો લાગુ પડશે. કોઈ જ્ઞાતિ કે સામાજિક સ્થિતિને આધારે કોઈને તેમાંથી પાણી લેવાની મનાઈ કરી શકાય નહીં. પ્રસ્તુત કેસથી સામાજિક અને કાયદાકીય વ્યાપકતાનો ખ્યાલ મેળવી શકાય છે.
એક સારા વકીલમાં ક્યા ગુણ હોવા જોઈએ?
ડૉ. આંબેડકર 1923થી 1952 સુધીની તેમની દીર્ઘ કારકિર્દી દરમિયાન અનેક કેસ લડ્યા હતા, પરંતુ અત્યારે બહુ ઓછા કેસના દસ્તાવેજો ઉપલબ્ધ છે.
ડૉ. આંબેડકરના કેસ અને તેમાં આવેલા ચુકાદા બાબતે વિજય ગાયકવાડે ‘કેસીઝ આર્ગ્યુડ બાય ડૉ. આંબેડકર’ નામના પુસ્તકનું સંપાદન કર્યું છે.
ડૉ. આંબેડકરની વકીલાતને સમજવા માટે આ પુસ્તકને એક મહત્ત્વપૂર્ણ સંદર્ભ ગ્રંથ ગણી શકાય.
ડૉ. આંબેડકર એક સારા વકીલ પાસેથી શું અપેક્ષા રાખતા હતા તેનું વિવરણ ગાયકવાડે આ પુસ્તકમાં કર્યું છે.
ડૉ. આંબેડકરે 1936માં લખેલા એક લેખ મુજબ એક સારા વકીલમાં નીચે મુજબના ગુણ હોવા જોઈએ.
- તેને કાયદાના સિદ્ધાંતોની સમજ હોવી જોઈએ.
- સામાન્ય જ્ઞાનની આધારભૂત જાણકારી હોવી જોઈએ.
- કોઈ વિષયને વ્યવસ્થિત રીતે પ્રસ્તુત કરવાની કળા તેનામાં હોવી જોઈએ.
- તેના સંવાદ અને તર્કમાં સચ્ચાઈ હોવી જોઈએ.
- સ્પષ્ટ ભાષામાં અભિવ્યક્તિની ક્ષમતા હોવી જોઈએ.
- પૂછવામાં આવેલા સવાલના ઉત્તર દેવાની હાજરજવાબી હોવી જોઈએ.
ડૉ. આંબેડકરના જણાવ્યા મુજબ, એક સારા વકીલમાં વિચારવા-સમજવાની તથા તર્ક કરવાની ક્ષમતા હોવી જોઈએ.
વકીલાતને કારણે જ ડૉ. આંબેડકરને સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરવાની તક મળી હતી. તેમણે લોકોનાં દુઃખ નજીકથી જોયાં હતાં. તેથી તેઓ બંધારણ સભાની મુસદ્દા સમિતિના વડા બન્યા ત્યારે તેમના અનુભવનો લાભ સમગ્ર દેશને મળ્યો હતો.
ડૉ. આંબેડકરે 1936માં તત્કાલીન બૉમ્બેની સરકારી લૉ કૉલેજમાં વ્યાખ્યાન આપ્યું હતું. આપણા દેશના કાયદાને સમજવા માટે એ વ્યાખ્યાનને આજે પણ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.
બાબાસાહેબે 1936માં બ્રિટિશ બંધારણ પર આ વ્યાખ્યાન આપ્યું હતું અને થોડાં વર્ષો પછી તેમણે આ દેશનું બંધારણ લખ્યું હતું. આ માત્ર યોગાનુયોગ નથી, પરંતુ દલિતો ઉપરાંત સમગ્ર સમાજના ઉદ્ધાર માટેના ડૉ. આંબેડકરના તપનું ફળ છે.
તેથી તેમની વકીલાત માત્ર અદાલતમાં જ નહીં, પરંતુ દેશના ખૂણેખૂણામાં તથા દુનિયાભરમાં મૂક લોકોનો અવાજ બની ગઈ છે.
માનવતા, સમાનતા, ભાઈચારા અને લોકતંત્રના મૂલ્યોની વાત આવે ત્યારે ડૉ. આંબેડકરનું યોગદાન અચૂક યાદ આવે.












