જોગિંદરનાથ મંડલ : પાકિસ્તાનના એ 'આંબેડકર' જે ત્યાં 'દેશદ્રોહી' ગણાવાયા અને ભારતમાં 'અછૂત'

જોગિંદરનાથ મંડલ

ઇમેજ સ્રોત, JAGADISH CHANDRA MANDAL

ઇમેજ કૅપ્શન, જોગિંદરનાથ મંડલ
    • લેેખક, સકલૈન ઇમામ
    • પદ, બીબીસી ઉર્દૂ

પાકિસ્તાનમાં ધાર્મિક કટ્ટરતાના ઉદય અને તેના પ્રસાર માટે ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકની સરકાર અને ત્યાર પછી મુસ્લિમ કટ્ટરવાદીઓને જવાબદાર ગણાવવામાં આવે છે.

જોકે પાકિસ્તાનના ઇતિહાસના એક મહત્ત્વના પાત્ર જોગિંદરનાથ મંડલે 70 વર્ષ પહેલાં જ તત્કાલીન પાકિસ્તાની વડા પ્રધાનને લખેલા પોતાના રાજીનામામાં ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપવાની વાત સામે ચેતવણી ઉચ્ચારી હતી.

તેમણે આના માટે પાકિસ્તાનના સત્તાધીશો દ્વારા ધર્મનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવાની અને પછી તેની સામે ઘૂંટણ ટેકવી દેવાની નીતિને જવાબદાર ગણી હતી.

પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ જોગિંદરનાથ મંડલને પાકિસ્તાનની બંધારણસભાના પ્રથમ સત્રનું અધ્યક્ષપદ સોંપ્યું હતું. તેઓ પાકિસ્તાનના પ્રથમ કાયદા મંત્રી પણ બન્યા હતા.

જોગિંદરનાથ મંડલ બંગાળના દલિત સમુદાયના હતા. ભારતના વિભાજન અગાઉ બંગાળની રાજનીતિમાં માત્ર બ્રિટિશ ઉપનિવેશવાદમાંથી આઝાદી એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ન હતો, પરંતુ કેટલાક લોકોની નજરમાં આના કરતા પણ વધુ મહત્ત્વનો મુદ્દો બંગાળમાં જમીનદારી પ્રથામાં પીસાઈ રહેલા ખેડૂતોનો હતો.

તેમાંથી મોટા ભાગના મુસ્લિમો હતો. ત્યાર પછી દલિત હતા જેમને 'શુદ્ર' પણ કહેવામાં આવતા હતા. પરંતુ અંગ્રેજોના સમયમાં તેમને 'અનુસૂચિત જ્ઞાતિ' કહેવાનું શરૂ થયું.

જમીનદારોમાં મોટા ભાગના હિંદુ બ્રાહ્મણ અને કાયસ્થ હતા જેમને સ્થાનિક ભાષામાં 'ભદ્રલોક' કહેવામાં આવતા હતા.

અવિભાજિત બંગાળની કુલ વસતી પાંચ કરોડ દસ લાખ હતી જેમાંથી 80 લાખ દલિતો સહિત હિંદુઓની કુલ વસતી બે કરોડ વીસ લાખ હતી. મુસ્લિમોની વસતી લગભગ બે કરોડ એંસી લાખ હતી. ઉચ્ચ જાતિના હિંદુઓ, એટલે કે 'ભદ્રલોક'ની કુલ વસતી ત્રીસ લાખ હતી.

આ રીતે બંગાળમાં મુસ્લિમોની વસતી 54 ટકા હતી, ત્યાર પછી દલિત અને પછી હિંદુ બ્રાહ્મણ હતા. ખ્રિસ્તી અને બીજા ધર્મના લોકો બહુ ઓછી સંખ્યામાં હતા.

દલિતોમાં સૌથી મોટો જાતિય સમૂહ 'મહેશિયો'નો હતો જેમની સંખ્યા 35 લાખ હતી. ત્યાર બાદ 'નામશુદ્ર' આવતા હતા.

જોગિંદરનાથ મંડલ આ જ સમૂહના સભ્ય હતા. તેમણે વિભાજન પહેલાંની રાજનીતિમાં દલિતોને મુસ્લિમ લીગ સાથે જોડ્યા હતા. બંગાળના નામશુદ્ર 1930ના દાયકાથી જ મુસ્લિમ લીગના મજબૂત સહયોગી બની ગયા હતા.

પાકિસ્તાનની બંધારણ સભાની પ્રથમ બેઠક 11 ઑગસ્ટ 1947ના રોજ મળી હતી. સત્તાવાર સ્વતંત્રતા મળ્યાના ત્રણ દિવસ અગાઉ. ભારત અને પાકિસ્તાને જ્યારે 14 અને 15 ઑગસ્ટની રાત્રે સ્વતંત્રતા પ્રાપ્ત કરી ત્યાં સુધીમાં મુસ્લિમ લીગ દલિતો સાથેના સંબંધના એક બીબામાં ઢળી ચૂકી હતી.

line

ભારત અને પાકિસ્તાન બંનેના પ્રથમ કાયદામંત્રી દલિત

પાકિસ્તાન બંધારણ સભા

ઇમેજ સ્રોત, @VINTAGEPAKISTAN

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની બંધારણ સભા

ભારતમાં બંધારણ લખવાની પ્રક્રિયા શરૂ થઈ તો નહેરુએ પોતાના મંત્રીમંડળમાં એક બિનકૉંગ્રેસી દલિત નેતા ડૉ. ભીમરાવ આંબેડકરને સ્થાન આપ્યું અને તેમને દેશના પ્રથમ કાયદામંત્રી બનાવ્યા. તેમને દેશના બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપાયું.

પાકિસ્તાનના સ્થાપક ઝીણાનું પ્રથમ ભાષણ માત્ર તેમનું એક વિઝન ન હતું પરંતુ એક રાજકીય રણનીતિ પણ હતી. તે રણનીતિ હેઠળ તેમણે પોતાના ભાષણથી સૌથી પહેલા બંગાળના એક હિંદુ દલિત નેતા જોગિંદરનાથ મંડલને બંધારણ સભાના પ્રથમ સત્રનું અધ્યક્ષપદ સોંપ્યું હતું. (એ વાત અલગ છે કે અત્યારે પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીની વેબસાઇટ પર પ્રથમ અધ્યક્ષ તરીકે મંડલનું નામ નથી.)

line

કોણ હતા જોગિંદરનાથ મંડલ?

મંડલનો જન્મ બંગાળના બાકરગંજ ક્ષેત્રમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાની ઇચ્છા હતી કે ઘરમાં બીજું કંઈ હોય કે ન હોય, પણ તેમના પુત્રે શિક્ષણ જરૂર મેળવવું જોઈએ.

મંડલના શિક્ષણનો ખર્ચ તેમના નિઃસંતાન કાકાએ ઉઠાવ્યો. એક સ્થાનિક શાળામાં ભણ્યા પછી તેમણે બંગાળના બારિસાલના સૌથી સારા શિક્ષણ સંસ્થાન બ્રિજમોહન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. બારિસાલ 'પૂર્વ બંગાળ'નું એક શહેર હતું જે ત્યાર પછી 'પૂર્વ પાકિસ્તાન' બની ગયું હતું.

શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમણે બારિસાલની નગરપાલિકાથી પોતાની રાજકીય સફરની શરૂઆત કરી. તેમણે નીચલા વર્ગના લોકોની સ્થિતિ સુધારવા માટે સંઘર્ષ શરૂ કર્યો.

તેઓ ભારતના વિભાજનના પક્ષમાં ન હતા, પરંતુ તેમને લાગ્યું કે ઉચ્ચ જાતિના હિંદુઓ (સવર્ણો) વચ્ચે રહેવાથી શુદ્રોની સ્થિતિમાં સુધારો નહીં થઈ શકે. તેથી પાકિસ્તાન દલિતો માટે એક વધુ સારી તક બની શકે છે.

તેમણે ઝીણાના આશ્વાસન પછી પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના સહયોગી અને ભારતના તે સમયના સૌથી મોટા દલિત નેતા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરે તેમને ચેતવ્યા હતા.

નસીબનો ખેલ એવો થયો કે ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદામંત્રી બન્યા અને જોગિંદરનાથ મંડલ પાકિસ્તાનના પ્રથમ કાયદામંત્રી બન્યા. થોડા વર્ષો પછી બંનેએ પોતપોતાના હોદ્દા પરથી રાજીનામા આપવા પડ્યા.

મંડલે 8 ઓક્ટોબર, 1950ના રોજ રાજીનામુ આપ્યું જ્યારે આંબેડકરે 27 સપ્ટેમ્બર, 1951ના રોજ હોદ્દો છોડ્યો હતો.

બંનેમાં તફાવત માત્ર એટલો હતો કે મંડલે હતાશ થઈને રાજીનામુ આપ્યું હતું. તેઓ પાકિસ્તાનનું બંધારણ ઘડાતું જોઈ શક્યા ન હતા, જ્યારે આંબેડકરે જાન્યુઆરી 1950માં ભારતના બંધારણને પૂર્ણ કરીને પોતાની ઐતિહાસિક ભૂમિકા નિભાવી હતી.

બંધારણનો મુસદ્દો તૈયાર થયા પછી આંબેડકરે હિંદુ વારસા કાનૂનમાં છોકરાઓની સાથે છોકરીઓને પણ મિલ્કતમાં સમાન હિસ્સો મેળવવાનો અધિકાર અપાવવા કાયદો ઘડવાની કોશિશ કરી હતી. તેમાં સફળ ન થવાના કારણે તેમણે રાજીનામુ આપી દીધું હતું.

line

ઝીણાનું 11 ઑગસ્ટનું ભાષણ અને લઘુમતી

ઝીણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇતિહાસકારો માને છે કે 11 ઑગસ્ટ 1947ના રોજ પાકિસ્તાનના સ્થાપક અને દેશના પ્રથમ ગવર્નર જનરલ મહંમદ અલી ઝીણાએ બંધારણ સભાની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ તરીકે પોતાના ભાષણમાં પાકિસ્તાનના ભવિષ્યની ઝાંખી આપતી વખતે રાજકારણને ધર્મથી અલગ રાખવાનું એલાન કર્યું હતું.

તે ભાષણમાં ઝીણાએ એમ પણ કહ્યું કે, "સમયની સાથે હિંદુ હવે હિંદુ નહીં રહે અને મુસલમાન હવે મુસલમાન નહીં રહે. ધાર્મિક દૃષ્ટિએ નહીં, કારણ કે ધર્મ એ અંગત બાબત છે, પરંતુ રાજનીતિક રીતે એક દેશના નાગરિક હોવાની દૃષ્ટિએ."

ઝીણાએ એ પણ કહ્યું હતું, "આપણે એક એવા યુગ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં કોઈની સાથે ભેદભાવ કરવામાં નહીં આવે. એક સમુદાયને બીજા કોઈ પર વરિષ્ઠતા આપવામાં નહીં આવે. કોઇની સાથે જાતિ કે વંશના આધારે ભેદભાવ કરવામાં નહીં આવે. આપણે આ મૂળ સિદ્ધાંત સાથે આપણી યાત્રા શરૂ કરીએ છીએ કે આપણે બધા નાગરિક છીએ અને આપણે સૌ આ રાજ્યના સમાન નાગરિક છીએ."

મહંમદ અલી ઝીણાના આ ભાષણથી એક દિવસ અગાઉ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ અને પ્રથમ સ્પીકર જોગિંદરનાથ મંડલે પોતે પાકિસ્તાન શા માટે પસંદ કર્યું તેનું કારણ આપ્યું હતું.

તેમણે કહ્યું કે તેમણે પાકિસ્તાનને એટલા માટે પસંદ કર્યું કારણ કે તેઓ માનતા હતા કે "મુસ્લિમ સમુદાયે ભારતમાં લઘુમતી તરીકે પોતાના અધિકારો માટે સંઘર્ષ કર્યો છે, તેથી તેઓ પોતાના દેશમાં લઘુમતીની સાથે ન્યાય કરશે એટલું જ નહીં, પણ તેના પ્રત્યે ઉદારતા પણ દેખાડશે."

અમેરિકાના જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલયના ગજલ આસિફે પોતાના તાજેતરના સંશોધન પત્ર "જોગિંદરનાથ મંડલ ઍન્ડ પૉલિટિક્સ ઑફ દલિત રેકગ્નિશન ઈન પાકિસ્તાન" (જોગિંદરનાથ મંડલ અને પાકિસ્તાનમાં દલિતોની માન્યતાની રાજનીતિ)માં જણાવ્યું છે કે "મંડલે પાકિસ્તાનના નિર્માણમાં દલિત સ્વતંત્રતાના સ્વપ્નને સાકાર થતા જોયો હતો, પરંતુ નવા દેશમાં હિંદુ લઘુમતીના આંતરિક તફાવતને સમજ્યા વગર (એટલે કે એક દેશની વિચારધારાની સામે, જે અનુસૂચિત જાતિ અને ઉચ્ચ જાતિના હિંદુઓ વચ્ચે અંતર રાખ્યા વગર લઘુમતીને એક જ જૂથ માને છે), મંડલનું વિઝન ટકી ન શક્યું."

line

શું પાકિસ્તાને મંડલને ત્રાસ આપ્યો હતો?

ઝીણા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર અનિર્બાન બંદોપાધ્યાય મુજબ એ જાણવું આસાન નથી કે પાકિસ્તાનમાં જોગિંદરનાથ મંડલને ત્રાસ અપાયો હતો કે નહીં.

પ્રોફેસર બંદોપાધ્યાય ભારતમાં ગાંધીનગરની કર્ણાવતી કૉલેજના ઇતિહાસ વિભાગ સાથે સંકળાયેલા છે. તેમણે આંબેડકર અને મંડલ વિશે એક મહત્ત્વનું રિસર્ચ પેપર લખ્યું છે.

તેઓ કહે છે, "તેનો સાચો જવાબ ત્યારે જ આપી શકાય જ્યારે કોઈ ઇતિહાસકાર પાકિસ્તાનના આર્કાઇવ્ઝમાં રાખેલા દસ્તાવેજોની તપાસ કરે."

જોકે, "(મંડલે) પોતાના ટાઇપ કરેલા લાંબા રાજીનામામાં પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરી દીધો હતો. આ રાજીનામુ એકદમ સ્પષ્ટ છે. વાસ્તવમાં સવાલ યોગ્ય રીતે હોવા જોઈએ. એ વાત સાચી કે ઝીણાએ નવા દેશના ભવિષ્યના નાગરિકો માટે સમાન અધિકારોના મોટા દાવા કર્યા હતા, પરંતુ સ્વયં તેમની સાથે દગાખોરી થઈ અને કેટલીક બેવફાઈ કરવામાં આવી."

પ્રોફેસર બંદોપાધ્યાયનું કહેવું છે કે, "ઝીણાને એ વાતનો પૂરો ભરોસો હતો કે ધાર્મિક રાષ્ટ્રવાદના જે રાક્ષસને તેમણે પેદા કર્યો છે તેને તેઓ કાબૂમાં કરી શકશે. તેમનો આ વિચાર ખોટો સાબિત થયો. તેઓ (ઝીણા) બહુ પ્રામાણિક માણસ હતા, પરંતુ તેમણે પોતાની શક્તિનો ખોટો અંદાજ કાઢ્યો. આગામી દિવસોમાં તેમના મૃત્યુના કારણે પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓને લગભગ છુટો દોર મળી ગયો."

પ્રોફેસર બંદોપાધ્યાય આગળ જણાવે છે, "મંડલને તે માહોલમાં સંપૂર્ણ રીતે એકલા પાડી દેવાયા હતા તે માત્ર એક યોગાનુયોગ ન હતો. તેમના માટે જીવન એટલું મુશ્કેલ બનાવી દેવાયું કે તેમણે પાકિસ્તાન છોડીને ભાગવું પડ્યું. તેમને પાકિસ્તાનમાં કોઈ બાબતે દગો થયો હોય તો તે ઝીણાનો પોતાના અધિકારો વિશે ખોટો અંદાજ હતો."

line

મંડલનું પાકિસ્તાન છોડવું ઇતિહાસમાં એક મહત્ત્વનો વળાંક

મંડલ

ઇમેજ સ્રોત, Getty Images

લાહોર યુનિવર્સિટી ઑફ મૅનેજમૅન્ટ સાયન્સીસના એક સંશોધનકર્તા અને ઇતિહાસકાર ડો. અલી ઉસ્માન કાસમી કહે છે કે, "દેશની પ્રથમ બંધારણ સભાના પ્રમુખ તરીકે એક દલિતને નિયુક્ત કરીને કાયદ-એ-આઝમે પાકિસ્તાનના દૃષ્ટિકોણ વિશે બહુ સ્પષ્ટ સંકેત આપી દીધા હતા. તેઓ લઘુમતી નેતાને માત્ર પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ આપવા માંગતા હોત તો તેઓ તેને એક મંત્રાલય આપીને ભરપાઈ કરી શકતા હતા."

અલી ઉસ્માન કાસમી કહે છે, "ઝીણા (લઘુમતીઓ)ના પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ કરતા કંઈક વધારે મહત્ત્વની વાત રજુ કરવા માગતા હતા. તેથી 1949માં "ઉદ્દેશોના સંકલ્પ" (Objectives of Resolution)ની મંજૂરી પછી મંડલ પાકિસ્તાન છોડીને જતા રહ્યા તે ઇતિહાસમાં એક મહત્ત્વનો વળાંક છે. કારણ કે હવે તેઓ જોઈ શકતા હતા કે નવા દેશ (પાકિસ્તાન)નો માર્ગ ઝીણાના "દૃષ્ટિકોણ" કરતા અલગ થઈ ગયો હતો.

જોગિંદરનાથ મંડલને એક દિવસ માટે બંધારણ સભાના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. બીજા દિવસે મહંમદ અલી ઝીણાને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પરંતુ પાકિસ્તાનની પ્રથમ કેબિનેટમાં મંડલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા.

ઝીણા જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી તેમણે તેમની સમક્ષ કોઈ સ્પષ્ટ ફરિયાદ કરી ન હતી. ઝીણાના મૃત્યુ પછી ઘણી એવી ઘટનાઓ બની જેના કારણે જોગિંદરનાથ મંડલને નિરાશા થઈ કે આ દેશમાં લઘુમતીને આપવામાં આવેલા વચનો પૂરા કરવા વાળું હવે કોઈ નથી. તેના બદલે એવા લોકો સરકારમાં આવી ગયા હતા જેઓ બહુ હોશિયારીથી રાજકારણમાં ધર્મ ઘુસાડી રહ્યા હતા.

આ પૃષ્ઠભૂમિમાં "ઉદ્દેશ્યનો સંકલ્પ" પસાર કરવામાં આવ્યો. મિંયા ઇફ્તિયારખાનને બાદ કરતા બંધારણ સભાના તમામ મુસ્લિમ સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે એકને બાદ કરીને તમામ લઘુમતી સભ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

એક લઘુમતી સભ્યે તો ત્યાં સુધી કહ્યું કે કાયદે આઝમ અત્યારે જીવિત હોત તો આવો સંકલ્પ ક્યારેય પસાર થયો ન હોત. વિટંબણા એ છે કે આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરનારા એકમાત્ર લઘુમતી નેતા સ્વયં મંડલ હતા.

ગઝલ આસિફ પોતાના શોધપત્રમાં જણાવે છે કે, "પાકિસ્તાની લઘુમતી પર સંશોધન કરનારા તમામ સંશોધકો એક વાત પર સહમત છે કે "ઉદ્દેશ્યનો સંકલ્પ" (પાકિસ્તાનના ઇતિહાસમાં) એક એવી ક્ષણ હતી જ્યારે પાકિસ્તાનને ઇસ્લામિક રાજ્ય બનાવવા માટે લઘુમતીની તમામ ચિંતાઓને સંપર્ણ રીતે નજરઅંદાજ કરવામાં આવી હતી...ખાસ કરીને દલિતોની પોતાની બંધારણીય હેસિયત મનાવવી, જેઓ કોઈ પણ હાલતમાં આ પ્રસ્તાવોના વિરોધમાં ન હતા."

line

મંડલનું રાજીનામુ અને ભારત પ્રસ્થાન

ઝીણા

ઇમેજ સ્રોત, Getty Images

1950 સુધી મંડલ વડા પ્રધાન લિયાકત અલી ખાનના મંત્રીમંડળમાં રહ્યા. આ દરમિયાન તેમણે પૂર્વ પાકિસ્તાનમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર વિશે વડા પ્રધાનને વારંવાર ફરિયાદ કરી હતી.

ત્યાર પછી ઑક્ટોબર 1950માં તેમણે રાજીનામુ આપી દીધું. તેમાં તેમણે લઘુમતીના ભવિષ્ય અંગે પોતાની નિરાશા વ્યક્ત કરીને તે કારણોનો ઉલ્લેખ કર્યો હતો જેનાથી તેમનો એક અભિપ્રાય બન્યો હતો.

તેમણે પોતાના રાજીનામામાં લખ્યું કે સેના, પોલીસ અને મુસ્લિમ લીગના કાર્યકરોના હાથે બંગાળમાં સેંકડો દલિત કાર્યકરોની હત્યા કરવામાં આવી છે.

મંડલની વારંવાર ફરિયાદોના પગલે વડા પ્રધાન લિયાકત અલી ખાને મંડલ પાસેથી દલિતો પર અત્યાચારની ઘટનાઓની સંપૂર્ણ વિગત માંગી. પરંતુ હવે મોડું થઈ ગયું હતું. મંડલે પોતાના રાજીનામામાં દલિતો (અનુસૂચિત જાતિઓ) પર પોલીસ અને સ્થાનિક મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની ઘટનાઓની વિગતવાર માહિતી આપી હતી.

મંડલે ખુલના અને બારિસાલ (પોતાના મતદારક્ષેત્ર)માં થયેલી હિંસાનો અહેવાલ આપ્યો જે સ્થાનિક દલિત નેતાઓએ તેમને લખીને મોકલ્યો હતો.

તેમણે એક ગામમાં પાકની લણણીની ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એક મુસ્લિમનું મોત નિપજ્યું હતું. તેનો બદલો લેવા માટે સ્થાનિક પોલીસ અને મુસ્લિમ સંગઠન "અંસાર"ની મદદથી નામશુદ્ર દલિતના કેટલાય ગામ લૂંટી લેવાયા હતા.

દલિતો સામે થયેલા ગુનાની પદ્ધતિ બિલકુલ એવી જ હતી જે પદ્ધતિ ભાગલા વખતે હિંસા દરમિયાન જોવા મળી હતી. હવે તેમાં દલિતો વિરુદ્ધ અપરાધની ઘટનાઓ પણ સામેલ હતી. જેમ કે "ધાકધમકીથી ધર્મ પરિવર્તન, મહિલાઓ સાથે દુર્વ્યવહાર, લૂંટફાટ, જબરદસ્તીથી વસૂલી, ગૌહત્યા અને પૂજાસ્થાનોમાં રાખેલી મૂર્તિઓનું અપમાન કરવું."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

ભારતના વિભાજન અંગે મંડલના વિચારો

જોગિંદરનાથ મંડલે પોતાના રાજીનામામાં ભારતના વિભાજન વિશે જણાવ્યું હતું, "મને લાગતું હતું કે મુસ્લિમો પ્રત્યે ઉચ્ચ જાતિના હિંદુઓના વલણના કારણે ભારતનું વિભાજન એ મુસ્લિમોની ફરિયાદોનો એક વાજબી જવાબ હતો. પરંતુ મને ખાતરી હતી કે પાકિસ્તાનના સર્જનથી સાંપ્રદાયિકતાની સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેનાથી ઊલટું, તે માત્ર સાંપ્રદાયિકતા અને નફરતને વધારશે."

"આ ઉપરાંત મારો દૃઢ વિશ્વાસ છે કે (પાકિસ્તાનનું નિર્માણ) મુસ્લિમોની સ્થિતિમાં સુધારો નહીં કરે. વિભાજનનું પરિણામ એ આવશે કે કાયમ માટે નહીં, તો પણ લાંબા સમય સુધી બંને દેશના મહેનતુ લોકો માટે ગરીબી, અજ્ઞાન અને દુ:ખોનો એક લાંબો યુગ રહેશે. મને ભય છે કે પાકિસ્તાન કદાચ દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી પછાત દેશ બની જશે."

પોતાના રાજીનામામાં જોગિંદરનાથ મંડલે લઘુમતી પર થતા અત્યાચારો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, "માત્ર લઘુમતીને જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં એ મુસ્લિમોને પણ અપમાનિત કરવામાં આવે છે જેઓ મુસ્લિમ લીગ અને સરકારના ભ્રષ્ટ બ્યૂરોક્રેટ્સના દાયરાથી બહાર છે."

line

પાકિસ્તાને મંડલને 'દેશદ્રોહી' કહ્યા

પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાન

ઇમેજ સ્રોત, Keystone/Hulton Archive/Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાન, 1947

જોગિંદરનાથ મંડલનું રાજીનામુ નવા પાકિસ્તાની રાષ્ટ્ર માટે એક મોટું રાજકીય સંકટ બની ગયું હતું. ખાસ કરીને જ્યારે મંડલ કોલકાતા ગયા ત્યારે તેમણે પાકિસ્તાન પર વધારે ગંભીર આરોપો મૂક્યા ત્યારે.

ગઝલ આસિફ પાકિસ્તાનના રાષ્ટ્રીય આર્કાઇવ્ઝમાંથી પ્રાપ્ત થયેલા દસ્તાવેજોને ટાંકીને લખે છે કે મંડલના નિવેદનોનો "દગો" ગણાવીને તેમને "જુઠ્ઠાં, ગદ્દાર અને કાયર" કહેવામાં આવ્યા.

તેમના પુત્ર જગદીશ ચંદ્ર મંડલે પ્રોફેસર અનિર્બાન બંદોપાધ્યાયને જણાવ્યું હતું કે તેમના પિતા જ્યારે કરાચીમાં રહેતા હતા ત્યારે પણ તેઓ મંત્રી હતા તે સમયે જ એકદમ એકલા પાડી દેવાયા હતા.

તેઓ જણાવે છે, "તેમણે પાકિસ્તાનમાં ઝીણા પર ભરોસો કર્યો અને દલિતોના ઉજ્જવળ ભવિષ્યની આશામાં ભારતમાં પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યો. પરંતુ ઝીણાના મૃત્યુ પછી તે જ પાકિસ્તાનમાં તેમને રાજકીય રીતે અછૂત બનાવી દેવાયા."

line

ભારતમાં 'રાજકીય અછૂત'

મંડલે જ્યારે રાજીનામુ આપ્યું અને 1950માં પાકિસ્તાન છોડીને ભારતના બંગાળ રાજ્યમાં રહેવા આવી ગયા તો તેમની જ જાતિના લોકો તેમને શંકાની નજરે જોવા લાગ્યા, કારણ કે તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા.

પાકિસ્તાન જતા પહેલા તેઓ ભારતમાં દલિતોના સૌથી મોટા નેતા ડૉ. આંબેડકરના સહયોગી રહ્યા હતા. પરંતુ હવે મંડલનું સમર્થન કરે તેવું કોઈ ન હતું.

મંડલે વિભાજન અગાઉ 1946માં ડૉ. આંબેડકરને પોતાના પ્રભાવ હેઠળના એક મતદારક્ષેત્રમાં ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ (બંધારણ સભા)ના સભ્ય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી છતાં 1950માં તેઓ ભારત પરત આવ્યા ત્યારે તેઓ માત્ર એક અછૂત દલિત ન હતા, પરંતુ "રાજકીય અછૂત" પણ બની ગયા હતા.

line

પૂર્વ મંત્રીનો ઝૂંપડપટ્ટીમાં નિવાસ

1950માં પાકિસ્તાનથી ભારત આવ્યા પછી 1968 સુધી તેમણે પોતાનો મોટા ભાગનો સમય કોલકાતાના એક અત્યંત પછાત વિસ્તારમાં ગાળ્યો હતો. તે તત્કાલિન પ્રસિદ્ધ રવીન્દ્ર સરોવર અથવા ડકારિયા તળાવનો કાદવવાળો વિસ્તાર હતો. પહેલા અહીં દલિતોના ઝૂંપડા હતા. મંડલ આ જ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. હવે અહીંની જમીન સૂકાઈ ગયા બાદ અમીર લોકો માટે કોલોની બની ગઈ છે.

આ વિસ્તારમાં લોકો બહુ ખરાબ સ્થિતિમાં રહેતા હતા. મંડલે પણ અત્યંત ગરીબીમાં દિવસો ગાળ્યા. તેમના ઝૂંપડાની સામે હંમેશા દલિતોની ભીડ જમા રહેતી હતી જેથી તેઓ તેમની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.

તેમાંથી મોટા ભાગના મુદ્દા નોકરીઓ સંબંધિત હતા. પરંતુ જે દલિતોને પૂર્વ પાકિસ્તાનમાં ત્રાસ આપવામાં આવ્યો અને પશ્ચિમ બંગાળમાં પલાયન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, તેમના પુનર્વાસ અંગે ગંભીર સમસ્યાઓ હતી. આ લોકો લૂંટાયેલી હાલતમાં કોલકાતા પહોંચ્યા હતા. ભારત સરકારે પાકિસ્તાની પંજાબથી આવેલા શરણાર્થીઓને જે સુવિધા આપી હતી તેવી સુવિધા આ શરણાર્થીઓને આપી ન હતી.

line

'જોગન અલી મુલ્લા'

મંડલ એક વિખ્યાત વ્યક્તિ તો હતા, પરંતુ હવે તેમની પાસે લોકોની સમસ્યા દૂર કરવા માટે કોઈ સંસાધન ન હતા. આ ઉપરાંત તેમનો કોઈ રાજકીય પ્રભાવ પણ રહ્યો ન હતો.

પાકિસ્તાન સાથે તેમના જૂના સંબંધોના કારણે ઉચ્ચ જાતિના હિંદુઓએ તેમને વિભાજન અને તેમની હાલની સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા. ઉચ્ચ જાતિના હિંદુઓ તેમની મજાક ઉડાવતા અને તેમને જોગિંદરનાથ મંડલની જગ્યાએ "જોગન અલી મુલ્લા" તરીકે બોલાવતા હતા.

પ્રોફેસર બંદોપાધ્યાયનું કહેવું છે કે તમામ મુખ્ય રાજકીય દળોએ બહુ સાવધાનીપૂર્વક તેમનાથી અંતર જાળવી રાખ્યું હતું.

"એટલે સુધી કે જ્યારે તેઓ (પોતાની હેસિયત યાદ રાખીને અને પોતાની જાતિના લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગણી કરીને) બંગાળના મુખ્ય મંત્રી અથવા ભારતના વડા પ્રધાન કે અન્ય અધિકારીઓને પત્ર લખતા હતા, તો અધિકારીઓ ક્યારેક ક્યારેક તેમને મુલાકાતની તક આપતા હતા. પરંતુ તેમની ફરિયાદોનો ભાગ્યે જ ઉકેલ લાવવામાં આવ્યો. જોકે, તેમણે ક્યારેય હાર ન માની અને તે સમયે તેમનામાં નવયુવાનો જેવી હિંમત હતી. "

line

ચૂંટણીની રાજનીતિ

મંડલ

ઇમેજ સ્રોત, AFP

પ્રોફેસર બંદોપાધ્યાય અનુસાર 1950માં તેઓ 46 વર્ષના અને મૃત્યુ સમયે 64 વર્ષના હતા. તેઓ ક્યાંકથી અમુક સંસાધન એકત્ર કરીને ચૂંટણી લડતા રહ્યા.

તેઓ ચાર વખત ચૂંટણી લડ્યા પરંતુ ચારેય વખતે તેમની ડિપૉઝિટ જપ્ત થઈ. તેમણે એક નાનકડું અખબાર અથવા પત્રિકા પ્રકાશિત કરવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ બહુ નાનો વાચકવર્ગ હોવાના કારણે તેમાં પણ સફળતા ન મળી. તેમના પોતાના ઘણા સાથીદારો અને અનુયાયીઓ તેમનું આંદોલન છોડીને દેશના મુખ્ય પક્ષોમાં જોડાઈ ગયા હતા.

બંદોપાધ્યાય જણાવે છે, "હવે તેમની પાસે સહાયતા માટે કંઇ બચ્યું ન હતું. ઉદાહરણ તરીકે તેમના અનુયાયીઓ પૈકી એક અબુરમલ મજૂમદાર એક વિપક્ષી પાર્ટીની ટિકિટથી ચૂંટણી લડ્યા અને તેમણે મંડલને આસાનીથી હરાવી દીધા. તેમણે દલિત પાર્ટી મહેશિયા સમાજની સાથે ગઠબંધન કરવાની કોશિશ કરી, પરંતુ 1950 પછી બંગાળમાં નીચલા વર્ગના અધિકારોની રાજનીતિની અપીલ એકદમ નબળી પડી ગઈ હતી. અથવા એમ કહી શકાય કે સાવ ખતમ થઈ ગઈ હતી."

line

મંડલ 'દરેક બુરાઈ માટે જવાબદાર'

જ્યારે કોઇની વિરુદ્ધ પવન ફૂંકાતો હોય ત્યારે લોકો તેમાંથી સારપ છીનવી લે છે અને તેમાં એ બુરાઈઓ પણ નાખી દે છે જે તેમની નથી હોતી. હવે સામાન્ય લોકો પણ 1943ના બંગાળના દુષ્કાળ માટે મંડલને દોષી ગણાવતા હતા કારણ કે તેઓ ખ્વાજા નાઝિમુદ્દીનની તત્કાલિન સરકારમાં નાગરિક પૂરવઠા મંત્રી હતા (જોકે, કેટલાક સંશોધનકર્તા હવે ભૂખમરા માટે ચર્ચિલને દોષી ગણાવે છે.)

ત્યાર પછી તેમને 1946ના હિંદુ-મુસ્લિમ રમખાણો માટે જવાબદાર ગણાવવામાં આવ્યા. (જે ઝીણાના ડાયરેક્ટ એક્શનના એલાન પછી શરૂ થયા હતા.) તેમાં પાંચથી દસ હજાર લોકો માર્યા ગયા હતા. તેમના પોતાના સમર્થકોએ રાજકીય મશીનરીથી પુનર્વાસ, નોકરીઓ અને બીજા લાભ લેવા માટે મુખ્ય રાજકીય પક્ષોમાં જવાનું શરૂ કરી દીધું હતું.

જોકે, બધા ઇતિહાસકારો એ વાતમાં સહમત છે કે મંડલે ક્યારેય હાર માની ન હતી. તેઓ એક મહેનતુ વ્યક્તિ હતા જેમણે રાજકારણમાં પોતાના સ્થાન માટે લડાઈ ચાલુ રાખી અને નીચલા વર્ગના અધિકારો માટે હંમેશા અવાજ બની રહ્યા. સંઘર્ષની આ યાત્રા દરમિયાન તેમનું મૃત્યુ થયું.

line

'રહસ્યમય મોત કે હત્યા'

એમહર્સ્ટ કૉલેજમાં સાઉથ એશિયન સ્ટડીઝના પ્રોફેસર દ્વાપાયન સેન પોતાના પુસ્તક "ધ ડિક્લાઇન ઑફ ધ કાસ્ટ ક્વેશ્નનઃ જોગિંદરનાથ મંડલ ઍન્ડ ડિફિટ ઓફ દલિત પોલિટિક્સ ઇન બંગાલ"માં ઇશારો કરે છે કે ભારત પરત આવ્યા પછી પણ તેમની રાજનીતિ ઉચ્ચ જાતિના હિંદુઓના વર્ચસ્વ માટે જોખમી હતી. પછી તે કૉંગ્રેસ, હિંદુ મહાસભા હોય કે પછી કોમ્યુનિસ્ટ પાર્ટીના બ્રાહ્મણો હોય. અમેરિકામાં ટફ્ટસ યુનિવર્સિટીમાં ઇતિહાસકાર ડૉ. આયશા જલાલ જણાવે છે કે, "મંડલે પાકિસ્તાન છોડ્યું અને ભારત ગયા તેનું કારણ ધાર્મિક કટ્ટરતા હતી જેના કારણે તેઓ મુસ્લિમ લીગના નેતાઓ માટે અસ્વીકાર્ય બની ગયા હતા. તેમણે નવા રાષ્ટ્ર પ્રત્યે તેમની નિષ્ઠા અંગે માત્ર એટલા કારણસર સવાલ ઉઠાવ્યા કારણ કે તેઓ એક નીચલા વર્ગના હિંદુ હતા."

મંડલે લિયાકત અલી ખાનને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પાકિસ્તાન છોડવા અને ભારત પરત જવાનું કારણ જણાવ્યું હતું. પરંતુ કમનસીબે તેમને ભારતમાં પણ સ્વીકારવામાં ન આવ્યા.

ડૉ. સેન કહે છે, "સ્વતંત્રતા પછી જાતિ આધારિત જન આંદોલન હવે ભારતીય નેતાઓ માટે સ્વીકાર્ય ન હતા."

તેથી પ્રોફેસર સેન કહે છે, "સમસ્યા એ છે કે મંડલ જેવું કદ અને વિચારધારા રાખતા રાજકારણી પોતાના જૂના કારનામાનો ઉપયોગ કર્યા પછી પણ શા માટે કોઈ ચૂંટાયેલી સંસ્થાના સભ્ય ન બની શક્યા, જ્યારે તેઓ બંગાળના દલિતો (નામાશુદ્રો)માં ઘણા લોકપ્રિય હતા."

આઝાદી અને ભારતના વિભાજન અગાઉની પોતાની શાનદાર રાજકીય કારકિર્દી છતાં મંડલ પોતાના જીવનના અંતિમ દિવસોમાં રાજનીતિમાં અછૂત બનીને રહી ગયા તે શું સાબિત કરે છે?

તેઓ વિભાજન પહેલા બે વખત બંગાળના મંત્રી રહ્યા હતા, ડૉ. આંબેડકરને 1946માં ભારતની વચગાળાની સરકારમાં કાઉન્સિલની ચૂંટણીમાં જીતાડ્યા, ભારતની વચગાળાની સરકારમાં પણ સ્વયં મંત્રી રહ્યા, પાકિસ્તાનની બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ બન્યા. આમ છતાં તેઓ ભારત પરત આવી રાજકીય અછૂત જ બની રહ્યા.

જોગિંદરનાથ મંડલે કૉંગ્રેસ સાથે સંબંધ સુધારીને 1952માં અને ત્યાર પછી 1957માં ઉત્તર કોલકાતામાં ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે નિષ્ફળ રહ્યા. તે સમયે તે બહુ પછાત વિસ્તાર હતો અને દલિતો માટે અનામત લોકસભા વિસ્તાર હતો.

જોગિંદરનાથ મંડલની રાજકીય પાર્ટી વિશે સંશોધન કરનાર પુરકાયસ્થ બિસ્વાસનો હવાલો આપીને પ્રોફેસર સેન લખે છે, "આજે પણ તેઓ (ઉચ્ચ જાતિના હિંદુ) તેમને (દલિતોને) પોતાની પ્રજા માને છે. ઉચ્ચ જાતિના શાસક વર્ગમાંથી કોઈ એવું નથી ઇચ્છતા કે તેમનામાં (દલિતોમાં) પોતાનો કોઈ નેતા ઉભરે. તેમને દલિતોમાં તેમનો કોઈ નેતા દેવતા બની જાય તે વાતનો ડર છે."

ભારતમાં મંડલના વિરોધીઓએ પણ તેમના પર પ્રતિક્રિયાવાદી હોવાનો આરોપ મૂક્યો હતો. કારણ કે તેમના વિરોધીઓએ જણાવ્યા પ્રમાણે તેમણે સમગ્ર સમાજમાં ન્યાય સ્થાપિત કરવાના બદલે માત્ર દલિતોના કલ્યાણની વાત કરી હતી.

મંડલે વ્યંગાત્મક રીતે કહ્યું હતું કે, જ્યારે ગાંધીજી દલિતો માટે કામ કરતા હતા ત્યારે તેમને મહાત્મા કહેવામાં આવ્યા. પરંતુ જ્યારે કોઈ દલિતે બીજા દલિતોના કલ્યાણ માટે કામ કર્યું ત્યારે તેમને પ્રતિક્રિયાવાદી કહેવામાં આવ્યા.

પ્રોફેસર સેને પોતાના પુસ્તકમાં ભારત પરત આવ્યા પછી મંડલના 18 વર્ષના રાજકીય સંઘર્ષના ઇતિહાસને યાદ કરીને જણાવ્યું છે કે તેમને અનેક વખત ફટકો પડ્યો હતો. પરંતુ જ્યારે 1968ની ચૂંટણીમાં તેમની સફળતાની શક્યતા એકદમ સ્પષ્ટ દેખાવા લાગી ત્યારે તેમનું નિધન થયું. તે સમયે તત્કાલીન સંયુક્ત મોરચા સરકારમાં મુખ્ય મંત્રી તરીકે કૉંગ્રેસના અજય મુખરજી હતા.

જોગિંદરનાથ મંડલનું મૃત્યુ 1968માં થયું હતું. તેઓ એક નાવમાં બેસીને નદી પાર કરતા હતા ત્યારે તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો. જોકે, તે સમયે નાવિક સિવાય બીજા કોઈ સાક્ષી ન હતા. તેમનું પોસ્ટમૉર્ટમ પણ કરવામાં આવ્યું ન હતું. આ વાત તેમના પુત્ર જગદીશ ચંદ્ર મંડલે પોતાના પુસ્તકમાં લખી છે. તેમના પુત્રે ઘણા વર્ષો પછી પોતાના પિતાના લેખનના સાત ખંડ પ્રકાશિત કર્યા હતા.

પ્રોફેસર અનિર્બાન બંદોપાધ્યાય જણાવે છે કે બપોરના પ્રવાસે જતા પહેલાં તેમણે ભોજન લીધું અને તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા. તેઓ સાંજે એક રાજકીય રેલીમાં ભાગ લેવા માટે જવાના હતા, પરંતુ તેમના પુત્રે કહ્યું કે તેઓ ત્યાં ન જાય. મંડલને જણાવાયું કે તેઓ ગેરહાજર રહેશે તો સમસ્યા પેદા થશે. જોકે, મંડલના મૃત્યુનું ખરું કારણ જાણી શકાયું નથી અને હવે ક્યારેય જાણી પણ નહીં શકાય.

પરંતુ બીજી તરફ પ્રોફેસર સેને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમનું મૃત્યુ કઇ રીતે થયું તે ચોક્કસ રીતે નક્કી નથી કરી શકાતું. પરંતુ જોગિંદરનાથ મંડલના પુત્ર જગદીશનું કહેવું છે કે તેમના પિતાના શરીરની સ્થિતિ એવી હતી જેના પરથી લાગતું હતું કે તેમનું મૃત્યુ કુદરતી ન હતું.

તેથી તે સમયની રાજકીય સ્થિતિ અને મૃત શરીરની સ્થિતિ અંગેના નિવેદનોને ધ્યાનમાં રાખીને પ્રોફેસર સેન તેને "રહસ્યમય મોત" ગણાવે છે. તેઓ શંકા વ્યક્ત કરે છે કે "તેમને ઝેર અપાયું હતું."

તેમણે લખ્યું છે, "તેઓ રહસ્યમય સ્થિતિમાં મૃત્યુ પામ્યા, તેના પરથી શંકા પેદા થાય છે કે તેમને મારી નાખવામાં આવ્યા હતા."

line

મોત જેવું જીવન

પ્રોફેસર સેનનું કહેવું છે કે તમામ બાબતોને એક કરીને જોવામાં આવે તો એવું લાગે છે કે મંડલે ક્યારેય એવું નથી માન્યું કે પશ્ચિમ બંગાળમાં દલિત રાજનીતિ અસંભવ છે. તેમણે એ અજ્ઞાત અવરોધોને પણ બહુ મજબૂત નહોતા માન્યા જે હંમેશા તેમના પગમાં બેડી સમાન હતા.

જોકે, મંડલની નજીક રહેલા એક વકીલે એ દાવો જરૂર કર્યો છે કે તેમણે મંડલને ઢળતી વયે એમ કહેતા સાંભળ્યા હતા કે "મને સમજાઈ ગયું છે કે મોત કરતા બદતર જિંદગી કેવી હોય છે."

મંડલે પાકિસ્તાનથી આવીને કેટલી મોટી ભૂલ કરી? અથવા તે ભૂલ હતી કે નહીં? એ નક્કી કરવાનું હજુ બાકી છે.

પ્રોફેસર સેન અનુસાર તેમના મૃત્યુ સાથે જ બંગાળમાં દલિત રાજનીતિની હાર થઈ હતી. પરંતુ 21મી સદીમાં કટ્ટરવાદી હિંદુઓ ફરી એક વખત લઘુમતી માટે જ નહીં પરંતુ દલિતો માટે પણ જીવન મુશ્કેલ બનાવી રહ્યા છે. લાગે છે કે ભારતમાં એક નવા જોગિંદરનાથ મંડલની જરૂરિયાત પેદા થઈ રહી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો