વહાણવટા ક્ષેત્રે ચક્રવર્તી ગુજરાતી મહિલા સુમતિ મોરારજી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતની પ્રજા વ્યાપારવણજમાં તો સાહસિક છે જ પણ સાગરખેડુ તરીકે પણ તેણે આગવી નામના મેળવી છે. પોતાના વિશિષ્ટ ગુણો, સુલેહ અને સમાધાન, સહકાર અને સહિષ્ણુતાને કારણે ગુજરાતી પ્રજા દુનિયામાં વ્યાપાર કરવા માટે સફળ રહી છે.

વાસકો-દ-ગામા એ ભારતની શોધ નહોતી કરી તે પૂર્વે પણ ગુજરાતમાંથી વહાણો દરિયાપારના પૂર્વ આફ્રિકા, આરબ દેશોમાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યાં હતાં. આવી સાહસિક પ્રજામાં દરિયાખેડુ તરીકે પુરુષોનું વર્ચસ્વ રહ્યું હતું જેમાં કાનજી માલમ હોય કે રામસી માલમ હોય, વહાણના નાખુદા અથવા કૅપ્ટન તરીકે પુરુષો જ હોય.

આવી સુવાંગ મૉનોપૉલી તોડી કચ્છની એક બહાદુર દીકરીએ, જેનું નામ કબી કસ્ટા હતું. ભારતનાં આ પ્રથમ વહાણવટી મહિલા કબી કસ્ટા નાખુદાં બન્યાં તેની પાછળ પણ કારણ હતું. પતિ મીઠુ કસ્ટાને એ જમાનાનો રાજરોગ ક્ષય (ટીબી) લાગુ પડતાં તેમણે કબીને પ્રોત્સાહિત કર્યાં.

કબી પિતા ભોલુ માલમ પાસેથી માલમી વિદ્યા શીખી પૂર્વ-પશ્ચિમનાં બંદરો, આફ્રિકાનાં વિવિધ બંદરો સુધી વહાણ લઈ જતાં. આમ કબી કસ્ટા તે વખતે દેશનાં પ્રથમ નાખુદા અથવા કૅપ્ટન બન્યાં.

ત્યારબાદ લાંબા સમયને અંતે ભારતના વહાણવટાઉદ્યોગમાં કૅપ્ટન તરીકે નહીં પરંતુ વહાણોના પરિવહન અને વહાણો બનાવવાના વ્યવસાયની દોર સાંભળનારાં સુમતિ હતાં. આમ ભારતમાં વહાણવટાના ઇતિહાસમાં કબી કસ્ટા અને સુમતિનું નામ અમર થઈ ગયું.

line
સુમતિ મોરારજી

ઇમેજ સ્રોત, Ranmal Sindhav

દેશના વહાણવટાઉદ્યોગમાં પ્રથમ ભારતીય નારી તરીકે નામના પ્રાપ્ત કરનારા સુમતિ મોરારજીનો જન્મ 13 માર્ચ 1909ના રોજ કચ્છના મુંબઈ આવીને સ્થિર થયેલા કચ્છી ભાટિયા શેઠ મથુરદાસ ગોકુલદાસને ત્યાં થયો હતો.

તેઓ વ્યાપારી અને શૅરબજારના બેતાજ બાદશાહ કહેવાતા. તેમનો વ્યવસાય મુખ્યત્વે કપાસ, કાપડ અને હીરડાનો વ્યાપાર હતો અને તેઓ છેક પૂર્વ આફ્રિકા સુધી વ્યાપાર કરતા.

તેમને શૅરબજાર અને રેસકોર્સમાં રસ હોવાથી મુંબઈના અન્ય અગ્રણી પૈસાદાર કુટુંબો, હિસ હાઈનેસ આગાખાન અને વિદેશીઓ જોડે સારા સંબંધો હતા.

શેઠ મથુરદાસ ગોકુલદાસને સાત સંતાનો હતા તેમાં છ પુત્રો અને છેલ્લે લાડકવાઈ બહેન જમુના(સુમતિ બહેન). જમુનાએ કોઈ શાળા કે કૉલેજમાં શિક્ષણ મેળવ્યું ન હતું પરંતુ તેમના પિતાએ એક પારસી શિક્ષક રાખીને તેમને અંગ્રેજી શિખવાડ્યું હતું અને તેમણે શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ અપાવી હતી.

આ ઉપરાંત તેઓ પાંચ ભાષાઓ જાણતાં અને ઘોડેસવારી અને સ્વિમિંગ પણ શીખ્યા હતા.

તેઓ નાનપણથી લગભગ 10-12 વરસની ઉંમરે પોતાના પિતા અને ભાઈઓ વચ્ચે ધંધાની ચર્ચાઓ સાંભળતાં અને કોઈકવાર ચર્ચામાં ભાગ પણ લેતાં.

તેમના પિતાએ જમના (સુમતિબેન)ની ધગશ અને બુદ્ધિચાતુર્ય જોઈ તેમને ધંધાની દરેક વાતથી વાકેફ કરવાનું વલણ અપનાવ્યું.

આમ જમુના ધીરેધીરે વ્યાપાર કરવા ઘડાતાં ગયાં અને તેમની આ ક્ષેત્રમાં આગળ વધવાની મહત્વકાંક્ષાએ જમનાનો આત્મવિશ્વાસ વધાર્યો.

જમુના 13 વરસનાં થયાં એટલે તેમનાં માતા પ્રેમાબાઈના આગ્રહને વશ થઈ તેના પિતાએ તેમનું લગ્ન મુંબઈના ઉદ્યોગપતિ અને શિપિંગ અને ટૅક્સ્ટાઈલઉદ્યોગના અગ્રણી એવા શેઠ નરોત્તમ મોરારજી કુટુંબમાં તેમના પુત્ર શાંતિકુમાર સાથે કર્યાં.

એ જમાનામાં તેમનાં લગ્ન એટલી જાહોજલાલીથી થયાં હતાં કે કેટલાય દિવસો સુધી મુંબઈમાં લગ્નની ઉજવણીની ચર્ચાઓ ચાલી હતી.

જમુનાનું લગ્ન થતાં સસરા પક્ષે તેમનું નામ સુમતિ રાખવામાં આવ્યું. તેમના વર્તન અને વ્યવહારથી તેઓ પોતાના પિતા જેટલો જ પ્રેમ તેમના સસરા નરોત્તમ મોરારજી પાસે પામ્યાં હતાં.

નરોત્તમ મો રારજીના અવસાન પછી સુમતિ સામાજિક વ્યવહાર તેમનાં વડસાસુ ઘનીમા પાસેથી શીખ્યાં.

પોતાના પિતાના ઘરે જે રીતે તેમનું ઘડતર થયું હતું અને વ્યાપાર તેમજ સામાજિક પ્રવૃતિઓમાં તેઓ આગળ રહ્યાં હતાં તેજ રીતે લગ્ન પછી તેઓ સસરાના ઘરે પણ આ બધી બાબતોમાં એટલો જ રસ લેતાં.

એ જમાનામાં રાજાઓ, ઉદ્યોગપતિઓથી માંડી અંગ્રેજ અધિકારીઓની આગતાસ્વાગતા કરતાં.

તેઓ અંગ્રેજી, મરાઠી, હિંદી જેવી ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતાં તેથી તેમને વાતચીતમાં કોઈ મુશ્કેલી પડતી નહીં. તેમના પિતા પાસે મેળવેલી કેળવણી અને સમજદારીને કારણે વિકસેલી હિંમતને કારણે સુમતિએ 'સિંહનું બાળ સિંહ જ હોય' તે સિદ્ધ કર્યું.

line
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પિતાની જેમ તેમના સસરાએ પણ પુત્રવધુનું હીર પારખી તેમને વ્યવસાયમાં પળોટવા માંડ્યાં. એ જમાનામાં ગર્ભશ્રીમંત પરિવારની મહિલા ભાગ્યે જ બહાર નીકળતી હતી. એ સમયે સુમતિ બોર્ડની બેઠકમાં હોય કે મજૂરસંઘના મેળાવડા હોય, અવશ્ય હાજર રહી પોતાની ફરજો બજાવતાં. ધીરેધીરે સુમતિ પોતાના પતિ સાથે રહી સોલાપુરની કાપડ મિલમાં તેમજ વહાણવટાઉદ્યોગમાં પણ રસ લેતાં થયાં.

ઈ.સ.1923માં જ્યારે સુમતિ માત્ર 20 વર્ષનાં હતાં ત્યારે શેઠ નરોત્તમે તેમને 'સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડ' કંપનીની મૅનેજિંગ કમિટીનાં સભ્ય તરીકે સામેલ કર્યાં હતાં. નરોત્તમ મોરારજીએ 1919માં સિંધિયા શિપિંગ કંપની સ્થાપી અને પ્રથમ વહાણ 'લોયલ્ટી' દ્વારા યુકેની પ્રથમ સફર ખેડી હતી તેમાં વિદેશીઓ પણ હતા.

1925માં વડોદરા મહારાજાના સહકારથી ઓખા બંદરેથી માલપરિવહનઅર્થે 'જળજ્યોતિ' વહાણને કાર્યરત કર્યું હતું. આમ નાનાં બંદરોના વિકાસનું કામ પણ શેઠ નરોત્તમ મોરારજીએ શરૂ કર્યું હતું.

ત્રીજું વહાણ 'જલબાલા'નું જુલાઈ 1927માં ઉદ્ઘાટન વિઠ્ઠલભાઈ પટેલના હાથે થયું હતું જે સમયે જામનગરના જામ રણજીતસિંહ, વી.ટી. કૃષ્ણામાચારી, ડૉ. વિશ્વેસરૈયા વિગેરે હાજર હતા. ચોથા વહાણ 'જલદૂત'નું ઉદ્ઘાટન નવેમ્બર 1927માં મોતીલાલ નહેરુના હાથે થયું હતું.

5, નવેમ્બર 1929ના રોજ સોલાપુરથી મુંબઈ પરત આવી રહેલાં સુમતિના સસરા નરોત્તમ મોરારજીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું.

આવી અણધારી આફત આવતાં સોલાપુર અને મુંબઈની મિલો અને સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડની જવાબદારી તેમના પતિ શાંતિકુમાર અને સુમતિ પર આવી પડી. પરંતુ પિતા અને સસરા પાસેથી મેળવેલ નીડરતા અને ધૈર્યની શિક્ષાએ તેમને સફળતાપૂર્વક જવાબદારીઓ નિભાવવાની શક્તિ આપી.

1936માં મૂંબઈમાં જ્યારે 'સિંધિયા હાઉસ'નો પાયો નંખાયો ત્યારે સરદાર પટેલે તેનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે "સિંધિયા કંપનીનો ઇતિહાસ ભવ્ય છે. આ ઇમારતની એક-એક ઈંટ અને પથ્થર ઉપર ભારતીય વહાણવટાનો ઇતિહાસ લખાશે."

સુમતિની દીર્ઘદ્રષ્ટિને કારણે શિપિંગ ઉદ્યોગ માટે જરૂરી પ્રશિક્ષક મળી રહે તે માટે તેમણે 1948માં નૌકાવિષયક ઈજનેરી કૉલેજ છાત્રાલય સાથે શરૂ કરી અને રડાર નિરીક્ષણનો અભ્યાસક્રમ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

તેમણે તાલીમજહાજ "ડફરિન"ની શરૂઆત સ્વતંત્રતા પહેલાં કરી હતી. આ જહાજ થકી શરૂઆતમાં 50 કૅડેટને તાલીમ આપવામાં આવતી પરંતુ સમય જતાં આ સંખ્યા 80ની કરવામાં આવી.

આમ સિંધિયા કંપની માત્ર જહાજો થકી માલસામાનનું પરિવહન કરતી હતી એવું નહોતું પરંતુ તે નાવિકો તૈયાર કરવા માટે તાલીમ પણ આપતી હતી.

સુમતિ મોરારજીના અધ્યક્ષપણા હેઠળ 1949માં ડિરેક્ટોરેટ ઑફ મરીન ઍન્જિનિયરિંગ ટ્રેનિંગની કોલકત્તામાં મુખ્ય કચેરી સ્થાપવામાં આવી જેની એક શાખા મુંબઈમાં છે.

સુમતિ માત્ર ઘર કે વ્યવસાયમાં જ આગળ હતાં તેવું નથી, તેઓએ દેશમાં ચાલી રહેલા આઝાદી માટેના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. સુમતિ આ માટે સતત ગાંધીજીના સંપર્કમાં રહેતાં. તેમની મુલાકાત અંગે વર્તમાનપત્રો નોંધ લેતાં.

1942થી 1946 સુધી સ્વતંત્રતાચળવળમાં કેટલાક સ્વાતંત્ર્યસેનાનીઓ જેવા કે જયપ્રકાશજી, અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલીને ભૂગર્ભમાં રાખી સ્વતંત્રતાઆંદોલન ચલાવવા માટે તેમણે મદદ કરી હતી.

આઝાદીની ચળવળમાં ભાગ લેતાં કંપનીને નુકશાન ન થાય તે માટે તેમણે 1942માં 'સિંધિયા કંપની'ના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું.

22મી ફેબ્રુઆરીએ કસ્તુરબાનો દેહાંત થતાં તેમના અંતિમદર્શન કરવા માટે બાપુ પાસે રજા માગી. શેઠ વાલચંદ હિરચંદ 1947 સુધી સિંધિયા કંપનીના પ્રમુખ હતા પરંતુ તેમની તબિયત નબળી રહેતાં 1946માં સિંધિયા કંપનીની જવાબદારી સુમતિએ સંભાળી લીધી. ગાંધી બાપુએ તેમને આત્મબળ પૂરું પાડ્યું. 1944માં બાપુ જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે સુમતિ મોરારજીના જુહુ ખાતેના 'પામ-બન'માં રહ્યા હતા.

line
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

સુમતિએ પોતાના પૂર્વ અનુભવને પગલે સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડ કંપનીનો જબરજસ્ત વિકાસ કર્યો. શરૂઆતમાં અમુક જહાજો હતાં અને કંપનીમાં કર્મચારીઓ પણ થોડા હતા. સુમતિ વહીવટ સંભાળતાં થયાં ત્યારથી કંપનીનો વિકાસ સારો થયો અને તેમના હાથ નીચે 6000 જેટલા લોકો રોજગારી મેળવતા થયા. અને તેમના નેતૃત્વ હેઠળ 43 જહાજો પાંચ લાખ બાવન હજાર ટન માલનું પરિવહન કરતાં.

21 જૂન 1941માં વિશાખાપટ્ટનમ ખાતે ડૉ. રાજેન્દ્રપ્રસાદના હાથે સિંધિયા તરફથી વહાણ બાંધવાના ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે મહાત્મા ગાંધી, સરોજિની નાયડુની આશિષ સુમતિ મોરારજીએ મેળવી હતી.

જોકે, બીજું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું અને જાપાને વિશાખાપટ્ટમ પર આક્રમણ કરતા તેમને ભારે નુકશાન થયું.

બીજા વિશ્વ યુદ્ધ પછી સિંધિયાએ નાનાં પાયે વિશાખાપટ્ટમમાં જહાજો બનાવવાની મંજૂરી મળી ત્યારે પહેલું 8000 ટનનું જહાજ "જળઊષા" 1948માં બાંધ્યું, જે સંપૂર્ણ સ્વદેશી હતું અને 14 માર્ચ 1948ના દિવસે ઉદ્ઘાટન માટે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને આમંત્રણ આપ્યું હતું.

આ પ્રસંગનું વર્ણન કરતાં સુમતિબેન એમની સ્મરણોની કિતાબનાં પાનાં ફેરવતાં આ રીતે કરે છે. "પંડિતજી ઉદ્ઘાટન પ્રસંગે સમય કરતાં વહેલા પધાર્યા હતા. એમના માણસોની શરતચૂકને કારણે લોકોનાં ટોળાં આજુબાજુનાં ગામોમાંથી જહાજ અને નહેરુજીને જોવા ઊમટી પડ્યાં."

સિંધિયા કંપનીએ "જળઊષા", "જળપ્રભા" તેમજ 1950માં ગ્લાસગોમાં વિશાળ "જળરાજેન્દ્ર" વહાણ તરતાં મૂક્યાં.

સિંધિયા સ્ટિમ ઍન્ડ નૅવિગેશ કંપનીની વિશ્વના 28 દેશોમાં ઑફિસો હતી અને વિશ્વના 80થી વધુ દેશો સાથે તેમનો વ્યાપાર ચાલતો.

આમ વિશ્વ આખામાં કુલ 12000થી વધુ લોકો તેમની સાથે કામ કરતા. સુમતિની કામગીરી જોઈને 1965માં તેઓ ઇન્ડિયન નેશનલ સ્ટીમશિપ ઑનર્સ ઍસોશિયેશનના (પછીથી નામ બદલી 'ઇન્ડિયન નેશનલ શિપ ઑનર્સ ઍસોશિએશન' કરવામાં આવ્યું)નાં પ્રમુખ તરીકે ચૂંટાયાં.

1970માં વર્લ્ડ શિપિંગ ફેડરેશન, લંડનના ઉપપ્રમુખ તરીકે ચુંટાયાં હતાં. તેઓ નરોત્તમ મોરારજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ શિપિંગનાં પ્રમુખ હતા.

વહાણવટાના ક્ષેત્રે જોડાયેલાં સુમતિ પ્રથમ ભારતીય સન્નારી હતાં.

1950ની શિપિંગ માટેની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં તેઓ હાજર હતાં ત્યારે આ કૉન્ફરન્સમાં તેમની હાજરીથી કેટલાક સભ્યો ક્ષોભ પામતા.

પરંતુ સુમતિને તેનાથી કોઈ જ ફરક પડતો ન હતો. તેમનો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ આ બધું પચાવી જાય તેવું હતું. ચુસ્ત પુષ્ટિ માર્ગીય હોવાથી વિદેશ જાય તો દારૂ અને માંસાહારથી દૂર રહેવા છતાં પણ તેમના મિલનસાર સ્વભાવને કારણે તેઓ વિદેશીઓ સાથે સુમેળભર્યા સંબધો જાળવી રાખતાં.

વર્ષ 1979થી વર્ષ 1987 સુધી સુમતિ કંપનીનાં પ્રમુખ રહ્યાં. ફડચામાં ગયેલી 'સિંધિયા સ્ટીમ નૅવીગેશન કંપની'ને જ્યારે સરકારે પોતાના હસ્તક લીધી ત્યાર બાદ પણ સુમતિબે મોરારજી ઈ.સ. 1992 સુધી કંપનીનાં માનદ્ પ્રમુખ બન્યાં રહ્યાં.

તેમને ઈ.સ. 1971માં નાગરીક સેવાઓ માટે દેશનું દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન "પદ્મવિભૂષણ" એનાયત કરવામાં આવ્યું હતું.

સુમતિ સમાજજીવનમાં એટલાં જ ઓતપ્રોત રહેતાં. તેમણે જૂહુ ખાતે સુમતિ વિદ્યાકેન્દ્ર નામની શાળાની સ્થાપના કરી. આ ઉપરાંત તેઓ ઈસ્કોન-ISKCON સાથે જોડાયેલ હતાં.

ભારતના ભાગલા થયા તે સમયે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરતા હિન્દુઓને ભારત લાવવામાં તેઓનો ફાળો ઘણો મોટો હતો.

ભારતના સાંસ્કૃતિક વારસાને ફેલાવવામાં મદદ કરવામાં પણ તેમનું નામ અગ્રેસર રહ્યું. આવા વિદુષી, ઉદ્યોગસાહસિક, દક્ષ વ્યવસ્થાપક અને સમાજસેવીનું 27 જૂન 1998ના દિવસે હૃદયરોગના હુમલાથી 91 વર્ષની વયે અવસાન થયું.

સંદર્ભ :

૧. સપનાનાં સોદાગર, લેખક : ઉષા ભાલ મલજી, પ્રકાશક : ગુજરાત વિશ્વ કોષ ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ 2013 પાન : 66 થી 77

૨. ૫૧ જીવનઝરમર લેખક : જીતેન્દ્ર પટેલ,પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન બીજી આવૃત્તિ : 2018

૩. "SHIPPING BOSS TO OPEN NEW SERVICE". The Straits Times. 22 નવેમ્બર 1971. p. 8. Retrieved 21 જૂન 2012.

૪. "Sumati Morarjee, mother of Indian shipping, dies at 91". 29 જૂન 1998. Retrieved 21 જૂન 2012.

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

લાઇન

સંદર્ભ :

૧. ૫૧ જીવન ઝરમર લેખક : જીતેન્દ્ર પટેલ,પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, બીજી આવૃત્તિ : ૨૦૧૮

૨. સપનાનાં સોદાગર, લેખક : ઉષા ભાલ મલજી, પ્રકાશક : ગુજરાત વિશ્વ કોષ ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ 2013 પાન :25-26

૩. Digital Book: History of the Parsis - Including their manners, customs, religion and present position Author : Dosabhai Framjee Karaka, Published by Macmillan & Co., London - 1884. Volumes I & II

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો