ભીમરાવ બાબા સાહેબ આંબેડકર શા માટે ગાંધીજીને મહાત્મા નહોતા માનતા?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ડૉ. આંબેડકરે 1955માં બીબીસીને આપેલો ઇન્ટરવ્યૂ અને તેમાં ગાંધીજી વિશેના તેમના અભિપ્રાયો ઇન્ટરનેટના પ્રતાપે અવારનવાર ચર્ચામાં આવતા રહે છે.
ડૉ. આંબેડકરનાં જૂજ ઑડિયો રૅકોર્ડિંગમાં તેનો સમાવેશ થતો હોવાથી, તે ઐતિહાસિક દૃષ્ટિએ પણ મૂલ્યવાન છે.
તેમાં ડૉ. આંબેડકરે ગાંધીજી વિશે ઘણી આકરી વાતો કહી છે.
ગાંધી-આંબેડકરને અચૂક સામસામી છાવણીમાં મૂકનારને તેનાથી મઝા પડી જાય એમ છે. પરંતુ ગાંધી-આંબેડકરના સંબંધોનો એકંદર આલેખ જાણનારને તેનાથી નવાઈ કે આઘાત લાગે એમ નથી.
રામચંદ્ર ગુહાએ થોડા મહિના પહેલાં પ્રગટ થયેલા તેમના પુસ્તક 'ગાંધીઃ ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ'માં આ ઇન્ટરવ્યૂ વિશે લખ્યું છે, "he denounced Gandhi in terms as polemical as his writings of the 1930s & 1940s". (p.908) એટલે કે તેમણે 1930 અને 1940ના દાયકાનાં તેમનાં લખાણોના અંદાજમાં, ગાંધીની આકરામાં આકરી ઝાટકણી કાઢી હતી.
ગાંધીની ટીકા
ડૉ. આંબેડકરે કરેલી ગાંધીની ટીકામાં 63 વર્ષ પહેલાંના તેમના અભિપ્રાયો, હકીકતો વિશેના દાવા અને વિશ્લેષણ સામેલ છે.
એ ઇન્ટરવ્યૂને તેમાં રહેલી તીખાશ અને કડવાશ સહિત આટલા લાંબા અંતરાલ પછી શાંતિથી જોવા-સમજવા-તપાસવા જેવી છે.
ડૉ. આંબેડકરના મતે ગાંધી ભારતના ઇતિહાસનું એક પાનું માત્ર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને યુગસર્જક ગણી શકાય નહીં અને (ત્યારની) કૉંગ્રેસ દ્વારા થતી ઉજવણીનો કૃત્રિમ ટેકો ન હોત તો ગાંધી ક્યારના ભૂલાઈ ગયા હોત.
ગાંધી 'યુગસર્જક' (epoch maker)છે કે નહીં, એ અભિપ્રાયભેદનો મુદ્દો હોઈ શકે છે.
તેમનાં મૃત્યુને હજુ પૂરાં સો વર્ષ પણ થયાં ન હોય ત્યાં તેમણે યુગ સર્જ્યો કે નહીં, એનો બધાને મંજૂર હોય એવો જવાબ મળવો મુશ્કેલ છે.
પરંતુ કૉંગ્રેસની ઉજવણીનો કૃત્રિમ ટેકો ક્યારનો જતો રહ્યા પછી પણ ગાંધી ભૂલાઈ ગયા નથી એવું બેશક કહી શકાય.
બીજા અનેક મોટા નેતાઓ ઇતિહાસનું પાનું બની ગયા ત્યારે ગાંધી હજુ ટક્યા છે અને નજીકના ભવિષ્યમાં ભૂંસાય એમ લાગતું નથી. (ગાંધીમૂલ્યો ટક્યાં નથી, એવી દલીલ થઈ શકે. પણ અહીં વાત ઇતિહાસ રચનાર-ઐતિહાસિક પાત્ર એવા ગાંધીની છે.)
ડૉ. આંબેડકરે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ગાંધીને હંમેશાં વિરોધી તરીકે મળ્યા છે.
એટલે ગાંધીનું અસલી રૂપ બીજા મોટા ભાગના લોકો કરતાં એ સૌથી વધારે જાણે છે.
તેમણે ગાંધીને મહાત્મા તરીકે નહીં, એક સામાન્ય માણસ તરીકે જોયા છે.

ગાંધી વિશેનો અભિપ્રાય

ઇમેજ સ્રોત, Getty Images
આ દાવો ડૉ. આંબેડકરના દૃષ્ટિબિંદુથી ભાવનાત્મક રીતે સાચો હશે, પરંતુ તેમના વિધાન પરથી સ્પષ્ટ છે કે તેમણે ગાંધીનું એક જ પાસું જોયું છે અને બીજું કોઈ પાસું જોવાની તેમની તૈયારી નથી. કારણ કે તે એક જ પાસા પરથી તેમણે ગાંધી વિશેનો આકરો અભિપ્રાય બાંધી લીધેલો હતો.
તેમાં ક્યારેક કુમાશ કે રાજકીય જરૂરિયાત કે વિવેકનું તત્ત્વ પણ દેખા દેતું હતું.
6 સપ્ટેમ્બર, 1954ના રોજ તેમણે સૂચવ્યું હતું કે મીઠા પરનો કર ફરી લાગુ કરીને તેને ગાંધીનિધિ નામ આપવું અને તે નાણાં દલિતોના હિતમાં ખર્ચ કરવા.
"મારા મનમાં ગાંધીજી વિશે આદર છે. આપ સૌ જાણો છો કે ગમે તે થાય તોય ગાંધીજીને અસ્પૃશ્યો પોતાના પ્રાણ કરતાં પણ પ્રિય હતા અને તેથી ગાંધીજી સ્વર્ગમાંથી પણ આશીર્વાદ આપશે." (ડૉ. આંબેડકર : જીવન અને કાર્ય, મૂળ લેખક : ધનંજય કીર, ગુજરાતી અનુવાદ આવૃત્તિ : 2001, પૃ.540)
ઇન્ટરવ્યુમાં ડૉ. આંબેડકરે મૂકેલો સૌથી તળિયાઝાટક આરોપ એ હતો કે ગાંધીએ બેવડી રમત રમીને લોકોને છેતર્યા.
કેવી રીતે? ડૉ. આંબેડકરના આરોપ પ્રમાણે ગાંધીજી તેમના અંગ્રેજી સામયિકમાં જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાનો વિરોધ કરતા લખાણ લખતા હતા જેથી પશ્ચિમી દેશોમાં તે સારા દેખાય.
પણ તેમના ગુજરાતી સામયિકમાં તે જ્ઞાતિપ્રથા-વર્ણાશ્રમ ધર્મ સહિતની અનેક માન્યતાઓને ટેકો આપતા હતા.
ડૉ. આંબેડકરે એટલી હદે કહ્યું હતું કે ગાંધીજીનાં બધાં ચરિત્રોમાં અંગ્રેજી સામગ્રી ખપમાં લેવાઈ છે.
ખરેખર કોઈએ તેમનાં અંગ્રેજી અને ગુજરાતી લખાણોની સરખામણી કરીને તેમનું જીવનચરિત્ર લખવું જોઈએ (જેથી તે ખુલ્લા પડી જાય.)
1955માં આ આરોપ મુકાયો ત્યાર પછી બીજું ઘણું બન્યું છે.

ઇમેજ સ્રોત, OTHER
ગાંધીજીનાં તમામ ભાષામાં લખેલાં બધાં લખાણ (મૂળ અથવા અનુવાદ થઈને) 'ધ કલૅક્ટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી' (CWMG)ના સો ખંડમાં સંઘરાયાં છે.
આ ખંડોના હિંદી અને ગુજરાતી અનુવાદો પણ ઉપલબ્ધ છે. માટે ગાંધીજીએ કોઈ લખાણ ગુજરાતી સામયિકમાં મૂળ ગુજરાતીમાં લખ્યું હોય તો પણ તેનો પ્રમાણભૂત અંગ્રેજી અનુવાદ હવે CWMGમાં મળી આવે છે.
આ ઉપરાંત હરિજન સેવક સંઘ દ્વારા પ્રકાશિત અને ભાવનાત્મક રીતે ગાંધીજીનાં ગણાય એવા 'હરિજન' (અંગ્રેજી), 'હરિજનસેવક' (હિંદી), અને 'હરિજનબંધુ' (ગુજરાતી)ના બધા અંક gandhiheritageportal.com પર ઉપલબ્ધ છે.
તે તપાસતા જણાય છે કે ગાંધીજીએ તેમના તર્ક પ્રમાણે વર્ણાશ્રમ-જ્ઞાતિપ્રથાનું સમર્થન અંગ્રેજીમાં પણ કર્યું જ છે અને અસ્પૃશ્યતાની આકરામાં આકરી ટીકા ગુજરાતીમાં પણ કરી છે.
માટે, ડૉ. આંબેડકરનો એ આરોપ ઉપલબ્ધ હકીકતોની સામે ટકી શકતો નથી.
ડૉ. આંબેડકરે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અસ્પૃશ્યતા નિવારણ તો થવું જોઈએ.
સાથોસાથ સમાન તક મળવી જોઈએ. જેથી અસ્પૃશ્ય ગણાતા લોકોને ઊંચા હોદ્દા મળે, ગરીમા મળે અને કદાચ તે પોતાના લોકોનું રક્ષણ કરી શકે.
ડૉ. આંબેડકરે કહ્યું કે ગાંધીજી તેનો વિરોધ કરતા હતા. તેમનો દલિતો માટેનો પ્રેમ તેમને ફક્ત કૉંગ્રેસ ભણી ખેંચવા પૂરતો જ હતો. બીજો આશય એ હતો કે 'અસ્પૃશ્યો' તેમની સ્વરાજની ચળવળનો વિરોધ ન કરવા જોઈએ.
ગાંધીજી આકરા સુધારક ન હતા, એ હકીકત છે. તેમણે જ્યોતિબા કે ડૉ. આંબેડકરની જેમ જ્ઞાતિના માળખા પર ઘણ ન ઝીંક્યા.
પરંતુ કૉંગ્રેસમાં કે સ્વરાજની ચળવળમાં સક્રિય થતા પહેલાં છેક 1915માં તેમણે ભારે વિરોધ વેઠીને પણ કોચરબ આશ્રમમાં દલિત પરિવારને સ્થાન આપ્યું, તેને કેવી રીતે જોવું?
આર્થિક મદદ મળતી બંધ થવા છતાં તેમણે પોતાનો નિર્ણય ફેરવ્યો નહીં.
આવાં બીજાં પણ ઉદાહરણ આપી શકાય. ગાંધીજીની હયાતીમાં દલિત જગજીવનરામ ભારતના પ્રધાનમંડળના સભ્ય હતા અને ડૉ. આંબેડકર પણ.

સ્વતંત્રતા વિશે અભિપ્રાય

ઇમેજ સ્રોત, OTHER
ડૉ. આંબેડકર માનતા હતા કે ભારતને ટુકડે ટુકડે સ્વતંત્રતા આપવી જોઈતી હતી જેથી લોકોને દરેક તબક્કે તૈયાર થવાનો સમય મળે.
ગાંધીજીની ચળવળે નહીં પણ એ સમયનાં પરિબળોએ અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પાડી એવું ડૉ. આંબેડકરનું નિરીક્ષણ સાચું હતું.
દલિત ઉમેદવાર ફક્ત દલિતોના મતથી જ ચૂંટાય એવી અલગ મતદાર મંડળની જોગવાઈના વિરોધમાં ગાંધીજીએ આમરણ ઉપવાસ કર્યા.
એ મુદ્દે બંને વચ્ચે તીવ્ર મતભેદ હતા. આવી રીતે હિંદુ સમાજ વહેંચાઈ જશે અને અસ્પૃશ્યો કદી મુખ્યધારામાં ભળી નહીં શકે એવું ગાંધીજીને લાગતું હતું.
ડૉ. આંબેડકરની દલીલ હતી કે હિંદુઓ બધો વખત અસ્પૃશ્યોને જુદા જ ગણતા હોય ત્યારે એક દિવસ સાથે મત આપવાથી શો ફરક પડવાનો?
ઇન્ટરવ્યૂમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું કે સમાજને માંડ મળેલું પ્રતિનિધિત્વ કુરબાન કરવા તે તૈયાર ન હતા.
છેવટે એવો રસ્તો કાઢવામાં આવ્યો કે પહેલાં દરેક અનામત બેઠક માટે ચાર દલિત ઉમેદવારો ફક્ત દલિતોના મતથી પસંદ થાય અને એ ચાર ઉમેદવારો સામાન્ય ચૂંટણીમાં ઉભા રહે.
મતલબ, ચારમાંથી જે જીતે તે દલિત સમાજની પસંદગીના જ હોય.
ડૉ. આંબેડકરે કહ્યું હતું કે આ જોગવાઈનો લાભ એક જ વાર 1937ની ચૂંટણીમાં મળ્યો અને તેમાં તેમના રાજકીય પક્ષે કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં. ગાંધીના પક્ષના એકેય ઉમેદવાર જીત્યા નહીં. તેમનો આ દાવો સાચો હતો.
મુંબઈ પ્રાંતની વિધાનસભાની 17 અનામત બેઠકોમાંથી 15 બેઠકો પર આંબેડકરના પક્ષે ઉભા રાખેલા ઉમેદવાર જીત્યા હતા. (ડૉ. આંબેડકર : જીવન અને કાર્ય, પૃ.349) પરંતુ ફક્ત મુંબઈને બદલે ભારતભરના પ્રાંતોની વાત કરીએ તો કુલ 151 દલિત અનામત બેઠકોમાંથી 78 બેઠકો કૉંગ્રેસને મળી હતી. ('પૂના કરારની એક ઓર વરસી વેળાએ',ચંદુ મહેરિયા, દલિત અધિકાર, 20 સપ્ટેમ્બર, 2012, પૃ.3)
જીવનના અંતિમ તબક્કે, રાજકીય કારકિર્દી સમાપ્ત થયા પછી ડૉ. આંબેડકરના આ ઇન્ટરવ્યૂમાં હકીકતોની સાથોસાથ કટુતા, હતાશા અને આક્રમકતાનું મિશ્રણ જોવા મળે છે.
તે માનવસહજ, આંબેડકરસહજ છે. તેને યથાતથ અને તે પણ અત્યારે ગાંધીને ઝૂડવાના ધોકા તરીકે વાપરવામાં નથી વિવેક કે નથી પૂરી સચ્ચાઈ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















