'એ ચમત્કાર જેણે મારા પુત્રને મોતના મુખમાંથી બચાવી લીધો'

ઇમેજ સ્રોત, ADEK BERRY
- લેેખક, રીબેકા હેન્સ્ચકે
- પદ, બીબીસી ઇન્ડોનેશિયા એડિટર
અચાનક જ ધરતી ધ્રુજવા લાગી, માર્થા સલીલાએ પોતાના સાત વર્ષના ભત્રીજા ફીક્રીને ઝડપથી ઉઠાવ્યો અને ઘરની બહાર દોડી આવ્યાં.
આ તરફ પાલુ શહેરની વર્ષગાંઠ હતી એટલે માર્થા પોતાના ઘરમાં યેલો રાઇસ અને ચીકનને રાંધી રહ્યાં હતાં.
આ વાનગીઓ તેમણે આ વર્ષગાંઠ નિમિત્તે બીચ ફેસ્ટિવલમાં વેંચવાની હતી.
ભૂકંપથી બચવાની ઉતાવળમાં માર્થા સ્ટવ બંધ કરવાનું ભૂલી ગયાં હતાં.
ફીક્રીનાં દાદી સેલ્ફી સાલીલામા કહે છે, "તેમની આસપાસ વસ્તુને તૂટતી અને પડતી જોઈને તેઓ બહાર ખુલ્લામાં દોડી ગયાં હતાં, તેમને ડર હતો કે તેઓ અંદર ફસાઈ જશે."
જ્યારે પૃથ્વી ધ્રૂજતી અટકી ગઈ તો માર્ટા ઘરની બહાર દરિયાકાંઠે આવેલા પૂતળાં પાસે એકઠાં થયેલાં પાડોશીઓ પાસે ફિક્રીને છોડીને ઘરમાં ચાલુ રહી ગયેલા સ્ટવને બંધ કરવા માટે ગયાં.
સેલ્ફી કહે છે, "જ્યારે તેઓ પરત ફર્યાં ત્યારે ફિક્રી ત્યાં ન હતો."
માર્થાએ જે જોયું હતું તે વિનાશક દૃશ્ય હતું, મહાકાય મોજાં ખાડી પર ફરી વળ્યાં હતાં અને ચારેબાજુ બધું વેરવિખર પડેલું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, SOPA IMAGES
જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પાંચ વર્ષનો જુમાદિલ દરિયાકિનારે રમતો હતો.
તેમના દાદી, અજાર્ની, કે જેઓ જુમાદિલની સંભાળ રાખતાં હતાં, તેઓ બીચની ઉપર આવેલી સ્ટ્રીટ પર ફેસ્ટિવલમાં જતા લોકોને ફૂડ વેંચતાં હતાં.
અજાર્ની કહે છે, "તેની ઇચ્છા હતી કે તેને હું આખો દિવસ મારી સાથે લઈને ફરું, જેથી હું તેને કાખમાં બેસાડીને ફરતી હતી, જોકે, આખરે તે કંટાળ્યો અને દરિયાકિનારે રેતીમાં રમવા ગયો."
જ્યારે પહેલો ભૂકંપનો ઝટકો આવ્યો ત્યારે તેમણે જુમાદિલને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ત્યાં સુધી પહોંચી શક્યાં નહીં.
એ વખતે અંધાધુંધી ફેલાયેલી હતી અને લોકો આમતેમ દોડી રહ્યા હતા.
"જ્યારે હું કિનારાની નજીક ગઈ તો મેં પાણીની એક કાળી દીવાલ મારી તરફ ધસી આવતી જોઈ."
એ કદાવર મોજું જાણે ખાડી પર ફરી વળવાનું હતું, આ જોઈને તેઓ દોડવાં લાગ્યાં.
"હું જેટલું ઝડપથી દોડી શકાય એટલી દોડી, મને એ ખબર નહોતી કે હું કઈ તરફ દોડી રહી છું."
"જ્યારે પાણીએ મને દૂર ફંગોળી દીધી તો મેં એક મોટરબાઇકને જોરથી પકડી રાખી હતી."
મોજાંએ છેલ્લે તેમને એક હોટલના પાર્કિંગમાં ફંગોળી દીધાં.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
આ હોનારતમાં તેઓ તો બચી ગયાં પરંતુ જુમાદિલનો કોઈ પત્તો ન હતો.
આ જગ્યાએ તેમના પતિ અને જુમાદિલના દાદા ડાયેંગ ત્યાં આવી પહોંચ્યા.
ડાયેંગ કહે છે, "પહેલાં તો હું તેને ઓળખી જ ના શક્યો, તે કાદવ અને લોહીથી લથબથ હતી અને રડી રહી હતી."
"હું જેમને ઓળખતો હતો તેમના તરફ ગયો અને મેં કહ્યું કે હું મારી પત્નીને શોધી રહ્યો છું. તેમણે મને કહ્યું કે તે અહીં છે."
"તેમના વાળ લોહી અને કાદવથી ભરેલા હતા, જાણે કોઈ નૂડલ્સ હોય. મેં તેને ઉઠાવી અને મદદ માટે બૂમો પાડી."
ત્યાંથી પસાર થઈ રહેલા એક મોટરબાઇક ચાલકે તેમને નજીકની હૉસ્પિટલ સુધી પહોંચાડ્યાં.
આ ઘટનાને યાદ કરતાં તેઓ કહે છે, "મને ચિંતા હતી કે અજાર્નીનું ઘણું બધું લોહી વહી ગયું હશે."
"આ મોટા આંચકા બાદ પણ ઘણા નાના આંચકા આવવાના ચાલુ હતા. જેના કારણે અમને ડરેલાં હતાં."

કિનાર પાર ચારે તરફ મૃતદેહો પડ્યા હતા

આ તમામ ઘટનાક્રમ વચ્ચે જુમાદિલનાં માતા ઘરે હતાં, અંતે આ સમાચાર તેમનાં માતા સુસી રાહમતિયા સુધી પહોંચ્યા.
"આ સમાચાર સાંભળતાની સાથે જ મારા કાકા દરિયાકિનારે દોડ્યા, તેમણે પરત આવીને કહ્યું કે કિનારા પર ચારેતરફ બાળકોના મૃતદેહો પડ્યા છે."
"આ સાંભળીને હું જમીન પર ઢળી પડી અને રડવા લાગી. મને એવું જ લાગ્યું કે મારો પુત્ર આ મોજાંનો ભોગ બન્યો હશે."
"એ રાત્રે મારા પતિ જુમાદિલને શોધવા ગયા. જ્યારે તેમણે એક બાળકનો મૃતદેહ જોયો તો તેઓ ભાંગી પડ્યા અને રડવા લાગ્યા."
સવારમાં દાદા, અસ્મુદીને પણ જુમાદિલને શોધવાનું શરૂ કરી દીધું.
તેઓ કહે છે, "બીચ પરની હવામાં મૃતદેહોની દુર્ગંધ આવતી હતી. મેં કલાકો સુધી ઉઘાડા પગે તેને શોધયા કર્યો."
"મેં ઘણી જગ્યાઓએ અને કાટમાળમાં પણ જોયું, તેમ છતાં તે ના મળ્યો, અંતે મેં વિચાર્યું કે તેને મોજાં તાણી ગયાં હશે."

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
બીજી તરફ સાત વર્ષના ફીક્રીનો પરિવાર પણ તેને ગાંડાની જેમ શોધતો હતો.
તેમનાં દાદીમાં સેલ્ફી સલીલામા કહે છે કે તેમને ભય હતો કે તેનું મૃત્યુ થયું હશે.
તેઓ કહે છે, "અમે હૉસ્પિટલમાં એક પછી એક બેગો ખોલીને જોઈ તેમાં બાળકોનાં મૃતદેહો હતા."
"દરેક ડેડબૉડી માટેની બૅગ ખોલાતાં અમને ડર લાગતો હતો, અમે કહેતાં કે અલ્લાહ, અમને હિંમત આપે, દર વખતે અમે એવી આશા રાખતા કે આ બૅગમાં ફીક્રી ના હોય."
"અમને લગભગ ખાતરી થઈ ગઈ હતી કે અમે તેને ગુમાવી દીધો છે."
"અમે જાણતા હતાં કે તેનો 10 વર્ષનો ભાઈ મરી ગયો છે પરંતુ મારા હૃદયમાં ક્યાંક ઊંડે આશા હતી કે કદાચ ફીક્રી સમયસર દૂર જતો રહ્યો હશે."

આ સમાચાર છુપાવવા અશક્ય હતા

ઇમેજ સ્રોત, SOPA IMAGES
ફીક્રીનાં માતાપિતા 600 કિલોમીટર દૂર ગોરોન્ટાલોમા હતાં અને ત્યાં કામ કરતા હતાં.
સેલ્ફી કહે છે કે ખોરવાયેલી સંચારવ્યવસ્થાને કારણે તેઓ તેમનો સંપર્ક કરી શક્યાં નહીં.
તેમને ફીક્રીનાં માતાપિતાને આ સમાચાર આપવામાં પણ ડર લાગતો હતો.
તેઓ કહે છે, "હું નહોતી ઇચ્છતી કે બધા ભય અને ચિંતામાં મુકાય. પહેલાં અમે તેને શોધીને તેમને થોડા ખાતરીપૂર્વકના સમાચાર આપવા ઇચ્છતા હતા."
જોકે, હોનારત જ એટલી મોટી હતી કે આ સમાચાર છુપાવવા અશક્ય હતા.
સુસીલા કહે છે, "અમે ટીવીમાં આ જોયું. હું નિ:શબ્દ હતી. મારા પતિ ઇકબાલ સીધા પાલુ જવા રવાના થયા."
"હું અહીંયા જ મારાં નાનાં બાળકોની સંભાળ રાખવા રહી."
જ્યારે ઇકબાલને જાણ થઈ કે તેમના બંને પુત્રો ગુમ છે તો તેઓ આઘાતમાં સરી પડ્યા.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
તેઓ દુઃખી હતા અને ગુસ્સામાં આવીને કહ્યું, "તમે અમારા દીકરાઓની બરાબર સંભાળ કેમ ના લીધી?
"મારે તેમને એમ કહીને શાંત કરવા પડ્યા કે સ્થિતિ અમારા હાથમાં નહોતી."
"જો અલ્લાહ તેમને લઈ જવા ઇચ્છતા હશે તો આપણે તે સ્વીકારવું પડશે."
તેમણે ફીક્રીના ગુમ થયાની નોંધણી શહેરમાં વિવિધ જગ્યાએ આવેલી બાળ સંરક્ષણ પોસ્ટમાં કરાવી.
પોતાનાં બાળકો ગુમ થયાં છે તેની માહિતી આપતાં ઇન્ટરવ્યૂ પણ તેમણે સ્થાનિક ટીવીમાં આપ્યાં.

એ તસવીર જેના કારણે ખબર પડી કે...

ઇમેજ સ્રોત, Getty Images
જુમાદિલના કાકાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકી કે તેમના ભત્રીજાની તસવીર જોઈને જો કોઈ પાસેથી કંઈ માહિતી મળી આવે.
સાર્તીનીની દીકરીએ આ તસવીર જોઈ અને વિચાર્યું કે તે એ બાળક સાથે મળતી આવે છે જેની તેમનાં માતા સંભાળ લઈ રહ્યાં છે.
લોકલ ઇમામનાં પત્ની સાર્તીની ભૂકંપ બાદ આ છોકરાને પોલીસ સ્ટેશનમાં મળ્યાં હતાં.
તેઓ યાદ કરતાં કહે છે કે તે જોરજોરથી તેનાં મમ્મી-ડેડીને યાદ કરતાં રડતો હતો.
"મેં તેને એમ કહીને શાંત કરવાની કોશિશ કરી કે તારી મમ્મી તારા માટે દૂધ લેવા ગઈ છે."
તેમણે AFPને એ વખતે કહ્યું કે અંતે તેમણે આ છોકરાની સંભાળ લેવાનું નક્કી કર્યું.
જુમાદિલના માતા આ અંગે વાત કરતાં કહે છે કે ફેસબુક પર જુમાદિલની જૂની તસવીરો હતી, તેથી પહેલાં તેઓ એ મામલે સ્પષ્ટ ન હતાં કે આ જુમાદિલ જ છે.
"જ્યારે તેમણે ફેસબુક પોસ્ટમાં વિગતો વાંચી કે એ દિવસે તેણે લાલ લીટીઓ વાળો શર્ટ પહેરેલો હતો અને તેનું પેન્ટ ઊંચું વાળેલું હતું કારણ કે એ ઘણું મોટું હતું, ત્યારે તેમને ખાતરી થઈ કે આ એ જ બાળક છે."
ગળા પરની જન્મ સમયની નિશાની જ્યારે તસવીર સાથે મેળવી ત્યારે તેમને નક્કી થઈ ગયું કે આ જુમાદિલ જ હતો અને તેમનું પુનર્મિલન શક્ય બન્યું.
સુસી કહે છે, "એ આખી રાત હું સુઈના શકી અને મેં આખી રાત વિચાર્યા કર્યું કે કોણે મારા દીકરાને બચાવ્યો હશે."

એ લાગણીસભર દૃશ્યો

ઇમેજ સ્રોત, ULET IFANSASTI
જુમાદિલ મોટરબાઇક પરથી ઊતરીને દોડીને તેમના માતાની બાથમાં સમાઈ જાય છે.
પાંચ લાંબા દિવસો બાદ થયેલા પુનર્મિલનના આ લાગણીસભર દૃશ્યોને કૅમેરામાં કંડારવામાં આવ્યાં.
જુમાદિલના માતા તેને વળગી પડે છે, વહાલથી તેને ચુંબનો કરવા લાગે છે, આંસુથી બંનેના ચહેરા ભીના થઈ જાય છે, જુમાદિલ રડતાં રડતાં હિબકે ચડે છે.
આ મિલનને યાદ કરતા સુસી કહે છે કે તે એટલું જોરથી મને ભેટ્યો કે જાણે મને છોડવા જ માગતો ન હોય. તેના પગ મારી આસપાસ જાણે વાનરની જેમ વીંટાયેલા હતા.
સુસી કહે છે, "અમે કશું જ બોલ્યાં નહીં, તે ખૂબ ડરેલો હતો અને અમારી આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું."
"બસ હું તેને એવો અહેસાસ આપવા માગતી હતી કે હવે બધું જ સારું થઈ જશે."
તેમણે જુમાદિલને એ ઘટના વિશે પૂછવા માટે થોડા દિવસો સુધી રાહ જોઈ કારણ કે તે આઘાતમાંથી બહાર આવી જાય.
સુસી કહે છે, "મેં તેને પ્રેમથી પૂછયું કે એ દિવસે શું થયું હતું?"
તેણે કહ્યું, "હું રેતીમાં રમતો હતો અને સમજી ના શક્યો કે શા માટે આખી દુનિયા ધ્રુજી રહી છે?"
મેં તેને પૂછયું કે કોણે તને બચાવ્યો તો તેણે કહ્યું એક પોલીસ અધિકારીએ.
"અમે આ પોલીસ અધિકારીને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમને નિષ્ફતા મળી અમે ના શોધી શક્યાં કે એ કોણ હતા."
તેઓ માને છે કે જુમાદિલ સુનામીમાં થોડી મિનિટો માટે મોજાંમાં ડૂબ્યો પણ હશે.

આ તરફ ફીક્રીનું શું થયું?

ઇમેજ સ્રોત, AFP
દુર્ઘટનાને ઘણા દિવસો વીતી ગયા હતા અને ફીક્રીનો પરિવાર હવે તે મળશે એવી આશા પણ છોડી દેવાનો હતો, ત્યાં જ એક સામાજિક કાર્યકર તેમના ઘરે આવ્યા.
તેમની પાસે તસવીર હતી અને તેમણે કહ્યું, "શ્રીમતીજી, આ તમારો પૌત્ર છે? ખરેખર તે ફીક્રી જ હતો!"
"અમે બધા લોકોને કહેવાનું શરૂ કર્યું કે ફીક્રી આમની પાસે છે, ફીક્રી મળી ગયો. અમે બધાં એકઠાં થયાં અને રડતાં જ રહ્યાં."
"તેમણે અમને કહ્યું કે તે જીવતો છે અને નોર્થ મોરોવાલીમાં છે, અમને કંઈ સમજાયું જ નહીં કે એ ત્યાં કેવી રીતે પહોંચ્યો હશે."
તે 500 કિલોમીટર દૂર પહોંચી ગયો હતો.
ફીક્રીના ગુમ થયાનાં ત્રણ અઠવાડિયા પછીથી લઈને જ્યાં સુધી તે પરત મળ્યો નહીં ત્યાં સુધી તેના પરિવારને સમજાયું જ નહીં કે એ કેવી રીતે ત્યાં પહોંચ્યો હતો.
20 વર્ષનાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થિની કાડેક આયુ દ્વી મારીઆતી કહે છે તેમને ફીક્રી રોડની પાસેથી મળ્યો હતો.
તેને ઈજાઓ થઈ હતી, યાદ કરતાં તેઓ કહે છે કે ફીક્રી તેના માતાપિતાને યાદ કરતાં રડતો હતો. તેણે માત્ર ટી-શર્ટ પહેર્યું હતું.
તેમણે કહ્યું, "તમને ખરું કહું તો મારી પ્રાથમિકતા મારું પોતાનું જીવન બચાવવાની હતી. હું એટલી ચિંતામાં હતી અને ખૂબ ડરેલી પણ હતી."
"પરંતુ પછી મેં વિચાર્યું કે જો હું આ છોકરાને નહીં બચાવું તો કોણ બચાવશે?"
"હું ત્યાં થંભી અને તેને પૂછ્યું કે તારાં માતાપિતા ક્યાં છે? તેણે કહ્યું કે તેઓ જતા રહ્યાં હતાં અને તેનું ઘર તારાજ થઈ ગયું હતું. મેં એને કહ્યું કે મારી સાથે ઊંચી જગ્યાએ ચાલ."

જ્યારે તેમને જાણ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
થોડા દિવસ પછી જ્યારે કાડેકનાં માતાપિતા પાલુ પહોંચ્યા તો ફીકરી તેમની પાસેથી ખસવા માગતો ન હતો.
તેમણે કહ્યું, "તે અહીં એકલો રહેવા નહોતો ઇચ્છતો. તે મારી સાથે જ રહેવા માગતો હતો. તેથી એ અમારી સાથે અમારા ગામ, અમારા ઘરે આવ્યો."
"મેં પોલીસને અને સામાજિક કાર્યકરોને આ અંગે જાણ કરી અને તેમને કહ્યું કે જો કોઈ આ બાળક વિશે શોધખોળ કરતું આવે તો એ મારી પાસે છે."

ઇમેજ સ્રોત, Alamy
"તેમણે પણ મને કહ્યું કે હું આ બાળકને કોઈને ના સોંપું, કારણ કે આવા સમયે બાળકોની તસ્કરીનો પણ ભય રહે છે."
કોઈ પણ સમાચાર વગરનાં સપ્તાહો પસાર થઈ ગયાં અને ફીક્રી કાડેકના પરિવાર સાથે જોડાઈ ગયો હતો.
કાડેક કહે છે, "એ ખરેખર સરસ બાળક હતો. એ જરાય સમસ્યારૂપ નહોતો."
"હું હવે એને ખૂબ યાદ કરું છું અને તેને જતો જોઈને થોડી દુ:ખી પણ છું અને સાથે જ ખૂબ આભારી પણ."
"તે હજુ ઘરે જઈ શકે તે માટે તેનો પરિવાર હજી હયાત હતો અને તેમને ફીક્રી અંગેની જાણ થઈ."

'હું ખૂબ ખુશ હતી પરંતુ દુ:ખી પણ હતી'

ઇમેજ સ્રોત, ADEK BERRY
તેમનું પુનર્મિલન પણ રૅકૉર્ડ કરવામાં આવ્યું. તેના પરિવારને સામાજિક કાર્યકરો દ્વારા એક તંબુમાં રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું.
ફીક્રીને અંદર લાવવામાં આવ્યો. જ્યારે ફીક્રીને તેઓ ભેટ્યાં અને તેને પ્રેમથી ગળે લગાડ્યો ત્યારે તેઓ રડી પડ્યાં.
ફીક્રી ખુશ હતો તેણે સરસ ચેક્સ શર્ટ અને જીન્સ પહેર્યું હતું.
સેલ્ફીએ યાદ કર્યું, "અમે રડ્યાં, ભેટ્યાં અને એને વળગી રહ્યાં."
"હું ખૂબ ખુશ હતી પરંતુ દુ:ખી પણ હતી. હું આનંદિત હતી કે અલ્લાહે અમને એની સાથે વધુ સમય આપ્યો હતો."
"એ વાતે દુ:ખી પણ હતી કે કોઈ અન્ય વ્યક્તિએ એનો જીવ બચાવ્યો હતો. અમે ફક્ત અલ્લાહનો આભાર માનતાં રડી શક્યાં."

આઘાત

ઇમેજ સ્રોત, UNICEF
ફીક્રીનાં માતાપિતા એને તેમની સાથે પરત ગોરોન્ટોમાં રહેવા લઈ ગયાં છે.
પાલુમાં હજુ શાળાઓ સામાન્ય સ્થિતિમાં ન હતી અને તેઓ તેને નજીક રાખવા ઇચ્છતાં હતાં.
તેની માતા સુસીલા ફોન ઉપર જણાવે છે, "એ એકલો રહેવા નથી ઇચ્છતો, એક પળ માટે પણ નહીં."
"તેણે અમને કહ્યું કે તમે મને એકલો છોડો અને ફરીવાર ધરતી ધ્રુજશે તો ફરી હું ક્યા જઈશ?"
"અમારે તેના ક્લાસની બહાર રાહ જોવી પડે છે. અમે જે થયું એ વિશે વાત નથી કરતાં."
"એ વાત આવતાં જ એ રડી પડે છે. તેનો મોટો ભાઈ ક્યારેય પાછો ના આવ્યો."
તેમનાં દાદી તેને ઘણીવાર વીડિયો કૉલ કરે છે અને ફોન ઉપર કહે છે કે જરા સ્મિત કર તો!"
તેઓ તેને ચીડવે છે કે એ આ રહ્યો તું! ગોરોન્ટોમાં એક હેન્ડસમ છોકરો રહે છે."

'ખરેખર આ એક ચમત્કાર જ છે કે તે પાછો આવ્યો છે'

ઇમેજ સ્રોત, UNICEF
જુમાદિલ પણ હજુ આઘાતમાં છે પરંતુ દરેક બપોરે તેણે તેમનાં માતાને શિંગ વેચવામાં મદદ કરવા માટે એ જ બીચ ઉપર પાછા જવું પડે છે.
"હજુ પણ તે ભૂતકાળમાં સરી પડે છે, જ્યારે વીજળી જતી રહે ત્યારે એ કૂદીને મારી પાસે આવી જાય છે અને પૂછે છે કે લાઇટ કેમ ગઈ મમ્મી? જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે તમામ લાઇટ્સ બંધ થઈ ગઈ હતી અને સંપૂર્ણ અંધારું થઈ ગયું હતું."
જ્યારે અમે તેમના સ્ટોલ ઉપર વાતો કરતાં હતાં ત્યારે એક અન્ય માતા આવે છે અને કહે છે કે તેમનો પુત્ર ચાર દિવસ સુધી ગુમ હતો.
એ પણ દરિયાનાં મોજાંમાં ફસાઈ ગયો હતો. હવે તેને નવડાવવા લઈ જવો દુ:સ્વપ્ન સમાન છે. એ પાણીથી ડરી ગયો છે.
જ્યારે તેમનાં માતા કામ કરતાં હોય ત્યારે જુમાદિલના દાદા ડાએંગ તેને ચાલવા લઈ જાય છે.
હજુ પણ તેઓ માની શકતા નથી કે તેમનો પૌત્ર પાછો આવી ગયો છે.
તેઓ કહે છે, "મારા જેવી સામાન્ય વ્યક્તિ માટે આ મુદ્દો સમજવો એ ખરેખર ખૂબ મુશ્કેલ છે."
"જો તમે આ અંગે તર્કબદ્ધ રીતે વિચારો તો આ ખરેખર આશ્ચર્યજનક છે કે જે મોજાંની તાકાતથી બધું જ નાશ પામ્યું છે. એમાંથી એ બચી ગયો છે."
"આખે આખી ઇમારતોનો નાશ થયો હોય ત્યાં માણસો માટે તો કોઈ તક જ નથી બચતી."
"ઘણા બધા પોલીસ અધિકારીઓનાં મોત થઈ ગયાં. મારે ખરેખર જાણવું છે કે કોણે અમારા છોકરાને બચાવ્યો."
"ખરેખર આ એક ચમત્કાર જ છે કે તે પાછો આવ્યો છે."
ઇન્ડોનેશિયન ટાપુ સુલાવેસી ઉપર જ્યારે ભૂકંપ અને સુનામીની હોનારત આવી ત્યારે સેંકડો બાળકો તેમનાં માતાપિતાથી વિખૂટાં પડી ગયાં હતાં.
2000થી વધુ લોકો આ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યાં હતાં અને મોટાભાગના વિસ્તારોને સામૂહિક કબરો જાહેર કરવામાં આવી હતી.
જોકે, હાલનાં સપ્તાહો દરમિયાન ત્યાં કેટલાંક અસાધારણ પુનર્મિલન થયાં છે. જેમાંની આ બે કથાઓ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












