પાકિસ્તાનથી આવેલી એ મહિલા, જેમણે કાશ્મીરમાં ધમાલ મચાવી દીધી

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, શ્રીનગરથી બીબીસી ગુજરાતી માટે
કાશ્મીરના ઉત્તર વિસ્તારમાં આવેલા કુપવાડા જિલ્લાના પુંગરામ ગામમાં મુશળધાર વરસાદ શરૂ હતો.
હું જ્યારે દિલશાદા બેગમના ઘરે પહોંચ્યો ત્યારે તેઓ પોતાની નાનકડી કરિયાણાની દુકાને બેઠાં હતાં.
દુકાનની આજુબાજુ ઊભેલા અમુક લોકોને તેઓ કહી રહ્યાં હતાં કે મને પૂછ્યા વગર મારા સરપંચ બનાવાના સમાચાર ઇન્ટરનેટ પર મુકાઈ ગયા.
દિલશાદા બેગમ દુકાનની આજુબાજુ બેસેલા લોકોને કહી રહ્યાં હતાં કે તેમના વિશે જે લોકો સમાચાર છાપવા માગતા હોય તે અહીંયા આવે કે શા માટે હું સરપંચ બની અને શા માટે મેં ચૂંટણીમાં ભાગ લીધો?

ઇમેજ સ્રોત, Alamy
તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, Alamy
જમ્મુ અને કાશ્મીરની પંચાયતોની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થનારાં ઉમેદવારોમાં દિલશાદા બેગમનો પણ સમાવેશ થાય છે.
26 વર્ષના દિલશાદા બેગમ વર્ષ 2012માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી પોતાના પતિ મોહમ્મદ યુસુફ બટ સાથે ભારત અધિકૃત કાશ્મીરમાં આવ્યાં હતાં.
દિલશાદાનાં લગ્ન વર્ષ 2002માં મુઝફ્ફરાબાદમાં યુસુફ સાથે થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
સીમા પાર હથિયારોની ટ્રેનિંગ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
યુસુફ બટ વર્ષ 1997માં હથિયારોની ટ્રેનિંગ મેળવવા સરહદ પાર જતા રહ્યા હતા.
દિલશાદાએ જણાવ્યું કે તેમના પતિ મુઝફ્ફરાબાદમાં ભાડાની દુકાનમાં ગૅસ એન્જસી ચલાવતા હતા.
તેમણે કહ્યું, "વર્ષ 2011માં જયારે સરકારે જાહેરાત કરી કે સીમા પાર હથિયારોની તાલીમ લેવા માટે ગયેલા યુવાનો પુનર્વસન પૉલિસી અંતર્ગત પોતાના ઘરે પરત આવી શકે છે ત્યારે મારા પતિએ કહ્યું કે આપણે પણ પરત જતા રહીએ."
"ત્યારબાદ વર્ષ 2012માં અમે નેપાળ થઈ કાશ્મીર પરત આવ્યાં હતાં."
"અહીંયા આવ્યા બાદ પોલીસે મારા પતિની પાંચ દિવસ સુધી અટકાયત કરી રાખી હતી."
પાંચ બાળકોનાં માતા દિલશાદાએ કહ્યું, " વર્ષ 1992માં મારા પિતા ભારત અધિકૃત કાશ્મીરથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જતા રહ્યા હતા. ત્યારથી અમે ત્યાં જ રહેતા હતા."
"મારા માતાપિતા બંને કુપવાડા જિલ્લાના ટંગડારના રહેવાસી છે, મારો જન્મ પણ ત્યાં જ થયો હતો."
"હું જ્યારે ત્રણ મહિનાની હતી ત્યારે અબ્બા મુઝફ્ફરાબાદ જઈને વસ્યા હતા.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
પંયાતની ચૂંટણી

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
દિલશાદા પરિવારના ભરણપોષણ માટે ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે.
દિલશાદાએ કહ્યું, "સાત મહિના અગાઉ મુઝફ્ફરાબાદમાં અબ્બાનું મૃત્યુ થયું હતું. જોકે, સરકારે પિયર જવાની પરવાનગી આપી નહોતી."
"મેં મારા પરિજનોને જોયાં તેને સાત વર્ષ થઈ ગયાં છે, મારી સમજમાં એ નથી આવતું કે અમારી ભૂલ શું છે?"
"જો અમે વિઝા માટે અરજી કરીએ તો અમને વિઝા મળવા જોઈએ."
પંચાયતની ચૂંટણી લડવા અંગે તેમણે કહ્યું, "અમે અમારી ઓળખ સ્થાપવા માગીએ છીએ કારણ કે અમારી કોઈ ઓળખ નથી."
"પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવાનું સૌથી મોટું કારણ એ હતું કે મારા જેવી મહિલાઓની કોઈ ઓળખાણ હોતી નથી."
"આ ચૂંટણીના માધ્યમથી હું મારી ઓળખ સ્થાપવા માગું છું. અમે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અમને કોઈ પૂછતું નથી. અમારી ઓળખ જ મટી ગઈ છે."
"આ ચૂંટણીમાં ભાગ લેવાનો ઉદ્દેશ એટલો હતો કે સરકાર અમારા માટે કંઈક કરે."
દિલશાદાએ જ્યારે ચૂંટણીમાં સરપંચ તરીકે ફૉર્મ ભર્યું હતું ત્યારે અન્ય એક ઉમેદવારે પણ ફૉર્મ ભર્યું હતું.
જ્યારે એ ઉમેદવારને જાણ થઈ કે ચૂંટણીમાં દિલશાદાએ પણ ફૉર્મ ભર્યું છે તો તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
આરિફાની કહાણી

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
દિલશાદા બેગમ એકમાત્ર મહિલા નથી. આરિફા બેગમની કહાણી પણ તેમનાં જેવી છે.
કાશ્મીરના ઉત્તરમાં કુપવાડા જિલ્લા ખુમાર્યાલમાં પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી આવેલા 35 વર્ષનાં આરિફા બેગમ સરપંચની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયાં છે.
આરિફા બેગમના પતિ ગુલામ મોહમ્મદ મીર પણ વર્ષ 2010માં પુનર્વસન પૉલિસી અંતર્ગત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી પરત આવ્યા હતા.
મીર પણ કેટલાંક વર્ષો પહેલાં હથિયારોની તાલીમ લેવા માટે પાકિસ્તાન ગયા હતા. ત્યાં જ તેમણે આરિફા સાથે લગ્ન કરી લીધાં હતાં.
મીર વર્ષ 2001માં સરહદ પાર કરી પાકિસ્તાન ગયા હતા અને વર્ષ 2010 સુધી ત્યાં જ રહ્યા હતા. મીરે આરિફા સાથે મુઝફ્ફરાબાદમાં જ લગ્ન કર્યાં હતાં.
આરિફા બેગમે બીબીસી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે વાતચીત માટે ઇન્કાર કર્યો હતો.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
શું કહે છે પ્રસાશન

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
કુપવાડા જિલ્લાના મવારના રિટર્નિંગ ઑફિસર અર્શીદ હુસ્સૈને કહ્યું, " તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના છે કે નહીં તે અંગે મને માહિતી નથી. પરંતુ તેમના પાસે જે દસ્તાવેજો હતા તે ફૉર્મ ભરવા માટે પૂરતા હતા."
"તેમનું નામ મતદાર યાદીમાં પણ હતું. તેમની પાસે આધાર કાર્ડ અને બીજા અન્ય જરૂરી દસ્તાવેજો પણ હતા."
આ મતવિસ્તારના ધારાસભ્ય એન્જિનિયર રશીદે બીબીસીને કહ્યું, "મારા મતે આ કોઈ મુદ્દો નથી. એ દીકરી સરહદના પેલે પારના કાશ્મીરની હોય કે અહીયાંની, ભારત અને પાકિસ્તાન બંનેનો દાવો છે કે આ કાશ્મીર અમારું છે."
"સરહદની પેલે પારના કે આ પારની કોઈ પણ વ્યક્તિને ચૂંટણીમાં ભાગ લેવો હોય તો તેનું સ્વાગત થવું જોઈએ."
"અમે એવું જ ઇચ્છીએ છીએ કે જમ્મુ-કાશ્મીરના લોકોને શાંતિથી જીવવા મળે."
"આ દીકરી સરહદની પેલે પારના કાશ્મીરની છે અને ચૂંટણીમાં ભાગ લીધો તો સારી જ વાત છે."
કુપવાડાના કલેક્ટર ખાલિદ જહાંગીરે બીબીસીને કહ્યું, "અમને પૂરતો સમય મળ્યો નથી કે અમે આ મહિલા ક્યાંના રહેવાસી છે તેની તપાસ કરીએ."
વર્ષ 2010માં તત્કાલીન મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ જાહેરાત કરી હતી કે જે યુવાનો સરહદ પાર હથિયારોની તાલીમ લેવા માટે ગયા છે, તેઓ સરકારની પુર્નવસન પૉલિસી અંતર્ગત પરત આવી શકે છે.
આ સરકારી જાહેરાત બાદ અત્યાર સુધીમાં 400થી વધુ પરિવાર પાકિસ્તાનથી પરત આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં 17 નવેમ્બરથી નવ તબક્કામાં પંચાયતની ચૂંટણીઓ શરૂ થઈ છે.
કાયદા મુજબ આ ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ જમ્મુ અને કાશ્મીરમાં મતદાન કરી શકે અથવા તો ચૂંટણીનો ભાગ લઈ શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















