કાશ્મીર : રાજ્ય માટે સ્વાયતત્તાની ફારુક અબ્દુલ્લાની માગ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, શ્રીનગર, બીબીસી હિંદી માટે
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ડૉક્ટર ફારુક અબ્દુલ્લાએ તાજેતરમાં કેટલાક એવા નિવેદનો આપ્યા જેના પર વિવાદ સર્જાયા હતા.
અબ્દુલ્લાએ કહ્યું કે 'પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર' પાકિસ્તાનનો હિસ્સો છે, જ્યારે 'ભારત પ્રશાસિત કાશ્મીર' આપણું છે.
વધુમાં તેમણે કહ્યું કે જો 'ભારત સરકાર' કાશ્મીરને સ્વાયતત્તા નહીં આપશે તે લોકો આઝાદી માગશે.
તેમણે ઉમેર્યું કે, ભારત પાકિસ્તાન પાસેથી 'પાક. પ્રશાસિત કાશ્મીર' નથી લઈ શકતું અને કેન્દ્ર સરકારે કાશ્મીરના તમામ કાળા કાયદા પાછા ખેંચી લેવા જોઈએ.
ડૉક્ટર અબ્દુલ્લાના આ નિવેદનો અને કાશ્મીરમાં હાલની સ્થિતિ મુદ્દે બીબીસી સાથે તેમની ખાસ વાતચીત.

સવાલ : તમારા નિવેદનો પર વિવાદ કેમ થાય છે?
જવાબ : વિવાદ?
સવાલ : તમે હાલમાં જ કીધું હતું કે 'પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર' પાકિસ્તાનનું છે અને 'ભારત પ્રશાસિત કાશ્મીર' ભારતનું છે, પણ ભારત તો કહે છે કે 'પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર' ભારતનું છે. તમારું શું કહેવું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જવાબ : કહી રહ્યા છે પણ 70 વર્ષ થયા તેને લેવા માટે ભારત સરકારે શું કર્યું ? ચાર યુદ્ધ થયા, પરંતુ સરહદ તો હજી પણ છે. આથી વિપરીત ભારતે જે હાજી પીરનો વિસ્તાર મેળવ્યો હતો તેને પણ પાકિસ્તાનને આપી દીધો.
જ્યારે ભારતના વડાપ્રધાન રશિયા ગયા હતા, ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયૂબ ખાન પણ ત્યાં ગયા હતા. જ્યારે શાસ્ત્રી સાહેબ અહીંથી ગયા હતા. ત્યારે આ હાજી પીર વિસ્તાર પાછો આપી દેવો પડ્યો હતો.
આખરે તે આપણો જ વિસ્તાર હતો. આપણે તેને મેળવ્યો હતો, તો પછી પરત કેમ આપી દેવો પડ્યો? આમાં વિવાદ શું છે? તેમની પાસે તે ભાગ છે અને આપણી પાસે આ ભાગ છે. તેમાં કોઈ ફેરફાર નહીં થાય.

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ : તમે એક બીજું પણ નિવેદન આપ્યું હતું જેમાં ભારત સરકારને તમે કહ્યું કે જો સ્વાયતત્તા નહીં આપશો તો લોકો આઝાદી માગશે. પરતું લોકો તો સ્વાયત્તા કરતા આઝાદી વધુ માગે છે?
જવાબ : શું આઝાદી? આઝાદીનો અર્થ શું છે? તમે ચારે બાજુએ જમીનથી ઘેરાયેલા છો. એક તરફ ચીન પાસે પરમાણુ બોંબ છે. ભારત પાસે પરમાણુ બોંબ છે અને પાકિસ્તાન પાસે પણ છે. અમારી પાસે શું છે? અમારી પાસે તો છરી પણ નથી. આઝાદી કોની પાસેથી લઈશું? કહેવું ઘણું સરળ છે.
સવાલ : તમે ઊરીમાં નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી. તે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર' લેવા નહીં દેશે. તેમની પાસે પરમાણુ બોંબ છે. ભારત પાસે પણ તો પરમાણુ બોંબ છે?
જવાબ : મેં બન્ને વાત કહી હતી. બન્ને પાસે પરમાણુ બોંબ છે, જેનો તે ઉપયોગ નથી કરતા. અહીં પણ કરોડો લોકો મરશે અને ત્યાં પણ કરોડો મૃત્યુ થશે. સરહદ ત્યાંની ત્યાં જ રહી જશે.
ચાર વખત જંગ છતાં સરહદ તો આજે પણ યથાવત જ છે. તો ભવિષ્યમાં કઈ જંગ આ સરહદ બદલી નાંખશે. આવું નહીં થાય. આ વાત આપણી સમક્ષ જ છે. તેમાં કોઈ વિવાદ નથી.

ઇમેજ સ્રોત, AFP/GETTY
સવાલ : બિહારની એક અદાલતે તમારા નિવેદનને પગલે તમારા વિરુદ્ધ કેસ દાખલ કરવા આદેશ આપ્યો છે.
જવાબ : આદેશ આપ્યો છે. કેટલીક અદાલતોમાં કેસ થાય છે. હવે હું તેનાથી ડરી જાઉં અને મારું વલણ બદલું તે ફારુક અબ્દુલ્લા નથી.
સવાલ : એવું પણ કહેવામાં આવે છે કે તમે સમાચારોમાં રહેવા માટે આવા નિવેદનો આપો છો. શું આ સત્ય નથી?
જવાબ : આવું જે કહે છે તમે તેને જ પૂછો. તેઓ કયા આધારે પૂછે છે? તેમની પાસે કહેવા માટે કંઈ નથી હોતું.
સવાલ : ડૉક્ટર સાહેબ, સ્વાયતત્તાનો પ્રસ્તાવ તમારા સમુદાયે (જમાત) વિધાનસભામાં પસાર કર્યો હતો, પણ દિલ્હી (કેન્દ્ર સરકાર)એ તેને સ્વીકાર્યો નહીં તો તમારી સરકારે તરત જ રાજીનામું કેમ નહીં આપી દીધું?
જવાબ : કેમ નહીં માન્યો? તમે શું કહો છો કેમ નહીં માન્યો? તેના પર વાત ચાલી રહી છે.

સવાલ : પણ તે વાતનું શું થયું?
જવાબ : એક દિવસ જરૂર થશે. તે વાત આજે પણ જારી છે.
સવાલ : કેટલાક દિવસથી એવા સમાચારો આવી રહ્યા છે કે કાશ્મીરના સ્થાનિક યુવા ચરમપંથીઓના સંગઠનમાં સામેલ થઈ રહ્યા છે. આ માટે કોણ જવાબદાર છે?
જવાબ : આ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. અજીત ડોભાલની થિયરી છે કે આ લોકોને હજી વધુ દબાવવામાં આવે.
આર્મીનો ઉપયોગ કરો. પોલીસનો ઉપયોગ કરો. સુરક્ષા દળોનો પણ ઉપયોગ કરો અને બને તેટલા કાશ્મીરીઓને દબાવો અને જીત મળી જશે.
આ તેનું જ પરિણામ છે. આજે ભણેલા ગણેલા યુવાનો તેમની વિરુદ્ધ થઈ ગયા છે.
અમે પણ જોવા માંગીએ છીએ કે કાતિલના હાથોમાં કેટલું બળ છે? આ આગ અટકવાની નથી.

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ : કાશ્મીરીઓને કોનાથી જોખમ છે, પાકિસ્તાન કે આરએસએસ?
જવાબ : આરએસએસથી માત્ર કાશ્મીરને જ નહીં પણ સમગ્ર દેશને જોખમ છે. પાકિસ્તાનથી અમને કોઈ જોખમ નથી.
પાકિસ્તાન પાસે એટલી તાકાત નથી કે તે કાશ્મીરને લઈ શકે. જોખમ અમને અંદરથી જ છે, જેને અમે આરએસએસ કહીએ છીએ. મહારાષ્ટ્રમાં હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે, મુસલમાનો પર હુમલા થઈ રહ્યા છે.
ગૌરક્ષકો હુમલા કરી રહ્યા છે, આ લોકો કોણ છે? આરએસએસ સમગ્ર દેશમાં એવી આગ ભડકાવી રહ્યું છે જે વિશે અલ્લાહ જ જાણે છે કે તેની શું અસર થશે?
આ લોકો હજી કેટલા વધુ પાકિસ્તાન બનાવશે?
સવાલ : ભારત સરકાર કહે છે કે નોટબંધી બાદ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓ બંધ થઈ ગઈ. શું તમે આ દલીલ સાથે સંમત છો?
જવાબ : તમે મને એ જણાવો કે જે જવાન આજકાલ બંદૂક ઉઠાવી રહ્યો છે, શું આ નોટબંધીને લીધે થયું? શું તેઓ એવું સમજે છે કે આવું કરવાથી આ ઉશ્કેરણી બંધ થઈ ગઈ? આ લોકો એવી દુનિયામાં રહે છે જ્યાં બહેરા અને મૂંગા લોકો રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો












