છ બાબતો કરી રહી છે અમેરિકન ડ્રીમને ચૂરચૂર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એંજેલ બરમૂડેઝ
- પદ, બીબીસી વર્લ્ડ
વિશ્વની મહાશક્તિ ગણાતા અમેરિકા વિશે તેના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે ''આપણે ત્રીજા વિશ્વનો દેશ બનતા જઈએ છીએ.''
પ્રમુખપદની ચૂંટણી લડવાની જાહેરાત કરતી વખતે ડોનલ્ડ ટ્રમ્પે આ વાત કહી હતી.
જોકે, પ્રમુખ બન્યા પછીના દોઢ વર્ષ પછી પણ તેઓ આ વાત ઘણીવાર કહી ચૂક્યા છે.
ડોનલ્ડ ટ્રમ્પે આ વાત શિક્ષણના ક્ષેત્રમાં અન્ય દેશોની સરખામણીએ અમેરિકાના પ્રદર્શન સંબંધે કરી હતી.
અલબત, ડોનલ્ડ ટ્રમ્પના ટીકાકારોએ તેમના આ દાવાને ફગાવી દીધો હતો. અમેરિકા કેટલીક બાબતોમાં વિશ્વના અવિકસિત દેશોની લગોલગ હોવાનું જોવા મળી રહ્યું છે.
તમને આ પણ વાંચવું ગમશે

સરેરાશ આયુષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રના માનવવિકાસ કાર્યક્રમ(યુએનડીપી)ના એક અહેવાલમાં જણાવ્યા મુજબ, અમેરિકનોનું સરેરાશ આયુષ્ય 79.2 વર્ષનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરેરાશ આયુષ્યના આંકડાના આધારે અમેરિકા વિશ્વમાં ચાલીસમા નંબરે છે. અમેરિકા વિકસિત દેશો ઉપરાંત લેટિન અમેરિકાના દેશો ચિલી, કોસ્ટારિકા અને ક્યૂબાની પાછળ છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, નાગરિકોના સરેરાશ 83.7 વર્ષની આયુષ્ય સાથે જાપાન ટોચ પર છે, જ્યારે 48.9 વર્ષની સરેરાશ સાથે સ્વાઝીલેન્ડ સૌથી નીચે છે.
આ આંકડાઓને અમેરિકામાં શિક્ષણના સ્તર અને વંશીય સંદર્ભમાં મૂલવતાં લાગે છે કે યુનિવર્સિટીના સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કરતા શ્વેત અમેરિકનોની સરેરાશ વય 80 વર્ષ છે.
બીજી તરફ ઓછું શિક્ષણ પ્રાપ્ત કરતા આફ્રિકન-અમેરિકનોની સરેરાશ વય 66 વર્ષ છે. આ આંકડા અમેરિકાના નેશનલ સેન્ટર ઓન પોવર્ટીના સંશોધનપત્રના છે.

શિશુ મૃત્યુદર

ઇમેજ સ્રોત, Getty Images
યુએનડીપીના અહેવાલ અનુસાર, શિશુ મૃત્યુદરના સંદર્ભમાં અમેરિકા વિશ્વમાં 44મા નંબરે છે. આ લિસ્ટમાં ક્યૂબા, બોસ્નિયા, હર્ઝેગોવિના અને ક્રોએશિયા અમેરિકા કરતાં બહેતર સ્થિતિમાં છે.
આ અહેવાલમાં 2015ના આંકડાનો આધાર લેવામાં આવ્યો છે. એ મુજબ, અમેરિકામાં શિશુ મૃત્યુદર પ્રતિ 1,000 બાળકોના જન્મ સામે 5.6નો છે.

પ્રસૂતા મૃત્યુદર

ઇમેજ સ્રોત, Getty Images
2017માં લેસેન્ટ મેગેઝિનમાં એક સંશોધન લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એ મુજબ, અમેરિકામાં આ સદીની શરૂઆતથી પ્રસૂતાના મૃત્યુદરમાં વધારો થયો છે.
2001માં એ પ્રમાણ પ્રતિ 1,000 બાળકો સામે 17.5 પ્રસૂતાના મૃત્યુનું હતું, જે 2015માં 26.5ના સ્તરે પહોંચી ગયું હતું. અલબત, આ આંકડા અન્ય ઔદ્યોગિક દેશોમાં ઘટ્યા છે.
જાપાનમાં એ પ્રમાણ 8.8થી ઘટીને 6.4, ડેન્માર્કમાં 5.8થી ઘટીને 4.2 અને કેનેડામાં 7.7થી ઘટીને 7.3 થયું હતું.
અમેરિકા આ સંદર્ભમાં કોસ્ટારિકા, ચીન, વિયેતનામ અને લેબનોનની પાછળ છે.

હત્યાઓની બાબતમાં

ઇમેજ સ્રોત, Getty Images
યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઑન ડ્રગ્ઝ ઍન્ડ ક્રાઇમ(યુએનડીઓસી)ના આંકડા અનુસાર, માનવ હત્યાના મામલામાં અમેરિકા બાંગ્લાદેશ કરતાં પણ આગળ છે.
અમેરિકામાં પ્રતિ એક લાખ માણસોએ હત્યાદર 4.88નો છે. બાંગ્લાદેશમાં એ પ્રમાણ 2.51, ચિલી 3.59, કેનેડા 1.68, નેધરલેન્ડ 0.61, આલ્બેનિયા 2.28નું છે.
માનવ હત્યાના મામલામાં અમેરિકા આખી દુનિયામાં 59મા ક્રમે છે.

ટીનેજર છોકરીઓમાં ગર્ભધારણ

ઇમેજ સ્રોત, Getty Images
ટીનેજર છોકરીઓ ગર્ભવતી થવાના મામલામાં અમેરિકાનો ક્રમ વિશ્વમાં 68મો છે.
અમેરિકામાં 15થી 19 વર્ષની ઉમરમાં મા બનતી છોકરીઓનું પ્રમાણ પ્રતિ 1,000 છોકરીઓએ 21નું છે.
આ પ્રમાણ જાપાનમાં પ્રતિ એક હજારે 4, જર્મનીમાં 6, ફ્રાન્સમાં (9), ટ્યુનિશિયા 7, શ્રીલંકામાં (14) અને સર્બિયામાં 19નું છે, જે અમેરિકાથી બહેતર છે.

શિક્ષણની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વમાં શિક્ષણના સ્તરના સંદર્ભમાં અમેરિકામાં બે બાબતો ઉડીને આંખે વળગે છે.
ઈન્ટરનેશનલ પ્રોગ્રામ ફોર ધ ઇવેલ્યૂએશન ઓફ કૉમ્પિટન્સીઝના અભ્યાસમાં અમેરિકાનું પ્રદર્શન સરેરાશ સ્તરનું રહ્યું હતું.
આ અભ્યાસમાં ભણવાની યોગ્યતા અને ગણતરી કરવાની સક્ષમતાના આધારે ત્રણ અલગ-અલગ શૈક્ષણિક સ્તરોની તપાસ કરવામાં આવી હતી.
હાઈસ્કૂલનું અભ્યાસ પૂરો ન કર્યો હોય, સેકન્ડરી શિક્ષણ લીધું હોય અને કમસેકમ બે વર્ષ યુનિવર્સિટીનો અભ્યાસ કર્યો હોય એવા લોકોને આ અભ્યાસમાં આવરી લેવાયા હતા.
આ અભ્યાસમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક ગણરાજ્ય, ડેન્માર્ક, ઈસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની અને જાપાન જેવા દેશો પણ સામેલ થયા હતા.
ભણવાની સક્ષમતાના મામલામાં સૌથી ખરાબ પરિણામ ધરાવતા દેશોમાં અમેરિકા સમાવિષ્ટ હતું.
યુનિવર્સિટી શિક્ષણના મામલામાં અમેરિકા આઠ દેશોની આગળ હતું.
હાઈસ્કૂલમાં અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા લોકો વચ્ચે અમેરિકામાં મોટું અંતર હોવાનું પણ તેમાં જાણવા મળ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












