ગુજરાતના આ ગામમાં વિકાસ ગાંડો નથી થયો, પણ ખોવાયો છે?

ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે હાલ બીબીસીની ટીમ ગુજરાતનાં અંતરિયાળ ગામડાં ખૂંદી રહી છે.
#BBCGujaratiPopUpની ટીમ હાલ ગુજરાતના અતિ પછાત ગણાતા ડાંગ જિલ્લામાં છે.
ગુજરાતના સૌથી વધુ આદિવાસી વસતિ ધરાવતા આ જિલ્લાની વસતિ 2011ની છેલ્લી ગણતરી મુજબ સવા બે લાખ જેવી છે.
આ જિલ્લામાં 94 ટકા આદિવાસીની વસતિ છે અને 98 ટકા વસતિ શિડ્યૂલ ટ્રાઇબ્સમાં આવે છે.
તમને આ પણ વાંચવું ગમશે
ડાંગમાં 75 ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે.
ગુજરાતના વિકાસની અસર ડાંગ સુધી પહોંચી છે કે નહીં તે જોવા માટે ડાંગના અંતરિયાળ ગામડાં સુધી અમારી ટીમ પહોંચી.

...તો મતદાન નહીં

બીબીસી સંવાદદાતા વિનિત ખરેએ ડાંગનાં કરાડીઆંબા ગામની મુલાકાત લીધી હતી. આ ગામ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામમાં આશરે 500 થી 600ની વસતિ છે. ડુંગરોની વચ્ચે આવેલું અને કાચાં મકાનો ધરાવતું આ ગામ ગુજરાતનું અંતિમ ગામ છે.
આ ગામ બાદ મહારાષ્ટ્રની સરહદ શરૂ થઈ જાય છે, પરંતુ અહીં વિકાસની સ્થિતિ શું છે?
આ ગામના લોકોએ નક્કી કર્યું છે કે જો વિકાસ અંગે જો તેમની માગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરે.
ગામની સમસ્યાઓ અંગે વાત કરતા કાજલ કહે છે, 'અમારે અહીં રસ્તાનો પ્રશ્ન છે. રસ્તો આખો ખોદાયેલો છે અને અમને જવા આવવામાં બહુ મુશ્કેલી પડે છે.'
તે કહે છે કે સ્મશાનનો પણ પ્રશ્ન છે. સ્મશાન માટે પૂરતી જમીન નથી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે, ત્યાં જ ઉનાળો આવતા પાણીની તંગી ઊભી થાય છે.

રસ્તો પણ શોધવો પડે
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
કાજલ કહે છે કે ઉનાળો આવતા ચેકડેમમાં પાણી સુકાઈ જાય છે અને કૂવામાં પાણી રહેતું નથી.
આ ગામના જ મધુકરભાઈ કહે છે, 'મેઇન રોડથી ગામમાં આવવા માટેનો રસ્તો સાવ તૂટેલો છે એટલે કે રસ્તો છે જ નહીં. રસ્તો શોધવા રસ્તો જડે નહીં એવી પરિસ્થિતિ છે.'
ગામના લોકોએ તળાવ અને ચેકડેમની ઊંચાઈ વધારવા માટે તંત્રને રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.
ચોમાસું પૂર્ણ થતાની સાથે ડાંગનાં ઘણાં ગામો ખાલી થવા લાગે છે.
ગામમાંથી લોકો સ્થળાંતર કરીને રોજગારી માટે ગુજરાતના અન્ય વિસ્તારોમાં જતા રહે છે.

ગામમાં કંઈ કામ જ નથી

રોજગારી અને ગામમાંથી થતા સ્થળાંતર અંગે વાત કરતા યુવાન રિતેશભાઈ જણાવે છે કે અહીં રોજગારીની કોઈ તકો નથી.
એટલે કમાવા માટે લોકો શેરડીની મિલો કે શેરડીની કાપણીનાં કામ માટે બહાર જતા રહે છે.
ઑક્ટોબરથી લઇને માર્ચ સુધી તેઓ આ કામ કરે છે અને પછી પરત ફરે છે.
રિતેશભાઈ કહે છે કે ગામમાં માત્ર વૃદ્ધો રહે છે નાનાં બાળકોને પણ માતા-પિતા મજૂરી કરવા બહાર જતી વખતે સાથે લઈ જાય છે.
ગામના એક વડીલ અનદભાઈ સાથે બીબીસીએ વાત કરી તો તેમણે કહ્યું કે પાણીની બહુ મુશ્કેલી છે. જેનો કોઈ ઉકેલ આવતો નથી.
ગુજરાતની સરહદ પર આવેલું આ ગામ જાણે ગુજરાતના વિકાસથી બહુ દૂર છે.

ગામમાં એમ્બ્યુલન્સ પણ આવતી નથી

દયારામ બીબીસી સાથે વાત કરતા કહે છે કે અહીં કોઈ આવતું નથી. કોઈ અમને પૂછતું પણ નથી કે સ્થિતિ શું છે?
આગળ તેમણે કહ્યું, 'લોકો મજૂરી કરીને જીવે છે. પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. અનેક કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડે છે.'
"કોઈ બીમાર પડે તો અમારે ઝોળી કરીને માણસોને લઈ જવા પડે છે. ખરાબ રસ્તાને કારણે 108 સેવાની એમ્બ્યુલન્સ પણ અમારા ગામમાં આવતી નથી."
"સરકારે રસ્તા બનાવવાની શરૂઆત તો કરી છે, પરંતુ બને કે નહીં તે ખબર નથી."
ગામના લોકો વર્ષોથી ગુજરાતની સાથે સાથે તેમનો વિકાસ થાય તેની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ હજી સુધી ગામમાં જવા માટે સારો રસ્તો પણ બન્યો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












