રાજ ઠાકરે : ગુજરાતીઓને ક્યારથી માંસની વાસ આવવા લાગી?

રાજ ઠાકરેનો વિરોધ કરી રહેલા સમાજવાદી પાર્ટીના કાર્યકરોની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજ ઠાકરેનો વિરોધ કરી રહેલા સમાજવાદી પાર્ટીના કાર્યકરોની ફાઇલ તસવીર

મનસેના સુપ્રીમો રાજ ઠાકરેએ શનિવારે સાંજે થાણેમાં જાહેરસભાને સંબોધી હતી. ઠાકરેએ કહ્યું હતું કે ગુજરાતીઓને પહેલા માંસની વાસ આવતી ન હતી, હવે અચાનક શા માટે વાસ આવવા માંડી છે?

ઠાકરેએ ફેરિયાઓ સામેની કાર્યવાહીને ચાલુ રાખવાની વાત પણ કહી હતી.

ઠાકરેએ 5મી ઓક્ટોબરે ફેરિયાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને 15 દિવસની મુદ્દત આપી હતી.

અનેક સ્થળોએ મનસેના કાર્યકરોએ ફેરિયાઓ સાથે મારઝૂડ કરીને તેમના સામાનને નુકસાન પહોંચાડ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

line

જૈન મુનીઓ ફતવા કાઢવા લાગ્યા

મનસેની રેલીની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનસેની રેલીની ફાઇલ તસવીર

- ભૂગોળને કારણે ઇતિહાસ બન્યો છે. ઇતિહાસમાં જે કાંઈ બન્યું છે તે જમીન માટે બન્યું છે. મહારાષ્ટ્રની જમીન માટે કાવતરું થઈ રહ્યું છે. અહીં ઊંચીઊંચી ઇમારતો બાંધવામાં આવે છે. શું તે માત્ર જૈનો અને ગુજરાતીઓ માટે છે ?

- આ ગુજરાતીઓને અચાનક જ માંસની વાસ આવવા લાગી ? આટલાં વર્ષોથી તેઓ અહીં રહેતાં હતાં. અત્યારસુધી તો વાસ નહોતી આવતી. હવે અચાનક જ વાસ કેમ આવવા લાગી?

- આ જૈન મુનિઓ ક્યારથી મુલ્લા-મૌલવીઓની જેમ ફતવા કાઢવા લાગ્યા કે કતલખાનાં બંધ રાખો ?

- બુલેટ ટ્રેન માટે લાખો કરોડનું દેવું કરવામાં આવી રહ્યું છે અને ટ્રેન જશે અમદાવાદ. ટ્રેન દિલ્હી કે ચેન્નાઈ કેમ નહીં જાય?

મુંબઈ થોડા ગુજરાતીઓ માટે અને અમદાવાદના ગુજરાતીઓ માટે આ દેવું કરવામાં આવી રહ્યું છે. જેનું દેવું તમામ દેશવાસીઓએ ચૂકવવું પડશે.

- આપણે કહીએ છીએ કે ભારત મારો દેશે અને તમામ ભારતીયો મારા ભાઈ-બહેન છે. તો બધાયને એકસમાન સગવડ અને સુવિધાઓ કેમ નથી મળતી?

મોદી જે કાંઈ કરે છે, તે ગુજરાતીઓ માટે કરે છે. હું મરાઠીઓની વાત કરું તો મને સંકુચિત કહેવામાં આવે છે, પરંતુ મોદીને કોઈ સંકુચિત નથી કહેતું.

- ચૂંટણીઓ પૂર્વે અમે મહારાષ્ટ્રના વિકાસની બ્લૂ પ્રિન્ટ આપી હતી, જ્યારે ગુજરાતની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં ભાજપ બ્લૂ ફિલ્મ દેખાડી રહ્યો છે.

line

અસ્તિત્વ માટે સંઘર્ષ

રાજ ઠાકરેની તસવીર

ઇમેજ સ્રોત, Facebook/RajThackrey

બીબીસી મરાઠીના સંપાદક આશિષ દીક્ષિતના કહેવા પ્રમાણે, "મનસે તેની સ્થાપનાથી અત્યારસુધીમાં સૌથી મોટા સંટકટમાંથી પસાર થઈ રહી છે.

"મુંબઈમાં પાર્ટીના સાતમાંથી છ કોર્પોરેટર શિવસેનામાં જોડાઈ ગયા હતા. અન્યત્ર પણ પાર્ટીનું ખાસ અસ્તિત્વ રહ્યું નથી.

"આથી, તેઓ પાર્ટીના કાર્યકરોને સંદેશ આપવા માંગે છે કે પાર્ટી હજુ હયાત છે. તેઓ પાર્ટીને બેઠી કરવાના પ્રયાસમાં છે.

"હાલમાં બે વર્ષ સુધી કોઈ મોટી ચૂંટણી નથી. એટલે રાજ ઠાકરે અલગઅલગ મુદ્દાઓ ચકાસી રહ્યાં છે.

"એટલે જ તેમણે શનિવારની સભામાં જૈનો અને ગુજરાતીઓ પર નિશાન સાધ્યું હતું. તેઓ ચકાસવા માંગે છે કે મરાઠીઓમાં આ સમુદાય વિરૂદ્ધનો આક્રોશ કેટલો છે. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો