વેસ્ટ ઇન્ડીઝ સામેની એ મૅચ જેમાં તૂટેલા જડબા સાથે ભારતના બૉલરે કરી હતી બૉલિંગ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને વેસ્ટ ઇન્ડીઝનો ટી20 વર્લ્ડકપની એક નિર્ણાયક મૅચમાં મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મૅચ ક્વાર્ટરફાઇનલ સમાન છે કારણ કે જીતનારી ટીમ સેમીફાઇનલમાં જશે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ઘણા ઐતિહાસિક અને યાદગાર મુકાબલા થયા છે, જેને દાયકાઓથી ક્રિકેટપ્રેમીઓ યાદ કરતાં રહે છે.
1983ની વર્લ્ડકપની ફાઇનલ હોય, ગાવાસ્કરે વેસ્ટ ઇન્ડીઝના ખતરનાક બૉલરો સામે નોંધાવેલી સદી હોય, વેસ્ટ ઇન્ડીઝના બૉલરોની ઘાતક બૉલિંગ હોય કે પછી છેલ્લે વેસ્ટ ઇન્ડિઝે 2016ના ટી20 વર્લ્ડકપમાં ભારતને હરાવીને બહાર ફેંકી દીધું હોય, વર્ષોવર્ષ ટીમો બદલાઈ, પરંતુ સમયાંતરે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રસપ્રદ મુકાબલા થતા રહ્યા છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેનો આવો જ એક મુકાબલો 2002માં થયો હતો જેમાં ભારતના બૉલર અનિલ કુમ્બલેએ તૂટેલાં જડબાં સાથે બૉલિંગ કરી હતી.
ખતરનાક બાઉન્સરથી કુમ્બલેનું જડબું તૂટી ગયું

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ચોથી મૅચ એન્ટિગુઆમાં રમાઈ રહી હતી. મે 12, 2002નો આ દિવસ હતો. સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારત રમી રહ્યું હતું.
પહેલી ઇનિંગમાં ભારતની બેટિંગ હતી અને કુમ્બલે બેટિંગ કરી રહ્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝના બૉલર મૅર્વિન ડિલોને ખતરનાક બાઉન્સર ફેંક્યો અને કુમ્બલેનું જડબું તૂટી ગયું. તેમને લોહી નીકળી ગયું હતું.
જોકે, કુમ્બલેએ પ્રાથમિક સારવાર પછી લગભગ 20 મિનિટ સુધી બેટિંગ કરી હતી અને પછી ખ્યાલ આવ્યો હતો કે તેમનું જડબું તૂટી ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સે કહ્યું હતું કે, "આ ક્રિકેટના મેદાન પર મેં જોયેલી સૌથી બહાદુરીની ક્ષણ હતી."
કુમ્બલે છ રને આઉટ થઈ ગયા હતા. ભારતે પહેલી ઇનિંગમાં નવ વિકેટે 513 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી.
'મારી પત્નીને કહ્યું કે હું બૉલિંગ કરવા જઈ રહ્યો છું...'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુમ્બલેએ 20 મિનિટ સુધી બેટિંગ કરી પરંતુ કોઈને એ વાતનો અણસાર નહોતો કે હજુ કુમ્બલેની બહાદુરીનો પરચો મળવાનો બાકી છે.
તેમનું જડબું તૂટી ગયું હોવાથી કોઈને આશા નહોતી કે તેઓ બૉલિંગ કરવા ઉતરશે. પરંતુ તેઓ તૂટેલાં જડબાને કારણે મોં પર મોટો પાટો બાંધીને મેદાન પર ઉતર્યા અને બૉલિંગ પણ કરી.
જિઓ સિનેમા સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે વર્ષો પહેલાં આ ઘટના અંગે વાતચીત કરી હતી.
કુમ્બલે કહ્યું હતું કે, "મેં મારી પત્ની ચેતનાને ફોન કરીને આ ઇજા અંગે વાત કરી હતી. જ્યારે અમે વાત કરી ત્યારે મેં તેને કહ્યું હતું કે મારે ઘરે આવવું પડશે કારણ કે મારે સર્જરી કરાવવાની છે. એટલે મારી પત્નીએ બેંગલુરુમાં સર્જરીની બધી તૈયારી કરી રાખી."
"પછી મેં તેને ફોનમાં કહ્યું કે 'જો હું કાલે જઈશ અને બૉલિંગ કરીશ'. તેને એવું લાગ્યું કે હું મજાક કરી રહ્યો છું."
કુમ્બલેએ કહ્યું હતું કે, "હું ડ્રેસિંગરૂમમાં ગયો ત્યારે મેં જોયું કે સચીન બૉલિંગ કરી રહ્યા હતા અને વેવેલ હિન્ડ્સ બેટિંગ કરી રહ્યા હતા. ટીમમાં માત્ર સચીન જ બચ્યા હતા કે મારા બદલે બૉલિંગ કરી શકે. મને લાગ્યું કે મારે જવું પડશે અને કેટલીક વિકેટો લેવી પડશે. "
અને પછી કુમ્બલે ન માત્ર મેદાન પર ઊતર્યા, તેમણે 14 ઑવર ફેંકી અને બ્રાયન લારાને એલબીડબ્લ્યુ આઉટ પણ કરી દીધા.
આ મૅચ તો અંતે ડ્રૉ ગઈ હતી પરંતુ કુમ્બલેને કાયમ તૂટેલાં જડબાં પછી પણ મેદાનમાં ઉતરવાની બહાદુરી માટે યાદ કરવામાં આવે છે.
વેસ્ટ ઇન્ડીઝ અને ભારત: સામસામેનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોનું આ વર્લ્ડકપમાં પ્રદર્શન સારું રહ્યું છે. બંને ટીમોએ ગ્રૂપ સ્ટેજમાં પોતાની ચારેય મૅચ જીતી હતી.
ભારતે પાકિસ્તાન, અમેરિકા, નેધરલૅન્ડ્ઝ અને નામીબિયાને હરાવ્યું હતું તો બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, ઇટાલી અને નેપાળને હરાવ્યું હતું.
પરંતુ સુપર-8માં ભારતની દક્ષિણ આફ્રિકા સામે હાર થઈ છે અને વેસ્ટ ઇન્ડીઝની પણ દક્ષિણ આફ્રિકા સામે હાર થઈ છે.
હાલમાં વેસ્ટ ઇન્ડીઝનો રનરેટ +1.791 છે અને ભારતનો રનરેટ -0.100 છે.
2016 પછી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વર્લ્ડકપમાં પહેલી વાર આમને સામને ટકરાઈ રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં બંને ટીમો ઘણી બદલાઈ ચૂકી છે, એવામાં મુકાબલો રસપ્રદ રહે તેવી શક્યતા છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેના અત્યાર સુધી 30 ટી-20 મુકાબલા ઉપર નજર કરીએ તો આમાંથી 19માં ભારતનો વિજય થયો છે અને 10 મૅચમાં કેરેબિયન ટીમ વિજયી રહી છે.
જ્યારે બંને ટીમ વચ્ચેની એક મૅચ અનિર્ણયીત રહી હતી.
બીજી બાજુ, ઇડન ગાર્ડનનું મેદાન પર ભારતીય ટીમનો રેકૉર્ડ સ્થાનિક ક્રિકેટચાહકો માટે આશા જન્માવે એવો છે.
અહીં ભારત અને મહેમાન ટીમ વચ્ચે ચાર વખત ટક્કર થઈ છે અને ચારેય મૅચમાં ભારતનો વિજય થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












