ઉમરપાડામાં છેલ્લા 23 દિવસથી ચાલતા આદિવાસી ખેડૂતોનાં ધરણાંનો અંત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @InfoSuratGOG
ઉમરપાડામાં છેલ્લા 23 દિવસથી ચાલતા આદિવાસી ખેડૂતોનાં ધરણાંનો સોમવારે અંત આવ્યો છે. રાજ્ય સરકારના બે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રવીણ માળીએ ખોપી ગામના સરપંચ ઈશ્વર પટેલને પાણી પીવડાવીને પારણાં કરાવ્યાં છે.
આ સમયે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ બે મંત્રીઓ સાથે ધરણા સ્થળે પહોંચ્યા હતા. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે પારણાં કરાવનારા મંત્રી પ્રવીણ માળીએ જ મીડિયા સાથેની વાતમાં કહ્યું છે કે કહ્યું હતું, "જંગલ જમીન પર ખેતી કરવા અંગે સાગબારાના આદિવાસી ખેડૂતોના પૅન્ડિંગ દાવાઓ વહેલીતકે મંજૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. એફઆરએ 2006 ઍક્ટ અંતર્ગત જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે."
તેમણે ઉમેર્યું, "આ બાબતને લગતા તમામ પક્ષકારોને સાથે રાખીને આ નિર્ણય કરાયો છે."
અહીં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું "રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ રાખ્યો. મુખ્ય મંત્રીની સૂચનાથી નાયબ મુખ્ય મંત્રીએ બેઠક કરી જેમાં પૉઝીટીવ વાત કરી કે સાગબારાના ખેડૂતો જે ખેતી કરતા હતા તેમને તેનો હક મળવો જોઈએ લાભ મળવો જોઇએ. મારું માનવું છે કે બે થી ત્રણ મહિનામાં તેમને અધિકાર પત્રો મળી જશે. ખુશીની વાત એ છે કે રાજ્યમાં 60-70 હજાર પૅન્ડિંગ દાવા છે તેમને પણ ટૂંક સમયમાં અધિકાર પત્રો મળશે."
શું હતો વિવાદ?
રાજ્યના નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીન પર ખેતી મુદ્દે વિવાદ હતો. વર્ષોથી સાગબારાનાં 12 ગામના ખેડૂતો ઉમરપાડાની જંગલ જમીન પર ખેતી કરી રહ્યા હતા.
જેના વિરોધમાં ઉમરપાડા ખેડૂતોએ વન વિભાગને રજૂઆત કરી હતી. અને વન વિભાગે આ ફરિયાદના આધારે ઉમરપાડાના ખેડૂતોને બે વર્ષથી ખેતી કરતા અટકાવી દીધા હતા. જેના વિરોધમાં છેલ્લા 23 દિવસથી સાગબારાના 12 ગામના ખેડૂતો ખોપી ગામે ધરણાં પર બેઠા હતા.
લિયોનેલ મેસ્સીએ ફૂટબૉલમાંથી નિવૃત્તિનું ઍલાન કર્યું, શું સંદેશ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
આર્જેન્ટિનાના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું કે આ નિર્ણયથી તેમને 'દુઃખ' થયું છે, પરંતુ તેઓ સમજે છે કે 'સમય આવી ગયો છે.'
આ વર્ષે અમેરિકા, કૅનેડા અને મૅક્સિકોમાં આયોજિત ફૂટબૉલ વર્લ્ડકપમાં મેસ્સીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો.
ભલે તે આ વખતે કોઈ ટ્રૉફી, વ્યક્તિગત પુરસ્કાર કે કોઈ સન્માન જીતી શક્યા ન હતા, પરંતુ તેમનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હતું.
એટલું જ નહીં, તેમણે આર્જેન્ટિનાને સતત બીજા વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચાડ્યું હતું.
39 વર્ષીય મેસ્સીએ 2022માં કતારમાં આર્જેન્ટિનાને વર્લ્ડકપમાં જીતાડ્યું હતું. તેમણે 207 આંતરરાષ્ટ્રીય મૅચોમાં 125 ગોલ કર્યા છે, જેના કારણે તેઓ દેશના સર્વકાલીન અગ્રણી ગોલસ્કોરર અને સૌથી વધુ મૅચ રમનારા ખેલાડી બની ગયા છે.
ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદનમાં મેસ્સીએ કહ્યું હતું કે તેણે રાષ્ટ્રીય ટીમને બધું જ આપી દીધું છે. પરંતુ હવે તેમની પાસે 'આપવા માટે કંઈ બચ્યું નથી.'
તેમણે લખ્યું, "ફાઇનલ પછી ઘણો સમય વીતી ગયા પછી અને ઘણો વિચાર કર્યા પછી હું બધાને જણાવવા માગુ છું કે હું રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું."
મક્કા કરારમાં પાકિસ્તાનને મળી મોટી જવાબદારી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર હેઠળ સ્ટ્રેટેજિક, પૉલિટિકલ અને ડિફેન્સ કમિટીની પ્રથમ બેઠક સોમવારે ઇસ્તંબુલમાં યોજાઈ હતી.
આ બેઠકમાં ત્રણ સભ્ય દેશો પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં, ત્રણેય દેશોએ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, "ત્રણેય દેશો મક્કા કરાર હેઠળ સહયોગને વધુ સંસ્થાગત બનાવવા માટે એક સચિવાલય સ્થાપિત કરવા સહમત થયા છે. આ સચિવાલય સાઉદી અરેબિયામાં સ્થિત હશે અને તેનું નેતૃત્વ સેક્રેટરી-જનરલ કરશે."
"પાકિસ્તાનના એક પ્રતિનિધિને સચિવાલયના પ્રારંભિક મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેઓ ત્રણ વર્ષ માટે આ જવાબદારી સંભાળશે."
ત્રણેય દેશોએ તેમની સંરક્ષણ ક્ષમતાઓ અને સશસ્ત્ર દળો વચ્ચે તાલમેલ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમાં સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ, ટૅક્નૉલૉજીકલ ડેવલપમેન્ટ અને ડિફેન્સ ક્ષેત્રમાં સંયુક્ત ઉત્પાદનનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે મક્કા કરાર પર 7 ઑગસ્ટ, 2026 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ ત્રણેય દેશો (પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી) માંથી કોઈપણ પર જો સશસ્ત્ર હુમલો થશે તો એ ત્રણેય દેશો પર હુમલો માનવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























