ભાજપ કે કોંગ્રેસને દલિત મતોની જરૂર કેમ નથી?

ગુજરાતના દલિત સમુદાયો માટે પણ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ બિનદલિતો પર આધારિત છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના દલિત સમુદાયો માટે પણ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ બિન-દલિતો પર આધારિત છે
    • લેેખક, પારસ કે. જ્હા
    • પદ, બીબીસી ગુજરાતી

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈને પક્ષીય અને ચૂંટણીના રાજકારણમાં વિધિવત પ્રવેશી ગયા.

હાર્દિક પટેલની આક્રમકતા અને તેને મળતા સામાજિક ટેકાને કારણે કોંગ્રેસ તેને સાંભળીને તેની શરતો પર વિચાર કરવા તૈયાર છે.

પરંતુ હાલ ગુજરાતના રાજકારણમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા ત્રીજા યુવા નેતા જિગ્નેશ મેવાણીને રાજકીય પક્ષો ખાસ મહત્ત્વ નથી આપી રહ્યા.

ભારતીય જનતા પક્ષ પણ હાર્દિકને આ ચૂંટણીમાં એક અવગણી ન શકાય તેવા ખેલાડી તરીકે જુએ છે.

રાહુલ ગાંધી સાથે એક પ્રતીકાત્મક મુલાકાતને બાદ કરતા કોઈ રાજકીય પક્ષ સંવાદ માટે નથી બોલાવતા એવું જિગ્નેશ પણ સ્વીકારે છે.

તમને આ પણ વાંચવું ગમશે:

જિગ્નેશને સંવાદ માટે ન બોલાવવા પાછળ તેમનાં વ્યક્તિત્વ કરતા તે જે સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, તે સમુદાય માટેની રાજકીય પક્ષોની ગણતરી પણ કારણભૂત હોવાનું દલિત આગેવાનો અને રાજકીય અવલોકનકારો માને છે.

line

દલિતોનું પ્રતિનિધિત્વ બિનદલિતો પર આધારિત

દલિત અધિકારો માટેની રેલીની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકીય પક્ષો ગુજરાતમાં દલિતોને ખાસ ગણતરીમાં લેતા નથી

જેને કારણે કોઈ પણ રાજકીય પક્ષ એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ માટે દલિતોને વોટ બેન્ક નહીં, પરંતુ ચૂંટણીમાં બંધારણ અનુસાર જીતવી પડતી એક ફરજિયાત અનામત બેઠકથી વિશેષ કંઈ નથી રહેતા.

આ બેઠકો પણ તેમણે બિનદલિત મતોથી જ જીતવાની રહે છે.

ગુજરાતના દલિત સમુદાયો માટે પણ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ બિનદલિતો પર આધારિત છે.

આ બાબતે વર્ષોથી દલિત અધિકારો માટે લડત ચલાવતા સંગઠનો અને દલિત રાજકારણના અભ્યાસુઓ પણ માને છે કે, રાજકીય પક્ષો ગુજરાતમાં દલિતોને ખાસ ગણતરીમાં લેતા નથી.

line

શું કહે છે આંકડા?

દલિત વિરોધ પ્રદર્શનની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાર્દિક અને અલ્પેશ ઠાકોર જેવા જ્ઞાતિ, સમાજ આધારિત નેતાઓને ખૂબ જ મોટું જનસમર્થન છે

ગુજરાતમાં દલિત સમાજકારણ અને રાજકારણના અભ્યાસુ અને વિશ્લેષક ચંદુ મહેરિયાના મતે દલિતોની વસતી રાજ્યમાં માત્ર સાડા સાત ટકા જેટલી અને તે પણ સમગ્ર રાજ્યમાં વહેંચાયેલી છે.

તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે અસારવાની બેઠક બિન-અનામત નહોતી, ત્યારે ભાજપના નેતા પ્રદિપસિંહ જાડેજાને વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં 53.35 ટકા મળ્યા હતા.

આ જ બેઠક જ્યારે 2012ની ચૂંટણીમાં દલિત માટે અનામત થઈ, ત્યારે ભાજપના જ ઉમેદવાર નિવૃત્ત આઈએએસ અધિકારી આર. એમ. પટેલને 61.98 ટકા મત મળ્યા હતા.

આવી જ રીતે વડોદરા શહેરની બેઠક પર મનીષા વકીલ 1.03 લાખ મતોથી જીત્યાં હતાં. એ બેઠક પર દલિત મતો માત્ર 30 હજાર 863 જેટલા જ હતા.

એ જ સ્થિતિ ઈડરમાં રમણલાલ વોરા માટે પણ હતી. આ દલિત અનામત બેઠકમાં 31 હજાર 244 દલિત મતોની સામે વોરાને 90 હજાર 279 મત મળ્યા હતા.

તેમણે કહ્યું, "જેથી ચૂંટણીમાં દલિતો માટેની અનામત બેઠકો જીતવા માટે પણ રાજકીય પક્ષોએ બિનદલિત મતો પર આધાર રાખવો પડે છે.

આથી દલિત આગેવાનો કે દલિત મતોને ખાસ મહત્ત્વ નથી મળતું. એટલે જ દલિત અનામત બેઠકો પરથી જીતેલા દલિત પ્રતિનિધિઓ પણ દલિતો કરતાં બિનદલિતોના પ્રશ્નોને અગ્રતાક્રમે હાથ પર લે છે."

તેમણે ઉમેર્યું, "આ ઉપરાંત હાર્દિક અને અલ્પેશ ઠાકોર જેવા જ્ઞાતિ, સમાજ આધારિત નેતાઓને ખૂબ જ મોટું જનસમર્થન છે.

જ્યારે જિગ્નેશ પાસે એવું નથી. 7.5 ટકા દલિત વસતીમાં મતદારો તો માત્ર સાડા ત્રણ ટકા જેટલા જ છે. એમાંથી ખરેખર મતદાન કરનારાંનું પ્રમાણ અઢી ટકા જેટલું હોય ત્યારે દલિતોને ખાસ મહત્ત્વ ન મળે."

line

વસતી ઓછી છે, પણ દલિતો પ્રશ્નો પૂછે છે

માર્ટિન મેકવાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દલિત આગેવાન માર્ટિન મેકવાન માને છે કે ગુજરાતમાં દલિતોની વસતી પંજાબ, ઉત્તર પ્રદેશ જેટલી નથી એટલે રાજકીય રીતે તેમની અવગણના થઈ શકે

ગુજરાતમાં દલિત અધિકારો માટે દશકોથી આંદોલન કરી રહેલાં દલિત આગેવાન માર્ટિન મેકવાન પણ માને છે કે ગુજરાતમાં દલિતોની વસતી પંજાબ, ઉત્તર પ્રદેશ જેટલી નથી એટલે રાજકીય રીતે તેમની અવગણના થઈ શકે છે.

તેમણે કહ્યું, "જ્યારે બીજા સમુદાયો અનામત માટે આંદોલનો કરે છે, ત્યારે દલિતો પાસે તો બંધારણે આપેલી અનામત છે, પરંતુ તેમની પાસે પોતાનો કોઈ એવો એક નેતા નથી.

ઓછી અને વિખરાયેલી વસતીને કારણે દલિત નેતાઓ પાસે તેમને ટેકો કરતો આગવો જનસમૂહ નથી."

તેમણે ઉમેર્યું, "ગ્રામ પંચાયત અ તાલુકા પંચાયત સુધી દલિતો અપક્ષ તરીકે અનામત વિના પણ ચૂંટણી જીતી શકે છે, પરંતુ વિધાનસભા અને જિલ્લા કક્ષાએ એ શક્ય બનતું નથી.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી એક પણ બેઠક એવી નથી કે, જ્યાં દલિત મતો ચૂંટણીના પરિણામોમાં નિર્ણાયક બની શકે."

line

શું કહે છે, જિગ્નેશ મેવાણી?

યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી કહે છે, તે દલિતો ઉપરાંત અન્ય જનસમૂહોનાં આંદોલનોનો હિસ્સો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી કહે છે, તે દલિતો ઉપરાંત અન્ય જનસમૂહોનાં આંદોલનોનો હિસ્સો છે

જો કે યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી પોતાને માત્ર દલિત નેતા નહીં પણ અન્ય સામાજિક આંદોલનોના પણ આગેવાન માને છે.

તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, “આ વખતે ગુજરાતની ચૂંટણીમાં જે પ્રકારે મતદાન થશે એ માત્ર દલિત હોવાને આધારે નહીં થાય.

“એ થશે દલિત, ઠાકોર, મુસ્લિમ, કોળી પટેલ, આશા વર્કર્સ, આંગણવાડીની બહેનો, નારાજ ખેડૂતો, નારાજ કર્મચારીઓ, દ્વારા હું આ સમગ્ર વ્યવસ્થાનો એક ભાગ છું.”

તેમણે વધુમાં કહ્યું, “મારી અસર યુવા વર્ગમાં છે અને તે માત્ર દલિત સમાજમાં છે એવું નથી, દલિત સમાજમાં તો છે જ, એ ઉપરાંત પણ હું આશા વર્કર્સ અને આંગણવાડી બહેનો અને સફાઈ કર્મચારીઓના આંદોલનનો પણ હિસ્સો બનેલો છું.”

તેમણે ઉમેર્યું, “મારી અસર માત્ર દલિત સમાજ સુધી મર્યાદિત ન રહેતાં ગુજરાતનાં જનસમૂહમાં ફેલાયેલી છે.

“ગુજરાતમાં દલિતો નરેન્દ્ર મોદી સાથે નથી એ સંદેશો સમગ્ર દેશમાં પણ ગયો છે. દેશમાં દલિતો 17 ટકા છે અને વર્ષ 2019ની ચૂંટણીઓ પણ દૂર નથી.”

line

ચૂંટણીના રાજકારણમાં ગુજરાતમાં દલિતો નહીં ફાવે?

દલિત અધિકારો માટેની રેલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "આખો સમાજ દલિતોના પ્રશ્નો સમજે અને મોટું સામાજિક પરિવર્તન આવે તે શક્ય નથી."

રાજકીય સમીક્ષક અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક પ્રો. ઘનશ્યામ શાહ માને છે કે ચૂંટણી આધારિત રાજકારણથી ગુજરાતમાં દલિતોની સ્થિતિ બદલાય તે હાલ સંભવ નથી.

તેમણે કહ્યું, "આખો સમાજ દલિતોના પ્રશ્નો સમજે અને મોટું સામાજિક પરિવર્તન આવે તે શક્ય નથી."

તેમણે ઉમેર્યું, "ચૂંટણી આધારિત રાજકારણ માટે દલિતોની વસતી અને મતો ગુજરાતમાં રાજકીય રીતે મહત્ત્વ નથી ધરાવતા."

તેમણે વધુમાં કહ્યું, "આથી દલિતો માટે અન્ય જ્ઞાતિઓ સાથેના જોડાણથી જ સ્થિતિમાં બદલાવ આવી શકે તેમ લાગે છે."

પ્રો. શાહે કહ્યું કે, દલિતોમાં પણ નેતાઓ છે, પરંતુ વિભાજિત થયેલા છે. દરેક રાજકીય પક્ષ તેમનો અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરી લે છે.

તેમણે હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશની ત્રિપુટી વિશે કહ્યું, "હાર્દિક પાસે અનામત સિવાય બીજો કોઈ મુદ્દો નથી. તેમને રાજકીય પક્ષો એક અથવા બીજી રીતે મનાવી શકે છે.

"અલ્પેશ પાસે પણ દારૂબંધીને બાદ કરતાં કોઈ મોટા મુદ્દા નથી, જ્યારે જિગ્નેશ માત્ર દલિતોની વાતો નથી કરતા.

"એ રાજ્યમાં બેરોજગારી, શિક્ષણ, આરોગ્યની સ્થિતિ પર પ્રશ્નો કરે છે. એ સરકારના 'નેચર ઑફ ઇકોનોમી' પર સવાલ કરે છે, તેનો જવાબ કોઈપણ રાજકીય પક્ષ આપવા તૈયાર નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો