કથિત વીડિયો સંદર્ભે હાર્દિકે કહ્યું ગંદી રાજનીતિની શરૂઆત થઈ ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની એક મહિલા સાથેની કથિત વિડિયો ક્લિપ વાયરલ થઈ છે.
વીડિયો ક્લિપમાં એક મહિલા કથિત રીતે હાર્દિક સાથે તેના શયનકક્ષમાં તેની સાથે તેના પલંગ પર બેસીને વાત કરી રહી હોય તેવા દ્રશ્યો છે.
બીબીસીએ આ કથિત વીડિયોની સ્વતંત્ર રીતે કોઈ ખરાઈ કે ચકાસણી કરી નથી.
કથિત વાઇરલ થયેલી વીડિયો ક્લિપના મુદ્દે હાર્દિક પટેલે કરેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે 18 નવેમ્બર સુધીમાં આ બાબતે તે સત્ય બહાર લાવશે.
તમને આ વાંચવું પણ ગમશેઃ
હાર્દિકે ઉમેર્યું કે આ ગંદી રાજનીતિની શરૂઆત છે અને આ કથિત વીડિયો મોર્ફ કરવામાં આવ્યો છે અને વિદેશમાંથી યુ-ટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
પોતે મરદ છે, નપુંસક નહીં, ભવિષ્યમાં તે લગ્ન કરશે અને તેમના ઘેર સંતાનો પણ હશે તેવું હાર્દિકે કહ્યું હતું.
કોઈની અંગત જિંદગી પર આ પ્રકારે પ્રહાર કરવો એ ક્ષુલ્લક પ્રકારનું રાજકારણ છે તેમ હાર્દિકે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, એ વીડિયોમાં જે તારીખ જોવા મળે છે, ત્યારે એમણે મુંડન કરાવ્યું હતું. તેમના ઘરે પણ સીસીટીવી કેમેરા લાગેલા છે, એટલે તે પણ આ વીડિયોની તપાસ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલું જ નહીં હાર્દિકે ગુજરાતમાં ભૂતકાળમાં રાજકીય નેતાઓ અને તેમના મહિલાઓના સંબંધ અને રાજ્યમાં રાજકીય નેતાઓ દ્વારા થયેલા મહિલાઓનાં કથિત શોષણના વિવાદોની પણ વાત કરી હતી.

કોંગ્રેસ હાર્દિકના બચાવમાં
કોંગ્રેસ પણ હાર્દિકના બચાવમાં આવી ગઈ હતી અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે આવી સીડી ભૂતકાળમાં સંજય જોશીની પણ આજ લોકો (ભારતીય જનતા પાર્ટીએ) બહાર પાડી હતી.
જ્યારે પરેશ ધાનાણીએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં હાર જોઈ ગઈ હોવાથી આ પ્રકારની રાજનીતિ કરવાના આક્ષેપો કર્યા હતા.
સરદાર પટેલ ગ્રૂપનાં પ્રમુખ લાલજી પટેલે પણ હાર્દિકનો પક્ષ રાખતા આ પ્રકારની રાજનૈતિક ચાલને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે કોઈની અંગત જિંદગી પર આ પ્રકારે પ્રહારો ન કરવા જોઈએ.

હાર્દિકે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે, તેમણે પહેલા કહ્યું હતું કે આવા આક્ષેપો તેમની ઉપર લાગશે. જે રીતે આંદોલન મજબૂત રીતે ચાલી રહ્યું છે એમાં આવા આરોપો-પ્રત્યારોપો થશે. આ ગંદી રાજનીતિની શરૂઆત છે.
તેમણે વધુમાં કહ્યું કે, જે વિડિઓ જાહેર થયો છે મારે પણ તપાસવાનો છે. મને અસંખ્ય લોકો મળવા આવતા હોય એમાં આવા મોર્ફ થયેલા વીડિયોઝ બહાર આવશે.
આ વીડિયો વાઇરલ થવા પાછળ તેમણે ભાજપ સામે ઇશારો કરતા કહ્યું હતું કે, ભાજપનાં લોકો આવા આરોપો કરે મારી માથે એમાં કોઈ નવી નવાઈ નથી.
તેમણે સંજય જોશીની સીડીની વાત પણ યાદ અપાવતા કહ્યું કે, જે રીતે ગુજરાતમાં સંજય જોશીની પણ આવી સેક્સ સીડી બહાર પાડવામાં આવી હતી.

હાર્દિકના કથિત વીડિયો સાથે ભાજપને કોઈ લેવા દેવા નથી

ઇમેજ સ્રોત, Getty Images
આ અગાઉ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો.
જોકે, સાંજે પોણા આઠ વાગ્યે ભારતીય જનતા પાર્ટી તરફથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, “આવી કોઈ જ ઘટના સાથે ભારતીય જનતા પાર્ટીને જોડવી એ બિલકુલ યોગ્ય નથી. ”
તેમણે વધુમાં કહ્યું, “એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર આક્ષેપ કરે છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિનો યુ-ટ્યૂબ વીડિયો વાઇરલ કરે છે. એ વ્યક્તિ પણ આંદોલન સાથે જોડાયેલો છે.”
“એમાં ભારતીય જનતા પાર્ટીને એકેય દિશાથી કોઈ પણ પ્રકારની લેવા દેવા નથી. અમારી બહુ સ્પષ્ટ બાબત છે કે, આવી કોઈ ઘટના એ એમની વ્યક્તિગત બાબત છે, એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા-દેવા નથી.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












