સુરતની મહિલાઓ કેમ કહે છે કે GST એ બદલી અમારી હાલત

- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
ઍમ્બ્રૉઇડરી એ ટેક્સ્ટાઇલ ઉદ્યોગનું એક મહત્ત્વપૂર્ણ પાસું છે. તેની મદદથી એક કાપડના રંગીન ટુકડાને સુંદર સાડીમાં ફેરવી શકાય છે.
સુરતમાં હજારો મહિલાઓ કલાકો સુધી ઍમ્બ્રૉઇડરીનું કામ કરીને સાડીદીઠ 10થી 15 રૂપિયા કમાય છે.
આ કામથી પરિવાર દીઠ સાત હજાર થી 15 હજાર રૂપિયાની માસિક આવક થતી હતી, પરંતુ GST લાગુ થયા બાદ હવે તેમની પાસે કોઈ કામ નથી.
તમને આ વાંચવું પણ ગમશે :
પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા હાલ સંઘર્ષ કરી રહેલી આ મહિલાઓ સાથે વાત કરી.

ઘર ખર્ચમાં કાપ

GST લાગુ થયા બાદ સુરતની હજારો ગૃહિણીઓએ તેમનાં ઘર ખર્ચમાં કાપ મૂકી દીધો છે અને પરિવારના કેટલાંક પ્રસંગોની ઊજવણીનું આયોજન મુલતવી રાખ્યું છે.
કેટલીક મહિલાઓએ તો ઘર ચલાવવા ઊંચા વ્યાજે રૂપિયા ઉધાર લેવા પડ્યા છે. આ મહિલાઓનું મુખ્ય કામ એક નકામા લાગતા કપડાંના ટુકડા પર કલાત્મક ઍમ્બ્રૉઇડરી કરીને તેમાંથી સુંદર સાડી બનાવવાનું હતું.
મોટાભાગની મહિલાઓ તેના પરિવારની સંભાળ રાખવાની સાથે સાથે ઘરે રહીને આ કામ સાથે જોડાયેલી હતી, પરંતુ હવે તેમની પાસે કોઈ કામ જ નથી.
પચાસ વર્ષનાં કંચન સાવલિયાનું ઘર સાડીઓ અને તેમને સુશોભિત કરવાની રંગબેરંગી વસ્તુઓથી ભરેલું રહેતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસોઈ બનાવી લીધા પછી, તેમને સમય મળતો ત્યારે તરત જ આ વસ્તુઓથી તે સાડીઓ પર ઍમ્બ્રૉઇડરીનું કામ કરવા લાગતાં હતાં.

મારી પાસે પૈસા જ નથી

એ સમયે તેમનાં સંતાનો પણ ટીવી જોતાંજોતાં તેમને મદદ કરતાં હતા. સુરતની મોટાભાગની સોસાયટીઓમાં આ પ્રકારનાં દૃશ્યો સામાન્ય હતાં.
પરંતુ જ્યારથી GST લાગુ થયો છે, ત્યારથી કંચન અને તેમનાં જેવી અનેક ગૃહિણીઓના ઘરમાં આવાં દૃશ્યો જોવા નથી મળતાં.
લાગુ થયેલા આ નવા કર માળખા પ્રમાણે, દરેક મહિલાએ વ્યક્તિગત રીતે પોતાનો GST નોંધણી નંબર મેળવવો પડે છે અને તેમને થતી આવક પર પાંચ ટકા જેટલો કર પણ આપવો પડશે.
પુનાગામમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતી લગભગ દરેક મહિલા મૂંઝવણમાં છે, ગુસ્સામાં છે અને ઘર ખર્ચના બે છેડા ભેગા કરવાની પળોજણમાં છે. કંચનનો પરિવાર આર્થિક રીતે તૂટી ગયો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કંચને કહ્યું, "મને ખબર જ નથી કે GST નંબર લેવા માટે ક્યાં જવાનું. મારી પાસે પૈસા જ નથી."
પરિવારનાં પાંચ સભ્યોનું ભરણપોષણ કરી રહેલાં કંચનના ઘરમાં જમવામાં છેલ્લાં કેટલાય દિવસોથી માત્ર રોટલી અને અથાણું જ હોય છે.
તેમની પાસે શાકભાજી ખરીદવાના પૈસા નથી. અગાઉ તે ઍમ્બ્રૉઇડરીના કામથી રોજ 1200 રૂપિયા કમાઈ લેતાં હતાં, હવે તેમને દિવસનાં માંડ 300 રૂપિયા જ મળે છે.
તેમનાં પરિવારમાં ચાર દીકરીઓ છે, અને એ તમામ ઘર ચલાવવા માટે તેમની સાથે મળીને ઍમ્બ્રૉઇડરીનું કામ કરે છે.


માતૃશક્તિ સોસાયટીમાં 3300 મકાન છે. આ સોસાયટીમાં રહેતાં લગભગ બધા જ લોકો પાટીદાર સમાજનાં છે અને સૌરાષ્ટ્રથી અહીં આવીને સ્થાયી થયાં છે.
સુરતની આ સોસાયટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી ગઈ છે.
પંચાવન વર્ષીય શાંતાબહેન રાણપરિયા એક સમયે તેમનાં પતિ કરતાં પણ વધુ નરેન્દ્ર મોદીના વખાણ કરતાં હતાં, પરંતુ હવે તે ભાજપનાં કોઈ સ્થાનિક કાર્યકર્તાને પણ પોતાના ઘરમાં આવવા દેવા તૈયાર નથી.
એનું કારણ એ કે GSTથી તેમની નાણાકીય સ્થિતિ ડામાડોળ કરી દીધી છે. આ પાટીદાર પરિવારોની સ્થિતિ રાજ્યમાં હાંસિયામાં ઘકેલાઈ ગયેલા અન્ય સમાજો કરતાં કંઈ ખાસ અલગ નથી દેખાતી.

હવે કામ મળતું નથી

મુક્તા સુરાણી, પચાસ વર્ષનાં છે. તે વિધવા છે અને તેમને બે દીકરીઓ છે. તાજેતરમાં જ્યારે તેઓ બીમાર થયાં ત્યારે સોસાયટીના રહીશોએ ફાળો ઉઘરાવીને તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યાં હતાં.
મુક્તા છેલ્લાં 12 વર્ષથી ઍમ્બ્રૉઇડરી કરતાં હતાં. તે એનાં સિવાય બીજું કઈ જ કરી શકે તેમ નથી.
તેમણે કહ્યું, "GST લાગુ થયો એ પહેલાં હું મહિને બાર હજાર રૂપિયા કમાઈ લેતી હતી, હવે મને મહિને માંડ 4500 રૂપિયા મળે છે.” લાંબી બીમારી બાદ તે હાલમાં જ સાજાં થયાં છે અને હવે કામ શોધી રહ્યાં છે.
આ મહિલાઓની માસિક આવક 70 ટકાથી 90 ટકા જેટલી ઘટી ગઈ છે, કારણ કે વેપારીઓ તેમને નવું કામ નથી આપી રહ્યાં.
ફેડરેશન ઑફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA)ના પ્રમુખ મનોજ અગ્ગરવાલે કહ્યું કે, અહીં થતાં ઍમ્બ્રૉઇડરીના કામને સૌથી ખરાબ અસર થઈ છે.
તેમણે કહ્યું, "અહીં 1.25 લાખ જેટલાં ઍમ્બ્રૉઇડરીનાં મશીન હતાં. આ ઉપરાંત ઘરેથી જ ઍમ્બ્રૉઇડરીનું કામ કરતી હજારો મહિલાઓ પણ સુરતમાં છે. તેમને મળતાં કામમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે અને સંખ્યાબંધ ઍમ્બ્રૉઇડરી એકમોને બંધ થઈ ગયાં છે."
સુરતમાં 175 મોટાં ટેક્સ્ટાઇલ માર્કેટ છે, જ્યાંથી આ મહિલાઓને ઍમ્બ્રૉઇડરીનું કામ મળતું હતું. હવે આ માર્કેટ્સ પણ લગભગ બંધ થઈ ગયાં છે.
જો આ માર્કેટ્સના વેપારીઓનું માનીએ તો સુરતનું ટેક્સ્ટાઇલ બજાર પડી ભાંગ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













