સત્તામાં ત્રણ વર્ષ પછી પણ વડાપ્રધાન બચાવની મુદ્રામાં કેમ છે?

MANJUNATH KIRAN/AFP/Getty Images

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, સત્તા પર આવ્યાના ત્રણ વર્ષ પછી વડાપ્રધાન બચાવની મુદ્રામાં
    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી ન્યૂઝ

નરેન્દ્ર મોદીએ 2014માં ઐતિહાસિક વિજય મેળવ્યો તેનું કારણ તેમની જોશીલી અને આશાભરી વકૃત્વશૈલી છે.

સત્તા પર આવ્યાના ત્રણ વર્ષ પછી વડાપ્રધાન બચાવની મુદ્રામાં આવી ગયા હોય તેવું લાગે છે.

ઘણા કહે છે કે નરેન્દ્ર મોદીની લાક્ષણિક બડાઈખોરી અને આડંબરી ભાષાની અસર ઘટી રહી છે.

તાજેતરના ભાષણોમાં નરેન્દ્ર મોદીએ આર્થિક સમસ્યાઓ માટે અગાઉના કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી હતી.

ઉપરાંત ખુદને બહારની વ્યક્તિ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે દેશના ભલા માટે તેઓ ઝેર પીવા તૈયાર છે.

તમને આ વાંચવું પણ ગમશે :

આ વિજેતા હવે મજબૂર માણસ બની ગયો હોય એવું લાગે છે.

line

નરેન્દ્ર મોદીનો જાદુ ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે?

નરેન્દ્ર મોદી રેલીમાં જઈ રહ્યા છે અને તેમના પર પુષ્પવર્ષા થઈ રહી છે

ઇમેજ સ્રોત, Kevin Frayer/Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીનો જાદુ ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે ?

તાજેતરમાં કંપની સેક્રેટરીઓના એક મેળાવડામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ''જૂજ લોકો આપણને નબળા પાડી રહ્યા છે. આપણે એવા લોકોને ઓળખી કાઢવાની જરૂર છે.''

સુધારાઓ અને રોજગારનાં વચનો આપીને નરેન્દ્ર મોદીએ વિક્રમસર્જક વિજય મેળવ્યો હતો, પણ દુનિયાનું અર્થતંત્ર વેગ પકડી રહ્યું હોય એવું લાગે છે.

ત્યારે નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળનું ભારત આર્થિક મંદી અને રોજગારની કટોકટીનો સામનો કરી રહ્યું છે. ભારત દયનીય સ્થિતિમાં હોય એવું લાગે છે.

વૃદ્ધિએ ભૂસકો માર્યો છે અને રોજગાર વૃદ્ધિ અટકી ગઈ છે તથા તેમાં ઘટાડો થઈ રહ્યો છે.

line

સ્થગિત અર્થતંત્ર

નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા છે

ઇમેજ સ્રોત, Kevin Frayer

ઇમેજ કૅપ્શન, બેડ લોન્સના વધતા બોજને લીધે બેન્કોની સ્થિતિ પર માઠી અસર થઈ છે

બેડ લોન્સના વધતા બોજ સામે બેન્કો ઝઝૂમી રહી છે. તેના પરિણામે ધિરાણ સ્થગિત થઈ ગયું છે અને તેની અસર ઘરઆંગણાના રોકાણને માઠી અસર થઈ રહી છે.

અર્થશાસ્ત્રી પ્રવીણ ચક્રવર્તી કહે છે, ''ભારતીય અર્થતંત્ર સ્થગિત થઈ ગયું છે.''

આ સંબંધે નરેન્દ્ર મોદીનો પ્રતિભાવ બેઢંગ છે. ગયા નવેમ્બરમાં વિવાદાસ્પદ નોટબંધી લાદવામાં આવી હતી.

કાળા નાણાંનો સફાયો કરવા માટે એ પગલું લેવામાં આવ્યું હોવાનું રાજકીય કારણ આપવામાં આવ્યું હતું, પણ નોટબંધીને કારણે વૃદ્ધિ અટકી ગઈ હતી અને મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી.

line

ટેક્સ બ્યુરોક્રસી

નોટબંધીનો વિરોધ કરી રહેલા લોકો

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, નોટબંધીના અમલમાં ગડબડીને કેરમે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે

દેશને એક કોમન માર્કેટ બનાવવાના હેતુસરના ગૂડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ(જીએસટી)નો રાષ્ટ્રવ્યાપી અમલ જુલાઇમાં શરૂ કરવામાં આવ્યો હતો.

તેના અણઘડ અમલને કારણે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે.

જીએસટીને પગલે શરૂ થયેલી અકળાવનારી ટેક્સ બ્યુરોક્રસીથી શહેરો અને ગામોમાં વેપારીઓ પરેશાન છે.

અર્ધાથી વધારે ભારતીયો ખેતી સાથે સંકળાયેલા છે અને ગામડાંઓમાંના એ ખેડૂતો આવકની અસલામતી બાબતે ફરિયાદ કરી રહ્યા છે, કારણ કે સરકાર તેમને તેમના ઉત્પાદન માટે પૂરતા નાણાં ન આપતી હોવાનું તેઓ માને છે. આ બધું સારું નથી લાગતું.

નોટબંધીનો વિરોધ કરી રહેલા લોકોની તસવીર

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપના પૂર્વ નેતા પણ મોદી સરકારની આર્થિક નીતિની ટીકા કરી ચૂક્યા છે

એ ઉપરાંત સત્તા પર આવ્યા પછી પહેલીવાર મોદી સરકારની ટીકા થઈ રહી છે.

બીજેપીના એક નેતા અને ભૂતપૂર્વ નાણા પ્રધાને આર્થિક નરમાઈ માટે તેમની સરકારને ખુલ્લેઆમ જવાબદાર ઠરાવી હતી.

યશવંત સિંહાએ લખ્યું હતું કે ''પોતે ગરીબીને નજીકથી જોઈ હોવાનો દાવો વડાપ્રધાન કરી રહ્યા છે અને દરેક ભારતીય ગરીબીને નજીકથી જુએ સુનિશ્ચિત કરવાના આકરા પ્રયાસ તેમના નાણાં પ્રધાન કરી રહ્યા છે.''

વડાપ્રધાનના મુખ્ય રાજકીય પ્રતિસ્પર્ધી અને ચારે તરફથી ઘેરાયેલી કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી અચાનક ફરી ઊર્જાવાન થઇ ગયા હોય એવું લાગે છે.

તેઓ અગાઉની સરખામણીએ નરેન્દ્ર મોદીની વધુ ઝાટકણી કાઢી રહ્યા છે.

line

સાથીદાર પણ વિવાદમાં

પુત્ર જય શાહ, ત્રવધૂ ઇશિતા સાથે અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુત્ર જય શાહ અને પુત્રવધૂ ઇશિતા સાથે અમિત શાહે મતદાન કર્યું તે સમયની તસવીર

નરેન્દ્ર મોદીના સૌથી નજીકના સાથી અને બીજેપીના વડા અમિત શાહને આ સપ્તાહે ગરમાટાનો અનુભવ થયો હતો.

ધ વાયર નામની એક નોન-પ્રોફિટ વેબસાઈટે પ્રકાશિત કરેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા પછી અમિત શાહના પુત્ર જયની માલિકીની કંપનીની આવકમાં જોરદાર વધારો થયો હતો.

જય શાહે એ આક્ષેપોને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે તેઓ વેબસાઈટ સામે બદનક્ષીનો દાવો દાખલ કરશે.

line

નરેન્દ્ર મોદીને મદદરૂપ થયેલી ચાર અન્ય બાબતો

નરેન્દ્ર મોદીની પક્ષ પર પકડ એટલી મજબૂત છે કે, પક્ષ પાસે તેમનો કોઈ વિકલ્પ નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીની પક્ષ પર પકડ એટલી મજબૂત છે કે, પક્ષ પાસે તેમનો કોઈ વિકલ્પ નથી

ભારત તેની જરૂરિયાતના ક્રુડના મોટા હિસ્સાની આયાત કરે છે અને ઓઇલના નીચા ભાવને કારણે વૃદ્ધિને વેગ આપવામાં અને ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ મળી હતી.

બીજું, સરકારી જાહેરાતો પર નભતો સ્થાનિક મેઇનસ્ટ્રીમ મીડિયાનો એક હિસ્સો નરેન્દ્ર મોદીની અને તેમની સરકારની કામગીરીની ટીકા કરવાથી મોટેભાગે દૂર રહ્યો છે.

ત્રીજું, બીજેપી પર નરેન્દ્ર મોદી અને અમિત શાહનો સજ્જડ અંકુશ છે. એટલે પક્ષમાં તેમને પડકારી શકે તેવું કોઈ નથી.

ચોથી અને સૌથી મહત્વની બાબત એ છે કે નરેન્દ્ર મોદીનો રાજકીય વિરોધી પક્ષ કોંગ્રેસ વિખેરાયેલો છે અને મહત્વાકાંક્ષી ભારતીયોને સારા ભવિષ્યની આશા આપી શકે તેમ નથી.

line

છતાં નારાજગી તો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવતી સામગ્રી સોશિઅલ મીડિયા પર સતત ચમકી રહી છે

તેમ છતાં ધ પ્રિન્ટના એડિટર શેખર ગુપ્તા કહે છે, ''ક્યાંક, કશુંક ચાલી રહ્યું છે''.

તેનો એક સંકેત એ છે કે નરેન્દ્ર મોદીના ચુસ્ત ટેકેદારો અને જમણેરી ટ્રોલ્સની સેના સોશિઅલ મીડિયા પર આજકાલ નરમ જોવા મળી રહી છે.

બીજી તરફ, સોશિઅલ મીડિયા પર નરેન્દ્ર મોદીની મજાક ઉડાવતા મેમેની ભરમાર છે.

નરેન્દ્ર મોદીનું રાજકારણ પણ નારાજગીનું વાતાવરણ સર્જી રહ્યું છે.

ગૌમાંસના ખાવા તથા તેના વેચાણના મુદ્દે જોરદાર ધમાલ કરીને અને ચુસ્ત હિન્દુત્વવાદીઓને છાવરીને બીજેપીએ યુવાનો અને શહેરીજનોને ડરાવવાનું શરૂ કર્યું છે.

આટલું ઓછું હોય તેમ, બીજેપીએ મુસ્લીમવિરોધી વલણ માટે જાણીતા વિવાદાસ્પદ ધાર્મિક નેતાને ઉત્તર પ્રદેશનું સુકાન સોંપ્યું છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ ગયા માર્ચમાં નિર્ણાયક જીત મેળવી હતી અને ઉત્તર પ્રદેશની આશરે 200 મિલિયન લોકોની વસતીમાં 20 ટકા લોકો મુસ્લીમ છે.

line

ઠગારી અપેક્ષાઓ

મોદી અને અમિત શાહ તથા રાજનાથ સિંહની તસવીર

ઇમેજ સ્રોત, RAVEENDRAN/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર તમામની નજર

2014માં નરેન્દ્ર મોદીએ યુવા વર્ગના મત મોટા પ્રમાણમાં મેળવ્યા હતા, પણ એ વર્ગનો નરેન્દ્ર મોદીમાંનો ભરોસો ઘટી રહ્યો છે.

બીજેપીનું પીઠબળ ધરાવતા સ્ટુડન્ટ યુનિયનોની દિલ્હી અને હૈદરાબાદની ત્રણ મોટી યુનિવર્સિટીઓની ચૂંટણીમાં હાર થઈ છે.

નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીની એક યુનિવર્સિટીમાં જાતીય સતામણીનો ગયા મહિને વિરોધ કરી રહેલી ગર્લ સ્ટુડન્ટ્સ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

એ ઘટના નરેન્દ્ર મોદી અને તેમના પક્ષને યુવા મતદારોમાં પ્રિય નહીં બનાવે એ દેખીતું છે.

કોલકાતામાં ટેક્સટાઈલ ટ્રેડર્સની હળતાલ

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા વેપારી સંગઠનોએ જીએસટીનો વિરોધ કર્યો હતો

અર્થતંત્રના મોરચે નરેન્દ્ર મોદીએ વધારે પડતી અપેક્ષા સર્જી હતી. એ અપેક્ષા ધૂળમાં મળવાનું શરૂ થયું છે.

ઈકોનોમિસ્ટ મેગેઝિને જુનમાં એવું તારણ રજુ કર્યું હતું કે નરેન્દ્ર મોદીને પ્રખર સુધારક નથી.

મેગેઝિને જણાવ્યું હતું કે તેમની પાસે જીએસટી જેવા તેમના પોતાના કેટલાક મોટા આઇડિયા હતા, પણ જીએસટીનું કામકાજ અગાઉની કોંગ્રેસ સરકારના શાસનકાળમાં શરૂ થયું હતું.

ટીકાકારો કહે છે કે નરેન્દ્ર મોદી તાજેતરના સમયમાંની સૌથી શક્તિશાળી સરકારના વડા હોવા છતાં જમીન તથા વીજળી માટે નિયોજિત માર્કેટ સર્જવાની અને શ્રમ કાયદાઓમાં સુધારાની દિશામાં તેમને બહુ ઓછી સફળતા મળી છે.

ફેક્ટરી અને તેના પ્લાન્ટની તસવીર

ઇમેજ સ્રોત, STRDEL/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, આર્થિક સુધાર માટે મોદી સરકારે નિકાસને પ્રોત્સાહન આપવાનું નિષ્ણાતોનો મત

નરેન્દ્ર મોદીના રાજકારણ વિશે ટીકાકારો કહે છે કે વડાપ્રધાન તેમના પક્ષની વિચારગંગોત્રી ગણાતી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બંદી બની ગયા હોય તેવું લાગે છે.

આ જમણેરી હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન હિન્દુત્વના ગૌરવ અને સિદ્ધિ સંબંધી અવ્યવહારુ દૃષ્ટિકોણ માટે જાણીતું છે.

ડૉ. ચક્રવર્તી જેવા અર્થશાસ્ત્રીઓ માને છે કે તેજીમય શેર બજારનો લાભ લઈને અર્થતંત્રને ફરી ચેતનવંતુ કરવાનો સમય હજુ નરેન્દ્ર મોદી પાસે છે.

સરકારી માલિકીની કંપનીઓના હિસ્સાનું વેચાણ કરીને નાણાં મેળવીને તેનો ઉપયોગ માંદી બેન્કોને બેઠી કરવા માટે કરી શકાય, જેથી બેન્કો ફરીથી ધિરાણ આપવાનું શરૂ કરી શકે.

નવી દિલ્હી ખાતે નોટબંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, નવી દિલ્હી ખાતે નોટબંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો

અન્યો કહે છે કે નિકાસને વેગ આપવા માટે રૂપિયાનું અવમૂલ્યન કરી શકાય, જીએસટીના અમલને કારણે લાગેલા ધક્કામાંથી ઉગરી શકાય અને વ્યાજના દરમાં ઘટાડો કરી શકાય.

ઘણા કહે છે એમ નરેન્દ્ર મોદી સરકારનાં ત્રણ વર્ષ ગૌહત્યા પર નિયંત્રણો લાદવામાં, ગૌહત્યા સંબંધે કરવામાં આવેલી હત્યાઓમાં અને તિરસ્કારયુક્ત ભાષણોના વધતા પ્રમાણમાં ખર્ચાઈ ગયાં છે.

અર્થતંત્ર બાબતે જાહેર ચર્ચાને બદલે આવી બાબતો અખબારોમાં ફ્રન્ટ પેજ પર છવાયેલી રહી હતી.

નરેન્દ્ર મોદી આ બધા પર અંકુશ મેળવી શકશે કે કેમ એ સ્પષ્ટ થતું નથી.

line

મનમોજી મતદારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ ભાજપના આંતરિક વિરોધીઓને જવાબ આપ્યો

અલબત, નરેન્દ્ર મોદી આવી પરિસ્થિતિમાં પણ ટકી રહ્યા છે. તેમના વિરુદ્ધનું વાતાવરણ બની રહ્યું છે કે કેમ એ કહેવું અત્યારે વહેલું ગણાશે.

ઓગસ્ટમાં એક ઓપિનિયન પોલમાં જાણવા મળ્યું હતું કે ચૂંટણી યોજવામાં આવે તો તેઓ આસાનીથી જીતી શકે તેમ છે.

રાજકારણમાં એક મહિનોને બહુ લાંબો સમય ગણી શકાય.

બીજેપીના શાસન હેઠળના ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજનારી ચૂંટણીમાંથી કંઈક સંકેત મળશે.

સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ(સીએસડીએસ)ના તાજેતરના એક સરવેમાં જાણવા મળ્યું હતું કે ''લોકો જીએસટીને કારણે નારાજ છે.''

બીજેપી હારશે એવી અપેક્ષા કોઈને નથી, પણ જીતના માર્જિન પર ચાંપતી નજર રહેશે.

નરેન્દ્ર મોદીના ટેકેદારો તેમને મહેનતુ અને પ્રમાણિક વડાપ્રધાન માને છે.

પોલિટિકલ સાયન્ટિસ્ટ સંજય કુમાર કહે છે, ''અસંતોષની લાગણી જોરદાર વાવાઝોડામાં પરિવર્તિત નથી થઈ તેનાં બે કારણ છે. એક, મજબૂત વિકલ્પનો અભાવ અને બે, નરેન્દ્ર મોદીની વ્યક્તિગત વિશ્વસનીયતા''.

''હવે સવાલ એ છે કે નરેન્દ્ર મોદી અસંતોષના આ પ્રવાહ સામે તેમની પોતાની ઈમેજ અને વિશ્વસનીયતાને આધારે ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે?''

ભારતીય મતદારો તેમના મનમોજી મિજાજ માટે જાણીતા છે અને વિચક્ષણ નરેન્દ્ર મોદી એ હકીકતથી બરાબર વાકેફ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો