દૃષ્ટિકોણ: ગુજરાતમાં મોદીને રાહુલ ગાંધી ટક્કર આપી શક્શે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગૂ ફૂંકાઈ ગયું છે. વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીના કાર્યક્રમો એક પછી એક થઈ રહ્યા છે.
કૉંગ્રેસ ગુજરાતમાં કેટલી મજબૂત છે? પટેલ અને દલિત વોટની કેટલી અસર પડી શકે? આ તમામ સવાલો પર ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે બીબીસી સાથે વાત કરી. તેમના જ શબ્દોમાં તેમનો દૃષ્ટિકોણ.
છેલ્લા 22 વર્ષોથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. નરેન્દ્ર મોદી રાજ્ય અને રાજ્યની રાજનીતિમાં પૂરે પૂરા સામેલ ન હોય તેવો સમય પહેલીવાર આવ્યો છે.
વિજય રૂપાણીને આનંદીબહેન પટેલની જગ્યાએ લાવવામાં આવ્યા. કારણ કે ભાજપને લાગ્યું કે ચૂંટણી પડકારજનક બની રહેવાની છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી એક વાતાવરણ બની રહ્યું છે.
તમને આ પણ વાંચવું ગમશે
હાર્દિક પટેલના અનામત આંદોલનને ભાજપે પોતાના નિયંત્રણમાં લેવાનું વિચાર્યું પણ તેમ થયું નહીં. આ સિવાય અલ્પેશ ઠાકોરે ઓબીસી એકતા મંચ બનાવ્યો.
ઓબીસી એકતા મંચે ભાજપ સાથે સમજૂતી ન કરી. ઉના કાંડના પગલે દલિતોના નેતા બનીને ઉભરેલા જિજ્ઞેશ મેવાણીનું આંદોલન પણ ભાજપ વિરુદ્ધ જઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપ સામે પડકાર ઓછા નથી. છેલ્લા બે મહિનામાં ભાજપ વિરુધ્ધ સોશિઅલ મીડિયામાં જબરજસ્ત અભિયાન ચાલ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'વિકાસ ગાંડો થયો છે'ના હેશટેગથી ભાજપ પરેશાન છે. કારણ કે સોશિઅલ મીડિયાને કારણે જ અત્યાર સુધી ભાજપને વોટ મળ્યા છે.
ગુજરાતમાં જે વિકાસ થયો છે તેમાં બેરોજગારી પણ સામેલ છે. યુવાનોને રોજગારીની તક નથી મળી રહી.
નોટબંધી, જીએસટી અને રેરા(રિઅલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટ)ને કારણે મૅન્યુફેક્ચરિંગ, રિઅલ એસ્ટેટ, ટેક્સ્ટાઇલ, ડાયમંડ ક્ષેત્રને અસર પડી છે.
આ કારણે મંદીનું વાતાવરણ છે. વડાપ્રધાન મોદી પણ પરેશાન છે.
ગુજરાતની મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે વડાપ્રધાન મોદીએ જીએસટીમાં છૂટછાટની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ લોકોની દિવાળી સુધારવા આવ્યા છે.
તેઓ જાણે છે કે તેમણે વાતાવરણ સુધારવાનું છે. એટલે જ તેઓ વારંવાર ગુજરાત આવી રહ્યા છે. બે દિવસમાં તેમણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને વતન વડનગરનો પ્રવાસ કર્યો.
કૉંગ્રેસ કેટલી તાકાતવર

ઇમેજ સ્રોત, Getty Images
આ મુકાબલે કૉંગ્રેસ અને તેના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જોઇએ તો તેમણે સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આ વખતે તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસે છે.
કૉંગ્રેસ મુસ્લિમોનું તુષ્ટિકરણ નથી કરી રહી. પણ સોફ્ટ હિંદુત્વ તરફ ચોક્કસ આગળ વધી રહી છે. આ જ સંદેશો આપવા રાહુલ ગાંધી દ્વારકા અને ચોટિલા મંદિરે ગયા હતા.
રાહુલ ગાંધી એ માટે દરેક મંદિર જઈ રહ્યા છે કારણ કે કોઈને કોઈ મંદિર કોઈને કોઈ સમાજ સાથે જોડાયેલું છે. તેમનો પ્રયાસ છે કે તેઓ દરેક સમાજની સાથે હોવાનો સંદેશો આપે.
નરેન્દ્ર મોદીએ 2002ના રમખાણો પછી ચૂંટણીની યાત્રા ફાગવેલ મંદિરથી શરૂ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં પટેલ વોટ હંમેશા ભાજપ સાથે રહ્યા છે. તેમના વોટ નિર્ણાયક રહ્યા છે. પરંતુ હવે એ વાત ભૂતકાળ થઈ ગઈ છે.
એનો મતલબ એવો પણ નથી કે બધા વોટ કૉંગ્રેસને મળી રહ્યા છે.
હાર્દિક પટેલના અનામત આંદોલનના કેટલાક આગેવાનોને કૉંગ્રેસ વિધાનસભા ટિકિટ પણ આપી રહી છે.
હાર્દિકનું જૂથ 182 બેઠકમાંથી 20 ટિકિટ માગી રહ્યું છે. જેમાંથી 9 ટિકિટની દરખાસ્તને અનુમોદન આપવામાં આવ્યું છે.
પટેલોના કેટલાય સમાજ છે. પરંતુ તેઓ વર્તમાન સત્તા સાથે રહેવા માંગે છે. પટેલોના વોટ કદાચ વહેંચાશે.
જેમાં 60-40 ના રેશિયોમાં ભાજપ અને કૉંગ્રેસને વોટ મળશે. જોકે આ સમીકરણો બદલાઈ પણ શકે છે.
દલિતોના વોટ કૉંગ્રેસ સાથે રહ્યા છે. તેમને ઉશ્કેરવાની કોશિશ થઈ રહી છે. તેમને થયેલા અન્યાયથી પણ તેમનામાં ગુસ્સો છે.
કૉંગ્રેસ નેતા અહેમદ પટેલની રાજ્યસભા ચૂંટણીમાં જીતથી કૉંગ્રેસને નવેસરથી હિંમત તો મળી છે પરંતુ ભાજપનું પલડું હજીયે ભારે છે.
ગુજરાતમાં પૂરી રીતે ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને આ ચૂંટણી મોદી વિરુધ્ધ રાહુલ ગાંધીની બનતી હોય તેમ દેખાઈ રહ્યું છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












