સચિન તેંડુલકર વિનાની ભારતીય ક્રિકેટ ટીમ કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિનાયક ગાયકવાડ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા, નવી દિલ્હી
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે નિવૃત્તિ લીધી પછી ઘણા ફેરફાર થયા છે. ટીમ ઇન્ડિયાએ તેની જૂની ઇમેજ ઉતારી દીધી છે અને નવીનક્કોર બની ગઈ છે.
16 નવેમ્બર 2013નો દિવસ લાગણીથી ભર્યોભર્યો હતો. મુંબઈની એક આગવી ઓળખસમું વાનખેડે સ્ટેડિયમ ભરચક હતું. સ્ટેડિયમમાંની દરેક વ્યક્તિ 'સચિન...સચિન...' પોકારતી હતી.
એ સચિન માટે 200મી અને આખરી ટેસ્ટ મેચ હતી. સચિનની વિશિષ્ટ કારકિર્દીની એ છેલ્લી ઇનિંગ્ઝ હતી.
સચિન વિદાય લે એવું કોઈ વાસ્તવમાં ઇચ્છતું ન હતું.
સચિન તેંડુલકર તેની કારકિર્દીના 24માં વર્ષમાં પીચ પર છેલ્લીવાર દાવ લેવા જવાના હતા.
સચિને પેવેલિયનમાંથી બહાર પગ મૂક્યો ત્યારે હજ્જારો લોકોના હૈયાના ધબકારા વધી ગયા હતા.
નિવૃત્તિ પછી તરત જ સચિને એ ખાસ ક્ષણોને બીબીસી સાથે વાગોળી હતી. તેણે તેની ભાવિ યોજનાઓની વાત કરી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સચિને કહ્યું હતું, ''મારી કારકિર્દીનાં 24 વર્ષ મારાં જીવનની સુવર્ણ સ્મૃતિસમા છે. હું કાયમ ક્રિકેટ રમવા ઇચ્છતો હતો.
''ક્રિકેટ વિશ્વમાંની સર્વોચ્ચ ટ્રોફી-વર્લ્ડ કપ હું મારા દેશ માટે જીતવા ઇચ્છતો હતો. મારું સપનું સાકાર થયું હતું.
''હવે હું મારા જીવનની નવી ઇનિંગ્ઝ શરૂ કરીશ. આ સમયે, મને જેમણે પારાવાર પ્રેમ આપ્યો છે એ બધા માટે યોગદાન આપવાનો છે.''
સચિનની નિવૃત્તિને ચાર વર્ષ થયાં. તેમ છતાં દરેક ઇન્ટરનેશનલ ગેમ વખતે આપણને ''સચિન...સચિન..''ના પોકાર સાંભળવા મળે છે.
તેથી મને આ વિચાર આવ્યો હતો કે આ ચાર વર્ષમાં ભારતીય ક્રિકેટમાં કશું બદલાયું છે?

સચિનઃ એક સુંદર સપનું

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલનો જવાબ મેળવવો આસાન નથી. જીવંત દંતકથાસમા સચિન વિશે. તેની કારકિર્દી વિશે, તેના યોગદાન વિશે ક્રિકેટના અનેક વિખ્યાત ખેલાડીઓ સાથે વાત કરવાનો પ્રયાસ મેં કર્યો હતો.
એ પૈકીના ઘણાએ એ બાબતે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. ઘણા કહે છે કે જો ક્રિકેટ તમારો ધર્મ હોય તો સચિન ભગવાન છે.
'90ના દાયકામાં સચિન તેમના માટે આશાના કિરણસમાન હતો. સચિન ટેલિવિઝન જનરેશનના પહેલા સુપરસ્ટાર હતા.
વૈશ્વિકિકરણ પછી ભારતીય અર્થતંત્રના દરવાજા દુનિયા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તેના પગલે ભારતીય સમાજમાં પણ તબક્કાવાર પરિવર્તન આવ્યું હતું.
યુવાવર્ગની આકાંક્ષામાં નાટકીય પરિવર્તન આવ્યું હતું. તેમનું વિશ્વ વ્યાપક બન્યું હતું.
સચિનની બેટિંગ અને તેનું વર્તન એ પેઢી માટે આદર્શ બની ગયું હતું.
સચિને તેમના સપનાં નિહાળવાની તક આપી હતી. સચિને તેમને એ સપનાંને સાકાર કરવાની હિંમત આપી હતી.
સુંદર સ્વપ્ન જેવી તેની 24 વર્ષની કારકિર્દીમાં ભારતે સચિનને ચિક્કાર પ્રેમ કર્યો હતો.
જોકે, સચિનની નિવૃત્તિ પછી સવાલ ઊભો થયો હતો કે હવે શું? હવે કોણ?
સચિનની નિવૃત્તિ પછીનાં ચાર વર્ષ ભારતીય ક્રિકેટ માટે બહુ જ નિર્ણાયક બની રહ્યાં હતાં.
ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ અને વન-ડેમાં છવાયેલી રહી હતી, એટલું જ નહીં, બન્નેના રેન્કિંગમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું.
ક્રિકેટના પ્રશંસકોએ આ ટીમ ઇન્ડિયા પાસેથી અલગ અભિગમનો અનુભવ કર્યો હતો.
આ આમૂલ પરિવર્તનનાં બીજ 2007માં રોપવામાં આવ્યાં હતાં. ટી-20 ફોર્મેટે ક્રિકેટની રમતને ધરમૂળથી બદલી નાખી હતી.
જે લોકોનો રસ ક્રિકેટમાંથી ઓછો થઈ રહ્યો હતો તેમને પણ આ ફોર્મેટે ક્રિકેટ ભણી આકર્ષ્યા હતા. અલબત, આ ફોર્મેટ પડકારરૂપ છે.

નિવૃત્તિનો સમય

ઇમેજ સ્રોત, Getty Images
સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વી.વી.એસ. લક્ષ્મણ અને અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટના ફેબ્યુલસ ફાઇવ તરીકે ઓળખવામાં આવે છે.
જોકે, વિરેન્દ્ર સહેવાગને બાદ કરતાં ભારતીય ક્રિકેટના આ બધા સ્ટાર ટી-20 ફોર્મેટથી દૂર રહ્યા છે.
મહેન્દ્રસિંહ ધોનીના વડપણ હેઠળની ટીમ વિશ્વ કપ જીતી લાવશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું.
ધોનીની સેનાએ એ જાદુ કરી દેખાડ્યો હતો. તેઓ આ ફોર્મેટની પહેલી જ સિઝનમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા.
ટીમ ઇન્ડિયા બદલાઈ ચૂકી હતી. નવી ટીમ ઇન્ડિયાનો જન્મ થયો હતો. યુવા ભારતીયોને નવા હીરો મળ્યા હતા.
સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, વી.વી.એસ. લક્ષ્મણ અને વિરેન્દ્ર સહેવાગે નિવૃત્તિ લેતાં 2008થી 2013નો સમયગાળો ભારતીય ક્રિકેટ માટે કપરો રહ્યો હતો.
બીજી તરફ સચિન આ નવી સ્ટાઇલની ક્રિકેટ સંપૂર્ણ સમજ સાથે રમતો રહ્યો હતો.
ભારત માટે ટી-20 નહીં રમવાના નિર્ણય પછી સચિને વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
200 ટેસ્ટ મેચ રમ્યા પછી તેણે ક્રિકેટને અલવિદા કરી હતી. જોકે, અનેક મોટા ખેલાડીઓની નિવૃત્તિ છતાં નવી ટીમ ઇન્ડિયા નિરાશ થઈ ન હતી.
મહેન્દ્રસિંહ ધોનીના સમર્થ નેતૃત્વ હેઠળ નવી ટીમ ઇન્ડિયા સતત વિજેતા બનતી રહી હતી.

ટીમ ઇન્ડિયાનો વિજયરથ

ઇમેજ સ્રોત, Getty Images
અલબત, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીઓમાં વિજય મેળવા બાદ ટીમ ઈન્ડિયાનો વિજયરથ રોકાઈ ગયો હતો.
ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમે દયાજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
ઘરઆંગણે સતત જીતતી ભારતીય ટીમનું પર્ફોર્મન્સ વિદેશમાં કંગાળ હોય છે. આ ટીકાનો સામનો નવી ટીમ ઇન્ડિયાએ પણ કરવો પડ્યો હતો.
જોકે, 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને નવી ટીમ ઇન્ડિયાએ તમામ ટીકાકારોનાં મોં બંધ કરી દીધાં હતાં.
આઈસીસીની એ ટુર્નામેન્ટની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લૅન્ડને તેના ઘરઆંગણે હરાવીને વિજય મેળવ્યો હતો.
એ પછી તરત જ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને બંગલાદેશમાં વિજેતા બની હતી.
જોકે, 2014નું વર્ષ ભારતીય ટીમ માટે સારું રહ્યું ન હતું. એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપમાં ભારતને હરાવીને શ્રીલંકાએ પોતાની આબરૂ બચાવી હતી.
અલબત, ટીમ ઇન્ડિયા એવી હારથી નિરાશ થવાની ન હતી. એ પછી ટીમ ઇન્ડિયા તબક્કાવાર આક્રમક બની છે. તેણે નિષ્ફળતાનો સામનો ભાગ્યે જ કરવો પડ્યો છે.
આ ટીમ માત્ર જીતવામાં નથી માનતી. જીતવાની સજ્જડ પ્રક્રિયાની પ્રેમી છે આ ટીમ.
આ પ્રકારના અભિગમ વડે ટીમ ઇન્ડિયા શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝને તેમના ઘરઆંગણે પછાડી આવી છે.
ટીમ ઇન્ડિયા તેની આ સફળતાનો આનંદ માણતી હતી ત્યાં મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત અચાનક કરી હતી.
તેને પગલે ભારતીય ટીમના નવા કેપ્ટન વિરાટ કોહલીનો ઉદય થયો હતો.

યુવા બ્રિગેડનો ઉદય

ઇમેજ સ્રોત, Getty Images
પ્રારંભિક ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના મેનેજર તરીકે ફરજ બજાવી ચૂકેલા લાલચંદ રાજપૂતે જણાવ્યું હતું કે એ સંક્રમણ આસાન અને સરળ હતું.
તેમાં આઈપીએલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આઈપીએલે તમામ ભારતીય ખેલાડીઓને આત્મવિશ્વાસ આપ્યો છે.
મોટેભાગે ઘરઆંગણે ક્રિકેટ રમતા રહેતા ખેલાડીઓને આઈપીએલે નવું પ્લેટફોર્મ આપ્યું છે.
ભારતીય ટીમને સંપૂર્ણતા બક્ષવામાં આઈપીએલ મદદરૂપ થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિરાટ કોહલીનો ઉદય 2014માં થયો હતો.
એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપમાં જોરદાર દેખાવ પછી વિરાટ કોહલીને કેપ્ટનપદ મળ્યું હતું. જાન્યુઆરી, 2015થી જાન્યુઆરી, 2017 દરમ્યાન ટીમ ઇન્ડિયા સતત જીતતી રહી હતી.
સાઉથ આફ્રિકન ટીમને હરાવીને ભારતીય ટીમે ઘરઆંગણે સતત 19 ટેસ્ટ્સ જીતવાનો વિક્રમ નોંધાવ્યો હતો.
ભારતીય ટીમે આ વીજળીક પ્રયાસો વડે બીજું કંઈ વિચારવાની તક આપી ન હતી. આ એ ટીમ ઇન્ડિયા છે જેનો દરેક ખેલાડી મેચ-વિનર છે.
આ ટીમમાં ફેબ્યુલસ ફાઇવ નથી. આપણા પોતાના સચિન તેંડુલકર પણ નથી.
તેમ છતાં આ ટીમ ઇન્ડિયાએ આશ્ચર્ય સર્જી શકી છે. એક સમયે ભારતીય ટીમ બેટિંગ પર મોટો આધાર રાખતી હતી, પણ એ દિવસો ગયા.
આ ટીમે પોતાની આગવી ક્ષમતા સર્જી છે. આ ટીમમાં વિશિષ્ટ સંતુલન છે. રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંજિક્ય રહાણે અને એમ.એસ.ધોની જેવા મજબૂત બેટ્સમેનો તેની પાસે છે.
એમના પૈકીનો દરેક યોદ્ધાના શક્તિશાળી અશ્વ જેવા છે. હાર્દિક પંડ્યાના સ્વરૂપે ભારતીય ટીમને નિર્ભય ઓલરાઉન્ડર સાંપડ્યો છે.
સ્પિન બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા અજેય છે.
પેસ બોલરોમાં ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહનું વૈવિધ્ય છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ ટીમ કોઈ પણ એક ખેલાડી પર આધારિત નથી. મજબૂત બીજી હરોળ આ ટીમની શક્તિ છે. તેથી આ સંપૂર્ણ ભારતીય ટીમ છે.

સચિન અને વિરાટની સરખામણી

ઇમેજ સ્રોત, Getty Images
સચિન ક્રિકેટના વિક્રમોનો સમાનાર્થી છે. તેણે અનેક વિક્રમો સર્જ્યા છે, પણ વિરાટ કોહલી સચિનના રેકોર્ડ્ઝને પડકારી રહ્યો છે.
2014 પછી વિરાટ કોહલીની કારકિર્દી ઝડપભેર આગળ વધી છે. તેણે વિશ્વના ટોચની ટીમો સામે ઘરઆંગણે અને દુનિયાભરમાં રનનો ઢગલો ખડક્યો છે.
વિરાટ કોહલીની બેટિંગ એટલી સાતત્યસભર છે કે તેને રન-મશીન કહેવામાં આવે છે. મહત્વની વાત એ પણ છે કે વિરાટ કોહલી વન-ડે અને ટી-20માં એકધારી ગતિથી રન ફટકારતો રહ્યો છે.
નિષ્ણાતો માને છે કે વિરાટ કોહલી આ રીતે જ બેટિંગ કરતો રહેશે તો માસ્ટર બ્લાસ્ટરને વિક્રમોને તોડી નાખશે.
લાલચંદ રાજપૂતે કહ્યું હતું, વિરાટ આંકડાઓને ધ્યાનમાં નથી લેતો. એ દરેક મેચને એકસરખું મહત્વ આપે છે.
વિરાટ પોતે કોઈ ઈજાનો ભોગ ન બને એ સુનિશ્ચિત કરીને હાલનું ફોર્મ જાળવી રાખશે તો સચિનના રેકોર્ડ્ઝ જરૂર તોડશે.
આપણે તેણે રમેલી ઇનિંગ્ઝને ધ્યાનમાં લઈએ તો 345 મેચોમાં રન તથા એવરેજના સંદર્ભમાં વિરાટ તેને પાર કરી ગયો છે.
વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ નોંધાવનારા ખેલાડીઓની યાદીમાં 32 સૅન્ચુરી સાથે વિરાટ બીજા ક્રમે છે. અલબત, વિરાટ અને સચિનની સરખામણી કરવી યોગ્ય નથી.

નવી આશા, નવી દિશા

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષો પસાર થવાની સાથે ભારતીય ક્રિકેટ પણ વિકસી છે. અજિત વાડેકરના વડપણ હેઠળની ભારતીય ટીમે 1971માં વિદેશમાં પહેલો શ્રેણીવિજય મેળવ્યો હતો.
તેને લીધે તમામ ખેલાડીઓનો જુસ્સો વધ્યો હતો.
1983માં કપિલ દેવના વડપણ હેઠળની ભારતીય ટીમ પહેલીવાર વર્લ્ડ કપ જીતી હતી. એ વિજયે ક્રિકેટરોની નવી પેઢીને એક સપનું આપ્યું હતું.
મહેન્દ્રસિંહ ધોનીના સમર્થ નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે 2011માં પંદર લોકોના પ્રયાસને વાસ્તવિકતામાં પલટી નાખ્યો હતો.
વિરાટ કોહલીના વડપણ હેઠળની આજની યુવા ટીમ નિર્ભય છે. તેમના માટે કશું જ અશક્ય નથી.
સચિનની નિવૃત્તિ પછીના ચાર વર્ષમાં ભારતીય ક્રિકેટમાં વ્યાપક પરિવર્તન થયું છે. આજની ટીમ આક્રમક છે. ટેક્નિક બરાબર જાણે છે.
વિશ્વ ક્રિકેટમાં ટોચે પહોંચવાનો આત્મવિશ્વાસ તેમની પાસે છે. આ ટીમ ઇન્ડિયાની સિદ્ધિનો ગ્રાફ જોઈને લાગે છે કે આગામી વર્ષોમાં તેઓ ક્રિકેટવિશ્વમાં રાજ જરૂર કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












