'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' બાબતે ગુજરાતીઓ શું માને છે?

વિશ્વ બેંક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વ બેંક દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના રજૂ કરાયેલા 136 પાનાંના એહવાલમાં ભારત દેશે હરણફળ ભરી છે
    • લેેખક, હિમાંશુ ભાયાણી
    • પદ, બીબીસી ગુજરાતી

વિશ્વ બેંક દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2018ના માટેના'ઝ ઓફ ડુઇંગ બિઝનેસ(વેપાર કરવાની સરળતા)' વિશેના અહેવાલમાં ભારતે 130મા ક્રમેથી 100મા ક્રમે પહોંચી ગયું છે.

વિશ્વ બેંકે રજૂ કરેલા 136 પાનાંના અહેવાલમાં મુખ્યત્વે મુંબઈ અને દિલ્હીમાં કરાયેલા સર્વેક્ષણોના તારણો રજૂ કરવામાં આવ્યાં છે.

આ સર્વેક્ષણમાં મુખ્યત્વે કોઈપણ પ્રકારનો નવો વ્યવસાય કરવા માટે જરૂરી સરકારી અને દસ્તાવેજી પ્રક્રિયા વૈશ્વિક સ્તરની સરખામણીએ ભારતમાં કેટલી હદે સરળ બની છે, તેનું આકલન કરવામાં આવ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

વિશ્વ બેંક દ્વારા 190 રાષ્ટ્રોમાં હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં વેપાર કરવાની સરળતા માટે ન્યૂ ઝીલૅન્ડ મોખરાનું સ્થાન ધરાવે છે અને સોમાલિયા છેલ્લું સ્થાન ધરાવે છે.

line

ગુજરાતીઓ શું કહે છે?

પુસ્તકનું વિમોચન કરી રહેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત રાજ્યમાં વેપાર કરવાનું ખરેખર કેટલું સરળ બન્યું છે તે જાણવાનો પ્રયત્ન બીબીસીએ કર્યો

બીબીસીએ આ સંદર્ભે ગુજરાત સ્થિત વ્યાપાર અને વાણિજ્ય સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમના માટે વેપાર કરવાનું કેટલું સરળ છે.

નોટબંધીને એક વર્ષ પૂર્ણ થવાના આરે છે અને 'ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)'ના અમલીકરણ પછી રાષ્ટ્રનું અર્થતંત્ર તૂટ્યાના સંકેતો મળ્યા છે.

ત્યારે વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે, ભારતની સ્થિતિ સુધર્યાના સમાચાર વેપારીઓ માટે આશા જગાવનારા સાબિત થશે?

તમને આ પણ વાંચવું ગમશે

'કિમ એન્ગ સિક્યુરિટીઝ'ના ચીફ એક્ઝિક્યુટિવ જિગર શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "વેપાર કરવાની સરળતામાં ભારતનો ક્રમ સુધર્યો છે તેની પાછળ મહત્વનું પરિબળ એ છે કે આજના સમયમાં નાના વ્યવસાયીઓને નાણાં મળવાનું સરળ બન્યું છે."

શાહે ઉમેર્યું કે, થોડા સમય પહેલા સુધી ભારત દેશમાં 80% નાણાકીય ધિરાણ (ક્રેડિટ ફૅસિલિટી) જૂજ કોર્પોરેટ કંપનીઓને મળતું હતું.

શાહ કહે છે કે, આ પરિસ્થિતિ બદલાઈ છે અને આજે નાના વ્યવસાયીઓને નાણાં સરળતાથી મળી રહે છે, જેનાં કારણે વેપાર કરવું ઘણું સરળ બન્યું છે.

line

સ્ટાર્ટ-અપ્સ શું કહે છે?

વિવેક વ્યાસ (જમણે) અને તેના સાથી વિમલ પોપટ

ઇમેજ સ્રોત, SHRADHANJALI.COM

ઇમેજ કૅપ્શન, વિવેક વ્યાસ (જમણે) અને તેના સાથી વિમલ પોપટ એ https://shradhanjali.com/ નામની સ્ટાર્ટ-અપ શરૂ કર્યું

આઠેક વર્ષ માટે વીમા (ઇન્સ્યોરન્સ) ક્ષેત્રે કામ કર્યા બાદ રાજકોટ સ્થિત વિવેક વ્યાસ અને તેના મિત્ર વિમલ પોપટે https://shradhanjali.com/ નામનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું હતું.

આ સેવામાં તેઓ મૃત્યુ પામેલા લોકોની ડિજિટલ પ્રોફાઇલ તૈયાર કરી આપે છે.

વિવેક કહે છે, "જી હા. અમે અનુભવ્યું છે કે અમારી કંપની રજીસ્ટર કરાવવા માટે બહુ ધક્કા નહોતા ખાવા પડયા."

વિવેક ઉમેરે છે, "અમે સરળતાથી અમારી કંપની રજિસ્ટર કરાવી શક્યા હતા એટલે અમારે મન આ પરિસ્થિતિ એ વેપાર કરવાની સરળતા છે. ભારતનો ક્રમાંક આ દિશામાં સુધરવો એ ઘણું સૂચક છે."

ભારતમાં દર વર્ષે સિત્તેર લાખ લોકો મૃત્યુ પામે છે અને અખબારમાં પ્રકાશિત થયેલી તેમની શ્રદ્ધાંજલિ લોકોની સ્મૃતિમાં મર્યાદિત સમય માટે રહે છે.

જે અખબારમાં શ્રદ્ધાંજલિ છપાઈ હોય એ અખબારમાં બીજે દિવસે નાસ્તો પેક કરવામાં આવે છે અથવા તો કારના કાચ સાફ કરવા માટે એ છાપાંનો ઉપયોગ થતો હોય છે.

એ જોઈને વ્યવસાય શરૂ કરવાનો વિચાર વિવેકના મનમાં સ્ફૂર્યો હતો.

line

'લાંચ ન આપવી પડી'

વિનોદ જોબનપુત્રા

ઇમેજ સ્રોત, Vinod Jobanputra

ઇમેજ કૅપ્શન, 'લાલસાઈ ડિહાઇડ ફુડ્સ' સ્ટાર્ટ-અપના વિનોદ જોબનપુત્રા (ડાબે) ડુંગળી-લસણના ડિહાઇડ્રેશન યુનિટનું સંચાલન કરે છે

ભાવનગર નજીક મહુવા સ્થિત ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) ક્ષેત્રે નવીસવી શરૂઆત કરનારા વિનોદ જોબનપુત્રા ડુંગળી-લસણના ડિહાઇડ્રેશન યુનિટનું સંચાલન કરે છે.

તેઓ માને છે કે ભારતમાં હાલના વર્ષોમાં વેપાર કરવો સરળ બન્યો છે.

જોબનપુત્રા કહે છે, "અમારે ક્યાંય કરતા ક્યાંય કામ કરાવવા માટે લાંચ નથી આપવી પડી. પછી ભલે એ સરકારી મંજૂરીઓ લેવાની વાત કેમ ન હોય."

જોબનપુત્રા ઉમેરે છે, "હાલના સમયમાં ઑનલાઇન મંજૂરી સરળતાથી મળી જાય છે અને દિવસે-દિવસે પરિસ્થિતિમાં સુધારો જોવા મળે છે. વેપાર કરવાનું સરકારી મંજૂરી મેળવવાની દ્રષ્ટિએ સરળ બન્યું છે."

તમને આ પણ વાંચવું ગમશે

જોબનપુત્રા અને તેમના પાંચ મિત્રો દ્વારા સંચાલિત 'લાલસાઈ ડિહાઇડ ફુડ્સ'ના ઉત્પાદનનો 30 - 40% હિસ્સાની નિકાસ કરવામાં આવે છે, જ્યારે 60 - 70% હિસ્સો સ્થાનિક ભારતીય બજારમાં વેચવામાં આવે છે.

આ સંદર્ભે જોબનપુત્રા કહે છે, "એક્સપોર્ટ - ઇમ્પૉર્ટ લાઇસન્સ મેળવવું ઘણું સરળ બન્યું છે અને પૉર્ટ સંબંધી પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે. જે વેપાર કરવાની સરળતામાં એક મહત્વપૂર્ણ બાબત છે."

જોબનપુત્રા ભારપૂર્વક કહે છે કે, જીએસટીના અમલીકરણ પછી 'સિંગલ વિન્ડો ક્લિયરન્સ' સિસ્ટમ દાખલ કરવામાં આવે તો વેપાર કરવાનું ખૂબ જ સરળ બની જાય એમ છે.

જતીન કટારિયા

ઇમેજ સ્રોત, GloCal CoWorking Space

ઇમેજ કૅપ્શન, નવા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્ટાર્ટ-અપ ચલાવી રહેલા ગ્લોકલ કોવર્કિંગ સ્પેસના પ્રણેતા એવા જતીન કટારિયા (જમણે)

નવા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્ટાર્ટ-અપ ચલાવી રહેલા 'ગ્લોકલ કોવર્કિંગ સ્પેસ'ના પ્રણેતા જતીન કટારિયા કહે છે કે અગાઉ વેપારનું રજિસ્ટ્રેશન કરવાની કાયદાકીય પ્રક્રિયા ખૂબ જટિલ હતી, જે હવે ખૂબ સરળ બની છે.

કટારિયા ઉમેરે છે, "બૅન્કમાં કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે હવે 'ઉદ્યોગ આધાર'નો ઉપયોગ કરી શકો છે અને ઉદ્યોગ આધાર સરળતાથી મળી રહે છે."

line

સ્ટાર્ટ-અપ્સ માટે 'વેપાર કરવાની સરળતા'નો શું અર્થ થાય?

સુનિલ પારેખ

ઇમેજ સ્રોત, FACEBOOK/icreateNextGen

ઇમેજ કૅપ્શન, સુનીલ પારેખ કહે છે વેપાર કરવાની સરળતામાં ભારત દેશે હરણફળ ભરી એ સ્ટાર્ટ-અપ્સ માટે ખૂબજ હકારાત્મક સમાચાર છે

આ પ્રશ્નના જવાબમાં સ્ટાર્ટ-અપ વાતાવરણને જમાવવા માટે ગુજરાતમાં જેમણે ઉદ્દીપકની ભૂમિકા ભજવી છે એવા સુનીલ પારેખ કહે છે, "આ સમાચાર સ્ટાર્ટ-અપ્સ માટે ખૂબજ હકારાત્મક છે."

સુનીલ પારેખ કહે છે, "સ્ટાર્ટ-અપ્સ એ કોઈ લઘુ-ઉદ્યોગથી પણ ઘણા નાના પાયે થતી વ્યવસાયિક શરૂઆત છે.

એટલે જે પ્રકારે આવી વ્યાપારી શરૂઆત માટેની જટિલ પ્રક્રિયાઓને સરળ બનાવાઈ છે, તે વિશ્વ બેંકના અહેવાલમાં સ્પષ્ટ રીતે દેખાય છે."

તમને આ પણ વાંચવું ગમશે

પારેખ ઉમેરે છે, "મોટી કંપનીઓ તો આવી જટિલ પ્રક્રિયા માટે વ્યવસાયિકો કે આવી વ્યવસાયિક સેવાઓ આપનારી કંપનીઓને નાણાં ચૂકવીને પણ આવી સેવા લઈ શકે છે.

સ્ટાર્ટ-અપ માટે આવી મોંઘી વ્યાવસાયિક સેવાઓ લેવાનું સરળ ન હોય એટલે વેપાર કરવાની સરળતામાં આ બહુ મહત્વનું પાસું છે."

પારેખ ભારપૂર્વક કહે છે, "એક જ દિવસમાં તમારા વ્યવસાય કે વેપારના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં બહુ ઓછા દેશમાં શક્ય બની છે અને ભારતમાં એ શક્ય બન્યું છે એ જ મહત્વની અને મોટી વાત છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો