હિમાલયના પર્વતો પર શિયાળામાં પણ બરફ કેમ નથી જામી રહ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નવીનસિંહ ખડકા
- પદ, પર્યાવરણ સંવાદદાતા
પર્યાવરણ વિજ્ઞાનીઓ પ્રમાણે હિમાલય પર શિયાળામાં ખૂબ જ ઓછી બરફવર્ષા થઈ રહી છે અને આ ઋતુમાં પર્વત બરફથી ઢંકાયેલા હોવા જોઈએ, તેના બદલે ઘણા ભાગોમાં પર્વતો નગ્ન અને પથરાળ જોવા મળી રહ્યા છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 1980થી 2020 દરમિયાનની સરેરાશ બરફવર્ષાની સરખામણીએ છેલ્લાં પાંચ વર્ષમાં શિયાળુ બરફવર્ષામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
તાપમાનમાં વધારાનો એક અર્થ એ પણ છે કે જે થોડા ઘણો બરફ પડે છે, તે ઝડપથી ઓગળી જાય છે અને થોડાક નીચેના વિસ્તારોમાં તો ઓછો બરફ પડી જ રહ્યો છે અને વરસાદ વધુ થવા લાગ્યો છે.
ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ અને અન્ય વૈજ્ઞાનિક રિપોર્ટ અનુસાર તેનું એક કારણ જળવાયુ પરિવર્તન છે.
ઓછી બરફવર્ષા ચિંતાની વાત કેમ?

ઇમેજ સ્રોત, Yunish Gurung
અભ્યાસોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે હિમાલયના મોટા ભાગમાં શિયાળા દરમિયાન સ્નો ડ્રૉટ કે 'બરફનો દુકાળ' જેવી સ્થિતિ છે.
વૈશ્વિક તાપમાન વધવાના કારણે ઝડપથી હિમખંડો પીગળવા એ ભારતનાં હિમાલિયન રાજ્યો અને આ ક્ષેત્રના અન્ય દેશો સામે લાંબા સમયથી એક મોટી સમસ્યા રહી છે. વિશેષજ્ઞોએ બીબીસીને કહ્યું કે શિયાળામાં ઘટતી જતી બરફવર્ષા આ સંકટને વધુ ગંભીર બનાવી રહી છે.
તેમનું કહેવું છે કે બરફ અને હિમમાં ઘટાડાથી ફક્ત હિમાલયનું સ્વરૂપ બદલાશે એટલું જ નહીં, પરંતુ તેની અસર ક્ષેત્રમાં રહેતા કરોડો લોકોના જીવન અને ઘણી ઇકૉસિસ્ટમ પર પણ પડશે.
વસંતમાં તાપમાન વધવાથી શિયાળા દરમિયાન જમા થયેલો બરફ પીગળે છે અને તેનું પાણી નદીઓમાં જાય છે, જે સ્નો મેલ્ટ ક્ષેત્રની નદીઓ અને નાળાં માટે એક મુખ્ય સ્રોત છે, જેનાથી પીવાના પાણી, સિંચાઈ અને હાઇડ્રોપાવરનો પુરવઠો પ્રાપ્ત થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશેષજ્ઞોનું કહેવું છે કે પાણીની ઉપલબ્ધિ પર અસર થવા ઉપરાંત, શિયાળામાં ઓછો વરસાદ (મેદાની પ્રદેશોમાં વરસાદ અને પર્વતોમાં બરફવર્ષા)નો એવો પણ અર્થ છે કે દુકાળ જેવી પરિસ્થિતિઓના લીધે હિમાલિયન ક્ષેત્રમાં જંગલ વિસ્તારોમાં આગનું જોખમ વધી રહ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે હિમખંડો ખતમ થવા અને બરફવર્ષા ઘટી જવાથી પર્વત અસ્થિર થઈ રહ્યા છે, કેમ કે બરફ અને હિમ તેમના માટે સિમેન્ટ જેવા છે. ખડકો તૂટી પડવા, ભૂસ્ખલન થવાં, ગ્લેશિયર સરોવરો ફાટવાં અને મોટા પ્રમાણમાં કાટમાળ ધસી જવો જેવી આફતો હવે પહેલાંના પ્રમાણમાં વધુ સામાન્ય થતી જાય છે.
તો, બરફવર્ષામાં ઘટાડો કેટલી ગંભીર સમસ્યા છે?
ભારતનો હિમાલય વિસ્તાર પણ અસરગ્રસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર મહિનામાં લગભગ આખા ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા બિલકુલ ન થયાં.
હવામાન વિભાગનું કહેવું છે કે સૌથી વધારે સંભાવના એ છે કે ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવાં રાજ્યો સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગમાં જાન્યુઆરી અને માર્ચની વચ્ચે દીર્ઘકાલીન સરેરાશ (એલપીએ) વરસાદ અને બરફવર્ષામાં 86 ટકાની ઘટ થશે.
એલપીએ કોઈ ક્ષેત્રમાં 30થી 50 વર્ષમાં નોંધાયેલો વરસાદ કે બરફવર્ષા છે અને તેની સરેરાશનો ઉપયોગ વર્તમાન હવામાનને સામાન્ય, વધુ કે ઓછા સ્વરૂપમાં વર્ગીકૃત કરવા માટે કરાય છે.
હવામાન વિભાગ અનુસાર, 1971થી 2020ની વચ્ચે ઉત્તર ભારતમાં એલપીએની ગણતરી પ્રમાણે સરેરાશ વરસાદ 184.3 મિલીમીટર રહ્યો.
હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે વરસાદમાં આવેલો ઝડપી ઘટાડો કંઈ એક વખતની ઘટના નથી.
બ્રિટનની યુનિવર્સિટી ઑફ રીડિંગમાં ટ્રૉપિકલ મેટિયોરૉલોજીના મુખ્ય રિસર્ચ ફેલો કીરન હન્ટે કહ્યું, "હવે જુદા જુદા ડેટા સેટમાં તેના નક્કર પુરાવા છે કે હિમાલયમાં શિયાળાનો વરસાદ વાસ્તવમાં ઘટી રહ્યો છે."
હન્ટના સહ-લેખનમાં 2025માં પ્રકાશિત એક અભ્યાસમાં 1980થી 2021ની વચ્ચેના ચાર જુદા જુદા ડેટા સેટ સામેલ કરાયા છે. આ બધામાં પશ્ચિમી હિમાલય અને કેન્દ્રીય હિમાલયના કેટલાક ભાગોમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો છે.
યુરોપિયન સેન્ટર ફૉર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ્સના રિઍનાલિસિસ ડેટા સેટ ઇઆરએ-5નો ઉપયોગ કરીને જમ્મુસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજીના રિસર્ચ ફેલો હેમંતસિંહનું કહેવું છે કે, 40 વર્ષની દીર્ઘકાલીન સરેરાશ (1980થી 2020)ની સરખામણીએ છેલ્લાં પાંચ વર્ષમાં ઉત્તર-પશ્ચિમી હિમાલયમાં 25 ટકા બરફવર્ષા ઘટી છે.
વરસાદ અને બરફવર્ષા બંનેમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિજ્ઞાનીઓ અનુસાર, નેપાળમાં પણ શિયાળાના વરસાદમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે કેન્દ્રીય હિમાલયનો વિસ્તાર છે.
કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટીમાં મેટિયોરૉલોજીના એસોસિએટ પ્રોફેસર વિનોદ પોખરેલે કહ્યું, "નેપાળમાં ઑક્ટોબરથી અત્યાર સુધી વરસાદ નથી પડ્યો, અને લાગે છે કે આ શિયાળાનો બાકીનો સમય પણ મોટા ભાગે શુષ્ક જ રહેશે. છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ દરેક શિયાળામાં આ જ પરિસ્થિતિ રહી છે."
જોકે, હવામાન વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે તાજેતરનાં થોડાંક વર્ષોમાં થોડાક શિયાળા દરમિયાન ભારે બરફવર્ષા થઈ છે, પરંતુ આ ઘટનાઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત રહી અને તે અગાઉના શિયાળા જેવી સામાન્ય વર્ષા નહીં, પરંતુ ખરાબ હવામાનના કારણે થઈ.
બરફવર્ષામાં ઘટાડાનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિકો એક બીજી રીત અપનાવે છે. તેમાં માહિતી મેળવવામાં આવે છે કે પર્વતો પર કેટલો બરફ જમા થયો અને કેટલો બરફ પીગળ્યા વગર પડ્યો રહ્યો. આને સ્નો પર્સિસ્ટેન્સ એટલે કે બરફ કેટલા સમય સુધી ટકી રહ્યો નામથી ઓળખવામાં આવે છે.
ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (આઇસીઆઇએમઓડી)ના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2024-2025ના શિયાળામાં બરફ ટકી રહેવાનો સમયગાળો સામાન્ય કરતાં લગભગ 24 ટકા ઓછો રહ્યો, જે છેલ્લાં 23 વર્ષનો વિક્રમ ઘટાડો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વર્ષ 2020થી 2025 દરમિયાનનાં પાંચમાંથી ચાર શિયાળામાં હિન્દુકુશ હિમાલય ક્ષેત્રમાં બરફનો ઠેરાવ સામાન્ય કરતાં ઓછો રહ્યો.
આઇસીઆઇએમઓડીમાં રિમોટ સેંસિંગ અને જીઓ-ઇન્ફૉર્મેશનના સીનિયર એસોસિએટ શ્રવણ શ્રેષ્ઠે કહ્યું, "સામાન્ય રીતે તેને એચકેએચ ક્ષેત્રના મોટા ભાગમાં શિયાળાના વરસાદ અને બરફવર્ષામાં ઘટાડા સાથે જોડાયેલો માનવામાં આવે છે.
જમ્મુસ્થિત આઇઆઇટી સાથે જોડાયેલા હેમંતસિંહના સહ-લેખનમાં 2025માં પ્રકાશિત એક સ્ટડીમાં જણાવાયું છે કે હિમાલિયન ક્ષેત્રમાં હવે સ્નો ડ્રૉટની ઘટનાઓ વધી રહી છે, એટલે કે બરફની હાજરી ઘણી ઘટી રહી છે, ખાસ કરીને 3,000થી 6,000 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં.
આઇસીઆઇએમઓડીનો સ્નો અપડેટ રિપોર્ટ ચેતવણી આપે છે કે, "ક્ષેત્રની 12 મુખ્ય નદીખીણોમાં કુલ વાર્ષિક રનઑફનો સરેરાશ લગભગ એક ચતુર્થાંશ ભાગ બરફ પીગળવાથી આવે છે. એ સ્થિતિમાં હવામાનીય રીતે બરફના ઠેરાવમાં ગરબડ આ નદીખીણોમાં રહેતા લગભગ બે અબજ લોકોની જળસુરક્ષાને અસર કરે છે.
વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે હિમાલિયન હિમખંડો પીગળવાની ઘટના લાંબા સમયે પાણીના ઘટાડાનું જોખમ વધારે છે, જ્યારે ઓછી બરફવર્ષા અને બરફનું ઝડપથી ઓગળવું એ નજીકના ભવિષ્યમાં જળ પુરવઠા માટે જોખમી બની રહ્યું છે.
ઝડપથી પીગળતો બરફ
મોટા ભાગના હવામાન વિજ્ઞાનીઓ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળાં પડ્યાં હોવાને શિયાળામાં ઉત્તર ભારત, પાકિસ્તાન અને નેપાળમાં ઓછા વરસાદ અને ક્યારેક ક્યારેક થતી બરફવર્ષાનું એક મોટું કારણ માને છે.
આ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ભૂમધ્ય સાગરમાંથી આવતી ઓછા દબાણવાળી સિસ્ટમ હોય છે, જે ઠંડી હવા લઈને આવે છે.
તેમનું કહેવું છે કે અગાઉ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં સારો વરસાદ અને બરફવર્ષા લઈ આવતાં હતાં, જેનાથી પાકને મદદ મળતી હતી અને પર્વત પર બરફ ફરીથી જમા થઈ જતો હતો.
જોકે, અભ્યાસનાં તારણો એકસમાન નથી. ઘણામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ફેરફારની વાત કહેવામાં આવી છે, તો થોડાં સંશોધનોમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળ્યો.
હન્ટે કહ્યું, "જોકે, અમે માનીએ છીએ કે શિયાળુ વરસાદમાં ફેરફારનો સંબંધ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે જ હોવો જોઈએ, કેમ કે, હિમાલયમાં શિયાળાનો મહત્તમ વરસાદ તેના જ કારણે થાય છે."
તેમણે કહ્યું, "અમને લાગે છે કે અહીં બે વસ્તુ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળાં થઈ રહ્યાં છે અને કંઈક અંશે, ઓછાં પણ ચોક્કસપણે, ઉત્તરની બાજુ થોડાં વધુ ખસી રહ્યાં છે. આ બંને કારણથી અરબ સાગરમાંથી ભેજ લેવાની તેની ક્ષમતા ઘટી જાય છે, જેના લીધે વરસાદ પણ નબળો થઈ જાય છે."
ભારતીય હવામાન વિભાગે આ શિયાળામાં ઉત્તર ભારતમાં અત્યાર સુધીમાં આવેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને 'નબળાં' ગણાવ્યાં છે, કેમ કે તેનાથી ખૂબ ઓછાં વરસાદ અને બરફવર્ષા જ થઈ શક્યાં.
વૈજ્ઞાનિકો ઝડપથી કે મોડા, એ શોધી કાઢી શકે છે કે શિયાળુ વરસાદમાં ઘટાડા પાછળનું સાચું કારણ શું છે.
પરંતુ જે વાત હવે સ્પષ્ટ થતી જાય છે તે એ છે કે, હિમાલિયન ક્ષેત્ર બેવડાં સંકટનો સામનો કરી રહ્યું છે.
એક બાજુ જ્યાં હિમખંડો અને બરફ આચ્છાદિત ક્ષેત્ર ઝડપથી ખતમ થઈ રહ્યાં છે, ત્યાં બીજી બાજુ, હવે અહીં બરફવર્ષા પણ ઘટી રહી છે. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ બેવડી પરિસ્થિતિનાં પરિણામ ગંભીર હશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













