હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસના હાથાઃ વિજય રૂપાણી
ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહાર ખીલી છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ખાસ ફેસબુક લાઇવ કર્યું હતું.
રૂપાણીએ વિવિધ પ્રશ્નોનો જવાબ આપ્યા હતા. તેમણે એક તબક્કે બીબીસી ગુજરાતી સર્વિસને કોંગ્રેસની પ્રવક્તા સુદ્ધાં ગણાવી દીધી હતી.
આ મુલાકાતમાં રૂપાણીએ વાચકોના પ્રશ્નોના પણ જવાબ પણ આપ્યા હતા.
આપણને આ પણ વાચવું ગમશે
વિકાસ ગાંડો થયો છે?

ઇમેજ સ્રોત, facebook/Vijay Rupani
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભલે હોય દોરીસંચાર દિલ્હીથી થઈ રહ્યો છે.
આ આરોપનો જવાબ આપતા તેમણે કહ્યું, 'ગુજરાતમાં ભાજપની સરકાર છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે કેન્દ્રીય નેતૃત્વનું માર્ગદર્શન લેવામાં શું ખોટું છે?''
વિકાસની વાત કરતા રૂપાણીએ કહ્યું, ''કોઈ વિકાસ ગાંડો થયો નથી."
માત્ર કોંગ્રેસના લોકો મજાક ઉડાવી રહ્યા છે. ભાજપે રસ્તા બનાવ્યા છે એટલે લોકો ખાડાની ચર્ચા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોંગ્રેસના સમયમાં રસ્તા જ ક્યાં બન્યા હતા કે લોકો ચર્ચા કરે?''

'50 ટકાથી વધુ અનામત ના હોઈ શકે'

ઇમેજ સ્રોત, Getty Images
''રાહુલ ગાંધી ગુજરાતમાં બેરોજગારીના જે આંકડા જણાવે છે એ આધારભૂત નથી.
રોજગારીના સર્જનમાં ગુજરાત છેલ્લા 14 વર્ષથી નંબર વન છે.
ગયા વર્ષે ગુજરાતે 83 ટકા રોજગારી સર્જી હતી. ગુજરાતે 72,000 નોકરી આપી હતી.''
''પાટીદાર સમાજને કોઈ જ વિરોધ નથી. સમાજની જે ચાર માગ હતી એ સંતોષવામાં આવી છે.
અનામત બાબતે અમે સ્પષ્ટ છીએ. 50 ટકાથી વધુ અનામત ના હોઈ શકે, એટલે અમારા હાથ બંધાયેલા છે. ''
પાટીદાર સમાજનો કોઈ વિરોધ ના હોય તો હાર્દિકની સભામાં કેમ માણસો આવે છે?
આ પ્રશ્નનો જવાબ આપતા રૂપાણીએ કહ્યું, ''એ કોંગ્રેસની સભાઓ છે. તેમાં મંચ પર કોંગ્રેસના માણસો હોય છે.
વળી સભાઓમાં માણસો એકઠા કરી લેવાથી ચૂંટણી જીતી શકાતી નથી. ''
યુવા નેતાઓ કોંગ્રેસના હાથા

રૂપાણી પોતે પર યુવા નેતા રહી ચૂક્યા છે ત્યારે ગુજરાતમાં ઊભરી રહેલા યુવા નેતૃત્વથી તેઓ ખુશ છે?
આ વિશે વાત કરતા તેમણે કહ્યું, ''હું જરાય ખુશ નથી. અમે હંમેશા મુલ્ય આધારિત રાજકારણ કર્યું હતું.
હાલના યુવા નેતાઓ તો કોંગ્રેસનો હાથો બની ગયા છે. જાતિવાદને નામે દેશને નબળો કરી રહ્યા છે. આ નેતાગીરી સમાજને છેતરે છે.
રાજકારણમાં આવાં દૂષણ આવશે તો ભારતનું ભવિષ્ય સારું નહીં હોય.
કોંગ્રેસને પણ એમ છે કે આ ત્રણેય મહાત્મા તેમને જીતાડી દેશે. રાહુલ પણ એટલે જ તેમની આસપાસ ફરે છે. ''
દલિતો સાથે વાતચીત કેમ નહીં?

ઇમેજ સ્રોત, facebook/vijay rupani
''શું જિગ્નેશ એટલે દલિત? ઉનાના દોઢ વર્ષ થવા આવ્યું. દોઢ વર્ષ બાદ ક્યાં કોઈ દલિતોએ વિરોધ કર્યો?
ઉના બાદની બધી ચૂંટણી ભાજપ જીત્યો છે અને સમઢીયાળામાં પણ જીત હાંસલ કરી છે.''
ગુજરાતનું સમગ્ર આંદોલન કોંગ્રેસનું ષડયંત્ર હોવાનું પણ રૂપાણીએ જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















