લાલકૃષ્ણ અડવાણી: એ કઈ ભૂલ હતી જેનો અડવાણીને આખી જિંદગી વસવસો રહ્યો

મોદી અને અડવાણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભાજપના વરિષ્ઠ અને ભારતના પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવાની જાહેરાત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએહ્યું, "અમારા સમયમાં સૌથી સન્માનિત નેતાઓમાંના એક અડવાણીજીનું ભારતના વિકાસમાં મહત્ત્વનું યોગદાન અવિસ્મરણીય છે. તેમની સફર જમીનથી શરૂ કરીને નાયબ વડા પ્રધાન સુધી દેશની સેવા કરવા સુધીની રહી છે."

વાંચો અડવાણીની રાજકીય સફર અંગે...

રામમંદિર બને તે માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રામરથ યાત્રા કાઢી હતી. જેનું સંચાલન હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

આ યાત્રા દરમિયાન બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ યાત્રા બાદ બાબરી ધ્વંસની ઘટના અને ત્યાર બાદ દેશના રાજકારણમાં મહત્ત્વના ફેરફાર આવ્યા.

ભાજપના સ્થાપક સભ્ય અને એક સમયે હિંદુ રાજનીતિનો ચહેરો ગણાતા અને ભારતના રાજકારણને અલગ દિશામાં લઈ જનારા અડવાણી કેવી રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા?

ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ડંકો એક જમાનામાં આખા દેશમાં વાગતો હતો.

તેમને વડા પ્રધાનપદના પ્રબળ દાવેદાર પણ ગણવામાં આવતા હતા. જોકે, વર્ષ 2022માં રાષ્ટ્રપતિપદની ચૂંટણી થઈ ત્યારે લાલકૃષ્ણ અડવાણીનું નામ રાષ્ટ્રપતિપદના સંભવિત ઉમેદવારોની યાદીમાં ન હતું.

આ એ જ અડવાણી છે, જેમણે 1984માં માત્ર બે બેઠક જીતેલો પક્ષ બની ગયેલા ભાજપને રસાતળમાંથી કાઢીને ભારતીય રાજકારણના કેન્દ્રમાં પહોંચાડ્યો હતો.

તેમણે ભાજપને 1998માં પહેલી વાર સત્તાનો સ્વાદ ચખાડ્યો હતો. એ સમયે ભાજપે જે વાવેતર કર્યું હતું તેનો પાક લણવાનો હતો.

અલબત્ત, પાક લણવાનું બાજુ પર રહ્યું. અડવાણી ભારતીય રાજકારણથી જ નહીં, ભાજપના રાજકારણમાં પણ અપ્રસ્તુત બની ગયા હતા.

2004 અને 2009ની સતત બે ચૂંટણીમાં હાર બાદ ઘટતા વળતરનો સિદ્ધાંત અડવાણીને પણ લાગુ પાડવામાં આવ્યો હતો.

એક જમાનામાં અડવાણીની છત્રછાયામાં ઊછરેલા નરેન્દ્ર મોદીએ તેમની જગ્યા લઈ લીધી હતી.

ભાજપને બરાબર જાણતા ઇંદિરા ગાંધી સેન્ટર ફૉર આર્ટ્સના પ્રમુખ રામ બહાદુર રાય કહે છે, ''2004ની ચૂંટણીમાં પરાજય બાદ ભાજપ અને તેના સાથી પક્ષોમાં નવી નેતાગીરી બાબતે વિચારણા થઈ હતી."

"રાહુલ ગાંધી કૉંગ્રેસનું વડપણ સંભાળવાના હોવાના સમાચાર આવતા હતા. તેથી પણ એ વિચારને બળ મળ્યું હતું.''

line

નવા નેતૃત્વમાં અડવાણી નહીં

લાલકૃષ્ણ આડવાણી અને અશોક સિંઘલનો ફોટોગ્રાફ
ઇમેજ કૅપ્શન, 'અડવાણીએ ભાજપના તત્કાલીન વડા વેંકૈયા નાયડુ પાસેથી રાજીનામું માગી લીધું હતું'

રામ બહાદુર રાય કહે છે, ''નવી નેતાગીરીમાં અડવાણીને સ્થાન નહીં મળે એવું લાગવા માંડ્યું હતું."

"જોકે, ભાજપના સંગઠન પર અડવાણીની જોરદાર પકડ હતી. તેથી એ વિચાર આગળ વધ્યો નહીં."

"નેતૃત્વની વાતો ચાલી ત્યારે અડવાણીએ ભાજપના તત્કાલીન વડા વેંકૈયા નાયડુ પાસેથી રાજીનામું માગી લીધું હતું અને પોતે પક્ષના પ્રમુખ બની ગયા હતા."

"એ બાબતને ભાજપનાં આંતરિક વર્તુળો અને સાથી સંગઠનોએ બહુ હકારાત્મક ગણી ન હતી.''

બીજી તરફ અડવાણીના ટેકેદારો એવું કહેતા હતા કે અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાનપદ માટે અડવાણીએ જ આગળ કર્યા હતા.

એ સમયે અડવાણીની રાજકીય વગ એવી હતી કે ઇચ્છ્યું હોત તો તેઓ ખુદ વડા પ્રધાનપદના દાવેદાર બની શક્યા હોત.

સિનિયર પત્રકાર અજયસિંહ માને છે, ''1994-95ના અડવાણી વડા પ્રધાનપદ માટેના ભાજપના દેખીતા ઉમેદવાર હતા."

"જોકે, અન્ય કરતાં અડવાણી પરિસ્થિતિને વધુ સારી રીતે સમજતા હતા.''

અજયસિંહના જણાવ્યા અનુસાર, ''અડવાણી જાણતા હતા કે એ દિવસોમાં ભારતની જે સ્થિતિ હતી, તેમાં સર્વસંમત વ્યક્તિની જરૂર હતી."

"એ બાબતને ધ્યાનમાં રાખીને અડવાણીએ વાજપેયીનું નામ આગળ કર્યું હતું.''

line

શું વિચારીને કર્યાં હતાં ઝીણાનાં વખાણ?

ભાજપની ગતિવિધિ પર નજર રાખતા લોકો માને છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)નો ટેકો મેળવવા માટે હાર્ડલાઇનર હોવું જરૂરી છે.

અલબત્ત, સમગ્ર દેશમાં પોતાની સ્વીકાર્યતા વધે એટલા માટે પોતાની ઇમેજને મુલાયમ કરવાનો પ્રયાસ કરતી વ્યક્તિ જ વડા પ્રધાનપદની રેસમાં સામેલ થઈ શકે છે.

અડવાણી સાથે પણ કદાચ આવું જ થયું હતું.

અજયસિંહ કહે છે, ''ભાજપ માટે આ મુશ્કેલી કાયમ રહી છે. તેનું કારણ એ છે કે ભાજપ પહેલેથી જ ભારતીય જનસંઘ કે આરએસએસની વિચારધારાના પાયા પર રચાયેલો છે."

"હઠ અને ઉગ્ર અભિગમ તેમની વિચારધારાનો હિસ્સો છે. તેમાં મુશ્કેલી થાય છે. બંધારણીય પદ મેળવવાની રેસમાં હો ત્યારે એવો અભિગમ છોડવો પડે છે.''

અજયસિંહના જણાવ્યા મુજબ, ''એવા નેતાઓ મુખ્ય મંત્રી કે વડા પ્રધાન બને છે, ત્યારે તેમના માટે આ પ્રકારનું સંતુલન જાળવવાનું મુશ્કેલ બની જાય છે."

"એ મુશ્કેલી અડવાણી સાથે પણ હતી અને વાજયેપી સાથે પણ હતી."

"જોકે, ઉત્તમ વક્તા હોવાથી અને હિંદીભાષી પ્રદેશોની સારી સમજને કારણે વાજપેયી એવી મુશ્કેલીમાંથી ઊગરી જતા હતા."

"અડવાણી એવું કરી શકતા ન હતા. તેથી તેઓ તેમની ઇમેજમાં ફસાઈ જતા હતા.''

ભારતીય રાજકારણમાં સ્વીકાર્યતા મેળવવાની દબાયેલી ઇચ્છાને કારણે જ અડવાણીએ પાકિસ્તાન જઈને મોહમ્મદ અલી ઝીણાનાં વખાણ કર્યાં હશે.

અડવાણી તેને પોતાનો માસ્ટરસ્ટ્રોક ગણતા હતા, પણ તેને કારણે અડવાણીની રાજકીય કારકિર્દી એક રીતે ખતમ થઈ ગઈ હતી.

line

માત્ર એક ભૂલ

સીનિયર પત્રકાર રામ બહાદુર રાય અને રેહાન ફઝલનો ફોટોગ્રાફ
ઇમેજ કૅપ્શન, બીબીસી સ્ટુડિયોમાં સિનિયર પત્રકાર રામ બહાદુર રાય સાથે રેહાન ફઝલ

રામ બહાદુર રાય કહે છે, ''ઝીણાનાં વખાણ શા માટે કર્યાં હતાં એ તો અડવાણી પોતે જ સારી રીતે જણાવી શકે."

"આ બાબતે તેમણે હંમેશાં ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે. અડવાણી વાજપેયી જેવી ઇમેજ બનાવવા ઇચ્છતા હતા, પણ એ વાત માનવા કોઈ તૈયાર ન હતું."

"અડવાણીનો ઇતિહાસ એ વાતને ન માનવા માટે મજબૂર કરતો હતો."

"કરાચીથી દિલ્હી આવ્યા બાદ અડવાણીનો જે વિકાસ થયો તેમાં વાજપેયી પૂરક સ્વરૂપે બહુ સારા છે."

"અલબત્ત, ખુદને તેઓ એક નેતાના સ્વરૂપે બહાર લાવે છે ત્યારે આરએસએસના પ્રવક્તા બની જાય છે."

"તેનાથી અલગ હઠવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને બમણું નુકસાન થાય છે."

"પહેલું નુકસાન, તેઓ જે આધાર પર ઊભા છે એ આધાર હટી જાય છે અને તેમના વિશે ગંભીર અવિશ્વાસ જન્મે છે.''

અહીં સવાલ એ થાય છે કે રાજકીય નેતાના તરીકે અત્યંત બુદ્ધિશાળી ગણાતા અડવાણીથી એ નિર્ણય લેવામાં ભૂલ કઈ રીતે થઈ?

line

ક્યાંયના ન રહ્યા

લાલકૃષ્ણ અડવાણીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'ઝીણા વિશે તેમણે જે વાત કરી હતી એ પાકિસ્તાનીઓને ખુશ કરવા માટે ન હતી'

અડવાણીના ટીકાકાર અને આરએસએસ વિશેના પુસ્તકના લેખક એ. જી. નૂરાની કહે છે કે 1984ની ચૂંટણીમાં ભાજપને માત્ર બે જ બેઠકો મળી ત્યારે અડવાણી ડઘાઈ ગયા હતા.

એ વખતે તેમણે નક્કી કર્યું હતું કે જૂના મતદારોના મત મેળવવાનો એકમાત્ર ઉપાય હિન્દુત્વને ફરી જગાવવાનો છે.

ભાજપે 1989માં પાલમપુર ઠરાવ પસાર કર્યો હતો. તેમાં અડવાણીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આપણા પ્રયાસો મતમાં પરિવર્તિત થાય એવી મને આશા છે.

એ. જી. નૂરાનીના જણાવ્યા અનુસાર અડવાણી 1995માં જાણી ગયા હતા કે દેશ તેમને વડા પ્રધાન નહીં બનાવે. તેથી તેમણે વાજપેયીને આગળ કર્યા હતા.

ઝીણા વિશે તેમણે જે વાત કરી હતી એ પાકિસ્તાનીઓને ખુશ કરવા માટે ન હતી.

તેઓ ભારતમાં ઉદારમતવાદી નેતા તરીકે પોતાની ઇમેજ બનાવવા ઇચ્છતા હતા. એટલે તેમણે ઝીણાનાં વખાણ કર્યાં હતાં.

એ. જી. નૂરાની ઉમેરે છે, ''અલબત્ત, ઝીણાનાં વખાણ કરીને અડવાણી પોતાની જ જાળમાં ફસાઈ ગયા હતા."

"ગુજરાતના હુલ્લડ પછી તેમણે જે નરેન્દ્ર મોદીને બચાવ્યા હતા, એ જ નરેન્દ્ર મોદીએ તેમને પક્ષમાં એકલા પાડી દીધા હતા."

"અડવાણીની હાલત - 'ન ખુદા મીલા, ન વિસાલે સનમ, ન ઈધર કે રહે ન ઉધર કે' એવી થઈ હતી.''

line

નરેન્દ્ર મોદીને કોણે બચાવ્યા હતા?

લાલકૃષ્ણ આડવાણી અને નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, '2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાનો અડવાણીએ વિરોધ કર્યો હતો'

જોકે, રામ બહાદુર રાય માને છે કે ગુજરાતમાં હુલ્લડ પછી અડવાણીએ નહીં, અન્ય લોકોએ નરેન્દ્ર મોદીને બચાવ્યા હતા.

રામ બહાદુર રાય કહે છે, ''નરેન્દ્ર મોદી રાજીનામું આપે એવું વાજપેયી ઇચ્છતા હતા. તેમણે એક નિવેદનમાં રાજધર્મના પાલનની શિખામણ પણ આપી હતી."

"અલબત્ત, વાજપેયીને ઠંડા પાડવા અને તેમના નિર્ણય બાબતે પુનર્વિચાર કરાવવામાં બે વ્યક્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."

"એ બે વ્યક્તિ હતી અરુણ જેટલી અને પ્રમોદ મહાજન."

"વાજપેયી પ્લેનમાં દિલ્હીથી ગોવા પહોંચ્યા ત્યારે તેમની સાથે જેટલી અને મહાજન જ હતા. અડવાણી તો હતા જ નહીં."

"જેટલી અને મહાજને પ્રવાસ દરમ્યાન વાજયેપીને સમજાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું રાજીનામું પક્ષના હિતમાં નથી."

"પણજી પહોંચતા સુધીમાં વાજપેયીએ તેમના સ્વભાવ અનુસાર જેટલી અને મહાજનની વાત માની લીધી હતી."

"તમે આ કરો અને આ ન કરો એવું વાજપેયીને કહેવાની હિંમત અડવાણીમાં ન હતી, એવું હું માનું છું.''

નરેન્દ્ર મોદીને બચાવવામાં અડવાણી પ્રત્યક્ષ રીતે ભલે મદદરૂપ ન બન્યા હોય, પણ નરેન્દ્ર મોદી 2012 સુધી અડવાણીના લેફટનન્ટ હતા એ હકીકત સામે બહુ ઓછા લોકોને વાંધો હશે.

line

જ્યારે અડવાણીને મળ્યો આરએસએસનો ટેકો

સીનિયર પત્રકાર અજય સિંહ અને રેહાન ફઝલનો ફોટોગ્રાફ
ઇમેજ કૅપ્શન, સિનિયર પત્રકાર અજયસિંહ સાથે રેહાન ફઝલ

ભાજપે અડવાણીની જગ્યાએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા ત્યારે અડવાણી એ હકીકતને પચાવી શક્યા ન હતા. તેનું કારણ શું હતું?

અજયસિંહ કહે છે, ''2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાનો અડવાણીએ વિરોધ કર્યો હતો.''

''પોતે વડા પ્રધાન બનવાનો પ્રયાસ કરે એવી અડવાણીની ઇચ્છાની એક ઝલક તો એ વિરોધમાં ક્યાંક દેખાતી જ હતી.''

''તમને યાદ હોય તો અડવાણીએ કહેલું કે વડા પ્રધાનપદના ઉમેદવારનું નામ પહેલેથી જાહેર કરવું જરૂરી નથી.''

''કદાચ અડવાણી એવું માનતા હતા કે નરેન્દ્ર મોદી જેવા કોઈ નામને આગળ ધપાવીશું તો મતનું ધ્રુવીકરણ થશે.''

''જોકે, મોદીની તરફેણમાં પક્ષના કાર્યકરોનું જે જોરદાર દબાણ હતું તેમાં અડવાણી બાજુ પર ધકેલાઈ ગયા હતા.''

વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે જ એવી ચર્ચા ચાલતી હતી કે આરએસએસ વાજપેયીને બદલે અડવાણીને વડા પ્રધાન બનાવવા ઇચ્છતો હતો.

જોકે, એ તક પણ અડવાણીના હાથમાંથી સરકી ગઈ હતી.

રામ બહાદુર રાય કહે છે, ''2001ના અંત સુધીમાં અડવાણીની આજુબાજુમાં તેમના વિશ્વાસુઓનું એક જૂથ રચાઈ ગયું હતું."

"આરએસએસના વડા રજ્જુ ભૈયા વાજપેયીને વડા પ્રધાનપદ છોડવા અને અડવાણીને વડા પ્રધાન બનવા દેવા જણાવે એ વાત રજ્જુ ભૈયાને ગળે ઉતારવામાં એ જૂથ સફળ થઈ ગયું હતું."

"વાજપેયી અને રજ્જુ ભૈયા વચ્ચે જૂનો સંબંધ હતો. તેથી રજ્જુ ભૈયા વાજપેયીને એવું કહી શકે તેમ હતા.''

line

વાજપેયી સમજી ગયા હતા અડવાણીની ચાલ?

અટલ બિહારી વાજપેયીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાજપેયી પણ સમજી ગયા હતા કે આ ખેલ અડવાણીએ જ પાડ્યો છે

રામ બહાદુર રાયના જણાવ્યા અનુસાર, ''રજ્જુ ભૈયાએ વાજપેયીને કહેલું કે લાઇનમાં ઊભેલા બીજા લોકોને પણ તક આપવી જોઈએ.''

''રજ્જુ ભૈયાએ પોતે આરએસએસના વડાનું પદ કે. સી. સુદર્શન માટે છોડ્યું હતું.''

''તેથી તેમને એવી વિનંતી કરવાનો અધિકાર પણ હતો. રજ્જુ ભૈયાએ આ વાત કરી ત્યારે વાજપેયીએ તેમને ના કહી ન હતી, પણ તેઓ સમજી ગયા હતા કે આ ખેલ અડવાણીએ જ પાડ્યો છે.''

line

વાજપેયીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર

લાલકૃષ્ણ આડવાણી અને નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'નેતૃત્વ અડવાણી જેવું જ વિચારે છે એમ માનવું ખોટું છે'

આરએસએસ વાજપેયીને રાષ્ટ્રપતિ બનાવવા ઇચ્છતો હતો એ વાતમાં કેટલી સચ્ચાઈ છે, એવો સવાલ મેં રામ બહાદુર રાયને કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે વાજપેયી વડા પ્રધાનપદ છોડવા તૈયાર થાય તો તેમને રાષ્ટ્રપતિ બનાવવાનો વિકલ્પ હતો, પણ વાજપેયીએ ચતુરાઈથી એ બન્ને યોજના નિષ્ફળ બનાવી હતી.

વધતી વય હોય કે નવા નેતૃત્વ સાથે તાલમેલ સાધવાની અક્ષમતા, પણ અડવાણી તેમના રાજકીય જીવનની સંધ્યાએ એકલા પડી ગયા હોય એવું લાગે છે.

જોકે, કંચન ગુપ્તા જેવા તેમના સમર્થકો માને છે કે અડવાણી આજે પણ રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે.

કંચન ગુપ્તા કહે છે, ''નેતૃત્વ અડવાણી જેવું જ વિચારે છે એમ માનવું ખોટું છે.''

''તેથી પક્ષની દરેક બેઠકમાં અડવાણી હાજર હશે એવું કહેવું પક્ષના નેતૃત્વ તથા અડવાણી એ બન્ને માટે અનુકૂળ નહીં હોય.''

''અડવાણી દૈનિક રાજકારણ માટે હવે ઉપયોગી નથી એ વાત સાચી, પણ તેમના જેવી સલાહકારની ભૂમિકા ભાજપમાં બીજું કોઈ ભજવી ન શકે.''

કંચન ગુપ્તા ભલે ગમે તે કહે, પણ ભાજપમાં અડવાણી હવે સલાહકારની ભૂમિકા પણ ભજવી શકે તેમ નથી. એ તેમની તકલીફનું કારણ પણ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો