મેવાણી: ભાજપમાં જોડાવા કરતા સાબરમતીમાં કૂદી જઉં

ઇમેજ સ્રોત, Getty Images
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર બાદ દલિત યુવા નેતા જિગ્નેશ મેવાણી પણ કૉંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે તેવી અફવાઓ વચ્ચે મેવાણીએ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે ફેસબુક લાઇવમાં ખાસ ચર્ચા કરી હતી.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને સાગર પટેલ સાથેની વાતચીમાં જિગ્નેશે જણાવ્યું હતું કે આ ચૂંટણી (2017ની વિધાનસભા ચૂંટણી) પૂરતા કોઈ પણ પક્ષ સાથે તેઓ જોડાઈ નથી રહ્યાં.
બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ પર વાચકોએ જિગ્નેશને બહોળા પ્રમાણમાં પ્રશ્નો પૂછ્યા હતા.
લોકો જાણવા માગતા હતા કે શું જિગ્નેશ ખરેખર કૉંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે? જો કૉંગ્રેસમાં ના જોડાઈ રહ્યા હોય તો કયા પક્ષમાં જઈ રહ્યા છે?
તમને આ પણ વાંચવું ગમશે
લોકોના પ્રશ્નોના મેવાણીએ વિસ્તારથી જવાબ આપ્યા હતા.

કયા પક્ષ સાથે જોડાણ?

ઇમેજ સ્રોત, jignesh mevani/facebook
પોતાનું વલણ સ્પષ્ટ કરતા મેવાણીએ જણાવ્યું કે તેઓ 2017ની આ ચૂંટણી પૂરતા કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાઈ નથી રહ્યા.
તેમણે કહ્યું, 'અત્યારે મારું એક માત્ર લક્ષ્ય છે કે બંધારણ વિરોધી ગુજરાત અને કેન્દ્રની ભાજપની સરકાર વિરુદ્ધ લડી રહેલા પરીબળો સાથે મળવું અને ભાજપના શાસનનો અંત લાવવાની પક્રિયામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવવી.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ અંગે વાત કરતા મેવાણીએ કહ્યું કે હાલ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ જે આક્રોશ જોવા મળી રહ્યો છે તે અભૂતપૂર્વ છે.
આશા વર્કર બહેનો, આંગણવાડીની કાર્યકર્તા બહેનો, સરકારી કર્મચારીઓ, દલિતો, ઓબીસી, પાટીદાર, સુરતના વેપારીઓ ભાજપ વિરુદ્ધ રસ્તાઓ ઊતરી આવ્યા છે.
આ આક્રોશ અને કર્મશીલોની નિસબત વચ્ચે એક સેતુ સ્થપાયો છે. જેને લીધે ભાજપને બચાવની ભૂમિકામાં આવી જવું પડ્યું છે.

સંઘ અને ભાજપનો વિરોધ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
સંઘ અને ભાજપ અંગે બોલતા તેમણે કહ્યું કે આ બન્ને ફાસીવાદી તાકાતો છે. જેઓ હિટલર અને મુસોલિનીને પ્રેરણાસ્રોત માને છે.
નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, કલબુર્ગી, શાંતનુ ભૌમિક, ગૌરી લંકેશની સરેઆમ હત્યાઓ જેવી ઘટનાના કિસ્સાઓ ભવિષ્યમાં વધી શકે છે.
જેને અટકાવવા હોય તો ભાજપને ગુજરાતમાં 'તેમની જ ધરતી' પર અટકાવવો પડે. આ માટે હું કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર છું.
'ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા'નો કાયદો પહેલાથી જ છે. આ કાયદા હેઠળ હજારો એકર જમીન ફાળવી શકાય એમ છે.
મેવાણીએ એમ પણ જણાવ્યું કે ભૂદાન હેઠળ સંપાદિત કરેલી અને વણવહેંચાયેલી 48 હજાર એકર પડતર જમીન પણ જો સરકાર ઇચ્છે તો ફાળવી શકે એમ છે.

મેવાણીની માગણીઓ

ઇમેજ સ્રોત, Getty Images
અમે માત્ર એટલું જ ઇચ્છી રહ્યા છીએ કે કાગળ પર અમને ફાળવાયેલી જમીન અમને આપો.
અમે એ જમીન માગી રહ્યા છીએ કે જેના અમે માલિક છીએ. આ સિવાય અમારે ગટરમાં નથી ઊતરવું.
માથે મેલું નથી પાડવું અને મૃત પશુઓના નિકાલનું કામ નથી કરવું.
અમે જ સૂત્ર આપ્યુ છે કે 'આ વખતે પાડી દો' અને અલ્પેશ તથા હાર્દિકની ભાષા પરથી તેમનો અભિગમ સ્પષ્ટ થાય છે. 'આ વખતે પાડી દો' સૂત્રને સાર્થક કરવા પૂરતા ત્રણેય સાથે છીએ.
દેશમાંથી અનામત નાબૂદ થવી જ જોઈએ. જો કે એ પહેલા દેશમાં જાતિવિહિન સમાજની સ્થાપના થવી જરુરી છે.
અશ્વિન મકવાણા નામના વાચકે જ્યારે જિગ્નેશ મેવાણીને પૂછ્યું કે ભાજપ તરફથી મુખ્યપ્રધાન પદનો પ્રસ્તાવ આપવામાં આવે તો?
રિવરફ્રન્ટ પર આયોજિત ફેસબુક લાઇવમાં નદી તરફ આંગળી ચીંધીને તેમણે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે હું સાબરમતી નદીમાં કૂદી જવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહીં જોડાઉં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












