દૃષ્ટિકોણ : વિદેશમાં મોદીનો જાદુ ઓછો થઈ રહ્યો છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, સંવાદદાતા, બીબીસી ઉર્દૂ

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા.

અમેરિકામાં રાહુલ ગાંધી અનેક લોકોને મળ્યા હતા અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત પણ કર્યાં હતાં.

આ દરમિયાન રાહુલે અનેક સવાલના જવાબ પણ આપ્યા હતા. રાહુલે ભારતની હાલની સ્થિતિ અને રાજકારણ અંગે ગંભીર ચર્ચા પણ કરી હતી.

તેમણે અનેક સામયિકો અને સમાચારપત્રોને ઇન્ટર્વ્યૂ પણ આપ્યું હતું.

રાહુલની યાત્રાને મીડિયામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને રાહુલે આ દરમિયાન જે વાતો કરી તેના વખાણ પણ થયા હતા.

ભારતમાં પ્રથમ વખત સત્તાધારી બીજેપીએ અનુભવ કર્યો કે વિદેશમાં મોદીનો જાદુ ઓછો થઈ રહ્યો છે અને રાહુલ ગાંધીને લોકો ગંભીરતાથી લઈ રહ્યાં છે.

તમને આ પણ વાંચવું ગમશે

ભારતની અર્થવ્યવસ્થાની લથડતી હાલતના કારણે પ્રધાનમંત્રી મોદીની ટીકા થઈ રહી છે.

શરુઆતમાં એવું લાગી રહ્યું હતું કે મોદી ભારતીય અર્થવ્યવસ્થામાં અનેક ફેરફાર લાવશે, પરંતુ હજુ સુધી કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી.

રાહુલ ગાંધીનો ફોટો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ સરકારને પાછળ મૂકવા તૈયારી કરી રહ્યા છે

ગરીબોને ફાયદો નથી

ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 6 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. અર્થવ્યવસ્થામાં રહેલી સુસ્તીને સરળતાથી અનુભવી શકાય છે.

સરકાર એ વાતની માહિતી મેળવવા નિષ્ફળ રહી છે કે તેમની નીતિઓથી ગરીબોને કોઈ ફાયદો નથી થઈ રહ્યો.

આગામી મહિનાઓમાં ભારતના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મોદી સરકારને લઈને જેવી વાતો થઈ રહી છે, તે માહોલમાં બીજેપી માટે ચૂંટણી લડવી સહેલી સાબિત નહીં થાય.

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બર- ડિસેમ્બર મહિનામાં ચૂંટણી છે. તેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ખાસ મહત્વ છે.

ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ગૃહ રાજ્ય છે અને તેઓ ત્યાંના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે.

બીજેપી ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં છે. ગુજરાતમાં હાલ જેવો માહોલ છે તેના આધારે ફેરફારના સંકેત સ્પષ્ટપણે જણાઈ રહ્યાં છે, પરંતુ શું કોંગ્રેસ તેનો ફાયદા ઉઠાવી શકશે?

રાહુલ ગાંધી અમેરિકાથી આવ્યા બાદ ગુજરાત પ્રવાસે ગયા હતા. ગુજરાતમાં રાહુલે પ્રવાસની શરૂઆત એક મોટા મંદિરમાં પૂજા સાથે કરી હતી.

તેઓ ગુજરાતની અનેક જગ્યાએ ગયા હતા, પરંતુ તેના દરેક પ્રવાસમાં કોઈને કોઈ મંદિરમાં પૂજા કરવાનો કાર્યક્રમ નક્કી હતો. રાહુલનું મંદિર જવું અને પૂજા કરવી તે મીડિયામાં છવાયેલું રહ્યું.

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતીને કોંગ્રેસ ગેમ ચેન્જ કરી શકશે કે નહીં તેના પર સૌની નજર છે

સંવેદનશીલ હિંદુત્વનો સહારો

અનેક રાજકારણના વિશ્લેષકોનું માનવું છે કે રાહુલનું મંદિર જવું તે કોઈ અચાનક બનેલી ઘટના ન હતી, પરંતુ તે કોંગ્રેસે વિચારેલી એક રણનીતિનો ભાગ હતો.

વિશ્લેષકોનું માનવું છે કે કૉંગ્રેસ સત્તા મેળવવા માટે નરમ હિંદુત્વનો સહારો લઈ રહી છે.

બીજેપી કૉંગ્રેસની ધર્મનિરપેક્ષતા પર હંમેશા સવાલ ઉઠાવે છે. આવી રીતે વિવિધ પાસાઓના કારણે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને સફળ ગણવામાં આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીની ભાજપ પાર્ટી માટે ગુજરાત નાકનો સવાલ છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતના જ છે.

બીજી તરફ કૉંગ્રેસ માટે પણ આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. જો ગુજરાત વિધાનસભા ચૂંટણી કૉંગ્રેસ જીતી લે છે તો ભારતના રાજકારણમાં એ બાબત 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે.

રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, TWITTER/OFFICEOFRG

ઇમેજ કૅપ્શન, કોંગ્રેસ સત્તામાં ફરવા માગે છે તો તેણે મજબૂત વિકલ્પ સાથે મેદાનમાં ઉતરવાની જરૂર

ગુજરાતમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ છે, પરંતુ એક મજબૂત વિકલ્પની શોધ છે. કોંગ્રેસ પ્રમાણે તે ગુજરાતમાં ભાજપના આક્રમક હિંદુત્વનો સામનો નરમ હિંદુત્વથી કરશે તો તેના માટે ચૂંટણી જીતવી મુશ્કેલ છે.

જો કોંગ્રેસ સત્તામાં પરત ફરવા માંગે છે તો તેણે મજબૂત વિકલ્પ અને લોકોને પસંદ આવે તેવી યોજનાઓ સાથે મેદાનમાં ઉતરવું પડશે.

કોગ્રેંસ પાસે ભ્રષ્ટાચારના વિરોધનો એક મુદ્દો હોવો જોઈએ અને તેણે જણાવવું પડશે કે રાજ્યની વર્તમાન સરકારથી તેની સરકાર વધારે સારી છે. કોંગ્રેસે તૈયારી સાથે યોગ્ય સમયે જનતા સમક્ષ આવવું પડશે.

રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીની ટીકા કરવાના બદલે પોતાના સકારાત્મક કાર્યક્રમોને લોકો વચ્ચે લઈ આવે. ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ માટે સુવર્ણ અવસર છે અને તેને પામવા માટે તેની પાસે ઠોસ રણનીતિ હોવી અનિવાર્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો