દૃષ્ટિકોણ : વિવેકાનંદના ભારત અને મોદીના ભારતમાં ઘણો તફાવત છે

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
- લેેખક, ઉર્મિલેશ
- પદ, વરિષ્ઠ પત્રકાર
સારું લાગ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમના સુપ્રસિદ્ધ શિકાગો સંબોધનની 125મી વર્ષગાઠ પર સોમવારે યાદ કર્યાં.
1893માં શિકાગોમાં સર્વધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત તરફથી યુવા સંન્યાસીના રૂપમાં વિવેકાનંદે તેમના સંક્ષિપ્ત પરંતુ સારગર્ભ સંબોધનથી હાજર રહેલા તમામ પ્રતિનિધિઓને પ્રભાવિત કર્યાં હતા.
તે સંબોધન બાદ તેમની ખ્યાતિ વાયુ વેગે પ્રસરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પોતાની આગવી શૈલીમાં તેમને યાદ કર્યાં.
વિવેકાનંદના સંદર્ભમાં આજની વાસ્તવિકતાની ચર્ચા, તેમની આધ્યાત્મિકતા, ભારતીય સમાજ અને રાષ્ટ્ર વિશે તેના વિચાર, ધર્મને લઈને તેમની ધારણા અને સભ્યતા તેમજ સંસ્કૃતિને લઈને તેમના વિચાર પર કેન્દ્રિત હોવું જોઈએ.
શિકાગો સંબોધન

આખરે ધર્મ, સમાજ અને સૌથી મહત્વનું, ભારત વિશે તેમનો દૃષ્ટિકોણ કેવો હતો?
પ્રધાનમંત્રી મોદી, સત્તાધારી દળ અને પૂર્ણ ભારતીય સમાજે આજે આના પર ઈમાનદારીથી વિચાર કરવો જોઈએ. વિવેકાનંદ અને તેમના ઐતિહાસિક શિકાગો સંબોધનને યાદ કરવાની સૌથી સારી રીત આ જ હોઈ શકે છે.
શિકાગો સંમેલનના પોતાના સંબોધનમાં વિવેકાનંદે વિશ્વના તમામ ધર્મોના આચાર્યો અને પ્રતિનિધિઓ સામે જે હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું, તે આજનાં 'હિન્દુત્વ'થી સાવ અલગ જ નહીં, પરંતુ તેનાથી તદ્દન વિરુદ્ધ હતું.
સ્વામી વિવેકાનંદે દુનિયાને હિંદુ ધર્મનો પરિચય આપતા તેની ધાર્મિક-વૈચારિક સહિષ્ણુતાને રજુ કરી, ''હું એક એવા ધર્મનો અનુયાયી હોવાનો ગર્વ અનુભવુ છું, જેણે સંસારને સહિષ્ણુતા અને સાર્વભૌમ સ્વીકૃતિની શિક્ષા આપી છે. હું એવા ધર્મનો અનુયાયી હોવાનો ગર્વ કરું છું જેણે આ પૃથ્વીના બધાં જ ધર્મો અને તમામ દેશોના પીડિત લોકો અને શરણાર્થીઓને આશરો આપ્યો છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજનું હિંદુત્વ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTYIMAGES
આ સાથે જ તેમણે પોતાના સંબોધનમાં દુનિયાના ધર્મગુરુ અને અન્ય લોકોને ચેતવતા જણાવ્યું, 'સાંપ્રદાયિકતા અને કટ્ટરતા આ સુંદર પૃથ્વી પર ઘણાં સમય સુધી રાજ કરી ચૂક્યાં છે.
તે પૃથ્વીને હિંસાથી ભરતા રહ્યાં અને માનવતાને લોહીથી નવડાવતા રહ્યા છે. સભ્યતાઓને હણી ભાંગતા આખાને આખા દેશને નિરાશાના ચક્રવ્યૂહમાં મોકલતા રહ્યાં છે.'
શિકાગો સંબોધનની દરેક મુખ્ય વાત આજનાં આક્રમક હિંદુત્વ, ગૌરક્ષકોની ખાનગી ટુકડી, બજરંગીઓના ખરાબ વિચારો અને લવ-જેહાદના હિંસક અનુયાયીઓની કથિત ધાર્મિકતાને નકારે છે.
ખૂબ જ અચરજની વાત છે, સ્વામી વિવેકાનંદે આ ભાષણ આજથી 124 વર્ષ પહેલાં આપ્યું હતું. પરંતુ આજે પણ દુનિયાના અનેક વિસ્તારો આ મહાવ્યાધિથી પીડિત છે જેની ચર્ચા મહાન ભારતીય સ્વામી વિવેકાનંદે ત્યારે કરી હતી.
અધર્મનો ઝંડો
વિવેકાનંદજીનો પોતાનો દેશ ભારત પણ સાંપ્રદાયિકતા, ધર્માંધતા અને કટ્ટરતાના આ શાપથી પીડિત છે.
ધર્મના નામ પર અધર્મનો ઝંડો લઈને કેટલાક ખાસ પ્રકારના લોકોની ભીડ ક્યાંક ગૌરક્ષાના નામ પર, ક્યાંક 'બીફ'ના નામ પર તો ક્યાંક લવ-જેહાદના નામ પર લોકોને કચડીને મારી નાંખે છે.
પરંતુ વિવેકાનંદ ક્યારેય પણ આ પ્રકારનું ભારત કે આ પ્રકારનો ધર્મ ઈચ્છતા નહોતા. રાષ્ટ્ર અને ધર્મ વિશે તેમની ધારણા ખૂબ જ સ્પષ્ટ અને સંતુલિત હતી.
ભારતીય સ્વામીના વિચારો

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTYIMAGES
પ્રખ્યાત પુસ્તક 'લેક્ચર્સ ફ્રોમ કોલમ્બો ટૂ અલ્મોડા'માં સંકલિત પોતાના લેખો-ભાષણોમાં ઘણી જગ્યાએ તેઓએ રાષ્ટ્ર, ધર્મ અને સભ્યતા સંબંધી પોતાના વિચારોને ખૂબ જ સરસ રીતે વર્ણવ્યાં છે.
આઝાદીની ખૂબ જ પહેલાં આ મહાન ભારતીય સ્વામીએ ભારતીય રાષ્ટ્ર-રાજ્યની પોતાની પરિકલ્પનામાં ધાર્મિક સહિષ્ણુતા અને સમન્વયને રેખાકિંત કર્યું હતું.
આ પુસ્તકમાં સંકલિત પોતાના એક સંબોધનમાં તે સ્પષ્ટપણે જણાવે છે, ''ભારતને શું જોઈએ? ભારતને જોઈએ, એક વેદિક મન અને ઈસ્લામિક શરીર.''
આજના આપણા હિંદુત્વવાદી કે મનુવાદી લોકો સ્વામી વિવેકાનંદના આ પ્રકારના મંતવ્યને શું પચાવી શકશે? સારી વાત છે કે તે વિવેકાનંદને વાચ્યાં વગર તેમના વખાણ કર્યાં કરે છે.
જો તેઓને યોગ્ય રીતે વાંચશે, તો વિવેકાનંદમાં એક સાથે ભારતીય ચિંતન પરંપરાના બધાં જ તંતુઓ અને શાંત સંગમ મેળવશે.
વિવેકાનંદની ચિંતનધારા
સ્વામી વિવેકાનંદની ચિંતનધારા સનાતની બ્રાહ્મણ-ધારાથી સાવ વિરુદ્ધ છે. તે ભારતીય ચિંતન પરંપરાના વૈદિક પ્રવાહથી લઈને બૌદ્ધ અને અન્ય ગેર બ્રાહ્મણવાદી ધારાઓથી પણ ઘણું બધું ગ્રહણ કરે છે.
આ માત્ર સંયોગ નથી કે પોતાના અપેક્ષાકૃત અલ્પજીવનમાં તેઓ જ્ઞાનની ખોજમાં વધારે પડતો સમય અધ્યયન અને યાત્રાઓ પર ખર્ચ કરતા હતા. દક્ષિણના કન્યાકુમારીથી લઈને ઉત્તરના બંગાળ-ઓરિસ્સા સુધી તમામ સંતો-વિદ્વાનોને મળતા રહ્યા.
પરંતુ અત્યારે વિવેકાનંદના વિચારોને સંપૂર્ણતામાં લેવા પડશે. તેમને પૂજવાની જગ્યાએ તેમને વાંચવા અને તેમને પોતના આતંરિક અને સાર્વજનિક જીવનમાં ઉતારવા પડશે. શું આપણે એક વ્યક્તિ અને રાષ્ટ્રના રૂપમાં તેના માટે તૈયાર છીએ?
(અહીં દર્શાવેલા વિચાર લેખકના છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












