ગુજરાતમાં ચૂંટણીની મોડી જાહેરાતથી કોને લાભ, કોને નુકસાન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ન કરવાના મુદ્દે કોંગ્રેસે ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવ્યા છે.
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશનો ચૂંટણી કાર્યક્રમ 12 ઑક્ટોબરે જાહેર કર્યો હતો, પણ એ સમયે ગુજરાત માટે ચૂંટણીની તારીખ જાહેર કરી ન હતી.
25 ઓક્ટોબરે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી.
હવે ચૂંટણી પંચના આ પગલાંને કારણે એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતમાં થયેલા આ વિલંબથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને ફાયદો થશે?
તમને આ વાંચવું પણ ગમશે :
રાજકીય વિશ્લેષક આર કે મિશ્રા કહે છે, ''પોતાના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બની રહેલો માહોલ ઠંડો પડી જશે અને સામાજિક આંદોલનો નરમ પડી જશે એવું બીજેપી માને છે.
તેમણે કહ્યું, “આવું કંઈ થઈ રહ્યું હોય એમ લાગતું નથી. આ સંજોગોમાં ચૂંટણીની જાહેરાતમાં વિલંબથી બીજેપીને બહુ ફાયદો થવાની શક્યતા નથી. હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થોડો વધુ સમય જરૂર મળશે.”

સોશિઅલ મીડિયામાં બીજેપી વિરોધીટ્રેન્ડથી ચિંતા

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, ''ચૂંટણી બને તેટલી મોડી યોજાય એવું બીજેપી ઈચ્છે છે. તેનું કારણ એ છે કે જ્ઞાતિનાં સમીકરણ અત્યારે બીજેપીની તરફેણમાં નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, “બીજેપી સરકારી યોજનાઓ વડે લોકોને આકર્ષવા ઈચ્છે છે. બીજેપી માને છે કે જુલાઈમાં તેની તરફેણમાં જે પરિસ્થિતી હતી એ હવે નથી.”
તેમણે ઉમેયું કે, “ગુજરાતમાં ભારે વરસાદ સાથે આવેલાં પૂર પછી સરકારે કરેલાં રાહત કામથી લોકો સંતુષ્ટ નથી. લોકો ગુસ્સે થયેલા છે.”
અજય ઉમટ માને છે કે બીજેપીની ચૂંટણી ઝુંબેશનો સામાન્ય લોકોએ સોશિયલ મીડિયા પર જે પ્રતિભાવ આપ્યો છે તેનાથી બીજેપીની નેતાગીરી ચિંતિત છે.
તેમણે કહ્યું, “સોશિઅલ મીડિયા પર ચાલી રહેલો 'વિકાસ ગાંડો થઈ ગયો છે' ટ્રેન્ડ બીજેપીને રાજકીય ઉથલપાથલનો ખ્યાલ આપી રહ્યો છે.”
તેમણે ઉમેર્યું, “આ પરિસ્થિતિમાં બીજેપી માને છે કે સરકારી જાહેરાતો વડે લોકોને અને ખાસ કરીને પટેલોને મનાવી શકાશે.”

સરકારવિરોધી હવા

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે આચારસંહિતા અમલી બને છે. સરકારના અધિકાર અત્યંત મર્યાદિત થઈ જાય છે. બીજેપી આચારસંહિતા અમલમાં ન હોવાનો વધુમાં વધુ લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.
અજય ઉમટ કહે છે, ''ગુજરાત સરકારે છેલ્લા પંદર દિવસમાં અંદાજે સાત-આઠ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. પટેલ સમુદાયને આકર્ષવાના પ્રયાસ સૌથી વધુ કરવામાં આવ્યા છે.”
તેમણે કહ્યું, “એ ઉપરાંત સમાજના અન્ય અસંતુષ્ટ વર્ગોને પણ આકર્ષવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. ગયા રવિવારે યોજાયેલી ગુજરાતના પ્રધાનમંડળની બેઠકમાં ઘણા નિર્ણય લેવામાં આવ્યા હતા.”
ગુજરાતમાં બીજેપી છેલ્લા 22 વર્ષથી સત્તા પર છે. બીજેપીએ દરેક ચૂંટણીમાં વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીના થોડા મહિના પહેલાં બીજેપીએ કુલ 182માંથી 150 બેઠકો જીતવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું.
જોકે, હવે બીજેપી સરકાર બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.

નરેન્દ્ર મોદીની રેલી

ઇમેજ સ્રોત, Getty Images
આર કે મિશ્રા કહે છે, “ગુજરાતમાં એવી પરિસ્થિતિ છે કે અંતે નરેન્દ્ર મોદીએ ચૂંટણીને તેમની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવી પડશે. વડાપ્રધાન વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે એ તેનો સંકેત છે.”
તેમણે કહ્યું, “રેલીમાં બહારના લોકો વધુ દેખાતા હોવાનું નરેન્દ્ર મોદીએ વડોદરાની જાહેર સભા બાદ સભાના સ્થાનિક આયોજકોને જણાવ્યું હતું. વડાપ્રધાનનું આ નિરિક્ષણ ગુજરાતની રાજકીય પરિસ્થિતી દર્શાવે છે.”
તેમણે ઉમેર્યું કે, “શહેરી વિસ્તારોમાં બીજેપીની સ્થિતિ મજબૂત છે. આ સંજોગોમાં પોતાની રેલીમાં શહેરી લોકોની ઓછી હાજરી વિશેનું વડાપ્રધાનનું નિરિક્ષણ દર્શાવે છે કે બીજેપી માટે ગુજરાતમાં બધું અનુકૂળ નથી.”
આર કે મિશ્રા કહે છે, ''નરેન્દ્ર મોદીનું નિવેદન દર્શાવે છે કે ગુજરાતમાં બીજેપી નબળી પડી છે. તેથી તેમણે વ્યક્તિગત રીતે પ્રયાસ કરવા પડે છે.”

નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાનો સવાલ?

ઇમેજ સ્રોત, AFP
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજેપી માટે અત્યંત મહત્વની છે. તેનું કારણ એ છે કે ગુજરાતમાં બીજેપી હારશે તો તેનો પ્રભાવ 2019ની સામાન્ય ચૂંટણી પર પણ પડશે.
આર કે મિશ્રા કહે છે, ''બીજેપી હારશે કે અત્યંત ઓછા તફાવતથી જીતશે તો 2019ની સામાન્ય ચૂંટણીમાં તેના માટે પરિસ્થિતી મુશ્કેલ બનશે. તેનું કારણ એ છે કે બીજેપી અત્યાર સુધી દેશને ગુજરાત મોડેલ દેખાડતી રહી છે.”
તેમણે ઉમેર્યું કે, “હવે એ મોડેલનો લોકો અસ્વીકાર કરે તો તેનો અર્થ બીજેપીના અસ્વીકાર જેવો થાય. આ ચૂંટણીને નરેન્દ્ર મોદી પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવશે.”
જોકે, આર કે મિશ્રા માને છે કે ગુજરાતની ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદી બધું કરી છૂટશે.
તેમણે કહ્યું, “છેલ્લા તબક્કામાં આ ચૂંટણી અત્યંત ભાવનાત્મક અપીલ સુધી પણ પહોંચી શકે છે.” ગુજરાતમાં આ વખતની ચૂંટણી બેકારી, આર્થિક વિકાસ અને મૂળભૂત સુવિધાઓના મુદ્દે વધુ લડવામાં આવી રહી છે.
અજય ઉમટ કહે છે, “અત્યારે ગુજરાતની ચૂંટણીમાં કોમવાદનો કકળાટ નથી. લોકો રોજગાર અને ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યા છે. ગુજરાતમાંથી નિકળેલા મોદીનોમિક્સ અને ગુજરાત મોડેલ જેવા શબ્દો સામે સવાલ ઉઠાવી રહ્યા છે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












