જામનગર ટુ નોર્થ કોરિયા : કિમ જોંગના ગઢ અંગે જીગર બરાસરાના અનુભવ

ઇમેજ સ્રોત, JIGAR BARASARA
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
શું તમે વિશ્વ સાથે વધુ સંપર્ક નહીં ધરાવતા અને વારંવાર પરમાણુ પરીક્ષણો કરીને યુદ્ધની ધમકીઓ આપતા દેશમાં ફરવા જવાનું સાહસ કરશો? ગુજરાતના એક યુવાને આવા દેશનો પ્રવાસ કર્યો.
જામનગરના જીગર બરાસરાને એકલા પ્રવાસ કરવું ખૂબ જ પંસદ છે. ત્રીસ વર્ષીય જીગરે અત્યાર સુધી ઉત્તર કોરિયા સહિત વિશ્વના 68 દેશોનો પ્રવાસ ખેડ્યો છે.
કેટલાક સમય પૂર્વે તેણે ઉત્તર કોરિયાનો પ્રવાસ કર્યો હતો અને કોરિયાની રાજધાની પ્યૉંગયાંગને કેમેરામાં કેદ કર્યો. અત્રે નોંધવું રહ્યું કે પ્યૉંગયાંગ એ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો ગઢ છે.
જીગર બરાસરાને કઈ રીતે આ પ્રકારના પ્રવાસનો શોખ જન્મ્યો? કઈ રીતે આટલા બધા દેશોનો પ્રવાસ કર્યો અને તેનો ઉત્તર કોરિયાના પ્રવાસનો અનુભવ કેવો રહ્યો, તે બધું જાણવું રસપ્રદ છે.
વિશ્વના વિવિધ દેશોમાં પ્રવાસ કરવાનો શોખ ધરાવતા જીગર બરાસરા સાથે બીબીસીની ખાસ વાતચીત.


ઇમેજ સ્રોત, JIGAR BARASARA
આ અંગે જિગરે કહ્યું, "ઉત્તર કોરિયા એક 'એક્ઝોટિક' દેશ છે. હું દક્ષિણ કોરિયા જઈને આવ્યો પછી મારા મિત્રએ મને કટાક્ષમાં કહ્યું હતું કે દક્ષિણ કોરિયા તો ઠીક, પણ ઉત્તર કોરિયા જાય તો કંઈ જુદું કર્યું એમ કેહવાય.
"મેં આ વાતને એક પડકાર તરીકે લઈને ઉત્તર કોરિયા જવાનું નક્કી કર્યું.

ઇમેજ સ્રોત, JIGAR BARASARA
"ઉત્તર કોરિયાના એરપોર્ટ પર પહોંચતા જ મને લાગવા લાગ્યું કે, હું કોઈ અલગ જ વિશ્વમાં આવી ગયો છું. અહિના લોકોનું બ્રેનવોશ થયું હોય અને કિમ જોંગની હકૂમતે તેઓનો અવાજ દબાવી દીધો હોય તેવું મને પણ અનુભવાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કિમ જોંગનું ઉત્તર કોરિયા એક 'આઇસોલેટેડ કન્ટ્રિ' છે. અહીં જવું ઘણું પડકારજનક રહ્યું. કેમ કે, વિઝા મેળવવાથી લઈને ઉત્તર કોરિયા પહોંચવું અને ખાસ ત્યાં રહેવું અન્ય દેશોની સરખામણીએ ઘણું પડકારજનક છે.
"વળી,અહીં જવા માટે તમારે ચીનમાં આવેલી નિશ્ચિત એજન્સી મારફતે જ જવું પડે છે."
તમે આ વાંચ્યું કે નહીં?

લોકો દ્વારા માત્ર જાહેર પરિવહનનો ઉપયોગ

ઇમેજ સ્રોત, JIGAR BARASARA
"ઉત્તર કોરિયામાં તમે ઇન્ટરનેટ કે મોબાઇલ નથી વાપરી શકતા. એક રીતે વિશ્વ સાથે તમારો સંપર્ક જ તૂટી જાય છે."
ત્યાંના લોકો અને જીવન વિશે જીગરે વધુમાં કહ્યું, "ઉત્તર કોરિયામાં કેટલાક નિયમો છે. અહીં ઊંચી ઈમારતો છે. વળી, હાઈવે પર ફક્ત સરકારી વાહનો જ જોવા મળે છે. કેમ કે, દરેક નાગરિકે પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઊપયોગ કરવાનો હોય છે.
અહીં કોઈ પણ વ્યક્તિ વાહન નથી રાખી શકતું. પોતાનું મકાન ખરીદવા પણ સરકારની પરવાનગી લેવી પડે છે."


ઇમેજ સ્રોત, JIGAR BARASARA

"મોટાભાગે તમામ દુકાનો સરકારની જ હોય છે અને લોકો સાઇકલ પર જ સફર કરે છે.
"જો કે તમે ઉત્તર કોરિયામાં સહેલાઈથી તસવીરો લઈ શકો છો. એટલું જ નહિ પણ રસ્તામાં કિમ જોંગ અને અન્ય લીડરના 'સ્ટેચ્યુ' આવે તો તેની સામે નીચા નમીને આદર પણ આપવો પડે છે.
"તદુપરાંત અહીં ગાંજો કાયદેસર ખરીદી શકાય છે તે એક ખોટી માન્યતા છે."


ઇમેજ સ્રોત, JIGAR BARASARA
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં જો કોઈ દેશ બંધ બારણે રહેતો હોય, તો તે ઉત્તર કોરિયા છે. બહારની દુનિયા સાથે તેનો સંપર્ક ના બરાબર છે.
સામાન્ય રીતે ઉત્તર કોરિયાના લોકો દેશની બહાર નથી જતા અને અન્ય દેશના લોકો સરળતાથી ત્યાં દાખલ પણ નથી થઈ શકતા, પરંતુ કેટલાક લોકો જોખમ ઉઠાવીને આવું સાહસ કરતા હોય છે.
ઉત્તર કોરિયાના લોકો ભારત વિશે કેટલું જાણે છે?

ઇમેજ સ્રોત, JIGAR BARASARA
લોકો ભારત વિશે શું જાણે છે તે અંગે જીગરે જણાવ્યું, "ઉત્તર કોરિયાના લોકો ઘણા શાંત અને હસમુખા છે. તેઓને તમે માર્કેટમાં મુક્ત રીતે ખરીદી કરતા જોઈ શકો છો.
"આ લોકો વિદેશથી આવેલા લોકો સાથે સરળતાથી વાત નથી કરતા.
"જોકે, હું બજારમાં ખરીદી કરવા ગયો, ત્યારે શોપકીપર યુવતીએ મને પૂછ્યું કે, હું ક્યાંથી આવ્યો છું? મેં તેને કહ્યું કે, હું ઇન્ડિયાથી આવ્યો છું તો તેનો જવાબ હતો 'વાઉ'.
"મેં પૂછ્યું,'શું તમને ભારત વિશે કંઈ ખબર છે?' તો તેણે કહ્યું કે, હા! દર વર્ષે અહીં ફિલ્મ ફેસ્ટિવલમાં અમને ભારતીય ફિલ્મો બતાવવામાં આવે છે.
"તેણે મને તેના કેટલાક મનપસંદ કલાકારોના નામ પણ જણાવ્યા."

ઇમેજ સ્રોત, JIGAR BARASARA
જો કોઈ ઉત્તર કોરિયા જાય તો તેણે શું ધ્યાન રાખવું જોઇએ અને સ્થાનિક લોકોને મળતી સુવિધાઓ વિશે પણ જીગરે વાત કરી.
તેણે કહ્યું, "અહીં યુગલ લગ્ન કર્યાં બાદ ઉત્તર કોરિયના લીડરોના સ્ટેચ્યુ સામે જઈ આશીર્વાદ લેતા હોય છે.
"વળી, તમે છૂપા કૅમેરાથી કંઈ કેપ્ચર કરો તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. એક નાની ભૂલ તમારા માટે ખૂબ જ મોટી સમસ્યા સર્જી શકે."
એટલું જ નહીં પણ સુવિધાઓ મામલે કહ્યું કે ઉત્તર કોરિયના લોકોને તમામ સેવોઓ ફ્રી હોય છે. તેમણે કોઈ વીજળી-પાણીના બિલ નથી ચૂકવવાના હોતા. ઉત્તર કોરિયામાં ખૂબ જ સ્વચ્છતા જોવા મળે છે.

અન્ય દેશના પ્રવાસમાં થયેલા અન્ય અનુભવ

ઇમેજ સ્રોત, JIGAR BARASARA
68 દેશોની યાત્રા દરમિયાનના પડકારો-અનુભવો વિશે વાત કરતા જીગર બરાસરાએ જણાવ્યું કે નાણાકીય વ્યવસ્થા, શાકાહારી ભોજન, ભાષાનો પડકાર અને રંગભેદ સહિતનાં અનુભવો તેને આ પ્રવાસો દરમિયાન થયા.
કડવા અનુભવનું વર્ણન કરતા તેણે કહ્યું, "એક વખત ઈથોપિયાના પ્રવાસે હતો ત્યારે એરપોર્ટ પર પહોંચતા જ 10 થી 12 જણા મારી પાસે આવ્યા અને 'એન્ટી ડ્રગ સ્ક્વોડમાંથી' છે એવું કહી મને લઈ ગયા.

ઇમેજ સ્રોત, JIGAR BARASARA
"એક રુમમાં લઈ જઈ મને કહ્યું કે મારા સામાન અને શરીરનું ચેકઅપ કરવામાં આવશે. વળી, તે લોકોએ એવું પણ કહ્યું કે, મારે ટોઈલેટ જવું પડશે, કેમ કે બાદમાં મારું 'સ્ટુલ' (ઝાડો) તપાસ કરાશે."
"હું ભાગ્યશાળી રહ્યો કે, એ સમયે મને ટોઈલેટ લાગી હતી. તેમણે પછી મારું 'સ્ટુલ' સૂંઘ્યું અને આ ઘટના મારા માટે ખૂબ જ વાહિયાત અનુભવ હતો."

ઇમેજ સ્રોત, JIGAR BARASARA
"જો કે બે કલાક બાદ મને જવા દીધો અને ત્યારે મારી પાસે ત્યાંની સ્થાનિક કરન્સી પણ ન હતી. પરંતુ એક સ્થાનિકે મને મદદ કરી તેનું નામ ડેવિડ હતું.
"તેણે એકવાર ઈન્ડિયાની મુલાકાત લીધી હતી અને જોગાનુજોગ તેણે ગુજરાતના 'જામનગર'ની જ મુલાકાત લીધી હતી."

પ્રવાસના પહેલા જ દિવસે સામાન ખોવાયો

ઇમેજ સ્રોત, JIGAR BARASARA
વધુ એક કડવા અનુભવ વિશે કહ્યું કે એક વખત ટ્રિપના પહેલા જ દિવસે મુંબઈ જતા તેમનો સામાન ખોવાઈ ગયો અને પછી તેમની હાલત રડવા જેવી થઈ ગઈ હતી.
પરિવાર તરફથી તેમને કેટલો ટેકો મળ્યો તે અંગે જીગર કહે છે, "મારા માતા-પિતા, સમાજ તરફથી પણ શરૂઆતમાં મારા ટ્રાવેલિંગના શોખ વિશે સારો પ્રતિભાવ ન હતો.
એટલું જ નહિ પણ આ બધા જ ખર્ચા હું જાતે જ ઉપાડું છું એટલે કરકસરથી રેહવું પડે છે. બજેટ સાચવવું પણ એક પડકાર છે."
આ પ્રવાસનો શોખ ક્યારે જન્મ્યો તેના વિષે તેણે કહ્યું, "પ્રથમ વખત ઈન્ડોનેશિયા ગયો, ત્યાર પછી મારામાં આ શોખના બીજ રોપાયા, ત્યાર પછી મેં પાછું વળીને નથી જોયું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















