સાડી અને શેરવાનીને શા માટે હિંદુ ધર્મ સાથે લેવાદેવા નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લૈલા તૈયબજી
- પદ, બીબીસી માટે
અસગર કાદરીએ 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં એક લેખ લખ્યો હતો જેના શીર્ષકનું ભાષાંતર એવું થાય છે કે ભારતમાં ફેશન પણ રાષ્ટ્રવાદનો ભોગ બની છે. આ લેખના પ્રત્યુત્તરમાં લૈલા તૈયબજી તેમનું મંતવ્ય રજૂ કરે છે.
તેમના આ લેખમાં તેમણે એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે ભારતની વર્તમાન ફેશન હાસ્યાસ્પદ છે.
કરુણ વાત એ છે કે ભાજપ શાસિત સરકાર યોગ, આયુર્વેદિક ઉપચાર, ભારતની પરંપરાગત જ્ઞાન મેળવવાની વ્યવસ્થા, માંસ વગરનો આહાર વગેરેનો પ્રચાર કરી રહી છે, પરંતુ ભારતીય વસ્ત્રોનો પ્રચાર ભાગ્યે જ કરવામાં આવે છે.
ભારતના દરેક વડાપ્રધાને ભારતીય વસ્ત્રોને પ્રાથમિકતા આપી છે, પરંતુ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વસ્ત્રોમાં આ બાબત નથી જોવા મળતી.
વડાપ્રધાન મોદી મોટાભાગની વિદેશ યાત્રા દરમિયાન પશ્ચિમી(વેસ્ટર્ન) વસ્ત્રોમાં જ જોવા મળે છે.
તમને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, Getty Images
તે લેખમાં અસગર કાદરી કહે છે, "ભારતના ફેશન ઉદ્યોગને પરંપરાગત વસ્ત્રોનો પ્રચાર કરવા અને પશ્ચિમી વસ્ત્રોને વધુ મહત્વ ન આપવા દબાણ કરવામાં આવે છે. એક રાજકીય વ્યૂહના ભાગરૂપે આ પ્રચાર કરવામાં આવે છે."
"જેથી વિવિધ ધર્મો અને આસ્થા ધરાવતા વિશાળ દેશને 'હિંદુ રાષ્ટ્ર' તરીકે પ્રોજેક્ટ કરી શકાય." આ ખરેખર વાહિયાત વાત છે!
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના પરંપરાગત પરિધાનો કે જેને ભારતીય પોશાક તરીકે ઓળખવામાં આવે છે તે સાડી, સલવાર-કમીઝ, ધોતી, લુંગી, લહેંગા-ઓઢણી, શેરવાની, અચકન, નહેરુ જેકેટ વગેરે પોશાકને હિંદુ ધર્મ સાથે કંઈ લેવાદેવા નથી.
ભારતના બહુરંગી વસ્ત્રો ભારતની બહુવિધ સાંસ્કૃતિઓ ધરાવતી છબી રજૂ કરે છે.
ભારતના વિવિધ વિસ્તારોના સ્થાનિક વાતાવરણ, વિશ્વના વિવિધ સંસ્કૃતિઓ અને વિસ્તારના પોશાકની અસર અને સ્થાનિક રહેણીકરણીની સદીઓ સુધીની અસર બાદ આપણને આ પોશાક મળ્યા છે.
વડાપ્રધાન મોદી જે બંધગળાની બંડી અને ચૂડીદાર કુર્તો પહેરે છે તે વસ્ત્રો પણ આ જ ઉત્ક્રાંતિમાંથી મળ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
સિકંદર, મધ્ય એશિયામાંથી આવેલા શાસકો અને બ્રિટીશરોએ આપણને અંગરખુ તેમજ અનારકલી અને અચકનની ડિઝાઈન ધરાવતા વસ્ત્રો આપ્યા છે.
વડાપ્રધાન મોદી જે પણ રાજ્ય કે વિસ્તારમાં જાય ત્યાંની સ્થાનિક ઢબની પાઘડીઓ કે માથાનો પહેરવેશ પહેરતા હોય છે.
આ બાબતમાં તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અનુકરણ કરી રહ્યા છે. જોકે, સિદ્ધાંતોની બાબતોમાં તેઓ નહેરુને વધુ પસંદ નથી કરતા.
વિદેશની ક્લોથિંગ કંપનીઓને પણ ભારતમાં ક્યારેય અવગણવામાં નથી આવી. વિદેશની વૈભવી અને સામાન્ય ક્લોથિંગ કંપનીઓને ભારતીય બજારમાં પ્રવેશવા માટે વધુ પ્રોત્સાહન મળતું આવ્યું છે.
ભારતના નાના શહેરોના શોપિંગ મોલમાં પણ હર્મિસ, કાર્ટિએર, ગુચ્ચીના સ્ટોરની સાથે લિવાઇસ, ઝારા, ટૉમી હિલ્ફિગર અને બૅનેટન જેવી બ્રાન્ડ્સના સ્ટોર જોવા મળે છે.
જીન્સ અને ટી-શર્ટ ભારતમાં હવે સર્વવ્યાપક બન્યા છે. હું સાડી પહેરું ત્યારે ક્યારેક વૃદ્ધ હોઉં તેવો ભાસ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન સરકાર ભારતીય પોશાકનો ભારતમાં પ્રચાર કરવા કરતા વધુ પ્રયત્નો ભારતીય હાથવણાટ અને કાપડ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવામાં કરી રહી છે.
સરકારનું મંત્રાલય હવે ફેશન ડિઝાઇનર્સને વારાણસી અને અન્ય હાથસાળ કેન્દ્રો(હેન્ડલૂમ સેન્ટર્સ)માં મોકલી રહી છે.
તેમનો ઉદ્દેશ ભારતીયોને પરંપરાગત વસ્ત્રો તરફ વાળવાનો નથી, પરંતુ આ કેન્દ્રોને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે પશ્ચિમી પરિધાનો ડિઝાઇન કરવા માટે સમજાવવાનો છે.
આવાં વસ્ત્રોને ફેશન-શો, ટ્રેડફેર અને વિશ્વભરના ફેશન કેન્દ્રોમાં લૉન્ચ કરવામાં આવે છે.
ટેક્સ્ટાઇલ મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ એક જાણીતી વિદેશી મેન્સવેર બ્રાન્ડ સાથે મંત્રણા કરી છે કે આ બ્રાન્ડ તેમના પોશાક માટેનું કાપડ ભારતમાંથી ખરીદે.
જોકે, હજુ પણ આ ઉદ્યોગના લોકો માને છે કે સરકારે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. નોટબંધી અને જીએસટીના કારણે કાપડના નાના વેપારીઓને વધુ અસર પહોંચી છે.
ભારતની દરેક સરકારે હાથવણાટના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે. તે હિંદુ ધર્મ કે રાષ્ટ્રવાદના સંદર્ભમાં નહોતું, પરંતુ સરળ કારણ એ હતું કે ખેતી બાદ આ ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉદ્યોગને હવે કાપડમિલ અને પાવરલૂમના કારણે ફટકો પડ્યો છે. હાથવણાટના ઉદ્યોગ સાથે જોડાયેલા પંદર ટકા લોકો આ ઉદ્યોગ છોડી બીજા વ્યવસાય કરે છે.
અન્ય વ્યવસાયમાં તેમનું કૌશલ્ય તો નથી વધતું, પરંતુ તેમને સારું વળતર મળે છે.
હાથવણાટના ઉદ્યોગને હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. દેશના દરેક વિસ્તારમાં અને ખાસ કરીને વડાપ્રધાન મોદીના લોકસભા વિસ્તારમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટાભાગનાં લોકો મુસ્લિમ છે.
મધ્યભારત અને ઉત્તરપૂર્વના રાજ્યમાં હાથવણાટ ક્ષેત્રના મોટાભાગના લોકો આદિવાસી છે.
હું મુસ્લિમ છું અને મારી યુવાનીના દિવસોમાં હું રોજ સાડી પહેરતી હતી. તેનો મતલબ એવો નથી થતો કે હિંદુ ધર્મ વિશે હું કોઈ છૂપો એજન્ડા ધરાવું છું.
તેવી જ રીતે સાડી અને ભારતના અન્ય હાથવણાટના વસ્ત્રોને હિંદુત્વના કટ્ટરવાદી એજન્ડા સાથે જોડવા એ પણ એક અર્થવિહીન વાત છે.

ઇમેજ સ્રોત, Getty Images
એ વાત આશ્ચર્યજનક છે કે જે સરકાર ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઇતિહાસ વિશે આટલી ચર્ચા કરી રહી છે તે શા માટે કોઈ રાષ્ટ્રીય પોશાક કે રાષ્ટ્રીય પરિધાનને પ્રમોટ નથી કરી રહી? તેના બે કારણો હોઈ શકે છે.
પહેલું કારણ એ કે આપણાં ખોરાકની જેમ આપણા પરિધાનો પણ બહુવિધ અને આકર્ષક છે, તેથી માત્ર એક પરિધાનને નિશ્ચિત કરવું અશક્ય છે. ભારતીય પોશાકો કોઈ રાજ્ય કે વિસ્તાર પૂરતો જ વધારે ફેલાવો ધરાવે છે.
જો સાડીની વાત કરવામાં આવે તો ભારતભરમાં સાડી પહેરવાની રીતના કુલ 60 પ્રકાર છે. બીજું સરળ કારણ એ છે કે સરકારે આવું કંઈ કરવાની જરૂર નથી.
ભારતના લોકો અને ખાસ કરીને યુવાવર્ગ ભલે પશ્ચિમી વસ્ત્રો પહેરતો હોય, પરંતુ તેઓ ક્યારેકને ક્યારેક આપણા બહુવિધ પરંપરાગત પોશાકને પહેરે જ છે.
મને આનંદ છે કે પોશાકની પસંદગીનું આપણને સ્વાતંત્ર્ય છે. બીજી તરફ શ્રીમાન કાદરીએ આપણા પરિધાનો પર જે પાઘડી બેસાડવાની કોશિશ કરી છે તે બંધબેસતી નથી અને તેમની આ વાત આપણને વ્યથિત કરે તેવી પણ છે.
(લૈલા તૈયબજી 'દસ્તકર' નામના હસ્તકલા સંગઠનના સ્થાપક અને ચેરપર્સન છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












