International Men's Day: બિલ દર વખતે શા માટે પુરુષ જ આપે?

ઇમેજ સ્રોત, Getty Images
આજે 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' છે. આ દિવસની ઉજવણીની શરૂઆત સાત ફેબ્રુઆરી 1992માં થઈ હતી.
આ ઊજવણીનાં મુખ્ય છ ઉદ્દેશ્યોમાં પુરુષો અને યુવકોના સ્વાસ્થ્ય, સંબંધો, જાતીય સમાનતાનો પ્રચાર અને આદર્શ પુરુષનાં ઉદાહરણો આપવાનો સમાવેશ થાય છે.
સમાનતાની વાત આવે ત્યારે માત્ર સ્ત્રીઓ સાથે જ ભેદભાવ થાય છે તેવી વાત કરવામાં આવે છે. તેમજ આપણી સમાજવ્યવસ્થામાં પુરુષોને પણ રૂઢિગત ઉછેરથી કેટલીક માન્યતાઓમાં બાંધી દેવામાં આવે છે.
જેમ કે, 'તારે રડાય નહીં, કમાવવાની અને ઘર ચલાવવાની જવાબદારી તારી જ છે. જાતીના આધારે સમાજે નક્કી કરેલી જવાબદારીઓનો ભાર પુરૂષો પર પણ હોય છે.
આ દિવસ નિમિત્તે બીબીસી ગુજરાતીએ કેટલાક સેલેબ્રિટીઝને પૂછ્યું કે એક પુરુષ તરીકે તેઓ કેવો વ્યવહાર ઈચ્છે છે?

આર.જે. વશિષ્ઠ, રેડિયો મિર્ચી

ઇમેજ સ્રોત, RJ VASHISHTH
"વાત સમાનતાની હોવી જોઈએ. વ્યક્તિનાં લિંગના આધારે નહિ પણ તે માણસ છે તેવી રીતે તેની સાથે વ્યવહાર થવો જોઈએ."
"એવું ધારવામાં આવે છે કે એક આદર્શ છોકરો તો આવો જ હોય. ઉદાહરણ તરીકે, હું મારી ગર્લફ્રેંડ સાથે બહાર ડિનર પર જાઉં તો મારા પર એક અદ્રશ્ય ભાર હોય છે કે બિલ મારે જ આપવાનું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કારણ કે સમાજે મને એમ જ શીખવ્યું છે, ફિલ્મોમાં પણ એવું દર્શાવવામાં આવે છે. આ માન્યતા બદલવાની જરૂર છે. કારણ કે ત્યારે જ સમાનતા આવી શકે છે. હેપ્પી મેન્સ ડે."

પ્રવીણ મિશ્રા, પ્રોફેસર, માઈકા

ઇમેજ સ્રોત, facebook.com/mishrapravin
"દરેક પુરુષ માણસ પણ છે અને દરેક માણસને આદરપૂર્વક જીવવાનો અધિકાર છે. તે પણ બીજાના પ્રેમ અને આદરના હકદાર છે. મને એમ લાગે છે કે લોકોને આજના સમયમાં તેમના હકો નથી મળતા."
"કારીગરો, ખેડૂતો અને સફાઈ કામદારોને તેમને હિસ્સો નથી મળતો. આપણે જ્યારે ગટરની વાત કરીએ ત્યારે 'મેનહોલ' કહીએ છીએ. આમ કહીને આપણે એવું ધારી લઈએ છીએ કે તે પુરુષો માટે અંદર ઊતરવાની જગ્યા છે."
"આ વાત યોગ્ય નથી. આપણે આ દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. આ દૃષ્ટિકોણ બદલીને આપણે આ દુનિયાને વધારે સુંદર બનાવીએ."

ચિત્રક શાહ, બિઝનેસમેન

ઇમેજ સ્રોત, facebook.com/shahchitrak
"આ દિવસે મારા કેટલાક સવાલો છે. આપણે કેમ એવું માની લઈએ કે કોઈ કપલ ડેટ પર જાય તો પુરુષ જ બિલ આપે?"
"ઘરમાં પણ એવું માનવામાં આવે કે માતા જ બાળકોને સંભાળી શકે છે, પિતા નહીં."
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ કે મહિલા દિવસની ઊજવણીથી આપણે રાતોરાત કોઈ બદલાવ નથી લાવી શકવાના. પણ રૂઢિગત માન્યતાઓને બદલવાની દિશામાં વિચાર જરૂરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












