ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ પરના પ્રતિબંધને રાજપૂત સમાજે આવકાર્યો

પદ્માવતી ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, TWITTER/DEEPIKAPADUKONE

ઇમેજ કૅપ્શન, વિવાદોના વમળમાં ફસાયેલી પદ્માવતી ફિલ્મ પર આખરે ગુજરાત સરકારે પ્રતિબંધ લાદયો

વિવાદોના વમળમાં ફસાયેલી સંજય લીલા ભણસાલીની દીપિકા પાદુકોણે, રણવીર સિંહ, શાહિદ કપૂર અને અદિતિ રાવ હૈદરી અભિનીત ફિલ્મ પદ્માવતી પર આખરે ગુજરાત સરકારે પ્રતિબંધ લાદ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રાજપૂત અને બીજા અન્ય સમાજોના ફિલ્મ સામે વધી રહેલા વિરોધને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ફિલ્મ વિષે વિવાદ વકરતા પહેલી ડિસેમ્બરે રજૂ થનારી આ ફિલ્મની રિલીઝ ડેટ નિર્માતાઓએ પાછળ ધકેલી છે. નવી તારીખ હવે પછી જાહેર થશે.

તમને આ પણ વાંચવું ગમશે

રૂપાણીએ વધુમાં ઉમેર્યું કે જ્યાં સુધી આ રાજપૂત સમાજ અને ફિલ્મ બનાવનારા લોકો વચ્ચે સમાધાન ન થાય, ત્યાં સુધી ફિલ્મના પ્રદર્શન પર ગુજરાતમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અમિત શાહ, નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને અન્ય વિભાગોએ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું

વિજય રૂપાણીએ કહ્યું, "વિવાદથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારની જવાબદારી છે."

રૂપાણીએ ઉમેર્યું કે ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે, ત્યારે કોઈ અરાજકતા ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રૂપાણીએ કહ્યું, "કાયદો અને વ્યવસ્થાને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે."

બુધવારે સાંજે આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

line

રાજપૂત સમાજની પ્રતિક્રિયા

રાજપૂત સમાજ

ઇમેજ સ્રોત, NARENDRASINH JADEJA

ઇમેજ કૅપ્શન, રાજપૂત સમાજે ગુજરાત સરકારના નિર્ણયને ફટાકડા ફોડીને વધાવ્યો

થોડા દિવસો પહેલા રાજકોટ જિલ્લામાં કાર્યરત રાજપૂત સમાજની આઠ સંસ્થાઓના બે-બે પ્રતિનિધિઓએ આ આંદોલનને યોગ્ય દિશામાં લઈ જવા માટે એક સમિતિની રચના કરી હતી.

સમિતિના પ્રવક્તા અને મુખ્ય સભ્ય નરેન્દ્રસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં ગુજરાત રાજ્યએ ફિલ્મ પર લાદેલા પ્રતિબંધ સંદર્ભે પ્રતિક્રિયા આપી.

જાડેજાએ કહ્યું, "રાજપૂત સમાજે ગુજરાત સરકારના નિર્ણયને વધાવ્યો છે અને અમો આ નિર્ણયની વધામણી ફટાકડા ફોડીને કરીશું."

સાથે સાથે જાડેજાએ ઉમેર્યું કે વ્યાપાર અર્થે ઇતિહાસના પાત્રો અને ઐતિહાસિક ક્ષણોનું વિકૃતિકરણ આ સમાજ કોઈ કાળે સ્વીકારશે નહિ.

જાડેજાએ કહ્યું, "અમે સમિતિના સભ્યો માત્ર રાજપૂત સમાજ માટે આ લડાઈ નથી લડી રહ્યા, પરંતુ ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા તમામે તમામ સમાજ માટેની અમારી લડાઈ છે."

આગામી દિવસોમાં ઐતિહાસિક પાત્રો અને ઐતિહાસિક ક્ષણો સાથે વ્યવસાયલક્ષી કોઈ ચેડાં ન થાય તેના માટે કાયદાકીય જોગવાઈઓ કડક અને મજબૂત કરવાના હેતુથી આ સમિતિ કેન્દ્ર સરકારને રજૂઆતો પણ કરશે.

line

રાજકીય મજબૂરી

રાજપૂત સમાજ ફિલ્મ સામે વિરોધ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રાજપૂત અને બીજા અન્ય સમાજોના ફિલ્મ સામે વધી રહેલા વિરોધને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે

શું એક તરફ નારાજ પાટીદારો, દલિતો અને અન્ય જ્ઞાતિઓ સામે હાલની ગુજરાતમાં કાર્યરત ભાજપ સરકારને ક્ષત્રિય સમાજની નારાજગી પોસાય તેમ ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ નથી લાગતું?

ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આપતા નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, "આ મુદ્દાને રાજકારણ સાથે ન જોડવો જોઈએ."

બન્ને પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ મુદ્દે એક રહ્યા છે અને રાજપૂત સમાજની લાગણી ન દુભાય તેવું ધ્યાન રાખ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પાંચ ક્ષત્રિય નેતાઓએ ચૂંટણી પંચને આ ફિલ્મના પ્રદર્શન પર ચૂંટણી સુધી રોક લગાવવા વિનંતી કરતો એક પત્ર લખ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો